લુપ્ત થઈ રહેલાં પ્રાણીઓ અને ફૂલો
લુપ્ત થઈ રહેલાં પ્રાણીઓ અને ફૂલો
સ્પેનના સજાગ બનો!ના લેખક તરફથી
દુનિયાની બધી બાજુ પ્રાણીઓ અને વનસ્પતિ લુપ્ત થવા આવ્યા છે. સાયન્ટિસ્ટના અંદાજ પ્રમાણે દર વર્ષે પ્રાણીઓ અને વનસ્પતિની હજારો જાતિઓ લુપ્ત થઈ રહી છે. તેમ છતાં, ઘણા પહાડો પર એ હજુ જોવા મળે છે. પણ અફસોસની વાત છે કે પ્રદૂષણને લીધે અને માણસ પહાડો પર પહોંચી ગયો હોવાથી ત્યાં પ્રાણીઓ અને વનસ્પતિઓ ખતરામાં છે. ખાસ કરીને યુરોપમાં એવું બને છે.
ફ્રાંસ અને સ્પેન વચ્ચે પિરેનીઝ પર્વતો આવેલા છે. એ વિસ્તારમાં અનેક નેશનલ પાર્ક છે, જેમાં અનેક પ્રાણીઓ અને વનસ્પતિ જોવા મળે છે. એમાં કોઈ પણ ફરવા જઈ શકે છે. સરકાર એ પાર્કનું રક્ષણ કરે છે. ચાલો જોઈએ કે એમાં શું જોવા મળશે.
પ્રાણીઓ અને ફૂલો
ફૂલો. દરિયાની સપાટીથી લગભગ ૧૫૦૦ મીટર ઊંચા પહાડોમાં ઘણા સુંદર ફૂલો જોવા મળે છે. જેમ કે, સ્નૉ જેન્ટીયન્સ અને ટ્રમ્પેટ જેન્ટીયન્સ (૧). પહાડ પર જ્યાં વૃક્ષ નથી ઊગતા ત્યાં ટ્રમ્પેટ જેન્ટીયન્સના બ્લુ ફૂલો છવાયા હોય છે. પહાડથી નીચે ઊતરો તેમ અનેક બીચ વૃક્ષ અને લેડીસ-સ્લીપર ઑર્કિડ (૨) જોવા મળે છે. દર વર્ષે હજારો લોકો એ જોવા જાય છે. આવા ફૂલો કચડાઈ કે ચોરાઈ ન જાય માટે ચોકીદાર દિવસના ચૌદ કલાક એનું રક્ષણ કરે છે.
પતંગિયા. પર્વતની આસપાસ અનેક મેદાનો છે જેમાં જંગલી ફૂલો જોવા મળે છે. એ ફૂલો પર રંગબેરંગી પતંગિયા ઊડે છે. એમાંનું એક અપૉલો પતંગિયું (૩) છે, જેની પાંખ પર નાનાં-મોટાં લાલ ટપકાં છે. એ કાંટા-કંટાળિયા પર ઊડતું હોય છે. બ્લુ અને કૉપર રંગના પતંગિયા (૪) નાનાં ફૂલો પર ઊડતા હોય છે. તેઓ લાયફિનિડી જાતિના પતંગિયામાંથી આવે છે. પહાડો પર પેઈન્ટેડ લૅડી અને ટૉર્ટોઇસશેલ પતંગિયા પણ ઊડતા જોવા મળે છે.
પ્રાણીઓ. ઘણાં વર્ષો પહેલાં યુરોપમાં મોટા મોટા પ્રાણીઓ બધે જ રખડતા. પણ લોકોએ તેઓનો એટલો શિકાર કર્યો કે હવે મોટા ભાગના લુપ્ત થઈ ગયા છે. પિરેનીઝ પર્વતના અમુક ભાગમાં વરુ, રીંછ, લિંક્સ (બિલાડી) (૫), બાઇસન ભેંસ, શામી અને પહાડી બકરાં (૬) રહે છે. તેઓને જોઈને લોકોને યાદ આવે છે કે વર્ષો પહેલાં બધી બાજુ ઘણાં પ્રાણીઓ જોવા મળતા. પણ આજે બહુ રહ્યાં ન હોવાથી લોકો વિચારે છે કે આવતા દિવસોમાં એ પ્રાણીઓનું શું થશે.
યહોવાહ ઈશ્વર પૃથ્વીના સર્જનહાર છે. “પર્વતોનાં શિખરો પણ તેનાં છે.” (ગીતશાસ્ત્ર ૯૫:૪) આપણને ખાતરી છે કે યહોવાહ પ્રાણીઓ અને ફૂલોની સંભાળ રાખશે. એક ભજનમાં ઈશ્વરે કહ્યું: “અરણ્યનું દરેક પશુ તથા હજાર ડુંગરો ઉપરનાં જનાવર મારાં છે. હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું; અને જંગલના હિંસક પ્રાણીઓ મારાં છે.” (ગીતશાસ્ત્ર ૫૦:૧૦, ૧૧) આપણને પૂરો ભરોસો છે કે પહાડો પર રહેતા સર્વ નાના-મોટા પ્રાણીઓને યહોવાહ કદી લુપ્ત થવા નહિ દે. (g09 03)
[પાન ૨૧ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
La Cuniacha