સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સંબંધ તૂટ્યા પછી હું કેવી રીતે જીવું?

સંબંધ તૂટ્યા પછી હું કેવી રીતે જીવું?

યુવાનો પૂછે છે

સંબંધ તૂટ્યા પછી હું કેવી રીતે જીવું?

‘અમે પાંચ વર્ષથી ફ્રેન્ડ્‌સ હતા. છેલ્લા છ મહિનાથી તેની સાથે ડેટિંગ કરતી હતી. તેણે અચાનક મારી સાથે વાત કરવાનું બંધ કર્યું. તેને સંબંધ તોડી નાખવો હતો પણ હિંમત ન હતી. હું કંઈ જ ન કરી શકી. સાવ નિરાશ થઈ ગઈ. વિચારતી રહી કે “મારી શું ભૂલ થઈ?”’—રેચલ. *

બ્રેકઅપ થઈ જાય ત્યારે ઉદાસ થઈ જવાય. દિલ તૂટી જાય. રડવું આવે. ચાલો જેફ અને સુઝનનો દાખલો લઈએ. તેઓ બે વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા. જેફ દિવસમાં અનેક વાર સુઝનને પ્રેમભર્યા એસ.એમ.એસ મોકલતો. ઘણી વાર ગિફ્ટ આપતો. સુઝન કહે છે, ‘જેફ ધ્યાનથી મારું સાંભળતો. મને સમજવાનો પ્રયત્ન કરતો. હું જ તેની ધડકન હતી.’

થોડા સમય પછી જેફ અને સુઝન મેરેજ વિષે વિચારવા લાગ્યા. લગ્‍ન પછી ક્યાં રહેશે એની પણ ચર્ચા કરી. સગાઈ માટે જેફે રિંગની સાઇઝ પણ પૂછી હતી. પછી અચાનક જ તેણે સંબંધ કાપી નાખ્યો. સુઝનનું દિલ તૂટી ગયું. તે જીવતી જાગતી લાશ થઈ ગઈ. સુઝન કહે છે, ‘મારું મગજ કામ કરતું ન હતું. હું ડિપ્રેશ થઈ ગઈ.’ *

કેમ દુઃખ થાય છે?

શું તમને પણ સુઝન જેવો અનુભવ થયો છે? કદાચ તમે પણ કહ્યું હશે, ‘આ બધું ભૂલીને ફરીથી જીવી શકીશ?’ (ગીતશાસ્ત્ર ૩૮:૬) આવા સંજોગમાં દુઃખ થાય એ સમજી શકાય. અમુક કહેશે કે બ્રેકઅપ વખતે કોઈ વહાલું ગુજરી ગયું હોય એવું દુઃખ થાય છે. આવા સમયે બધા અલગ અલગ રીતે શોક પાળે છે. જેમ કે:

માનવા તૈયાર ન થાય. ‘એ સાચું જ નથી. એક-બે દિવસમાં તેનું મન બદલાશે. પછી મારી જ પાસે પાછો આવશે.’

ગુસ્સે થવું. ‘મારી સાથે આવું કરવાની તેની હિંમત જ કેમ થઈ? મારે તેનું મોઢું પણ નથી જોવું!’

ડિપ્રેસ થવું. ‘હવે મને કોણ પ્રેમ કરવાનું? કોઈ જ નહિ!’

સ્વીકારો. ‘દુઃખ તો થાય પણ જે થઈ ગયું એ ભૂલી જવાનું. બધું જ ઠીક થઈ જશે.’

તમારું બ્રેકઅપ થયું હોય તોપણ, તમે સમય જતા એ સ્વીકારવા લાગશો. એને કેટલો સમય લાગશે એ કહેવાય નહિ. કેટલા સમયથી તમારાં દિલ જોડાયા હતા એના પર એ આધારિત છે. પણ તમારો સંબંધ તૂટી ગયો હોય તો કઈ રીતે સહી શકો?

ખુશીથી જીવવાની કોશિશ કરો

સંબંધ તૂટી ગયા પછી કોઈ એમ કહે કે દુઃખનું ઓસડ દહાડા છે, તો કોઈને ન ગમે. પણ અમુક રીતે સમય જતા જ દુઃખ હળવું થાય છે. ધારો કે તમને ક્યાંક વાગે અને લોહી નીકળે. ખરું કે સમય જતા એને રૂઝ આવશે. પણ હમણાં પીડા થાય એનું શું? લોહી બંધ કરવા પાટા-પિંડી કરવી પડે. ચેપ ન લાગે એની સંભાળ રાખવી પડે. એ જ રીતે દિલ દુઃખતું હોય તો સમય જતા હળવું થશે. પણ હમણાં થતું દુઃખ હળવું કરવા કાંઈક કરવું પડે. તેમ જ, દિલમાં ખાર ન રહે એનું ધ્યાન રાખવું પડે. એ માટે હમણાં શું કરવું જોઈએ?

રડવું આવે તો રડી લો. એમાં કાંઈ ખોટું નથી. બાઇબલ કહે છે, ‘રડવાનો વખત અને શોક કરવાનો વખત હોય છે.’ (સભાશિક્ષક ૩:૧,) રડવું આવે તો એવું નથી કે તમે કમજોર છો. ઈશ્વરભક્ત દાઊદનો વિચાર કરો. તે શૂરવીર સૈનિક હતા. તોપણ ખૂબ મુશ્કેલ સંજોગમાં તેમણે કહ્યું, ‘હું દર રાતે મારા પલંગને આંસુઓથી ભીંજવું છું.’—ગીતશાસ્ત્ર ૬:૬.

પોતાની સંભાળ રાખો. સરખી રીતે ખાવું-પીવું અને કસરત કરવી જોઈએ. એનાથી તમને શક્તિ મળશે. નિરાશામાંથી બહાર આવવા મદદ મળશે. બાઇબલ કહે છે, ‘શરીરની કસરત ઉપયોગી છે.’—૧ તીમોથી ૪:૮.

તમે કઈ રીતે પોતાની સંભાળ રાખશો?

․․․․․

બીઝી રહો. તમને ખુશી મળે એવું કંઈક કરતા રહો. સાવ એકલા પડવાનું ટાળો. (નીતિવચનો ૧૮:૧) જેઓ તમને પ્રેમ કરે છે તેઓ સાથે સમય કાઢો. તેઓ તમને મદદ કરશે.

બીઝી રહેવા શું કરશો?

․․․․․

ઈશ્વર આગળ દિલ ઠાલવો. કદાચ એમ કરવું સહેલું ન લાગે. તમને થશે કે ‘ભગવાને મને દગો દીધો.’ અમુક લોકો કહે છે, ‘લગ્‍નસાથી મળે માટે મેં રાત-દિવસ પ્રાર્થના કરી. તો પછી આવું કેમ થયું?’ (ગીતશાસ્ત્ર ૧૦:૧) શું આપણે એવું વિચારવું જોઈએ કે ભગવાન બસ બધાનું જ જોડી આપે છે? ના એવું નથી. કોઈ સંબંધ તોડી નાખે તો એમાં ભગવાનનો શું વાંક? પૂરો ભરોસો રાખો કે યહોવાહ ઈશ્વર “તમારી સંભાળ રાખે છે.” (૧ પીતર ૫:૭) એ માટે તેમની આગળ તમારું દિલ ઠાલવો. બાઇબલ કહે છે, “તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.”—ફિલિપી ૪:૬, ૭.

તમારું દુઃખ સહેવા યહોવાહને પ્રાર્થનામાં શાની મદદ માંગશો?

․․․․․

આવતા દિવસોનું વિચારો

દિલમાં રૂઝ આવ્યા પછી વિચારો કે કેમ સંબંધ તૂટી ગયો. એ વિચારો ત્યારે એના કારણો લખી લો. પછી ભલેને એ યોગ્ય ન હોય તોપણ લખો. એમ કરવા નીચેના પ્રશ્નોના જવાબ લખો.

સંબંધ કેમ તોડ્યો એ જણાવ્યું છે? જો જણાવ્યું હોય તો એ નીચે લખો.

․․․․․

બીજાં કયાં કારણથી સંબંધ તૂટ્યો હોઈ શકે?

․․․․․

શું કર્યું હોત તો બ્રેકઅપ કદાચ ન થાત?

․․․․․

યહોવાહ સાથે નાતો બાંધવા અને ઈસુ જેવા ગુણો કેળવવામાં આ અનુભવે શું શીખવ્યું છે?

․․․․․

ફરીથી બ્રેકઅપ ન થાય માટે કેવા સુધારા કરશો?

․․․․․

ખરું કે, જે બન્યું એ તમે ધાર્યું ન હતું. પણ જરા વિચારો: તોફાન આવે ત્યારે આપણને ફક્ત કાળાં વાદળ ને મુશળધાર વરસાદ જ દેખાય. સમય જતા, વરસાદ બંધ થાય અને વાદળો જતા રહે છે. આ લેખની શરૂઆતમાં જે યુવાનોની વાત કરી તેઓ પણ સમય જતા પોતાનું દુઃખ ભૂલી ગયા. તમે પણ એમ કરી શકશો અને સુખેથી જીવી શકશો! (g09 02)

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype

[ફુટનોટ્‌સ]

^ આ લેખમાં નામ બદલ્યાં છે.

^ આ લેખ છોકરીઓને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો છે. જોકે એ છોકરાઓને પણ લાગુ પડે છે.

આના વિષે વિચાર કરો

◼ એ અનુભવમાંથી પોતાના વિષે શું શીખ્યા?

◼ છોકરાંઓ વિષે તમે શું શીખ્યા?

◼ તમારાં દુઃખ વિષે કોની આગળ દિલ ઠાલવશો?

[પાન ૨૪ પર બોક્સ]

સૂચન

લેખની શરૂઆતમાં સુઝનની વાત કરી. તેણે બાઇબલની કલમોનું લીસ્ટ બનાવ્યું હતું. દુઃખ યાદ આવે ત્યારે એને હળવું કરવા એ કલમો વાંચતી. આ લેખમાં આપેલી કલમોનું લીસ્ટ બનાવીને તમે પણ સુઝનની જેમ કરી શકો.

[પાન ૨૩ પર ચિત્રનું મથાળું]

વાગ્યા પછી દુઃખે, પણ સમય જતા રૂઝ આવે છે. બ્રેકઅપમાં પણ એવું થાય છે