સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હાથીનો મહાવત

હાથીનો મહાવત

હાથીનો મહાવત

ભારતના સજાગ બનો!ના લેખક તરફથી

નર્મદા નદીને કિનારે હાથીનો એક મહાવત ખોરાક રાંધી રહ્યો છે. તેણે પોતાનું બાળક હાથીના આગલા પગ અને સૂંઢ પાસે બેસાડ્યું છે. બાળક છટકવાનો પ્રયત્ન કરે છે ત્યારે, ‘હાથી સૂંઢથી ધીમે રહીને બાળકને પાછું ખેંચી લે છે. મહાવત રસોઈ બનાવવામાં મશગૂલ છે, તે જાણે છે કે હાથી પાસે બાળક સલામત છે.’—પ્રોજેક્ટ એલિફન્ટ.

ઈસવીસન પૂર્વે ૨૦૦૦થી હાથી ઇન્સાનના કામમાં આવે છે. પહેલાં હાથીનો ઉપયોગ લડાઈમાં થતો, જ્યારે કે આજે ભારતમાં એનો ઉપયોગ લાકડા ઉપાડવા માટે થાય છે. તેમ જ લગ્‍નપ્રસંગ, સરકસ, તહેવારો અને જાહેરાતોમાં પણ હાથી વપરાય છે. અરે, ભીખ માગવામાં પણ એનો ઉપયોગ થાય છે. ચાલો જોઈએ કે હાથીને કઈ રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે?

હાથીને ટ્રેનિંગ આપવાનો કોર્સ

ભારતમાં એવાં અનેક કેન્દ્રો છે, જ્યાં જંગલમાં ખોવાયેલા, ઘાયલ થયેલા કે પકડેલા હાથીના બચ્ચાંને ઉછેરવામાં આવે છે. એવું એક સેન્ટર કેરલના કૉની ગામમાં છે. પ્રથમ તો મહાવત બચ્ચાને ખવડાવે-પીવડાવે છે, જેથી એનો દોસ્ત બની શકે. સમય જતાં બચ્ચું મહાવતનો અવાજ પારખતું થાય છે. તે બોલાવે કે તરત બાજરી અને દૂધની રાબ પીવા દોડી જાય છે. બચ્ચું તેર વર્ષનું થાય ત્યાં સુધી એની ટ્રેનિંગ શરૂ થતી નથી. એ પચ્ચીસેક વર્ષનું થાય ત્યારે, બરાબર કામે લાગી જાય છે. કેરલ સરકારે કાયદો ઘડ્યો છે કે હાથી ૬૫ વર્ષનો થાય ત્યારે રિટાયર્ડ થઈ જવો જોઈએ.

કેરલના ત્રિચુરમાં હાથીની એક સંસ્થાના કહેવા પ્રમાણે, મહાવતે પણ ત્રણેક મહિના સખત ટ્રેનિંગ લેવી પડે છે. એમાં હાથીને હુકમ આપવાનું જ નહિ, પણ તેની સારી સંભાળ રાખવાનું પણ શીખવવામાં આવે છે.

બચ્ચાની સરખામણીમાં, મોટા હાથીને ટ્રેનિંગ આપતા ટાઇમ લાગે છે. એટલે તેને મોટા પીંજરામાં રાખવામાં આવે છે. મહાવત બહારથી તેને ટ્રેનિંગ આપે છે. કેરલમાં મહાવત લગભગ વીસેક હુકમો અને નિશાનીઓ વાપરે છે, જેથી હાથી પાસે જોઈતું કામ કરાવી શકે. મહાવત મોટા સાદે હાથીને હુકમ કરે છે, અથવા તો લાકડીથી ગોદો મારે છે. હાથી હુકમ પાળે તો તેને ઇનામ મળે છે. હાથી સાથે દોસ્તી બંધાઈ જાય પછી, મહાવત પીંજરામાં જઈ હાથીને લાડ કરે છે. આમ હાથી અને મહાવત વચ્ચે ભરોસો બંધાય છે. અમુક સમય પછી હાથીને પીંજરા બહાર કાઢવામાં આવે છે. હાથી હજી ટ્રેનિંગ લેતો હોવાથી મહાવત તેને સાચવે છે. હાથીને નહાવા કે બીજે ક્યાંક બહાર લઈ જાય ત્યારે મહાવત બીજા બે હાથીના પગ સાથે એને સાંકળથી બાંધે. પણ એ હાથી પાળેલો થઈ જાય પછી સાંકળની જરૂર રહેતી નથી.

હાથી હુકમ સમજતો થઈ જાય પછી, મહાવત એના પર સવારી કરે છે. તે પોતાના પગથી તેને દોરે છે. આગળ ચલાવવા હાથીના કાન પાછળ પોતાના પગના અંગૂઠા ભોંકે છે. પાછળ હટાવવા, પોતાના પગની એડી હાથીના ખભામાં ભોંકે છે. હાથી ગૂંચવાઈ ન જાય માટે એક જ મહાવત હુકમ આપે છે. આ રીતે ચારેક વર્ષમાં હાથી બધા હુકમો સમજવા લાગે છે. એક વાર શીખ્યા પછી તે ભૂલતો નથી. ભલે હાથીનું મગજ સાવ નાનકડું છે, છતાંયે તે બહુ હોશિયાર છે.

હાથીની દેખભાળ

હાથીની સારી રીતે સંભાળ રાખવા ઘણી મહેનત કરવી પડે છે. મહાવત તેને પથ્થર અને નારિયેળીના કૂચાથી ઘસીને રોજ નવડાવે છે. ખરું કે હાથીની ચામડી જાડી હોય છે, તોપણ એ સુંવાળી ને કુમળી હોય છે.

હાથીને નવડાવ્યા પછી, મહાવત ઘઉં, બાજરી અને કઠોળની રાબ પીવા આપે છે. એ પછીના ભોજનમાં તે વાંસના સાંઠા, ખજૂરીના પાન અને ઘાસ ખવડાવે છે. જો હાથીને ગાજર અને શેરડી પણ મળી જાય તો ઓર મજા આવી જાય! હાથી મોટાભાગનો સમય ખાવામાં કાઢે છે. રોજ લગભગ ૧૪૦ કિલો જેટલું ખાવા અને ૧૫૦ લિટર પાણી પીવા જોઈએ. મહાવતે હાથી સાથે દોસ્તી રાખવી હોય તો સારી રીતે ખવડાવવું-પીવડાવવું પડે.

જુલમનું પરિણામ

ભારતના હાથીઓ પાસે હદ ઉપરાંત કામ ન કરાવાય. મહાવત હાથી પર જુલમ કરે કે બૂમાબૂમ કરે તો, એ તેની સામે થઈ જાય. ભારતના સંડે હેરલ્ડ ન્યૂઝપેપરે જણાવ્યું કે ‘એક હાથી પર મહાવતે જુલમ કર્યો ત્યારે, એ તોફાને ચઢ્યો. એને પકડવા આખરે ઘેનનું ઇંજેક્શન આપવું પડ્યું.’ એપ્રિલ ૨૦૦૭માં ઇન્ડિયા ટુડે ઇન્ટરનેશનલ ન્યૂઝપેપરે જણાવ્યું કે ‘ગયા બેએક મહિનામાં તહેવાર પ્રસંગે દસેક હાથીઓએ ભારે ધમાલ કરી. ગયા વર્ષના જાન્યુઆરીથી તપી ગયેલા હાથીઓએ ૪૮ મહાવતોને મારી નાખ્યા.’ દર વર્ષે હાથી-હાથણના મિલનના સમયે હાથીઓ તોફાને ચડે છે. એ વખતે હાથીમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ વધી જાય છે. એ કારણે તે બીજા હાથી અને ઇન્સાન સાથે જંગલીની જેમ વર્તે છે. એ સમયગાળો પંદરેક દિવસથી લઈને ત્રણેક મહિના સુધી ચાલે છે.

હાથીને વેચવામાં આવે ત્યારે જૂના મહાવતની યાદ સતાવતી હોવાથી એ ઘણો તોફાને ચઢે છે. એવું ન થાય માટે જૂનો મહાવત એની સાથે નવા ઘરે જાય છે. તે નવા મહાવત સાથે રહીને હાથી સાથે તેની દોસ્તી કરાવે છે. પણ જો મહાવત મરી જાય તો નવા મહાવત માટે મોટો પ્રૉબ્લેમ ઊભો થાય છે. જોકે સમય જતાં હાથી નવા મહાવતથી ટેવાઈ જાય છે.

અમુક લોકોને હાથીનો બહુ ડર હોય છે. જો મહાવત હાથી સાથે પ્રેમથી વર્તે અને એને સારી ટ્રેનિંગ આપે તો, એનો ડર રાખવાની કોઈ જરૂર નથી. અરે, મહાવતે હાથીની સારી સંભાળ રાખી હોય તો, તેની ગેરહાજરીમાં પણ હાથીને સાંકળે બાંધવાની જરૂર પડતી નથી. કેમ નહિ? મહાવત પોતાની લાકડી હાથીના પગ સાથે ટેકવીને ઊભી રાખીને એને કહે કે ત્યાંથી ખસે નહિ. માનો કે ન માનો પણ હાથી ત્યાંથી જરાય ખસતો નથી! સારા મહાવતને પોતાના હાથીમાં પૂરો ભરોસો હોય છે. લેખની શરૂઆતમાં જોયું તેમ, હાથી અને મહાવતની દોસ્તી નવાઈ પમાડે છે! (g09 04)

[પાન ૧૨ પર ચિત્રનું મથાળું]

સદીઓથી હાથીનો ઉપયોગ

[પાન ૧૨ પર ચિત્રનું મથાળું]

ઇન્સાને સદીઓથી હાથીનો ઉપયોગ કર્યો છે. કાર્ટાજિનાના જનરલ હાનેબલનો દાખલો લો. ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં ઉત્તર આફ્રિકાનું કાર્થેજ શહેર રોમ સાથે લડાઈમાં હતું. પ્યુનિક નામે ઓળખાયેલું એ યુદ્ધ સોએક વર્ષ ચાલ્યું. હાનેબલે સ્પેનના કાર્ટાજિનામાં લશ્કર ઊભું કર્યું. તેણે રોમ પર ચડાઈ કરવાના પ્લાન કર્યા. તે પિરેનીઝ પર્વતો ચડીને આજે ફ્રાંસ તરીકે ઓળખાતી જગ્યાએ પહોંચ્યો. આર્કિઓલોજી મૅગેઝિન પ્રમાણે, “ઇતિહાસમાં કોઈ લશ્કરે આવી હિંમત કરી નથી.” હાનેબલ પાસે ૨૫,૦૦૦ માણસોનું લશ્કર હતું. આફ્રિકાના ૩૭ હાથી હતા અને માલસામાન ઊંચકતા ઘોડા-ગધેડાનાં ટોળાં પણ હતાં. એ બધા સાથે હાનેબલે ઇટલીનો આલ્પ્‌સ પર્વત પાર કર્યો. એ મુસાફરીમાં તેઓએ કડકડતી ઠંડી, હિમવર્ષા, તોફાન, પૂરમાં ગબડતા પથ્થરો અને પર્વત પર રહેતા લોકોનો વિરોધ સહ્યો. હાથીઓ માટે એ આકરી મુસાફરી હતી. હાનેબલ ઇટલીમાં પહોંચ્યો એ જ વર્ષમાં બધાય હાથી મરણ પામ્યા.

[પાન ૧૦ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

© PhotosIndia/age fotostock

[પાન ૧૧ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

© Vidler/mauritius images/age fotostock

[પાન ૧૧ પર ચિત્રનું મથાળું]

મહાવત હાથીને ઘસી ઘસીને નવડાવે છે

[પાન ૧૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

© Look and Learn Magazine Ltd/The Bridgeman Art Library