સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અમે ગર્ભપાત ન કરાવ્યો

અમે ગર્ભપાત ન કરાવ્યો

અમે ગર્ભપાત ન કરાવ્યો

વિક્ટોરિયાને ખબર પડી કે પોતે મા બનવાની છે. પણ તેના બૉયફ્રેન્ડ બીલને લગ્‍ન અને પિતા બનવાની જવાબદારી ઉપાડવી ન હતી. એટલે તેણે વિક્ટોરિયાને ગર્ભ પડાવી નાખવા અરજ કરી. પણ વિક્ટોરિયાએ તેને કહ્યું કે ‘હું ગર્ભપાત નહિ કરાવું.’ તે કહે છે: ‘મારી અંદર એક જીવ આકાર લઈ રહ્યો છે. જ્યારે મને ખબર પડી કે બીલ સાથે રહીશ તો તે મને કોઈ ટેકો નહિ આપે, ત્યારે મેં તેને છોડી દીધો.’

પણ સમય જતાં બીલનું મન બદલાયું. તેણે વિક્ટોરિયાને જીવનસાથી બનાવી. પરંતુ કુટુંબમાં આવી રહેલા નવા મહેમાનની દેખભાળ કરવી મોટી જવાબદારી હતી. વિક્ટોરિયા જણાવે છે: “અમારી પાસે કાર ન હતી, પૈસા ન હતા. થોડાં કપડાં સિવાય બીજી કોઈ ખાસ વસ્તુઓ ન હતી. બીલનો પગાર બહુ જ ઓછો હતો. સસ્તા ભાડામાં સરકારે ઘર અપાવ્યું હતું. આવા સંજોગોમાંય અમે હિંમત ન હાર્યા.”

ઘણાના જીવનમાં એવું થયું છે કે કોઈ પ્લાન કર્યો ન હોય તોય પ્રેગ્‍નન્ટ થઈ જાય. તેઓને કદાચ બાળક જોઈતું પણ ન હોય. પણ ગર્ભ રહી ગયા પછી તેઓની ઊંઘ હરામ થઈ જાય. આવા સંજોગોમાંય તેઓએ ગર્ભપાત ન કરાવ્યો. તેઓને એવો નિર્ણય લેવા અને બાળકના ઉછેરની બહુ ચિંતા ન કરવા શામાંથી મદદ મળી? બાઇબલની સલાહ પાળીને. એ સલાહ તેઓ માટે હીરા-મોતી જેવી અમૂલ્ય હતી.

ઉતાવળા ન બનો, સમજી વિચારીને પગલાં લો

બાઇબલ કહે છે: “ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે; પણ દરેક ઉતાવળિયો કેવળ નિર્ધન થાય છે.”નીતિવચનો ૨૧:૫.

કૉની ત્રણ છોકરાની મા છે. એમાંય એક તો અપંગ છે. ચોથા બાળકનો વિચાર કરવો પણ તેના માટે અઘરું હતું. કૉની કહે છે: ‘એક વધારે બાળકનું કેવી રીતે પૂરું પાડવું? તેથી મને ગર્ભ રહ્યો ત્યારે, અમે એને પડાવી નાખવાનો વિચાર કર્યો.’ પણ ઉતાવળે નિર્ણય લેતા પહેલાં કૉનીએ તેની બેનપણી કેય સાથે દિલ ખોલીને વાત કરી. કેયે સમજવા મદદ કરી કે તેના કૂખમાં જીવતું-જાગતું બચ્ચું છે. એ ભાન થતા જ કૉનીનો વિચાર બદલાઈ ગયો.

તોપણ આવનાર બાળકની તૈયારી કરવા કૉનીને ઘણી મદદની જરૂર હતી. કૉનીની માસી નજીકમાં જ રહેતી હતી. એટલે કેયે કૉનીને ઉત્તેજન આપ્યું કે તે માસી સાથે વાત કરે. કૉનીની માસી મદદ કરવા રાજી થઈ ગઈ. એ ઉપરાંત કૉનીનો પતિ પણ બે નોકરી કરવા લાગ્યો. એની સાથે સાથે તેઓ વધારે સસ્તા ફ્લેટમાં રહેવા ગયા. આ રીતે તેઓ આવનાર બાળક માટે તૈયાર થયાં.

કેયે પછી કૉનીને એવી સંસ્થા શોધવા મદદ કરી, જે કોઈ પ્લાન વગર પ્રેગ્‍નન્ટ થયેલી સ્ત્રીઓને મદદ કરે છે. ઘણા દેશોમાં આવી સંસ્થાઓ હોય છે જે પ્રેગ્‍નન્ટ સ્ત્રીઓને જરૂરી મદદ પૂરી પાડે છે. એની માહિતી તમને ફોન ડિરેક્ટરી અથવા ઇંટરનેટ પરથી મળી શકે. તમારી પાસે આ સગવડ ન હોય તો, કોઈ પણ લાઇબ્રેરીમાં તપાસ કરી શકો. જોકે આવી મદદ સહેલાઈથી મળતી નથી. પણ એ શોધવા મહેનત કરીશું તો જરૂર એનું ‘ફળ’ મળશે.

હકીકતનો સામનો કરો

બાઇબલ કહે છે કે “બુદ્ધિમાન માણસની આંખો તેના માથામાં છે, ને મૂર્ખ અંધકારમાં ચાલે છે.”સભાશિક્ષક ૨:૧૪.

સમજુ સ્ત્રી હકીકતને સ્વીકારે છે અને અંધકારમાં ચાલતી નથી. તેની “આંખો” જાણે તેના માથામાં છે. એટલે કે તે સમજી વિચારીને યોગ્ય નિર્ણયો લે છે. જ્યારે કે અંધકારમાં ચાલતી સ્ત્રી એ હકીકત સ્વીકારતી નથી કે તેની કૂખમાં શું વિકસી રહ્યું છે. પણ સમજુ સ્ત્રી પોતાની કૂખમાં રહેલા, ધબકતા બચ્ચાની જીવની જેમ સંભાળ રાખે છે.

સ્ટેફની હજી છોકરી જ હતી ત્યાં પ્રેગ્‍નન્ટ થઈ. તે ગર્ભપાત કરવાનું વિચારતી હતી. તેને સોનોગ્રાફીમાં બતાવવામાં આવ્યું કે તેની કૂખમાં બે મહિનાનું બચ્ચું ધબકી રહ્યું છે. સ્ટેફની કહે છે, ‘એ જોઈને હું તો રડી જ પડી. મને થયું કે જીવતા જાગતા જીવને હું શું કામ મારી નાખવા ચાહું છું?’

ડિનીઝ કુંવારી હતી ને તેના બૉયફ્રેન્ડથી પ્રેગ્‍નન્ટ થઈ. તેણે એ હકીકત સ્વીકારી કે તેની કૂખમાં જીવતું જાગતું બાળક વિકસી રહ્યું છે. પણ તેના બૉયફ્રેન્ડે તેને પૈસા આપીને કહ્યું કે “એને થાળે પાડી આવ.” ત્યારે ડિનીઝે કહ્યું: “અબોર્શન? હું કોઈ સંજોગોમાં નહિ કરાવું.” આમ ડિનીઝે પોતાની કૂખમાં ખીલી રહેલા ફૂલને મુરઝાવા દીધું નહિ.

બીજાઓના દબાણમાં આવશો નહિ

જો કોઈ એબોર્શન કરવા તમને દબાણ કરે તો, તેઓનું માનતા પહેલાં નીતિવચનોના આ શબ્દોનો વિચાર કરો: “માણસની બીક ફાંદારૂપ છે; પણ જે કોઈ યહોવાહ પર ભરોસો રાખે છે તે સહીસલામત રહેશે.”નીતિવચનો ૨૯:૨૫.

સત્તર વર્ષની મોનિકા બિઝનેસ સ્ટડીનો કોર્સ શરૂ કરવાની હતી એવામાં તેના બૉયફ્રેન્ડથી પ્રેગ્‍નન્ટ થઈ. મોનિકાની મમ્મી વિધવા અને પાંચ બાળકોની મા હતી. તેણે સાંભળ્યું કે મોનિકા પ્રેગ્‍નન્ટ છે ત્યારે તે ભાંગી પડી. તેને મોનિકા માટે ઘણી આશાઓ હતી. તે ચાહતી હતી કે મોનિકા સારું કામ શીખે, જેથી તેણે ગરીબીમાં સબડવું ન પડે. એટલે તેણે મોનિકાને ગર્ભ પડાવી નાખવા ખૂબ દબાણ કર્યું. મોનિકા કહે છે: ‘જ્યારે ડૉક્ટરે મને પૂછ્યું કે ગર્ભ પડાવી નાખવો છે કે નહિ? મેં કહ્યું, “ના!”’

મોનિકાની મમ્મી એનાથી અપસેટ થઈ ગઈ. તેને દીકરીનું ભાવિ અંધકારમય લાગ્યું. કુટુંબમાં એક બીજા બાળકનો બોજો ઉપાડવો પડશે એ ડરથી તેણે મોનિકાને ઘરમાંથી કાઢી મૂકી. મોનિકા તેની માસીને ઘરે રહેવા ગઈ. અમુક અઠવાડિયાં પછી તેની મમ્મીનો ગુસ્સો ઠંડો પડ્યો અને મોનિકાને પાછી ઘરે રહેવા બોલાવી. મોનિકાની કૂખમાં વિકસતા બાળકને દુનિયામાં આવવા દીધું. પછી એ નવા મહેમાન લીઓનની સંભાળ રાખવા મોનિકાની મમ્મીએ ખૂબ મદદ કરી. લીઓનને તે જીવની જેમ ચાહવા લાગી.

રૂબીના લગ્‍ન પછી પ્રેગ્‍નન્ટ બની ત્યારે, તેના પર બીજા પ્રકારનું દબાણ આવ્યું. તે કહે છે: “મને કિડની ઇન્ફેક્શન હતું. મારા ડૉક્ટરે એની સારવાર કરી પછી ખબર પડી કે હું તો પ્રેગ્‍નટ હતી. એટલે ડૉક્ટરે કહ્યું કે મોટે ભાગે મને ખોડ-ખાંપણવાળું બાળક થશે. તેમણે ખૂબ અરજ કરી કે હું એબોર્શન કરાવું.” રૂબીના આગળ જણાવે છે: “મેં ડૉક્ટરને સમજાવ્યું કે બાઇબલ એમ કરવાની મના કરે છે. એમ કરવું ખૂન કહેવાય. હું એબોર્શન નહિ કરાવું.”

ડૉક્ટરની ચિંતા યોગ્ય હતી એ સમજી શકાય. તોપણ રૂબીનાના જીવનને તરત જ કોઈ ખતરો ન હતો. * રૂબીના કહે છે: “મારી દીકરીના જન્મ પછી તેના અમુક ટેસ્ટ કરાવ્યા. એમાં જોવા મળ્યું કે તેના મગજને સાધારણ સેરીબ્રલ પાલ્સી થયો છે. તોય તે સારી રીતે બધું જ કરે છે. આજે તે ૧૫ વર્ષની થઈ છે. તેના વાંચનમાં સુધારો થતો જાય છે. મારી દીકરી મારા માટે બધું જ છે. આ દીકરી માટે હું યહોવાહનો દિવસમાં અનેક વાર પાડ માનું છું.”

ઈશ્વર પોતાના ભક્તોને મદદ આપે છે

બાઇબલ કહે છે: “સીધા માણસને તે પોતાનો અંગત ગણે છે.”સુભાષિતો [નીતિવચનો] ૩:૩૨, સંપૂર્ણ.

ગર્ભપાત કરવાથી આપણા સરજનહારને કેવું લાગે છે એ વિચાર્યા પછી ઘણાને એમ કરવાનું જરાય મન થતું નથી. તેઓ માટે તો ઈશ્વરના અંગત ગણાવું, એટલે તેમના પાક્કા ભક્ત બનવા જેવું જીવનમાં બીજું કંઈ નથી! આપણે આગળ વાત કરી, એ વિક્ટોરિયાએ એ કારણથી જ ગર્ભ પડાવવાની ના પાડી હતી. તે કહે છે: “હું માનું છું કે ઈશ્વર જીવન આપે છે અને એ છીનવી લેવાનો મારી પાસે કોઈ હક્ક નથી.”

વિક્ટોરિયા જ્યારે બાઇબલમાંથી ઈશ્વર વિષે શીખવા લાગી ત્યારે, તેમની ભક્તિ માટે પ્રેમ વધ્યો. ઈશ્વર સાથે તેનો પાકો નાતો બંધાયો. તે જણાવે છે: “મેં નક્કી કર્યું કે ગર્ભપાત નહિ કરાવું. એનાથી એવું લાગ્યું કે જાણે ઈશ્વર મારા માથા પર હાથ ફેરવે છે. તેમને પ્રાર્થના કર્યા પછી મારી બધી મુશ્કેલીઓનો માર્ગ નીકળ્યો. મારે તો છેલ્લા દમ સુધી તેમના માર્ગે જ ચાલવું છે.”

કૂખમાં ધબકતો જીવ પણ ઈશ્વરની જ ભેટ છે. ઈશ્વરની સાચા દિલથી ભક્તિ કરવાથી એ ધબકતા જીવને પણ આપણે ખૂબ વહાલો ગણીશું. (ગીતશાસ્ત્ર ૩૬:૯) જો બાળક માટે પ્લાન કર્યો ન હોય અને ગર્ભ રહે તો માતાને અને કુટુંબને એ આઘાત સહેવા ઈશ્વર “પરાક્રમની અધિકતા” એટલે કે શક્તિ આપે છે. (૨ કોરીંથી ૪:૭) જીવન વિષે જેઓએ ઈશ્વરના વિચારો ધ્યાનમાં રાખીને નિર્ણયો લીધા હતા તેઓને હવે કેવું લાગે છે એ આપણે જોઈએ.

અમને કોઈ પસ્તાવો નથી

જેઓએ ગર્ભપાત કરાવ્યો ન હતો તેઓનું મન કચવાતું નથી. તેઓને હવે બાળકનો આશીર્વાદ છે. તેઓનું દિલ ડંખતું નથી, કેમ કે તેઓએ કૂખમાંના બાળકને શાપ નહિ, પણ ઈશ્વરે આપેલું ધન ગણ્યું! (ગીતશાસ્ત્ર ૧૨૭:૩) આગળ જે કૉનીબહેનની વાત કરી તે પણ બાળકને જન્મ આપ્યાને બે કલાક પછી એવું જ કહેતા હતા. તેણે પોતાની બેનપણી કેયને ફોન કરીને જણાવ્યું કે ‘મારી દીકરીને ઉછેરવાનાં હું સપનાં જોઉં છું. હું બહુ જ ખુશ છું. સાચે જ જેઓ ઈશ્વરના માર્ગે ચાલે છે તેઓને તે આશિષ આપે છે.’

ઈશ્વરની જેમ જીવનને અનમોલ ગણીશું તો, આપણને જ ફાયદો થશે, કેમ કે ઈશ્વર જીવનનો ઝરો છે. તેમણે આપણા બધાના ‘હિત’ માટે બાઇબલમાં નીતિ-નિયમો ને ધોરણો આપ્યા છે.—પુનર્નિયમ ૧૦:૧૩.

આ લેખની શરૂઆતમાં આપણે વિક્ટોરિયા અને બીલ વિષે જોઈ ગયા. તેઓએ ગર્ભપાત કરાવવાનો વિચાર માંડી વાળ્યો ત્યારથી તેઓના જીવનમાં મોટો ફેરફાર થયો. તેઓ કહે છે: “અમે બન્‍ને ડ્રગ્સના બંધાણી હતાં. એ છોડ્યું ન હોત તો કદાચ આજે જીવતા પણ ન હોત. પણ ગર્ભમાં વિકસી રહેલા બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું ત્યારથી અમે અમારા જીવનનો વિચાર કરવા લાગ્યા. અમે ડ્રગ્સ લેવાનું છોડી દીધું. યહોવાહના સાક્ષીઓની મદદથી અમે આ બધા ફેરફાર કરી શક્યા.”

આજે તેઓનો દીકરો લાન્સ લગભગ ૩૪ વર્ષનો છે. તેને લગ્‍ન કર્યાને બારેક વર્ષ થયા છે. લાન્સ જણાવે છે: “નાનપણથી મારા મમ્મી-પપ્પાએ મને બાઇબલના શિક્ષણને આધારે નિર્ણયો લેતા શીખવ્યું છે. એનાથી મને, મારી પત્નીને ને અમારા દીકરાને ફાયદો થયો છે. બાઇબલના સંસ્કારને લીધે આજે અમે બહુ સુખી છીએ.” લાન્સના પપ્પાએ શરૂઆતમાં વિક્ટોરિયાને ગર્ભ પડાવી નાખવાનું કહ્યું હતું. તે હવે શું વિચારે છે? તે કહે છે: “હું જ્યારે પણ વિચાર કરું છું કે કઈ રીતે અમે અમારો દીકરો ખોઈ બેસવાની અણીએ હતા ત્યારે મને કંપારી છૂટી જાય છે.”

આપણે આગળ મોનિકા વિષે પણ જોઈ ગયા. તેની મમ્મીએ ગર્ભ પડાવી નાખવા ખૂબ જ દબાણ કર્યું હતું, તોય મોનિકાએ એમ ન કર્યું. તે જણાવે છે: “મારા દીકરાનો જન્મ થયો એના બેએક અઠવાડિયા પછી યહોવાહના સાક્ષીઓ અમારા ઘરે આવ્યા. તેઓ પાસેથી હું શીખી કે ઈશ્વરના કહેવા પ્રમાણે જીવવા મારે કેવા ફેરફાર કરવાની જરૂર છે. એટલે હું મારા દીકરા લીઓનને શીખવવા લાગી કે યહોવાહ ઈશ્વરનું માનવું ખૂબ જ મહત્ત્વનું છે. પછી લીઓનના દિલમાં યહોવાહની ભક્તિ માટે પ્રેમ જાગ્યો. આજે લીઓન યહોવાહના સાક્ષીઓમાં ટ્રાવેલીંગ મિનિસ્ટર (મંડળોની મુલાકાત લઈ બધાને ઈશ્વરભક્તિમાં ઉત્તેજન આપતા સેવક) તરીકે સેવા આપે છે.”

લીઓન એની મમ્મીએ લીધેલા નિર્ણય પર વિચાર કરતા કહે છે: “મમ્મી પર ખૂબ જ દબાણ હતું તોય તે મને આ દુનિયામાં લાવી. તેને મારા પર એટલો પ્રેમ હતો કે મને જન્મ આપ્યો. ઈશ્વરે મને સુંદર જીવનની ભેટ આપી છે. એટલે મેં નિર્ણય લીધો કે હું તેમનો અહેસાન માનવા તેમની ભક્તિમાં મારૂં જીવન વાપરીશ.”

ઈશ્વરની નજરમાં જીવન અનમોલ છે એ જાણ્યા પછી ઘણાએ ગર્ભપાત કરાવવાનો વિચાર માંડી વાળ્યો છે. એ માટે તેઓને કોઈ પસ્તાવો થતો નથી. હવે તેઓ માટે પોતાનું બાળક કાળજાનો કટકો છે. તેઓ હવે દિલથી કહી શકે છે: “અમે બહુ ખુશ છીએ કે ગર્ભપાત ન કરાવ્યો!” (g09 06)

[ફુટનોટ્‌સ]

^ બાળકને જન્મ આપતી વખતે મા કે બાળક, બેમાંથી કોઈનો જીવ જોખમમાં હોય તો શું કરવું જોઈએ? એ બાળક માટે જેઓ જવાબદાર છે તેઓએ નિર્ણય લેવો જોઈએ. તેમ છતાં, ઘણા દેશોમાં તબીબી સારવાર આપવામાં ઘણી જ પ્રગતિ થઈ હોવાથી આવા સંજોગો ભાગ્યે જ ઊભા થાય છે.

[પાન ૧૫ પર ચિત્ર]

સોનોગ્રાફીમાં બે મહિનાનું બાળક કૂખમાં જોઈને સ્ટેફનીને નિર્ણય લેવા મદદ મળી

(બાળક ફરતે લાઈન દોરી છે)

[પાન ૧૬ પર ચિત્ર]

વિક્ટોરિયા અને લાન્સ

[પાન ૧૬ પર ચિત્ર]

લાન્સ અને તેના કુટુંબ સાથે વિક્ટોરિયા અને બીલ

[પાન ૧૭ પર ચિત્ર]

મોનિકાએ ૩૬ વર્ષ પહેલાં બહુ દબાણ હોવા છતાં તેના દીકરા લીઓનનો ગર્ભ પડાવી ન નાંખ્યો એ માટે તેઓ બંને બહુ ખુશ છે