છોકરીઓને હું કેમ ગમતો નથી?
યુવાનો પૂછે છે
છોકરીઓને હું કેમ ગમતો નથી?
એ મારાથી ખૂબ ઈમ્પ્રેસ થઈ ગઈ હશે. મેં એને મારા વિષે બધું તો જણાવી દીધું છે. મારી પાસે શું છે, હું ક્યાં ક્યાં ગયો છું, કેટલા લોકોને ઓળખું છું બધું તેને કહ્યું છે. તે તો હવે મારા પર જરૂર મોહી પડશે!
મને તો થાય ક્યારે ધરતી ફાટે ને એમાં સમાઈ જાઉં! શું એને હજીયે ખબર નથી પડતી! સાદી રીતે સમજી જાય તો કેટલું સારું! તેને ખોટું ન લાગે એમ વાત અહીંથી જ બંધ કરવા હું શું કરું?
તમને લાગે કે હું યુવાન થઈ ગયો છું. હવે યોગ્ય પાત્રની તલાશ કરવી પડશે. તમે કોઈ સુંદર છોકરીની શોધમાં છો, જે તમારો જ ધર્મ પાળતી હોય. (૧ કોરીંથી ૭:૩૯) પણ એ સહેલું નથી. તમે પહેલાં અમુક છોકરીઓને પૂછ્યું હશે, ડેટીંગ કરવા ચાહ્યું હશે, પણ કોઈ તૈયાર ન હતું. એનાથી તમારું દિલ તૂટી ગયું હશે.
જો તમે મેરેજ માટે કોઈ છોકરીને સારી રીતે ઓળખવા ચાહતા હો તો, તમારે શું વિચારવું જોઈએ? તમે બાઇબલના કયા સિદ્ધાંતો ધ્યાનમાં રાખી શકો?
સૌથી પહેલાં શું કરવું જોઈએ
તમે કોઈ છોકરી સાથે ડેટ કરવા આગળ વધો એ પહેલાં, તમારે અમુક રીતભાત જાણવાની જરૂર છે. એ પ્રમાણે વર્તવાની જરૂર છે. એનાથી તમે કોઈને પણ મિત્ર બનાવી શકશો. નીચેની અમુક રીતોનો વિચાર કરો.
◼ સારી મેનર્સ કેળવો. બાઇબલ કહે છે કે ‘પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નથી.’ (૧ કોરીંથી ૧૩:૫) સારી મેનર્સથી તમે બતાવી આપશો કે તમે બીજાઓને માન આપો છો. તમે ઈસુ જેવો સ્વભાવ કેળવી રહ્યા છો. પરંતુ સારી મેનર્સ સૂટ જેવી નથી કે જે પહેરીને તમે બહાર બધાને ઇમ્પ્રેસ કરો. ને પછી ઘરે પાછા આવીને એને એક બાજુએ મૂકી દો. જરા વિચાર કરો, ‘શું હું મારા કુટુંબને સારી મેનર્સ બતાવું છું?’ જો તમે ઘરમાં બધા સાથે સારી રીતે વર્તતા ન હો તો, બહાર કઈ રીતે સારા બનશો? બીજા લોકો એ નોટીસ કરશે કે તમે ખાલી બીજાઓને ઇમ્પ્રેસ કરવા ઉપર ઉપરથી સારા બની રહ્યા છો. પણ યાદ રાખો, સમજુ છોકરી એ જરૂર જોશે કે તમે ખરેખર કેવા છો. એ માટે તે જોશે કે તમે ઘરમાં બધા સાથે કેવી કેવી રીતે વર્તો છો.—એફેસી ૬:૧, ૨.
છોકરીઓ શું કહે છે: “મને એવો છોકરો બહુ ગમે જે નાની નાની વાતમાં સારી મેનર્સ બતાવે. જેમ કે, મારા માટે દરવાજો ખોલે. મોટી વાતમાંય મારો ખ્યાલ રાખે. ફક્ત મારી સાથે જ નહિ, મારા કુટુંબ સાથે પણ પ્રેમથી વર્તે, તેઓનો વિચાર કરે.”—ટીના, ૨૦.“હું હજી કોઈને પહેલી વાર મળી હોય ને તે મારી પર્સનલ લાઈફને લગતા પ્રશ્નો પૂછે તો મને બહુ ચીડ આવે. જેમ કે, ‘તું કોઈની સાથે ડેટીંગ કરે છે? જીવનમાં તારા કેવા ગોલ્સ છે?’ આવું તો કંઈ પૂછાતું હશે? એ તો મને જરાય ન ગમે.”—કરીશ્મા, ૧૯.
◼ ચોખ્ખા ને સાફસુથરા રહો. જો તમે સાફસુથરા હશો, પોતાના શરીરની સારી સંભાળ રાખશો તો, બીજાઓને પણ માન આપશો. (માત્થી ૭:૧૨) આ રીતે પર્સનલ હાઇજીનમાં ધ્યાન રાખવાથી બીજાઓ તમને માન આપશે. પણ જો તમે લઘર-વઘર રહેશો, શરીર-કપડાં વાસ મારતા હોય તો, છોકરીને ઇમ્પ્રેસ કરવાની તમારી મહેનત પર પાણી ફરી વળશે.
છોકરીઓ શું કહે છે: “એક છોકરાને મારામાં બહુ ઇન્ટરેસ્ટ હતો. પણ એના મોંમાંથી એટલી તો બદબુ આવતી કે તમ્મર આવી જાય. હું ગમે એટલી કોશિશ કરું તોય એ ઈગ્નોર કરી શકતી નથી.—રીના, ૨૪.
◼ વાતચીતની કળા વિકસાવો. જો તમારે સંબંધ ટકાવી રાખવો હોય તો, વાતચીતની કળામાં માહેર થાવ. પણ એમાં તમને ગમે છે એ વિષે જ વાત કર્યે ન રાખો. સામે તમારા મિત્રને શું પસંદ છે, એ વિષે પણ વાત કરો.—ફિલિપી ૨:૩, ૪.
છોકરીઓ શું કહે છે: “જ્યારે કોઈ છોકરો ખુલ્લા દિલે, નિખાલસ બની વાત કરે તો મને બહુ ગમે. મેં કહેલી વાત યાદ રાખે અને વાતચીત ચાલુ રાખવા સવાલો પૂછતો રહે એવા છોકરાનો સાથ મને બહુ ગમે.”—ક્રીસ્ટીન, ૨૦.
“મને લાગે છે કે છોકરાઓ જે જુએ એનાથી જ આકર્ષાય છે. પણ છોકરીઓ માટે એટલું જ પૂરતું નથી. તેઓ જે સાંભળે છે એનાથી પણ આકર્ષાય છે.”—લોપા, ૨૨.
“છોકરો ગીફ્ટ આપે તો બહુ ગમે. પણ જો તે સારી રીતે વાત કરી શકતો હોય, એને લંબાવી શકતો હોય તો એ મને વધારે ગમે. એમાંય જો તેના બે શબ્દોથી મારા મનને શાંતિ મળતી હોય, ઉત્તેજન મળતું હોય તો પૂછો ન વાત. એવા છોકરા પર તો હું જાન આપી દઉં!”—રીના, ૨૧.
“જો કોઈ છોકરામાં સેન્સ ઓફ હ્યુમર હોય, સાથે સાથે તે સીરીયસ બનીને પણ વાત કરી શકતો હોય તો તેનામાં ઈન્ટરેસ્ટ લેવાનું જરૂર મન થાય.”—કેલી, ૨૪.
ઉપર આપેલાં સૂચનો પ્રમાણે કરશો તો, તમે જરૂર સારા ફ્રેન્ડ બનાવી શકશો. પછી તમને કોઈ છોકરી વધારે ગમવા લાગે છે. તેની સાથે જીવન ગુજારવા તમે સપના જોવા લાગો છો. હવે શું કરશો?
હવે શું કરશો?
◼ પહેલું પગલું તમે લો. તમને તમારી કોઈ ફ્રેન્ડ સાથે બહુ સારું બને છે. તે બહુ ગમે છે. તમને લાગે કે તે જીવનસાથી બનવા યોગ્ય છે તો શું કરશો? રાહ ન જુઓ! તેને તરત જણાવો. તમારા દિલની વાત તેને સ્પષ્ટ જણાવો. ખરું કે એનાથી તમારા ધબકારા વધી જશે, તમને ડર હશે કે તે ના પાડશે તો? પણ તમે હિંમત બાંધીને સામે ચાલીને પૂછશો તો, બતાવશો કે તમે હવે મેચ્યોર છો.
છોકરીઓ શું કહે છે: “મને શું ખબર કે કોઈ મારા વિષે શું વિચારે છે? જો કોઈને હું ગમતી હોઉં તો મને ચોખ્ખું કહી દેવું જોઈએ કે તેના દિલમાં શું છે.”—નીના, ૨૩.
“જો તમે થોડા સમયથી ફ્રેન્ડ હોય, પછી લગ્નના વિચારથી આગળ વધવા માંગતા હોય તો હું સમજુ છું કે એ જણાવવું છોકરા માટે અઘરું બનશે. પણ જો છોકરો ફોડ પાડીને કહી દે કે એના દિલમાં શું છે, તો મને વધારે ગમશે.”— હેલન, ૨૫.
◼ છોકરીના નિર્ણયને માન આપો. જો તમારી ફ્રેન્ડ તમને કહે કે તેને તમારામાં ઇન્ટરેસ્ટ નથી, તેને ખાલી ફ્રેન્ડ જ બની રહેવું છે તો તમે શું કરશો? તેના નિર્ણયને માન આપો. છોકરી ના પાડે ત્યારે, તે જાણે છે કે પોતાનું દિલ શું કહે છે. જો છોકરીને વારંવાર પૂછશો તો એનાથી દેખાઈ આવશે કે તમે મેચ્યોર નથી. એનાથી તો તે કંટાળી જશે. છોકરીએ ચોખ્ખી ના પાડી હોય તોય તમે તેનો પીછો છોડતા ન હોય, તેના પર વારેવારે ગુસ્સે થતા હોય તો શું તમે તેનો વિચાર કરો છો કે પછી ખાલી પોતાનો જ વિચાર કરો છો?—૧ કોરીંથી ૧૩:૧૧.
છોકરીઓ શું કહે છે: “છોકરાને એકવાર ના પાડ્યા પછીયે તે મારો પીછો ન છોડે તો મને બહુ ચીડ ચઢે.”—કાલીન, ૨૦.
“એક છોકરાને હું બહુ ગમતી. પણ મેં તેને જણાવી દીધું કે મને તેનામાં કોઈ રસ નથી. તોય તે પાછળ પડી ગયો કે મને તારો ફોન નંબર આપ. મારે તેને દુઃખ પહોંચાડવું નહોતું. હું
સમજું છું કે છોકરીને આમ પૂછવું તેના માટે સહેલું નહિ હોય. એ માટે તો કેટલીયે હિંમત જોઈએ. પણ મારે છેવટે મક્કમ થઈને તેને ના પાડવી જ રહી.”—સોનલ, ૨૩.તમારે શું ન કરવું જોઈએ
અમુક યુવાનિયાઓને એમ લાગે છે કે ચપટી વગાડતા કોઈ પણ છોકરી તેની પાછળ પડી જશે. તેઓ પોતાના દોસ્તો સાથે એવી શરત પણ મારે છે કે કોણ સૌથી વધારે છોકરીઓનું ધ્યાન ખેંચી શકે. પણ આવી શરત મારીને તેઓ છોકરીઓની લાગણીઓ સાથે રમત કરે છે. એનાથી તો છોકરાઓ પોતાનું નામ બગાડે છે. (નીતિવચનો ૨૦:૧૧) આવું ન થાય એ માટે તમે નીચેની સલાહ પ્રમાણે ચાલો.
◼ ફ્લર્ટીંગ ન કરો. જો કોઈ છોકરો, છોકરીને મસકા મારે, ખોટા વખાણ કરે, પોતાના હાવભાવથી છોકરીની લાગણીને ઉશ્કેરે તો, તે ફ્લર્ટીંગ કરે છે. તેના મનમાં છોકરી સાથે લગ્ન કરવાનો કોઈ વિચારેય નથી. તે બસ પોતાની ખુશી માટે આમ કરે છે. પણ આવું કરીને છોકરો બાઇબલની આ સલાહ માનતો નથી: ‘જુવાન સ્ત્રીઓને પૂર્ણ પવિત્રતાથી બહેન’ જેવી ગણ. (૧ તીમોથી ૫:૨) ફ્લર્ટીંગ કરતા છોકરાઓ સારા મિત્ર નહિ બને. એટલું જ નહિ, તેઓ સારા લગ્નસાથી પણ નહિ બને. સમજુ છોકરીઓ આ જાણે છે.
છોકરીઓ શું કહે છે: “જો કોઈ છોકરો તમારી ખુશામત કરે, અને તમે જાણતા હોય કે તેણે તમારી ફ્રેન્ડની પણ ગયા મહિને એવી જ ખુશામત કરી હતી તો કેવું લાગશે? એવો છોકરો તો મને દીઠોયે ન ગમે.”—હેલન, ૨૫.
“એક હેન્ડસમ, દેખાવડો છોકરો એકવાર મારી સાથે ફ્લર્ટિંગ કરતો હતો. બસ, પોતાના વિષે જ બઢાવી-ચઢાવીને વાત કરતો. પછી એક છોકરી અમારા ગ્રુપમાં જોડાઈ. એ છોકરાએ તેની સાથે ફ્લર્ટિંગ શરૂ કરી દીધું. પછી બીજી એક છોકરી અમારા ગ્રુપમાં જોડાઈ. એ છોકરી સાથેય તે ફ્લર્ટિંગ કરવા લાગ્યો, પાછી એની એ જ વાત તેને કહે! આવા છોકરા મને જરાય પસંદ નથી.”—ટીના, ૨૦.
◼ છોકરીની લાગણી સાથે રમત ન રમો. બે છોકરા ફ્રેન્ડ હોય એ અલગ વાત છે. પણ છોકરો ને છોકરી ફ્રેન્ડ હોય તો બીજી વાત. કઈ રીતે? જરા વિચાર કરો: તમારા દોસ્તે સરસ સૂટ પહેર્યો છે. તે બહુ દેખાવડો લાગે છે. તમે તેના વખાણ કરો છો. દિલ ખોલીને વાત કરો છો. પણ એનાથી તે એવું નહિ ધારે કે તમને તેના માટે રોમેન્ટિક ફિલિંગ્સ છે. પણ જો આવા જ વખાણ તમે કોઈ છોકરીના કરો, તેની સાથે વારંવાર તમારું દિલ ઠાલવો તો, તેને એવું લાગી શકે કે તમે તેના પ્રેમમાં છો.
છોકરીઓ શું કહે છે: “મને નથી લાગતું કે છોકરાઓ આ હકીકત સમજે છે: તેઓ જેમ પોતાના દોસ્તો સાથે વર્તે, એમ જ છોકરીઓ સાથે ન વર્તી શકે.”—શેફાલી, ૨૬.
“કોઈ છોકરો મારો ફોન નંબર લે. પછી મને ટેક્ષ મેસેજ મોકલે. પણ . . . એનો શું મતલબ? કોઈ કોઈ વાર તમે ટેક્ષ મેસેજથી ફ્રેન્ડશીપ જાળવી શકો. પણ શું તેને ખબર છે કે એનાથી એકબીજા માટે પ્રેમ પણ જાગી શકે? ટેક્ષ મેસેજથી હવે તમે કેટલું કહી શકો?”—માનસી, ૧૯.
“છોકરાઓ એ સમજતા જ નથી કે છોકરીઓ કેટલી જલદી પ્રેમની લાગણીમાં તણાઈ જાય છે. એમાંય છોકરો બધી રીતે સંભાળ રાખતો હોય, સહેલાઈથી તેની સાથે વાત કરી શકતો હોય ત્યારે છોકરી જલદી તેની તરફ ખેંચાય છે. પણ એનો અર્થ એ નથી કે છોકરીઓને બસ લગ્ન જ કરવું છે એટલે ગમે એ છોકરા પાછળ મોહી પડશે. પણ મને લાગે છે કે બધી છોકરીઓને પ્રેમમાં તો પડવું છે. તેઓ બસ પોતાના રાજકુમારની જ તલાશમાં હોય છે.”—એલીસા, ૨૫.
સપનામાં ન રહો
કદી એવું ન વિચારો કે બધી જ છોકરીઓ તમારા પ્રેમમાં પડી જશે. એવું માનતા હો તો, એ બતાવે છે કે તમે અભિમાની છો. પણ ભૂલશો નહિ કે તમારા રૂપરંગ બધું જ નથી, પણ તમારો સ્વભાવ કેવો છે એ વધારે મહત્ત્વનું છે. એમ કરશો તો તમને જરૂર યોગ્ય જીવનસાથી મળશે. બાઇબલ પણ “નવું માણસપણું” એટલે કે સારો સ્વભાવ કેળવવા ઉત્તેજન આપે છે.—એફેસી ૪:૨૪.
એકવીસ વર્ષની કેટી આ વિષે કહે છે: “છોકરાઓને લાગે છે કે સારાં કપડાં પહેરો, સારા દેખાઓ એટલે છોકરીઓ તમારા પર મોહી પડશે. અમુક અંશે એ ખરું છે, પણ મને લાગે છે કે મોટા ભાગની છોકરીઓ રૂપરંગ ને દેખાવ પાછળ જ નહિ, પણ સારા સ્વભાવના છોકરાઓ પાછળ વધારે આકર્ષાય છે.” * (g09 05)
“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype
[ફુટનોટ્સ]
^ નામો બદલવામાં આવ્યા છે.
^ ક્વેશ્ચન્સ યંગ પીપલ આસ્ક—આન્સર્સ ધેટ વર્ક, વોલ્યુમ ૨ પુસ્તકમાં ત્રીજું પ્રકરણ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
આના પર વિચાર કરો
◼ તમને પોતાની કાળજી રાખો છો એમ કઈ રીતે બતાવી શકો?
◼ તમે કઈ રીતે બતાવી શકો કે છોકરીની લાગણી અને તેના વિચારોને તમે માન આપો છો?
[પાન ૧૧ પર ચિત્ર]
સારી મેનર્સ એ કંઈ સૂટ જેવી નથી, જે પહેરીને તમે બહાર બધાને ઈમ્પ્રેસ કરો, પણ ઘરે આવીને એને એક બાજુએ મૂકી દો