સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ટાઇમ ક્યાં ભાગે છે?

ટાઇમ ક્યાં ભાગે છે?

યુવાનો પૂછે છે

ટાઇમ ક્યાં ભાગે છે?

‘મારા બે ફ્રૅન્ડના શબ્દો મારા કાને પડ્યા, “પ્રોગ્રામ ચાર વાગે ચાલુ થાય છે. રિકીને ત્રણ વાગે કહીએ તો તે ટાઇમસર આવશે.” ભલે તેઓ મજાક કરતાʼતા, પણ મને ખબર પડી કે મારે ટાઇમ સાચવતા શીખવું પડશે.’—રિકી. *

તમને દિવસમાં હજુ કેટલા વધારે કલાકો જોઈએ? એમાં તમે શું કરશો?

□ ફ્રેન્ડ સાથે ટાઇમપાસ

□ ઊંઘ

□ હોમવર્ક

□ એક્સર્સાઇઝ

□ બીજું કંઈક ․․․․․

એવું કદી થવાનું નથી કે આપણને દિવસમાં બે-ત્રણ કલાકો વધારે મળે! એટલે ઘણા યુવાનો શેડ્યૂલ બનાવે છે. એનાથી તેઓ એવાં કામો પણ કરી શકે છે, જેના માટે પહેલાં ટાઇમ જ ન હતો. એ યુવાનો કહે છે કે ટાઇમ સાચવવાથી ટેન્શન ઓછું થઈ જાય છે. સ્કૂલ કે કૉલેજના રિઝલ્ટમાં પણ સુધારો થાય છે. માબાપ પણ હવે તેઓને વધારે છૂટ આપે છે. ચાલો જોઈએ કે ટાઇમ સાચવવાથી તમને કેવા લાભ થઈ શકે.

પહેલી ચેલેંજ શેડ્યૂલ બનાવવું

કેવા પ્રૉબ્લેમ થઈ શકે? શેડ્યૂલ બનાવવાનો વિચાર જ જાણે તમારી આઝાદી ઝૂંટવી લે છે. તમને બંધાઈ જવાનું નહિ, મન ફાવે તેમ કરવાનું ગમે છે.

એમ કરવાના ફાયદા: રાજા સુલેમાને લખ્યું: “ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે.” પહેલેથી પ્લાન કરવામાં ઘણો ફાયદો છે. (નીતિવચનો ૨૧:૫) મોટે ભાગે સુલેમાન ૨૦ વર્ષના થયા એ પહેલાં પરણી ગયા હતા. તે પિતા બન્યા અને રાજા પણ હતા. બેશક, તે ખૂબ બીઝી હતા. પણ સમય પસાર થયો તેમ, વધુ ને વધુ બીઝી થયા. તમારું જીવન પણ બીઝી છે. મોટા થશો તેમ, હજુ વધારે બીઝી બનશે! એટલે હમણાંથી જ ટાઇમ સાચવતા શીખીને, પ્રૅક્ટિકલ બનો.

એમ કરનારા યુવાનો શું કહે છે? ‘છએક મહિના પહેલાં, મેં શેડ્યૂલ વાપરવાનું ચાલુ કર્યું. મારે જીવન સહેલું બનાવવું હતું, એમાં શેડ્યૂલ બહુ જ કામ આવી ગયું!’—જૉ.

‘મારી ઍક્ટિવિટીનું લિસ્ટ મને શેડ્યૂલ પાળવા મદદ કરે છે. મને કોઈ વધારે કામ આવી પડે ત્યારે, હું મમ્મી સાથે બેસીને બધાં કામોનું લિસ્ટ બનાવું છું. પછી અમે નક્કી કરીએ કે એ પૂરું કરવા કઈ રીતે એકબીજાને મદદ કરી શકીએ.’—માલોરી.

આમ કરવાથી મદદ મળશે: માનો કે તમારું કુટુંબ વેકેશનમાં જવાનું છે. દરેક જણ પોતાની બૅગ પેક કરીને મન ફાવે એમ કારમાં મૂકી દે છે. થોડી મિનિટમાં જ કારમાં જગ્યા ખૂટી પડે છે અને હજુ મોટી બૅગો તો મૂકવાની બાકી છે! હવે શું કરશો? તમે કારમાંથી બધો સામાન કાઢીને પહેલા મોટી બૅગો મૂકશો. પછી નાની નાની બૅગો કે ચીજો માટે જગ્યા મળી રહેશે.

આ દાખલામાંથી શું શીખી શકાય? જીવનનાં બધાં કામો નાની-મોટી સાઇઝની બૅગો જેવાં છે. જો તમે જીવનમાં નાની નાની ઍક્ટિવિટી ભરી દો, તો મોટી કે મહત્ત્વની ઍક્ટિવિટીનું શું થશે? તેથી મોટાં કે મહત્ત્વનાં કામો માટે પહેલા ટાઇમ ગોઠવો. પછી, તમે માનશો નહિ પણ તમને મનગમતી નાની નાની ઍક્ટિવિટી માટે પણ ટાઇમ હશે!—ફિલિપી ૧:૧૦.

તમારા માટે કયાં કામો વધારે મહત્ત્વનાં છે?

․․․․․

એ લિસ્ટમાંથી સૌથી મહત્ત્વના કામની બાજુમાં ‘૧,’ પછીના મહત્ત્વના કામની બાજુમાં ‘૨’ મૂકો. એ રીતે કયું કામ પહેલા કરવું એનું લિસ્ટ બનાવી, મોટી ઍક્ટિવિટી પહેલા કરી લો. પછી તમને નવાઈ લાગશે કે નાની નાની ઍક્ટિવિટી માટે પણ તમારી પાસે ટાઇમ હશે. પણ જો નાની નાની ઍક્ટિવિટી પહેલા કરશો, તો મહત્ત્વની બાબતો માટે ટાઇમ જ નહિ હોય!

પ્રૅક્ટિકલ બનો. પોકેટ સાઇઝ ડાયરી લો. કયાં મહત્ત્વનાં કામ પહેલા કરવાનાં છે એ પ્લાન કરો. અથવા તો નીચે જણાવેલી કોઈ રીત તમને વધારે ફાવે:

□ મોબાઇલનું કૅલેન્ડર

□ નાની નોટબુક

□ કૉમ્પ્યુટરનું કૅલેન્ડર

□ મોટી ડાયરી

બીજી ચેલેંજ શેડ્યૂલને વળગી રહેવું

કેવા પ્રૉબ્લેમ થઈ શકે? સ્કૂલમાંથી આવીને તમારે જરા રિલૅક્સ થવું છે. થોડું ટીવી જોવું છે. અથવા સ્કૂલમાંથી આવીને હોમવર્ક કરવાનો પ્લાન હોય, પણ તમારો ફ્રેન્ડ ફિલ્મ જોવા જવાનો એસ.એમ.એસ મોકલે. તમને થાય, ‘ફિલ્મનો ટાઇમ તો ન બદલાય. હું ફિલ્મ જોઈને સાંજે હોમવર્ક કરી લઈશ. આમેય પ્રેશર હોય ત્યારે મારું મગજ સારું ચાલે છે.’

એમ કરવાના ફાયદા: ખરું કે મગજ વધારે દોડતું હોય ત્યારે, હોમવર્ક કરવાથી સારા માર્ક્સ મેળવવાના ચાન્સ છે. પણ શેડ્યૂલને વળગી નહિ રહો તો શું તમારું પ્રેશર વધી નહિ જાય? જો છેલ્લી ઘડીએ, રાતે મોડેથી એક્ઝામ માટે રિવિઝન કરવા બેસો, તો ટેન્શન ઓર વધી નહિ જાય? કલ્પના કરો કે સવારે તમારી હાલત કેવી હશે. કદાચ ટાઇમસર ઉઠાય નહિ. ફટાફટ ઘરમાંથી નીકળો તોપણ, સ્કૂલે મોડું થઈ જાય. હવે તો સ્ટ્રેસ આસમાને ચડી જશે!—નીતિવચનો ૬:૧૦, ૧૧.

એમ કરનારા યુવાનો શું કહે છે? ‘ટીવી જોવું, ગિટાર વગાડવી અને ફ્રેન્ડ સાથે ટાઇમ પાસ કરવો, એ મને બહુ જ ગમે. એમાં કંઈ ખોટું નથી, પણ કોઈ વાર એમાં જ બધો ટાઇમ ચાલ્યો જાય. પછી મહત્ત્વની બાબતો ઉતાવળે પતાવવી પડે.’—જુલિયન.

આમ કરવાથી મદદ મળશે: શેડ્યૂલમાં ફક્ત કામ, કામ ને કામ ન ગોઠવો. મનગમતી ઍક્ટિવિટી પણ ગોઠવો. જુલિયન કહે છે, ‘અમુક મહત્ત્વનાં કામ પતાવીને મને ગમતી ઍક્ટિવિટી કરીશ, એ જાણવાથી બહુ કંટાળો નથી આવતો.’

બીજો એક આઇડિયા: એક ગોલ બાંધો. એ ગોલ પૂરો કરવા બીજા નાના નાના ગોલ બનાવો, જેથી તમે તમારી પ્રગતિ જોઈ શકો. ઉપર જણાવેલો ૧૬ વર્ષનો જૉ કહે છે: ‘મારે રેગ્યુલર પાયોનિયર બનવું છે. આ ગોલ મને હમણાંથી જ મારા શેડ્યૂલને વળગી રહેવા મદદ કરે છે. પછીથી જીવન વધારે બીઝી થશે ત્યારે, આ ટેવ મને બહુ કામ આવશે.’

પ્રૅક્ટિકલ બનો. આવતા છ મહિનામાં પૂરા કરી શકો એવા તમારા એક-બે ગોલ કયા છે?

․․․․․

આવતા બે વર્ષમાં પૂરો થઈ શકે એવો તમારો કયો ગોલ છે? એ માટે તમારે હમણાંથી શું કરવાની જરૂર છે?

․․․․․

ત્રીજી ચેલેંજ રૂમ સાફ અને ગોઠવેલો રાખો

કેવા પ્રૉબ્લેમ થઈ શકે? તમને થશે કે “રૂમ સાફ અને ગોઠવેલો રાખવાથી કઈ રીતે ટાઇમ બચી શકે? મારા રૂમમાં મને ગમે એમ ચીજો મૂકું તો શું વાંધો? રૂમ આજે નહિ, કાલે સાફ કરીશ. અરે ન કરું, તોય શું ફરક પડે!” પણ શું ખરેખર કોઈ ફરક નથી પડતો?

એમ કરવાના ફાયદા: રૂમ સાફ હોય તો દરેક ચીજ એની જગ્યાએ હોવાથી કોઈ ટેન્શન નહિ. તમને જોઈએ ત્યારે એ સહેલાઈથી મળી જશે. એનાથી ઘણો ટાઇમ બચશે.—૧ કોરીંથી ૧૪:૪૦.

એમ કરનારા યુવાનો શું કહે છે? ‘જ્યારે મને કપડાં ઠેકાણે મૂકવાનો ટાઇમ ન મળે અને ઢગલો થતો જાય, ત્યારે મારી ઘણી ચીજો એ કપડાંમાં ખોવાઈ જાય છે.’—મેન્ડી.

‘એક અઠવાડિયા સુધી મારું પાકીટ ન મળ્યું. મારો સ્ટ્રેસ વધી ગયો. આખરે, રૂમ સાફ કર્યો ત્યારે મળ્યું.’—ફ્રેન્ક.

આમ કરવાથી મદદ મળશે: કોઈ પણ ચીજ વાપરીને મન ફાવે ત્યાં મૂકવાને બદલે, એની જગ્યાએ પાછી મૂકો. એમ રૂમ સાફ અને ગોઠવેલો રહેશે. કોઈ પણ ચીજ સહેલાઈથી મળશે.

પ્રેક્ટિકલ બનો. બધી ચીજોને એના ઠેકાણે પાછી મૂકવાની ટેવ પાડો. પછી જુઓ કે જીવન સહેલું બને છે કે કેમ.

ધીમે ધીમે પણ આજથી જ શરૂઆત કરો. આ લેખમાંથી તમને કયાં સૂચનો ગમ્યાં?

․․․․․

હું એ સૂચનો આવતા ...... અઠવાડિયાં ટ્રાય કરી જોઉં. ખબર પડે કે એનો શું ફાયદો છે. (g09 06)

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype

[ફુટનોટ]

^ આ લેખમાં નામ બદલ્યાં છે.

આના વિષે વિચારો કરો

◼ કોઈ પણ કામ સૌથી સારી રીતે કરવા તમને કેટલા કલાકની ઊંઘ જોઈએ?

◼ તમારા શેડ્યૂલમાં મદદ જોઈએ તો કોને પૂછશો?

◼ જો તમારું શેડ્યૂલ હોય, તો એમાં કેવા સુધારા કરી શકો?

[પાન ૨૨ પર બોક્સ/ચિત્ર]

આઠથી અઢાર વર્ષના યુવાનોએ એક અઠવાડિયું મોટા ભાગના કલાકો શામાં પસાર કર્યા?

૧૭

મમ્મી-પપ્પા સાથે

૩૦

સ્કૂલે

૪૪

ટીવી જોવા, વીડિયો ગેમ્સ રમવા, મેસેજ મોકલવા અને મ્યુઝિક સાંભળવામાં

મારો ટાઇમ ક્યાં જાય છે?

કેટલા કલાક ક્યાં જાય છે, એ લખો

ટીવી જોવામાં: ․․․․․

વીડિયો ગેમ્સ રમવામાં: ․․․․․

કૉમ્પ્યુટર પર: ․․․․․

મ્યુઝિક સાંભળવામાં: ․․․․․

કુલ: ․․․․․

એમાંથી હું આટલા કલાક વધારે મહત્ત્વની બાબતોમાં સહેલાઈથી વાપરી શકું: ․․․․․

[પાન ૨૨ પર ચિત્ર]

જો જીવનમાં પહેલા નાની નાની ઍક્ટિવિટી ભરી દેશો, તો મહત્ત્વની ઍક્ટિવિટી માટે ટાઇમ નહિ રહે