સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ડિપ્રેશન એની સારવાર કેવી રીતે કરવી

ડિપ્રેશન એની સારવાર કેવી રીતે કરવી

ડિપ્રેશન એની સારવાર કેવી રીતે કરવી

ઘણાં વર્ષોથી રૂથને ડિપ્રેશન છે. તે કહે છે કે ‘મારા પતિએ મને ડિપ્રેશનની સારવાર કરવા મદદ કરી. મેં મારા જીવનમાં ફેરફાર કર્યા, અને બની શકે એટલું નોર્મલ રીતે જીવવા પ્રયત્ન કર્યો. હું જે દવા લેતી હતી એનાથી મને ઘણો ફાયદો થયો. પણ અમુક સમયે કોઈ દવા કામ ન કરે ત્યારે મારા પતિ અને મિત્રો સતત આશ્વાસન આપતા, જેથી હું હિંમત ના હારી જઉં.’

રૂથનો અનુભવ બતાવે છે કે જે કોઈને ક્લિનિકલ ડિપ્રેશન થયું હોય તેઓને ડૉક્ટરની સારવાર જરૂર છે અને ખાસ કરીને તો આપણા સથવારાની પણ જરૂર છે. જો ડિપ્રેશનની સારવાર જલદીથી કરવામાં ન આવે તો અમુક કિસ્સામાં એ જીવલેણ બની શકે છે. બેએક હજાર વર્ષ પહેલાં ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું હતું કે ‘જેઓ માંદા છે તેઓને વૈદની જરૂર છે.’ (માર્ક ૨:૧૭) ખરું કહીએ તો વૈદો અથવા ડૉક્ટરો ડિપ્રેશ વ્યક્તિનું દુઃખ હળવું કરી શકે છે. *

તમે શું કરી શકો

ડિપ્રેશન દૂર કરવા માટે જુદી જુદી સારવાર છે. વ્યક્તિને કેવું ડિપ્રેશન છે એના આધારે સારવાર થઈ શકે છે. ( પાન ૫ પર “ડિપ્રેશનના પ્રકાર” બૉક્સ જુઓ.) ઘણાને ફૅમિલી ડૉક્ટરની મદદથી જ સારું થાય છે, જ્યારે અમુકને સ્પેશિયલ સારવાર લે તો જ ફેર પડે. ડૉક્ટર કદાચ એન્ટી-ડિપ્રેશનની દવા આપી શકે, અથવા બીજી કોઈ સારવાર સૂચવી શકે. અમુક લોકોને હર્બલ કે વનસ્પતિની બનેલી દવાથી ફેર પડી શકે. ખાવામાં પરેજી પાળવાથી પણ ફેર પડી શકે અથવા ડૉક્ટરના કહેવા પ્રમાણે કસરત કરવાથી પણ સારું થઈ શકે.

સામાન્ય નડતરો

૧. આપણું દુઃખ જોઈને સલાહ આપતા મિત્રો: મોટે ભાગે આપણાં સગાંઓને અથવા મિત્રોને ડિપ્રેશન વિષે બહુ જાણકારી નથી. તોય કદાચ તેઓ કહેશે કે ડૉક્ટરો તો દવા આપ્યા કરે પણ આપણે તો આપણું જોવાનું ને. ઘણાય તો કહેશે કે આ બધી દવાઓ આપણને સદે નહિ, એનાં કરતાં તો હર્બલ કે જડીબુટ્ટીની દવાઓ લેવી સારી. અથવા કહેશે કે કોઈ દવા ન લઈએ એ જ સારુ.

જરા વિચારો: બધાનું સાંભળવાને બદલે જેઓ ડિપ્રેશનનાં જાણકાર હોય તેઓની જ સલાહ લેવી જોઈએ. તેઓ જે સલાહ આપે એને આધારે તમે નક્કી કરી શકો કે કઈ દવા લેવી ને કઈ ન લેવી.

૨. હિંમત ન હારો: અમુકને જોઈએ એટલું જલદી સારું ન થાય અથવા દવાઓની આડઅસર થાય તો દવા લેવાનું બંધ કરી દે છે અને સારવાર લેવાનું પણ બંધ કરી દે છે.

જરા વિચારો: “સલાહ લીધા વગરના ઇરાદા રદ જાય છે; પણ પુષ્કળ સલાહકારીઓ હોય તો તેઓ પાર પડે છે.” (નીતિવચનો ૧૫:૨૨) જો દર્દી અને ડૉક્ટર સારી રીતે વાતચીત કરી શકે તો દર્દીને સારી સારવાર મળી શકે. ખુલ્લા દિલથી ડૉક્ટરને જણાવો કે તમને શું થાય છે. તમે પૂછી શકો કે મળતી સારવારમાં કોઈ ફેરફાર કરવાની જરૂર છે કે નહિ.

૩. ઘણાને લાગશે કે સારું થઈ ગયું: ઘણાયને થોડાં જ અઠવાડિયામાં જરા સારું લાગતું હોય છે એટલે તેઓ ફટ દઈને દવા કે સારવાર લેવાનું બંધ કરી દે છે. તેઓ એ ભૂલી જાય છે કે દવા લેવાનું શરૂ કર્યું એ પહેલાં તેઓની હાલત કેટલી ખરાબ હતી.

જરા વિચારો: ડૉક્ટરને પૂછ્યા વગર સારવાર લેવાનું બંધ કરી દેશો તો ગંભીર પરિણામો આવી શકે. અરે જીવન પણ ખતરામાં આવી શકે.

ડિપ્રેશ લોકોને બાઇબલમાંથી સારી મદદ મળે છે. ખરું કે એમાં સારવાર વિષે કંઈ જણાવ્યું નથી. પણ બાઇબલ ઈશ્વર તરફથી આવ્યું છે. એમાં ઈશ્વર યહોવાહના વિચારો છે. હવે પછીનો લેખ બતાવશે કે ડિપ્રેશ જનોને અને જે કોઈ તેઓનું ધ્યાન રાખે છે તેઓને યહોવાહ કઈ રીતે બાઇબલ દ્વારા આશ્વાસન અને માર્ગદર્શન આપે છે. (g09 07)

[ફુટનોટ્‌સ]

^ સજાગ બનો! જણાવતું નથી કે કેવો ઇલાજ કરવો જોઈએ. દરેકે સમજી-વિચારીને પોતે નિર્ણય લેવો જોઈએ.

 [પાન ૫ પર બોક્સ]

ડિપ્રેશનના પ્રકાર

દર્દીને કયા પ્રકારનું ડિપ્રેશન છે એના આધારે તેને યોગ્ય સારવાર આપવામાં આવે છે.

મેજર ડિપ્રેશન થયેલી વ્યક્તિને જલદી સારવાર આપવામાં ન આવે તો એના લક્ષણો છ મહિનાથી માંડીને વધારે સમય સુધી રહે છે. તેમ જ દર્દીના જીવનના દરેક પાસાં પર એની અસર પડે છે.

બાયાપોલાર ડિપ્રેશન અથવા મૅનિક ડિપ્રેશન. જેઓને આ પ્રકારનું ડિપ્રેશન હોય છે તેઓનો મૂડ અચાનક બદલાઈ જાય છે. ક્યારેક વ્યક્તિ ખૂબ જ આનંદમાં દેખાય જેમાં ડિપ્રેશનનાં લક્ષણો લાંબો સમય સુધી ન જોવા મળે તો ક્યારેક વગર કારણે તે એકદમ ઉદાસ થઈ જાય.

ડિસ્થીમીઆ ડિપ્રેશન આ પ્રકારનું ડિપ્રેશન મેજર ડિપ્રેશન જેટલું ગંભીર નથી, તોપણ એને લીધે સામાન્ય જીવન જીવવું અઘરું બની જાય છે. એના દર્દીના જીવનમાં થોડા થોડા વખતે મેજર ડિપ્રેશન થઈ જાય છે.

પોસ્ટપાર્ટમ ડિપ્રેશન એ પ્રકારનું ડિપ્રેશન બાળકને જન્મ આપ્યા પછી ઘણી સ્ત્રીઓને થાય છે. એનાથી તેઓમાં શક્તિ જ ન રહે તેમ જ કારણ વગર રડવું આવે.

સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર પાનખર ઋતુ અને શિયાળામાં સૂર્યનો પ્રકાશ પૂરતો ન મળવાથી એ થાય છે. મોટે ભાગે એ બીમારી વસંતઋતુ અને ઉનાળામાં જતી રહે છે.