સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ડિપ્રેશન વ્યક્તિ પર શું વીતે છે?

ડિપ્રેશન વ્યક્તિ પર શું વીતે છે?

ડિપ્રેશન વ્યક્તિ પર શું વીતે છે?

જેમ્સ * ૧૨ વર્ષનો હતો ત્યારની આ વાત છે. એટલી નાની ઉંમરે એને લાગતું કે પોતે સાવ નકામો છે. એટલે તેણે નાનપણના બધાં જ ફોટાઓ ફાડી નાખ્યા. તે કહે છે કે, ‘મારે મારું નામ-નિશાન ભૂંસી નાખવું હતું.’ જેમ્સ સવારે ઊઠે ને ખાટલે બેઠા બેઠા મનમાં એક જ વિચાર ભમ્યા કરે, ‘આજે હું મરી જઈશ કે શું?’ આવા વિચારોના વમળમાં ફસાયેલો, અટવાયેલો જેમ્સ ૧૨ વર્ષની વયથી જ ડિપ્રેશનનો ભોગ બન્યો. એ વાતને આજે ત્રીસ ત્રીસ વર્ષ થઈ ગયા તોપણ જેમ્સ ડિપ્રેશનથી પીડાઈ રહ્યો છે.

આપણે પણ કોઈ કોઈ વાર નિરાશ થઈએ છીએ. એનાથી એવું સમજી ન બેસવું જોઈએ કે હવે મને ડિપ્રેશન વિષે બધી ખબર છે. પણ ખરેખર જ્યારે કોઈ વ્યક્તિને ક્લિનિકલ ડિપ્રેશન થાય ત્યારે તેના પર શું વીતે છે? ચાલો એ વિષે જોઈએ.

વગર માંગ્યું દુઃખ

આપણે કોઈ કોઈ વાર નિરાશ થઈ જઈએ એને ક્લિનિકલ ડિપ્રેશન ના કહેવાય. ક્લિનિકલ ડિપ્રેશનને લીધે રોજ-બ-રોજનાં કામો કરવા ખૂબ જ અઘરું બની જાય છે.

અલ્વારોનો વિચાર કરો. તે ૪૦ કરતાંય વધારે વર્ષોથી ડિપ્રેશનનો ભોગ બન્યો છે. તે કહે છે કે ‘મને ખૂબ જ ડર લાગે, અને ગભરામણ થયા કરે છે. શું કરવું એની ખબર ના પડે એટલે મૂંઝાઈ જાઉં, અને હતાશ થઈ જાઉં. ડિપ્રેશન હોવાથી જ્યારે કોઈ મારા વિષે કાંઈ કહેતું એ મને જરાય ગમતું નહિ.’ અલ્વારો આગળ જણાવે છે કે ‘ડિપ્રેશનમાં એવું થાય કે જાણે આપણને ખૂબ જ દુખાવો થતો હોય પણ ક્યાં દુઃખે છે એની ખબર જ ના પડે. બીક લાગે, પણ કેમ બીક લાગે એની ખબર જ ના પડે. એ વિષે કોઈની સાથે વાત કરવાનું મન પણ ન થાય.’ હવે તેને ખબર છે કે ડિપ્રેશનને લીધે આવું બધું થાય છે. એ જાણીને તેને થોડીક રાહત મળી છે. તે કહે છે, ‘મને ખબર પડી કે બીજાઓને પણ મારા જેવું થાય છે, હું એકલો જ ડિપ્રેશનથી પીડાતો નથી.’

બ્રાઝિલની ૪૯ વર્ષની મારિયાને પણ ડિપ્રેશન છે. એના લીધે તેને પૂરતી ઊંઘ નથી આવતી, શરીરમાં કળતર થયા કરે અને વાત-વાતમાં ચિડાઈ જાય છે. તે કાયમ નિરાશામાં જ ડૂબેલી રહે છે. મારિયા કહે છે, ‘જ્યારે મને ખબર પડી કે ડિપ્રેશનના લીધે આવું બધું થાય છે ત્યારે મારી ચિંતા ઓછી થઈ. પણ લોકો ડિપ્રેશન વિષે કેવું વિચારે છે, એ જાણવાથી મને થોડો સંકોચ થવા લાગ્યો.’

હિંમત ન હારો

ખરું કે જીવનમાં કોઈ કડવો અનુભવ થયો હોય એના લીધે વ્યક્તિમાં કોઈ વાર ડિપ્રેશન આવે છે. ક્યારેક કારણ વગર ડિપ્રેશન આવતું હોય છે. સાઉથ આફ્રિકામાં રહેતા રિચર્ડનો વિચાર કરો. તે કહે છે કે “કોઈ વાર કારણ વગર અચાનક તમારા જીવન પર ઉદાસીનતાના કાળા વાદળ છવાઈ જાય છે. તમારા સંબંધીઓમાં કોઈનું મૃત્યુ થયું ના હોય કે પછી એવા કોઈ ખરાબ સમાચાર સાંભળ્યા ના હોય તોપણ તમે હતાશ થઈ જાવ. શરીરમાં જાણે શક્તિ જ ના હોય એવું લાગે. ભલેને ગમે તે કરો તોપણ નિરાશાના વાદળો ઘેરાયેલા જ રહે. તમે માનસિક રીતે ભાંગી પડો, પણ શા માટે એ ના સમજાય.”

ડિપ્રેશન થયું હોય તો અમુક તો સાવ હિંમત હારી જાય છે. બ્રાઝિલમાં રહેતી આન્‍નાનો વિચાર કરો. જ્યારે ખબર પડી કે પોતાને ડિપ્રેશન થયું છે ત્યારે તેને સંકોચ થવા લાગ્યો. આન્‍ના કહે છે કે ‘આઠ વર્ષ થયા તોપણ હજી મને સંકોચ થયા કરે છે.’ તે એટલી હતાશ થઈ ગઈ કે તેનામાં સહન કરવાની શક્તિ જાણે રહી ના હોય. તે આગળ જણાવે છે કે ‘અમુક સમયે હું એટલી ચિંતામાં ડૂબી જાવ છું કે મારું આખું શરીર દુખવા લાગે છે.’ આવા સમયે તે પથારીમાંથી માંડ માંડ ઊઠી શકે છે. તેને કોઈ કોઈ વાર એટલું બધું રડવું આવે કે જલદી શાંત ન થાય. આન્‍ના કહે છે કે ‘હું ડૂસકાં ભરી ભરીને એટલું રડું છું કે થાકીને લોથપોથ થઈ જાઉં છું. એવું લાગે કે જાણે મારું લોહી જામી ના ગયું હોય.’ જો તમને આવું કંઈ થયું હોય તો હિંમત ન હારો.

બાઇબલ પણ જણાવે છે કે હતાશાને લીધે વ્યક્તિ સાવ ભાંગી પડી શકે. દાખલા તરીકે, ઈશ્વરભક્ત પાઊલ એક ભાઈ વિષે જણાવે છે જે બહુ નિરાશ હતો. પાઊલને ચિંતા હતી કે તેને પાછો મેળવી શકાશે કે નહિ. (૨ કોરીંથી ૨:૭) અમુક લોકો એટલા ડિપ્રેશ હોય છે કે તેઓ ઊંઘમાં જ મરી જવા ચાહતા હોય છે. ઘણા લોકો ઈશ્વર ભક્ત યૂના જેવું અનુભવે છે: “મારે જીવવા કરતાં મરવું બહેતર છે.”—યૂના ૪:૩.

ડિપ્રેશ વ્યક્તિ પોતાનું દુઃખ સહેવા અને સારવાર લેવા શું કરી શકે? (g09 07)

[ફુટનોટ્‌સ]

^ આ લેખોમાં નામ બદલવામાં આવ્યા છે.

[પાન ૩ પર બ્લર્બ]

“કોઈ કારણ વગર અચાનક તમારા જીવન પર ઉદાસીનતાના કાળા વાદળ છવાઈ જાય છે”