બાળકમાં સારા સંસ્કાર રેડો
બાળકમાં સારા સંસ્કાર રેડો
કૅનેડાના સજાગ બનો!ના લેખક તરફથી
◼ ન્યૂ યૉર્ક ટાઇમ્સના એક રિપોર્ટ પ્રમાણે, ‘ટેલિવિઝન ઘણું શીખવી શકે છે. પણ બાળકો ટીવી સામે કલાકો સુધી ઢગલો થઈને બેસી રહે ત્યારે, તેઓનાં મન અને શરીર પર ખરાબ અસર થાય છે.’ તેઓ એવી તકો ગુમાવી રહ્યા છે, જેનાથી નવું નવું શીખવાની હોંશ જાગે, હોશિયાર બને અને બીજા સાથે હળીમળી શકે.
અમેરિકાના વૉશિંગ્ટન, સિઍટલમાંની બાળકોની એક હૉસ્પિટલના સંશોધકોએ એક સર્વે કર્યો. તેઓએ ૨,૫૦૦ બાળકોની ટીવી જોવાની ટેવ પર નજર રાખી. ઉપર જણાવેલું ન્યૂઝપેપર એ સર્વે વિષે રિપોર્ટ આપતા કહે છે: ‘વધારે ટીવી જોનારા એકથી ત્રણ વર્ષનાં બાળકોને સાત વર્ષની ઉંમરે પહોંચતા, કશામાં પણ ધ્યાન આપવામાં વધારે પ્રૉબ્લેમ થવાની શક્યતા છે.’ એવાં બાળકો વધારે ને વધારે અધીરા બનતા અને ગુસ્સે થઈ જતાં. તેઓનું મન લાંબો સમય કશામાં લાગતું નહિ. એક ડૉક્ટર કહે છે: ‘અમુક બાળકોને જાણે કે એક બીમારી છે, જેના લીધે તેઓ કશામાં ધ્યાન આપી શકતા નથી. એવાં બાળકોનાં ઘણાં માબાપે જોયું છે કે બાળકોને ટીવી જોવા ન દેવાથી, તેઓમાં ઘણો સુધારો થાય છે.’—ડૉક્ટર જેન એમ. હેલી, એજ્યુકેશન સાઇકૉલૉજિસ્ટ.
મમ્મી-પપ્પા શું કરી શકે, જેથી પોતાનાં બાળકો ઓછું ટીવી જુએ? ઉપર જણાવેલા રિપોર્ટમાં અમુક આવાં સૂચન હતાં: ટીવીને બેબીસીટર કે બાળકની સંભાળ રાખનાર તરીકે ન વાપરો. પણ તમે ઘરનું કામકાજ કરો ત્યારે, બાળકથી થાય એવાં કામ તેને સોંપો. તમારું બાળક રોજ કયા પ્રોગ્રામ જુએ અને કેટલો સમય જોઈ શકે એ પહેલેથી નક્કી કરો. એ પ્રોગ્રામ પૂરા થયા પછી, ટીવી બંધ કરી દો. શક્ય હોય તો તમે તમારાં બાળક સાથે બેસી પસંદ કરેલા પ્રોગ્રામ જુઓ અને જે જુઓ છો એની વાત કરો. તમે પોતે બહુ ટીવી ન જુઓ, એ ખાસ ધ્યાન રાખો.
બાળકોમાં નવું નવું શીખવાની હોંશ જગાડવી અને બધા સાથે હળતા-મળતા શીખવવું એ સહેલું નથી. એ માટે સમય જોઈએ, મહેનત કરવી પડે અને પોતે સારો દાખલો બેસાડવો પડે. પણ એના આશીર્વાદ ઘણા છે. સદીઓ પહેલાં બાઇબલે એવી જ સલાહ આપી હતી: “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.” (નીતિવચનો ૨૨:૬) એ માટે બાળકના જીવનમાં નાનપણથી સારા સંસ્કાર કેળવવા બહુ જ જરૂરી છે.
બાળકમાં સારા સંસ્કાર કેળવવા યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું પુસ્તક લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર ઘણી મદદ કરે છે. બાળક નાનકડું હોય ત્યારથી જ, માબાપ તેની સાથે છૂટથી વાતચીત કરે અને તેના પર પ્રેમ વરસાવે એ ખૂબ જ જરૂરી છે. બાળકને એના ઘણા લાભ થશે. તે મોટું થઈને સમાજની એવી જવાબદાર વ્યક્તિ બનશે, જેના પર માબાપને ગર્વ થશે. (g09 06)