સૂરજદાદાના તીખા કિરણોથી ચેતો!
સૂરજદાદાના તીખા કિરણોથી ચેતો!
“દિવસે દિવસે ઓઝોનનું પડ નબળું પડતું જાય છે. બીજી બાજુ, દુનિયાને ચારે ખૂણે લોકોમાં સૂર્યસ્નાનનો ક્રેજ વધતો જાય છે. પણ એનાથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ રેડિએશન કિરણોને લીધે ત્વચા પર ઘણી આડઅસર થાય છે. એ આજકાલ લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે.”—ડૉ. લી યોગ-વૉક, વિશ્વ આરોગ્ય સંસ્થાના અગાઉના ડિરેક્ટર જનરલ.
ઉત્તર યુરોપમાં રહેતો માર્ટિન ઇટાલીના દરિયા કિનારે મોટી છત્રી ખોલીને એના છાંયડે સૂઈ ગયો. તે ઊઠ્યો ત્યારે જોયું તો, છાંયડો ખસી ગયો હતો. તે ધગધગતા તાપમાં સૂતો હતો! તેના પગની ધોળી ચામડી હવે લાલચોળ થઈ ગઈ હતી. માર્ટિન કહે છે: ‘મારે તરત હૉસ્પિટલના ઇમર્જન્સિ રૂમમાં જવું પડ્યું. મારા પગ સૂજીને થાંભલા જેવા થઈ ગયા હતા. બે-ત્રણ દિવસ સુધી ખૂબ જ દુઃખાવો થયો. હું ઊભો થઈ શકતો ન હતો. પગ પણ વાળી શકતો ન હતો. પગની ચામડી એવી તો ટાઇટ થઈ ગઈ હતી કે જાણે હમણાં જ ફાટી જશે.’
ઘણાનું માનવું છે કે માર્ટિન જેવા ગોરી ચામડીના લોકોએ જ વધુ પડતા તાપમાં જવું ન જોઈએ. ખરું કે કાળી-ઘઉંવર્ણી ચામડીવાળા લોકોને ગોરી ચામડીના લોકો જેટલું નુકસાન નથી થતું. તોય તેઓને પણ સ્કીન કૅન્સર થવાની શક્યતા રહેલી છે. અને દુઃખની વાત એ છે કે તેઓનું કૅન્સર જલદીથી દેખાઈ આવતું નથી. એની ખબર પડે ત્યાં સુધીમાં કૅન્સર ખૂબ વધી ગયું હોય છે. તાપમાં વધારે રહેવાના બીજાં જોખમો પણ રહેલાં છે. એનાથી આંખને નુકસાન પહોંચે છે. રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. આ તકલીફ વિષે ઘણી વાર તો વર્ષો પછી ખબર પડે છે. પણ ત્યાં સુધીમાં શરીરને નુકસાન થઈ ગયું હોય છે.
દુનિયાના અમુક વિસ્તારોમાં શરીરને નુકસાન કરતા અલ્ટ્રાવાયોલેટ (યુવી) કિરણોની અસર વધારે છે. જેમ કે, વિષુવવૃત્ત (ઇક્વેટર)ની આસપાસના વિસ્તારમાં. એવા વિસ્તારમાં રહેતા કે ત્યાં ફરવા જતા લોકોએ પોતાની વધારે કાળજી રાખવી જોઈએ. એનું એક કારણ આ છે: થોડાં વર્ષોથી જોવા મળ્યું છે કે કવચની જેમ પૃથ્વીનું રક્ષણ કરતું ઓઝોન પડ ધીમે ધીમે પાતળું થઈ રહ્યું છે. ચાલો હવે જોઈએ કે તાપમાં વધારે રહેવાથી કેવું કેવું નુકસાન થવાની શક્યતા છે.
આંખનું નુકસાન
આજે દુનિયામાં મોતિયોની તકલીફને લીધે દોઢેક કરોડ જેટલા લોકો અંધ છે. આમ અંધાપાનું મુખ્ય કારણ મોતિયો છે. આંખના લેન્સમાં આવેલા પ્રોટીન્સ જ્યારે એકબીજા સાથે આમતેમ ભળી જાય ત્યારે, રંગદ્રવ્યને કારણે એક પડ રચાય છે. એનાથી દૃષ્ટિ ઝાંખી પડી જાય છે, જેને મોતિયો કહે છે. ઘણાં વર્ષો તડકામાં રહેવાથી ખતરનાક યુવી કિરણોની અસર આંખો પર પડે છે જેનાથી પણ મોતિયો થાય છે. એવો અંદાજ છે કે મોતિયાના લગભગ ૨૦ ટકા કેસમાં લોકોને તડકામાં વધારે સમય રહેવાથી એ થાય છે કે પછી વધી જાય છે.
વિષુવવૃત્તના વિસ્તારમાં યુવી કિરણોની અસર વધારે ખતરનાક હોવાથી, ત્યાં વધારે લોકોને મોતિયો થાય છે. દુઃખની વાત છે કે આ વિસ્તારમાં આફ્રિકા, એશિયા, મધ્ય
ને દક્ષિણ અમેરિકા જેવા ઘણા ગરીબ દેશો છે. ત્યાંના લોકો પાસે પૈસા નથી કે મોતિયો કઢાવી શકે. એટલે ત્યાં રહેતા લાખો ને લાખો લોકો અંધ છે.ચામડીને નુકસાન પહોંચે છે
દુનિયામાં જેટલા લોકોને કૅન્સર થાય છે એમાંથી ત્રીસેક ટકાને સ્કીન કૅન્સર હોય છે. એમાંય મેલાનોમાથી ઓળખાતું સ્કીન કૅન્સર સૌથી ભયાનક છે. દુનિયામાં દર વર્ષે મેલાનોમા સ્કીન કૅન્સરના લગભગ ૧,૩૦,૦૦૦ નવા કેસ ઉમેરાય છે. એ ઉપરાંત સ્કીન કૅન્સરના બીજા પ્રકાર પણ છે, જે દર વર્ષે વીસથી ત્રીસ લાખ લોકોને થાય છે. જેમ કે, બેસલ સેલ કાર્સોનોમા અને સ્કવેમસ સેલ કાર્સોનોમા. એક અંદાજ પ્રમાણે, દર વર્ષે લગભગ ૬૬,૦૦૦ લોકો સ્કીન કૅન્સરને લીધે મરણ પામે છે.
કઈ રીતે સૂર્યપ્રકાશથી ચામડીને નુકસાન થાય છે? મોટા ભાગના કિસ્સામાં, તાપમાં વધારે રહેવાથી ચામડી બળી જાય છે. એને સનબર્ન કે ઇરીથીમા કહેવાય છે. એની અસર દિવસો સુધી રહે છે. એનાથી કદાચ ચામડીમાં ફોલ્લા થાય કે પછી છાલની જેમ એ ઊખડી જાય છે.
સનબર્ન થાય ત્યારે, ચામડીના ઉપરના ભાગમાં આવેલા મોટા ભાગના કોષ યુવીના રેડિએશન કિરણોથી મરી જાય છે. એની સાથે ચામડીમાં ઊંડે સુધી પણ નુકશાન પહોંચે છે. તાપમાં રહેવાથી ચામડીનો રંગ બદલાય ત્યારે સમજવું કે એ જોખમ છે. એનાથી જ્યારે ડીએનએ કોષોને નુકસાન થાય છે ત્યારે કૅન્સરનો રોગ શરૂ થઈ શકે. સૂર્યપ્રકાશથી ચામડીનો આકાર બદલાઈ જાય છે. એ ખરબચડી બની જઈ શકે, વહેલી કરચલીઓ પડે અને ચામડી ઢીલી પણ પડી જાય. તેમ જ જરા કંઈક વાગે તો તરત જ કાળા દાઘ પડી જાય.
રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે
અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે તડકામાં વધારે રહેવાથી ચામડી સૂર્યના વધુ પડતા યુવી રેડિએશન કિરણો શોષી લે છે. એનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ કે ઈમ્યુન સિસ્ટમના અમુક ભાગોને ખરાબ રીતે અસર થાય છે. એ કારણથી વ્યક્તિનું શરીર અમુક રોગ સામે સારી રીતે લડી પણ ન શકે. અરે, થોડો સમય તાપમાં રહેવાથી બેક્ટેરિયા, ફંગસ કે પરજીવીથી થતી બીમારી કે વાઇરલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. ઘણાએ નોંધ્યું છે કે તાપને કારણે તેઓને વારંવાર કોલ્ડ સૉર અથવા
હર્પીસ કે મોતીઝરાના દાણા થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનો રિપોર્ટ જણાવે છે કે યુવીબી નામથી ઓળખાતો અલ્ટ્રાવાયોલેટ કિરણોનો એક પ્રકાર ‘રોગપ્રતિકારક શક્તિને નબળી પાડી દે છે. એના લીધે વ્યક્તિને જ્યારે કોલ્ડ સૉર થાય છે ત્યારે, એ હર્પીસ કે મોતીઝરા સામે લડી શકતી નથી. એ કારણથી વારંવાર કોલ્ડ સૉર પાછો ઊથલો મારે છે.’તેથી સૂર્યપ્રકાશથી થતા કૅન્સરની વાત કરીએ તો, એ એક કાંકરે બે પક્ષી મારે છે! એક તો, એ ડીએનએ ટિસ્યુને સીધું નુકસાન પહોંચાડે છે. બીજું, શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી પાડી દે છે, જે પછી શરીરને થતા નુકશાન સામે લડી શકતું નથી.
તેથી વધુ પડતા ખુલ્લી રીતે તાપમાં ન ફરીએ માટે જરૂરી પગલાં લેવાં જ જોઈએ. નહિતર એની આપણી તંદુરસ્તી અને જીવન પર જરૂર માઠી અસર પડશે. અરે, આપણું જીવન ખતરામાં આવી જઈ શકે. (g09 06)
[પાન ૧૪ પર બોક્સ]
તાપથી પોતાનું રક્ષણ કરો
◼ સવારના ૧૦થી બપોરના ૪ વાગ્યા દરમિયાન શક્ય હોત તો બહાર ન નીકળો. ત્યારે સૂર્યના યુવી રેડિએશન કિરણો વધારે ખતરનાક હોય છે.
◼ બની શકે તેમ છાંયડામાં રહો.
◼ હાથપગ પૂરેપૂરા ઢંકાય એવા ઢીલા કપડાં પહેરો. તડકો શરીરને વાગે એવા પાતળાં કપડાં ન પહેરો.
◼ એવી મોટી હેટ પહેરો જે તમારા આંખ, કાન, ચહેરો અને ગરદનના પાછળના ભાગને પણ તડકામાં રક્ષણ આપે.
◼ ચહેરાની બંને સાઈડમાં પણ આંખો ઢંકાય એવાં સનગ્લાસ ગોગલ્સ પહેરો. યુવીએ અને યુવીબી જેવા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ૯૯-૧૦૦ ટકા રક્ષણ આપતાં સનગ્લાસીસ વધારે સારા. એનાથી આંખોને સારું રક્ષણ મળે છે.
◼ ઓછામાં ઓછું ૧૫ સનપ્રોટેક્શન ફેક્ટર (એસ.પી.એફ) ધરાવતી સનસ્ક્રીન ક્રીમ દર બે બે કલાકે પૂરતી લગાવો.
◼ અમુક લોકો પોતાની ચામડીનો રંગ બદલવા સૂર્યનો કૃત્રિમ તડકો લે છે. એ માટે વપરાતા ટેનીંગ બેડ, સનલેમ્પ કે સન બેડમાં ખાસ લેમ્પથી યુવી રેડિએશન કિરણોનો મારો ચલાવવામાં આવે છે. પણ એનાથી ચામડીને નુકસાન થાય છે. આ રીતે ટેનીંગ ન કરવા વિશ્વ આરોગ્ય સંસ્થા સલાહ આપે છે.
◼ બેબી અને નાનાં બાળકોની ચામડી વધારે કોમળ હોવાથી તેઓને તો ખાસ તાપથી બચાવવા જોઈએ.
◼ તડકામાં કદી સૂવું નહિ.
◼ ચામડી પર તલ, મસા જેવા કોઈ પણ ચાંદાં પડે અને વધે તો તરત જ તમારા ડૉક્ટરને એ બતાવવું જોઈએ.