હું બીજા ધર્મમાં માનું એમાં કંઈ ખોટું છે?
બાઇબલ શું કહે છે
હું બીજા ધર્મમાં માનું એમાં કંઈ ખોટું છે?
અવતાર એક શીખ પરિવારમાં મોટી થઈ. તે બાઇબલ વિષે શીખવા લાગી ત્યારે, તેનો પરિવાર બહુ જ ગુસ્સે ભરાયો. અવતારે કહ્યું: ‘અમારા દેશમાં કોઈ ધર્મ બદલે તો એ ખોટું કહેવાય. અરે, અમારાં નામમાં પણ ધર્મનો રંગ હોય છે. લોકોનું માનવું છે કે જો વ્યક્તિ ધર્મ બદલે, તો તે પોતાની સંસ્કૃતિ છોડી દે છે. પરિવારનું નાક કાપે છે. એટલે કુટુંબ અને સમાજ એ વ્યક્તિ સાથેનો રિશ્તો તોડી નાખે છે.’
અવતાર યહોવાહની સાક્ષી બની. શું તેણે પોતાનો ધર્મ બદલીને કંઈ ખોટું કર્યું? જો એ તમારા ઘરમાં થયું હોત, તો કદાચ તમને પણ અવતારના પરિવારની જેમ લાગ્યું હોત. તમને થશે કે ધર્મ તો આપણી સંસ્કૃતિ છે, એ કદીયે બદલવો ન જોઈએ.
કુટુંબની આબરૂ જાળવવી બહુ જ મહત્ત્વની છે. એટલે બાઇબલ કહે છે: ‘તારા પિતાનું કહેવું સાંભળ.’ (નીતિવચનો ૨૩:૨૨) પણ એ સાથે ખરા ઈશ્વર વિષે સનાતન સત્ય જાણવું વધારે મહત્ત્વનું છે. (યશાયાહ ૫૫:૬) એ આપણે ક્યાંથી જાણી શકીએ? એ જાણવું તમારા માટે કેટલું મહત્ત્વનું છે?
સનાતન સત્યની શોધ
દુનિયાના બધા ધર્મો પોતપોતાના વિચારો શીખવે છે. એક આમ કહેશે, તો બીજો તેમ. બધા જ સાચા ન હોઈ શકે. આજે એવા કરોડો લોકો છે જેઓ વિષે બાઇબલ કહે છે કે ‘ઈશ્વર ઉપર તેઓની આસ્થા છે ખરી, પણ તે જ્ઞાન વગરની છે.’ (રૂમી ૧૦:૨) પાઊલ નામના એક ઈશ્વરભક્તે લખ્યું: ‘સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી ઈશ્વરની ઇચ્છા છે.’ (૧ તીમોથી ૨:૪) આ સત્યનું સંપૂર્ણ જ્ઞાન ક્યાંથી મળે છે?
સત્યનું જ્ઞાન બાઇબલમાંથી મળે છે. તમે પોતે એ ધર્મગ્રંથ તપાસી શકો. ઈશ્વરની પ્રેરણાથી પાઊલે આ ધર્મગ્રંથ વિષે લખ્યું કે એમાંનું ‘દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે શિક્ષણને અર્થે ઉપયોગી છે.’ (૨ તીમોથી ૩:૧૬) તમે સત્યનું જ્ઞાન શોધો તેમ, બાઇબલ તપાસવાનું ચૂકતા નહિ. તમે પોતે તપાસી જુઓ કે એમાં સત્ય છે. એમાં જણાવેલી ભવિષ્યવાણીઓ પૂરી થઈ છે. એનો ઇતિહાસ પણ ચોકસાઈથી ભરેલો છે.
ઘણા લોકો માને છે કે બધા ધર્મો એક જ ઈશ્વર તરફ દોરી જાય છે. પણ બાઇબલ એવું શીખવતું નથી. એ ચેતવે છે કે કંઈ પણ માની લેવાને બદલે “પહેલાં ખાતરી કરો કે એ સંદેશો ઈશ્વર તરફથી છે કે નહિ.” (૧ યોહાન ૪:૧, IBSI) એ સંદેશો ઈશ્વર પાસેથી આવતો હોય તો, એમાં તેમના ગુણો જોવા મળશે. ખાસ કરીને પ્રેમ, જે તેમનો મહાન ગુણ છે.—૧ યોહાન ૪:૮.
ઈશ્વર ચાહે છે કે આપણે તેમને ‘શોધીએ.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬, ૨૭) તેમની મરજી છે કે આપણે સનાતન સત્ય શોધીએ. સત્ય મળ્યા પછી, એ પ્રમાણે ચાલવા ધર્મ બદલવો પડે તોપણ શું એ ખોટું કહેવાય? જો એનાથી કોઈ મુશ્કેલી ઊભી થાય, તો શું કરવું જોઈએ?
પરિવારને ખુશ કરશો કે ઈશ્વરને?
જ્યારે કોઈ પોતાનો ધર્મ બદલે ત્યારે તે કદાચ અમુક રીતરિવાજો કે તહેવારો પાળવાનું બંધ કરશે. કુટુંબને કદાચ એ ન પણ ગમે અને તેઓ ગુસ્સે થાય. એટલે જ ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: ‘માણસને તેના બાપની સામે અને દીકરીને તેની માની સામે અને વહુને તેની સાસુની સામે કરવાને હું આવ્યો છું.’ (માત્થી ૧૦:૩૫) શું ઈસુ એમ કહેવા માંગતા હતા કે જે કોઈ બાઇબલ શીખશે, યહોવાહ ઈશ્વર વિષે શીખશે એના ઘરમાં અશાંતિ ફેલાશે? ના. પણ તે જોઈ શકતા હતા કે વ્યક્તિ બીજો ધર્મ સ્વીકારે અને કુટુંબમાં અમુકને નહિ ગમે તો, શું બની શકે છે.
તો પછી શું તમારે કુટુંબને ખુશ રાખવા સનાતન સત્યની શોધ છોડી દેવી જોઈએ? ના. ખરું કે બાઇબલ શીખવે છે કે બાળકોએ પોતાનાં માબાપનું માનવું જોઈએ. પત્નીએ પોતાના પતિને આધીન રહેવું જોઈએ. (એફેસી ૫:૨૨; ૬:૧) પણ ભક્તિની વાત આવે છે ત્યારે બાઇબલ કહે છે: ‘માણસોના કરતાં ઈશ્વરનું વધારે માનવું જોઈએ.’ (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯) એટલે ઈશ્વરને વળગી રહેવા, કદાચ એવો ફેંસલો લેવો પડે જે બધાને નહિ ગમે.
સનાતન સત્ય અને માણસોએ બનાવેલા ધર્મોના શિક્ષણ વચ્ચેનો તફાવત બાઇબલ સાફ સાફ બતાવે છે. દરેકે શું માનવું એ પોતે પસંદ કરવાનું છે. ઈશ્વર કોઈને બળજબરી કરતા નથી. (પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦) તેથી, કોઈએ કોઈને ધર્મ બદલવા બળજબરી કરવી ન જોઈએ. અથવા કુટુંબ કે ધર્મમાંથી એક પસંદ કરવાનું દબાણ પણ કરવું ન જોઈએ. શું બાઇબલ ખરેખર કુટુંબમાં ભાગલા પાડે છે? ના, બાઇબલ તો શીખવે છે કે કોઈ પતિ-પત્ની ભલે જુદો ધર્મ પાળતા હોય તોપણ સાથે જ રહેવું જોઈએ.—૧ કોરીંથી ૭:૧૨, ૧૩.
ગભરાવ નહિ
કદાચ તમને ડર લાગે કે યહોવાહના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખીશ તો, સમાજ શું કહેશે? મરિયમ્મા કહે છે: ‘હું બાઇબલ વિષે શીખવા લાગી ત્યારે, મારા કુટુંબે બહુ વિરોધ કર્યો. તેઓને થયું કે ધર્મ બદલવાથી કોઈ મારી સાથે લગ્ન કરવા તૈયાર નહિ થાય.’ તેમ છતાં મરિયમ્મા બાઇબલ વિષે શીખતી રહી. યહોવાહ ઈશ્વર પર પૂરો ભરોસો મૂક્યો. (ગીતશાસ્ત્ર ૩૭:૩, ૪) તમે પણ એમ જ કરી શકો છો. તમે બાઇબલનું શિક્ષણ લો છો, એના લીધે કોણ શું કહેશે એનો ડર રાખવાને બદલે, એનાથી ઈશ્વર કેવા આશીર્વાદ આપે છે એ વિચારો. બાઇબલનું શિક્ષણ વ્યક્તિમાં સારો સ્વભાવ કેળવે છે, જીવન સુધારે છે. કુટુંબમાં બધા એકબીજાને દિલથી પ્રેમ બતાવવાનું શીખે છે. ગાળો બોલવી, મારપીટ કરવી, એવો તીખો સ્વભાવ છોડવા બાઇબલ મદદ કરે છે. દારૂ અને ડ્રગ્સની લતમાંથી બહાર નીકળવા મદદ કરે છે. (૨ કોરીંથી ૭:૧) બાઇબલ આપણને મહેનત, ઇમાનદારી અને વફાદારી જેવા ગુણો કેળવવા ઉત્તેજન આપે છે. (નીતિવચનો ૩૧:૧૦-૩૧; એફેસી ૪:૨૪, ૨૮) તો પછી કેમ નહિ કે તમે બાઇબલમાંથી સનાતન સત્ય શીખતા રહો અને એના લાભ મેળવો! (g09 07)
શું તમે કદી વિચાર્યું છે?
◼ મારે કેમ મારી માન્યતા વિષે ઝીણવટથી તપાસ કરવી જોઈએ?—નીતિવચનો ૨૩:૨૩; ૧ તીમોથી ૨:૩, ૪.
◼ તમે કઈ રીતે સનાતન સત્ય પારખશો?—૨ તીમોથી ૩:૧૬; ૧ યોહાન ૪:૧.
◼ કુટુંબને ખુશ રાખવા શું તમારે સનાતન સત્યની શોધ છોડી દેવી જોઈએ?—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯.
[પાન ૩૧ પર બ્લર્બ]
બાઇબલનું શિક્ષણ વ્યક્તિમાં સારો સ્વભાવ કેળવે છે, જીવન સુધારે છે
[પાન ૩૧ પર ચિત્ર]
મરિયમ્મા અને તેના પતિ