સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એકલા મા કે બાપ કુટુંબને સુખી બનાવી શકે!

એકલા મા કે બાપ કુટુંબને સુખી બનાવી શકે!

એકલા મા કે બાપ કુટુંબને સુખી બનાવી શકે!

એમ કહેવામાં આવે છે કે જેમ અમુક પ્રાણીઓની જાતિ નાબૂદ થવાના જોખમમાં છે, તેમ માબાપ બંને મળીને ઉછેરતાં હોય એવાં કુટુંબો નાબૂદ થવાના જોખમમાં છે. જરા વિચાર કરો, અમેરિકામાં ૧.૩ કરોડ લોકો એકલે હાથે પોતાનાં બાળકોને મોટાં કરે છે. તેઓને સીંગલ પેરેન્ટ કહેવાય છે. એમાં મોટા ભાગે એવી સ્ત્રીઓ છે, જેઓને લગ્‍ન કર્યા વગર બાળકો થયાં છે. એક સંશોધન મુજબ, એવો સમય આવશે જ્યારે અમેરિકાના આશરે પચાસ ટકા યુવાનો થોડો સમય ફક્ત મા કે બાપ સાથે રહેતા હશે.

જો તમે એકલે હાથે બાળક મોટું કરતા હો, તો શું કુટુંબ સુખી બનાવી શકો? હા, ચોક્કસ. નીચેનાં અમુક સૂચનો અમલમાં મૂકી જુઓ.

પોતાને લાચાર ન ગણો. બાઇબલ કહે છે: ‘વિપત્તિવાનના સર્વ દિવસો દુઃખી છે; પણ ખુશ દિલવાળાને સદા મિજબાની છે.’ (નીતિવચનો ૧૫:૧૫) ખરું કે તમારું જીવન એક મિજબાની જેવું તો નથી. પણ ઉપરની કલમ પ્રમાણે, આપણો આનંદ કોઈ સંજોગો પર નહિ, આપણા સ્વભાવ પર આધાર રાખે છે. (નીતિવચનો ૧૭:૨૨) એમ ન માનશો કે હવે બાળક પાસે ફક્ત મા કે બાપ હોવાથી તેઓ સુખી નહિ થાય. અથવા પરિવારની હાલત કદીયે સુધરશે જ નહિ. પોતાને લાચાર ગણશો તો, જવાબદારી ઉપાડવી વધારે મુશ્કેલ લાગશે. તમે હિંમત હારી જશો.—નીતિવચનો ૨૪:૧૦.

સૂચન: તમારા સંજોગમાં જે બાબતો ગમતી નથી, એનું લીસ્ટ બનાવો. એ દરેક મુદ્દાની બાજુએ એક એવી સારી બાબત લખો, જે તમારા વિચારોને બદલવા મદદ કરશે. જો તમે એમ લખ્યું હોય કે ‘આ જવાબદારી હું નહિ ઉપાડી શકું,’ તો એની બાજુમાં આવું કંઈક લખી શકો: ‘હું એકલા હાથે બાળકો મોટા કરી શકીશ. જરૂર પડે તો મદદ પણ માગીશ.’—ફિલિપી ૪:૧૩.

પૈસા સાચવીને વાપરો. સીંગલ પેરેન્ટ અને ખાસ કરીને કુંવારી માતા માટે, પૈસાની તંગી સૌથી મોટી તકલીફ છે. પણ થોડી કરકસર કરવાથી તકલીફ ઓછી થઈ શકે છે. બાઇબલ કહે છે: “ડાહ્યો માણસ હાનિ [તકલીફ] આવતી જોઈને સંતાઈ જાય છે.” (નીતિવચનો ૨૨:૩) તમને પૈસાની તકલીફ ન પડે એ માટે અગાઉથી બજેટ બનાવો.

સૂચન: એક મહિના સુધી આવક-જાવકનો હિસાબ રાખો. પછી જુઓ કે પૈસા ક્યાં વપરાયા છે. શું તમે ક્રેડીટ કાર્ડનો મન ફાવે એમ ઉપયોગ કરો છો? એકલા મા કે બાપ હોવાથી શું તમે બાળકોને ખુશ રાખવા વારે ઘડીએ ભેટ ખરીદો છો? જો બાળકો સમજણાં હોય તો કેમ નહિ કે તેઓ સાથે વાત કરો કે કઈ રીતે પૈસા બચાવી શકાય. એનાથી તેઓ પણ ભાવિમાં સાચવીને પૈસા વાપરતા શીખશે. કદાચ તેઓ પાસેથી પણ કોઈ ઉપયોગી સૂચન જાણવા મળે!

તમારા અગાઉના પતિ કે પત્ની સાથે શાંતિથી વર્તો. છૂટાછેડા લીધા હોય તો કદાચ તમારું બાળક તમારા બંને સાથે વારાફરતી થોડો સમય રહેવા જાય. એવા સંજોગમાં તમારાથી છૂટા પડેલા પતિ કે પત્ની વિષે બાળકોના કાન ન ભંભેરો. તમારાં બાળકો પાસે જાસૂસી ન કરાવો. એનાથી તો બાળકને જ નુકસાન થશે. * છૂટા પડેલા લગ્‍નસાથી સાથે બાળકોના ભલા માટે સારો વહેવાર રાખવા કોશિશ કરો. આમ તમે સંપથી બાળકોની સંભાળ રાખી શકશો. તેઓને લગતી કોઈ પણ તકલીફ સુધારી શકશો. બાઇબલ આ ઉત્તેજન આપે છે: “જો બની શકે, તો ગમે તેમ કરીને સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો.”—રૂમી ૧૨:૧૮.

સૂચન: જો તમારાથી છૂટા પડેલા લગ્‍નસાથી સાથે કોઈ વાર મતભેદ થાય તો શું કરશો? જેમ તમે નોકરી પર બધા સાથે વહેવાર રાખો છો, એવો વહેવાર તેમની સાથે પણ રાખો. નોકરી પર બહુ ગમતા ન હોય તેઓ સાથે પણ તમે અમુક હદે સારો વહેવાર રાખો છો. તમારા અગાઉના પતિ કે પત્ની સાથે પણ એ રીતે જ વર્તો. ખરું કે બધી બાબતોમાં તમે સહમત નહિ હોવ. પણ જો સંપ જાળવી રાખવા કોશિશ કરશો, તો ઈંટનો જવાબ પથ્થરથી નહિ આપો!—લુક ૧૨:૫૮.

બાળકો માટે સારો દાખલો બેસાડો. વિચારો કે ‘મારાં બાળકોમાં કેવા સંસ્કાર જોવા માંગું છું? શું હું પોતે એ સારા ગુણો બતાવું છું?’ જેમ કે એકલે હાથે બાળકો ઉછેરતા હોવા છતાં, શું તમે મોટા ભાગે ખુશ રહો છો? કે પછી તમે હિંમત હારી બેઠા છો? છૂટા પડેલા સાથીને લીધે શું તમારું દિલ કડવાશથી ભરાઈ ગયું છે? કે પછી કોઈ અન્યાય સહીને પણ હિંમત અને આનંદથી જીવો છો? (નીતિવચનો ૧૫:૧૮) ખરું કે આવી મુશ્કેલીઓ સહેવી સહેલું નથી. એમાં સુધારો કરવામાં કદાચ તમે ભૂલ પણ કરી બેસો. પણ યાદ રાખો, તમે જે રીતે વર્તો એ તમારાં બાળકો જુએ છે. તેઓ પણ તમારા જ પગલે ચાલશે.

સૂચન: તમારાં બાળકો મોટાં થાય ત્યારે, દરેકમાં કયા ત્રણ ગુણો જોવા માંગો છો, એ લખી લો. * દરેક ગુણની બાજુમાં લખો કે તમે હમણાંથી એ ગુણ કઈ રીતે બતાવશો, જેથી તમારું બાળક એ જોઈને શીખે.

પોતાની સંભાળ રાખો. એકલે હાથે બાળકો ઉછેરો તેમ, તમારું જીવન બહુ જ બીઝી હશે. જો ખ્યાલ નહિ રાખો તો થાકીને લોથપોથ થઈ જશો. કદાચ નિરાશામાં પણ ડૂબી જાવ. એવું તમારી સાથે ન થાય એનું ધ્યાન રાખો. ઈશ્વર સાથે તમારો નાતો મક્કમ રાખો, એ બહુ મહત્ત્વનું છે. (માત્થી ૫:૩) જેમ પેટ્રોલ વગર કાર લાંબું નહિ ચાલે, તેમ પોતાના માટે સમય કાઢ્યા વગર તમે લાંબું નહિ ટકશો.

બાઇબલ કહે છે કે જીવનમાં “હસવાનો વખત” અને મોજમઝા કરવાનો વખત હોય છે. (સભાશિક્ષક ૩:૪) તેથી એમ ન સમજો કે મોજમઝા કરવી ફક્ત સમયનો બગાડ છે. થોડો આરામ ને મોજમઝાથી તમને તાજગી મળશે. પછી તમે ફરી તન-મનથી કુટુંબની સંભાળ રાખી શકશો.

સૂચન: એકલા હાથે બાળકો મોટા કરતા હોય, તેઓ સાથે વાત કરો. પૂછો કે તેઓ કઈ રીતે પોતાની પણ સંભાળ રાખે છે. ખરું કે ‘જે મહત્ત્વનું છે એ તમારે પારખી’ લેવું જોઈએ, પણ સાથે સાથે શું તમે દર અઠવાડિયે મનગમતી બાબત કરી શકો છો? (ફિલિપી ૧:૧૦) કેમ નહિ કે તમે એ લખી લો અને નક્કી કરો કે એ ક્યારે કરશો. (g09 10)

[ફુટનોટ્‌સ]

^ વધારે જાણવા આ અંકના પાન ૧૮-૨૧ પરનો લેખ જુઓ: “વિખરાયેલો માળો—બાળકોનાં કુમળાં દિલ પર થતી અસર.”

^ “માન,” “વાજબીપણું” અને “ક્ષમા” અમુક ગુણો છે, જેની ચર્ચા આ અંકના પાન ૬-૮ પર થઈ છે.