સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચોથી રીત માન આપો

ચોથી રીત માન આપો

ચોથી રીત માન આપો

‘ઝગડા અને કઠોર વચનો તમારામાંથી દૂર કરો.’—એફેસી ૪:૩૧.

આનો અર્થ શું થાય. દરેક ઘરમાં વાસણ તો ખખડવાંનાં જ! પણ સુખી કુટુંબમાં મતભેદનો ઇલાજ શાંતિથી શોધવામાં આવે છે. એકબીજાને ટોણાં મારીને, અપમાન કરીને કે બૂમબરાડા પાડીને નહિ. જેમ કુટુંબમાં દરેક ચાહે છે કે પોતાની સાથે બધા સારી રીતે વર્તે, તેમ તેઓ પણ બીજાઓ સાથે સારી રીતે વર્તે છે.—માત્થી ૭:૧૨.

એ કેમ મહત્ત્વનું છે. આપણા કડવાં વેણ કોઈના દિલ પર એવા જખમ પાડી શકે, જે રૂઝવા મુશ્કેલ બની જાય. બાઇબલમાં એક કહેવત છે કે ‘કજિયાખોર તથા ચિડિયલ સ્ત્રી સાથે રહેવા કરતાં ઉજ્જડ પ્રદેશમાં રહેવું સારું.’ (નીતિવચનો ૨૧:૧૯) કજિયાખોર પુરુષના કિસ્સામાં પણ એમ જ કહી શકાય. માબાપને બાઇબલ કહે છે કે ‘તમારાં છોકરાંને ચીડવો નહિ, જેથી તેઓ નિરાશ ન થાય.’ (કોલોસી ૩:૨૧) જો બાળકોને ટોક-ટોક કરવામાં આવે, તો તેઓને થશે કે ‘હું મારા માબાપને કદીયે ખુશ કરી નહિ શકું.’ પછી તો તેઓ પ્રયત્ન પણ નહિ કરે.

આમ કરી જુઓ. તમારા કુટુંબમાં એકબીજા માટે કેટલું માન છે, એ જોવા નીચેના સવાલો પર વિચાર કરો:

મારા કુટુંબમાં મતભેદ થાય ત્યારે, શું કોઈ ગુસ્સે ભરાઈને ત્યાંથી નીકળી જાય છે?

હું મારા લગ્‍નસાથી કે બાળક સાથે વાત કરું ત્યારે ‘બુદ્ધુ,’ ‘અક્કલના ઓથમીર,’ કે ‘બેવકૂફ’ જેવા અપમાન કરતા શબ્દો વાપરું છું?

શું હું એવા વાતાવરણમાં મોટો થયો છું, જ્યાં બધા આવા શબ્દોથી એકબીજાનું અપમાન કરતા?

આટલું જરૂર કરો. કુટુંબમાં બીજાને વધારે માન બતાવી શકો એ માટે એક-બે ધ્યેયો બાંધો. (સૂચનો: બીજાઓ તરફ આંગળી ચીંધવાને બદલે, પોતાનાથી વાક્ય શરૂ કરો. જેમ કે, ‘તું હંમેશાં . . . ’ એમ કહેવાને બદલે ‘મને ખોટું લાગી જાય છે, જ્યારે તું . . . ’)

કેમ નહિ કે તમારા જીવનસાથીને એ ધ્યેયો વિષે જણાવો. ત્રણેક મહિના પછી તેમને પૂછો કે તમે કેવો સુધારો કર્યો છે.

બાળકોને જેમતેમ બોલી ન જવાય એ માટે તમે કઈ રીતે પોતાની જીભ કાબૂમાં રાખશો એનો વિચાર કરો.

તમે બાળકને કઠોર રીતે કે જેમતેમ બોલી ગયા હોય તો, તેઓની માફી માંગતા અચકાશો નહિ. (g09 10)

[પાન ૬ પર ચિત્ર]

ઊછળતાં મોજાં ખડકને ધીમે ધીમે તોડી નાખે છે તેમ, કડવાં વેણ કુટુંબને ધીમે ધીમે તોડી પાડે છે