સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મમ્મી-પપ્પાને વધારે સારી રીતે જાણવા શું કરું?

મમ્મી-પપ્પાને વધારે સારી રીતે જાણવા શું કરું?

યુવાનો પૂછે છે

મમ્મી-પપ્પાને વધારે સારી રીતે જાણવા શું કરું?

જેસિકા અને તેના મમ્મી-પપ્પા અમુક મિત્રો સાથે જમવા બેઠા હતા. જમતા જમતા એક બહેનપણીએ જેસિકાની મમ્મીને કહ્યું, ‘સાંભળ તો ખરી. તે દિવસે મેં રિચર્ડને જોયો હતો. ખબર છે ને હાઇસ્કૂલનો તારો બોયફ્રેન્ડ?’

જેસિકાને એટલી નવાઈ લાગી કે હાથમાંથી ચમચી પડી ગઈ. તેણે તો કદી રિચર્ડ વિષે સાંભળ્યું ન હતું!

“અરે મમ્મી, પપ્પાના પહેલાં તારો બોયફ્રેન્ડ હતો? મને તો ખબર જ નʼતી.”

શું જેસિકા જેવું તમને થયું છે? શું તમે તમારાં માબાપ વિષે કંઈક નવું જ સાંભળ્યું છે? કદાચ તમને થાય કે ‘મમ્મી-પપ્પા વિષે હું બીજું શું નથી જાણતો?’

આપણે મમ્મી-પપ્પા વિષે બધું જ જાણતા નથી. તેઓ વિષે વધારે જાણવાથી કેવા લાભ થઈ શકે? તમે તેઓને કઈ રીતે વધારે સારી રીતે ઓળખી શકો?

માબાપ વિષે વધારે જાણો

મમ્મી-પપ્પા વિષે આપણે બધું જ જાણતા નથી, એનાં ઘણાં કારણ હોઈ શકે. એક કારણ એ કે છોકરા મોટા થઈ માબાપથી જુદા રહેતા હોય છે. ૨૨ વર્ષનો જતીન * કહે છે કે ‘હું આઠ વર્ષનો હતો ત્યારે જ મારાં માબાપે છૂટાછેડા લઈ લીધા. એ પછી વર્ષમાં અમુક જ વાર પપ્પાને મળી શકતો. તેમના વિષે એવી ઘણી બાબતો છે, જે હું જાણતો હોત તો સારું.’

તમે મમ્મી-પપ્પા સાથે વર્ષોથી રહેતા હોવ તોપણ, કદાચ તેઓએ પોતાના વિષે બધુંય જણાવ્યું નહિ હોય. આપણી જેમ જ કદાચ તેઓને પણ પોતાની ભૂલો વિષે વાત કરવાની શરમ આવે. (રૂમી ૩:૨૩) અથવા તેઓને લાગે કે એ જાણ્યા પછી કદાચ તેઓનું માન ઓછું થઈ જશે. અરે, તમે કદાચ એનો ફાયદો પણ ઉઠાવો.

જોકે, તમારા મમ્મી-પપ્પાએ પોતાના વિષે તમને બધુંય નથી જણાવ્યું, કેમ કે મોટે ભાગે એવી કોઈ વાત નીકળી ન હોય. કેતન કહે છે, “નવાઈની વાત તો એ છે કે માબાપ સાથે વર્ષોથી રહેતા હોવ, તોપણ તેઓના વિષે નવું નવું જાણવા મળે!” એટલે કેમ નહિ કે તમારાં મમ્મી-પપ્પાને વધારે સારી રીતે જાણવાનો પ્રયત્ન કરો. એના ઓછામાં ઓછા આ ચાર લાભ છે:

પહેલો લાભ: તમે મમ્મી-પપ્પા વિષે જાણવા માંગો છો, એ તેઓને ગમે પણ ખરું. તમારા મમ્મી-પપ્પા ખુશ થશે કે તમને તેઓ વિષે વધારે જાણવામાં રસ છે. શક્ય છે કે પછીથી તેઓ તમારી સાથે વધારે સમજી-વિચારીને વર્તે.—માત્થી ૭:૧૨.

બીજો લાભ: તમારાં માબાપના વિચારો તમે વધારે સારી રીતે સમજી શકશો. શું તમારાં માબાપને પહેલાં પૈસાની તંગી હતી? એ જાણીને તમે સમજી શકશો કે તેઓ કેમ હજુ કરકસર કરે છે.

એ રીતે તમારાં માબાપના વિચારો જાણવાથી તમને મદદ મળશે. મયૂર નામનો યુવાન કહે છે, ‘મારાં મમ્મી-પપ્પાના વિચારો ને લાગણી જાણીને મને જ લાભ થયો છે. હવે હું બોલતા પહેલાં વિચારું છું કે એની તેઓ પર કેવી અસર પડશે.’—નીતિવચનો ૧૫:૨૩.

ત્રીજો લાભ: તમને તમારા દિલની વાત કહેવાનું સહેલું લાગશે. ૧૮ વર્ષની અનીતા કહે છે કે ‘મને એક છોકરો ગમતોʼતો. પણ થતું કે પપ્પાને કેવી રીતે જણાવું? મેં જ્યારે એ વિષે જણાવ્યું, ત્યારે તેમણે મને મનની વાત કહી. તેમણે જણાવ્યું કે કઈ રીતે પોતે પહેલી વાર પ્રેમમાં પડ્યા અને તેમને કેવું લાગ્યું હતું. એ પણ જણાવ્યું કે એ છોકરી સાથે સંબંધ તોડી નાખતા કેટલું દુઃખ થયું હતું. પછી તો મેં પણ દિલની વાત કરી.’

ચોથો લાભ: તમે કંઈક શીખી શકો. તમારાં મમ્મી-પપ્પાના અનુભવોથી તમને પોતાની તકલીફોનો ઉકેલ મળી શકે. ૧૬ વર્ષનો જેવન કહે છે, ‘અમારું કુટુંબ મોટું છે. બધાના સ્વભાવ અલગ અલગ. તોપણ મારાં માબાપે અમારું સારી રીતે પાલન-પોષણ કર્યું. ઈશ્વરના માર્ગે ચાલતા શીખવ્યું. મારે જાણવું છે કે તેઓએ કઈ રીતે આ બધું કર્યું. એમાંથી મને જરૂર ઘણું શીખવા મળશે.’ બાઇબલ સાચું જ કહે છે કે મોટી ઉંમરના લોકોમાં ‘ડહાપણ અને સમજણ હોય છે.’—અયૂબ ૧૨:૧૨.

તમે વાતચીત શરૂ કરો

મમ્મી-પપ્પાને વધારે સારી રીતે જાણવા તમે શું કરી શકો? આ અમુક સૂચનો અજમાવી શકો:

યોગ્ય સમયે વાત કરો. તમારે કોઈ ચોક્કસ ટાઇમ નક્કી કરવાની જરૂર નથી. વાતવાતમાં ગમે ત્યારે અમુક બાબત પૂછી શકો. જેમ કે સાથે રમતા હોવ, કામ કરતા હોવ, ચાલવા ગયા હોવ કે પછી મુસાફરી કરતા હોવ. આગળ જેની વાત કરી એ મયૂર જણાવે છે કે ‘કારમાં મુસાફરી કરતી વખતે મારાં મમ્મી-પપ્પા સાથે વાત કરવાની મજા પડતી. ખરું કે કાનમાં ઇયરફોન્સ નાખી મ્યુઝિક સાંભળવું કે ઊંઘી જવું સહેલું છે. જ્યારે કે વાતચીત કરવા પ્રયત્ન કરવો પડે. પણ વાતચીતથી જે જાણવા મળે છે, એના લાભ વધારે છે.’

સવાલ પૂછો. યોગ્ય સમયે પણ કદાચ તમારાં મમ્મી-પપ્પા તમને અચાનક બધું જ કહેવા નહિ લાગે. મમ્મી કહેશે નહિ કે ક્યારે તેને પહેલી વાર કોઈ છોકરો ગમી ગયો હતો. અથવા પપ્પા તરત એ નહિ કહે કે તેમણે કઈ રીતે કારનું ઍક્સિડન્ટ કર્યું હતું. પણ જો તમે પૂછો તો કદાચ કહે પણ ખરા.—શું પૂછવું એ  વિષે પાન ૧૨ પરનું બૉક્સ જુઓ.

એક જ વિષય પકડી ન રાખો. મોટે ભાગે વાતચીત તમે ધાર્યું હોય એ જ દિશામાં ન પણ જાય. તમને કદાચ થાય કે લાવ, ગાડી પાછી પાટા પર લઈ આવું. એવું ન કરતા! તમે ફક્ત માહિતી ભેગી કરવા જ વાત કરતા નથી. તમારે તો મમ્મી-પપ્પાને સારા ફ્રેન્ડ બનાવવા છે. એટલે તેઓને જે વાત કરવી હોય એ કરવા દો.—ફિલિપી ૨:૪.

સમજીને વર્તો. “અક્કલ માણસના મનમાં ઊંડા પાણી જેવી છે; પણ સમજણો માણસ તેને બહાર કાઢી લાવશે.” (નીતિવચનો ૨૦:૫) માનો કે તમારે જાણવું છે કે તમારા પપ્પાએ યુવાનીમાં કેવી કેવી ભૂલો કરી હતી. જો ફરીથી એવા સંજોગો આવે તો તે શું કરશે. પણ કદાચ તમારાં માબાપને અમુક વિષય પર વાત કરવી ન હોય. એટલે તમારે એવા સમયે સમજી-વિચારીને વર્તવું જોઈએ. સીધેસીધા એ વિષય પર સવાલ પૂછવાને બદલે, આવું કંઈ કહી શકો, “જો તમને વાંધો ન હોય તો કંઈક પૂછું? તમે . . . ”

બોલતા પહેલાં વિચારો. તમારાં મમ્મી-પપ્પા તેઓ વિષે જણાવે ત્યારે, તમે ‘સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમા થાવ.’ (યાકૂબ ૧:૧૯) તેઓની વાતો જાણીને કદીયે મશ્કરી કે અપમાન ન કરો. કે પછી એમ ન કહો, ‘તમે એવું કર્યું? માનવામાં જ નથી આવતું!’ અથવા ‘ઓહો, હવે ખબર પડી કે તમે મારી સાથે કેમ કડક બનો છો.’ એમ કહેવાથી અથવા એ વાતો કુટુંબ બહાર ફેલાવવાથી, તમારાં મમ્મી-પપ્પા ફરી વાર દિલની વાત કહેતા અચકાશે.

આજથી જ શરૂઆત કરો

તમે મમ્મી-પપ્પા સાથે રહેતા હોવ તો તેઓને વધારે સારી રીતે ઓળખવા ઉપરનાં સૂચનો બહુ કામ આવશે. સાથે ન રહેતા હોવ તોપણ માબાપને સારી રીતે ઓળખવા એ સૂચનો તમને મદદ કરી શકે. અગાઉ જણાવેલા યુવાન જતીનને પણ એનાથી મદદ મળી. મોટો થઈને હવે તે જુદો રહે છે. તે કહે છે, “હવે હું મારા પપ્પાને સારી રીતે ઓળખી રહ્યો છું. એની મને બહુ જ ખુશી છે.”

મમ્મી-પપ્પા સાથે રહેતા હોવ કે જુદા, તમે તેઓને વધારે સારી રીતે જાણી શકો છો. હજુય મોડું નથી થયું. આ લેખમાંનાં સૂચનો તમને જરૂર મદદ કરશે. (g09 10)

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype

[ફુટનોટ્‌સ]

^ આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.

આના વિષે વિચારો કરો

◼ આ લેખમાં જણાવેલા કયા વિષય પર તમે મમ્મી-પપ્પા સાથે વાત કરશો?

◼ માબાપને વધારે સારી રીતે જાણવાથી તમે પોતાના વિષે શું શીખશો?

[પાન ૧૨ પર બોક્સ/ચિત્ર]

  તમારાં મમ્મી-પપ્પાને આવા સવાલો પૂછી શકો:

લગ્‍ન: તમે કઈ રીતે મળ્યા? શાને લીધે એકબીજાને ગમવા લાગ્યા? લગ્‍ન પછી ક્યાં રહેતા હતા?

બચપણ: તમારો જન્મ ક્યાં થયો હતો? ભાઈ-બહેનો સાથે કેવું બનતું? માબાપ બહુ કડક હતા કે છૂટ આપતા?

ભણતર: તમને સ્કૂલમાં કયો વિષય વધારે ગમતો? શું ન ગમતું? તમારા માનીતા શિક્ષક કોણ? કેમ એ ગમતા?

નોકરીધંધો: તમારી પહેલી નોકરી શાની હતી? તમને એ ગમતી? હવે જો તક મળે તો તમે કેવું કામ પસંદ કરશો?

મોજશોખ: દુનિયામાં કોઈ પણ જગ્યાએ ફરવાની તક મળે તો, પહેલા ક્યાં જશો? તમને શાનો શોખ છે? બીજું શું શીખવું ગમે?

ધર્મ: તમે પહેલાં શામાં માનતા? શાને લીધે તમને બાઇબલ વિષે જાણવાનું મન થયું? બાઇબલ પ્રમાણે જીવવા કેવી તકલીફો સહેવી પડી?

સંસ્કાર: જિગરી દોસ્ત બનવા, સારા લગ્‍નસાથી બનવા, જીવનમાં સુખી થવા કેવા ગુણો કેળવવા જોઈએ? કઈ સલાહ તમને સૌથી વધારે ગમી?

આ અજમાવી જુઓ: ઉપરના સવાલોમાંથી અમુક પસંદ કરો. વિચારો કે તમારાં મમ્મી-પપ્પા કેવો જવાબ આપશે. પછી, તેઓને એ સવાલો પૂછો. તેઓ જે કહે એને તમારા જવાબ સાથે સરખાવો.

[પાન ૧૩ પર બોક્સ]

માબાપ માટે સંદેશો

તમે તમારા પતિ, દીકરી અને અમુક ફ્રેન્ડ્‌સ સાથે જમી રહ્યા છો. વાતવાતમાં તમારી બેનપણી એક છોકરા વિષે જણાવે છે, જે તમારો બોયફ્રેન્ડ હતો. તમે તમારા પતિને મળ્યા એ પહેલાં, પેલા છોકરા સાથે હળતા-મળતા. તમારી દીકરીને એ વિષે જણાવ્યું ન હતું. એટલે હવે દીકરીને જાણવું છે. તમે શું કરશો?

મોટે ભાગે એ સારું કે તમારાં બાળકો સવાલો પૂછે. તમારા જવાબ સાંભળે. આ રીતે તેઓ તમારી સાથે વાતચીત કરે છે. બાળકો માબાપ સાથે છૂટથી વાત કરે, એ કોને ન ગમે!

તેઓને તમારા જીવન વિષે કેટલું જણાવશો? સમજી શકાય કે તમને શરમ આવે એવી વાતો કદાચ નહિ કરો. તોયે તમારી અમુક ભૂલો અને મુશ્કેલીઓ વિષે જણાવશો તો બાળકોને જ ફાયદો થશે. એ કઈ રીતે?

એક દાખલો લઈએ. ઈશ્વરભક્ત પાઊલે પોતાના વિષે કહ્યું કે ‘સારું કરવા હું ઇચ્છું છું ત્યારે ભૂંડું હાજર હોય છે. હું કેવો માણસ છું!’ (રૂમી ૭:૨૧-૨૪) યહોવાહ ઈશ્વરે પાઊલને પ્રેરણા આપી અને એ શબ્દો બાઇબલમાં આપણા લાભ માટે લખાવી લીધા. (૨ તીમોથી ૩:૧૬) એ શબ્દોમાંથી કેટલો દિલાસો મળે છે, કેમ કે ઘણી વાર આપણને પણ પાઊલ જેવું જ લાગે છે.

એવી જ રીતે તમારી પસંદ-નાપસંદ, ભૂલો વિષે જાણીને તમારાં બાળકો તમને સારી રીતે સમજી શકશે. ખરું કે તમારો જમાનો જુદો હતો. તોપણ લોકોનો સ્વભાવ બહુ બદલાયો નથી. ઈશ્વરે આપેલા સિદ્ધાંતો બદલાયા નથી. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૪૪) તમે જે રીતે તકલીફો સહન કરી અને એમાંથી પાર ઊતર્યા, એ જાણીને તમારાં બાળકોને તકલીફોમાં મદદ મળશે. કેતન નામનો યુવાન કહે છે, ‘જ્યારે ખબર પડે કે મમ્મી-પપ્પાએ પણ મારા જેવી જ તકલીફો સહી હતી, ત્યારે લાગે કે તેઓ પણ મારા જેવા જ છે. બીજી વાર મને કોઈ તકલીફ આવે ત્યારે તરત મનમાં થાય કે તેઓએ પણ કદાચ આ મુશ્કેલી સહી હશે.’

ચેતવણી: દરેક વખતે સલાહ આપીને વાતનો અંત લાવવાની જરૂર નથી. તમને કદાચ ચિંતા થાય કે તમારું છોકરું વાત સાંભળીને ખોટા નિર્ણય પર આવશે. અથવા તો કહેશે કે ‘તમે જે કર્યું, એ હું પણ કરું એમાં શું ખોટું?’ એવી ચિંતાને લીધે બાળકને ટોકો નહિ કે ‘એટલે જ તારે કદીયે એવું ન કરવું.’ એને બદલે, ટૂંકમાં જણાવો કે હવે તમને કેવું લાગે છે. જેમ કે, ‘હવે લાગે છે કે મેં એવું ન કર્યું હોત તો કેવું સારું, કેમ કે. . . ’ એ રીતે તમારી લાગણી જાણીને બાળકો પોતે શીખશે. તેઓને કોઈ ભાષણ આપવાની જરૂર નહિ પડે.—એફેસી ૬:૪.

[પાન ૧૩ પર બોક્સ]

એક વાર મેં મમ્મીને કહી દીધું કે મને મંડળના ભાઈ-બહેનો કરતાં, સ્કૂલના ફ્રેન્ડ્‌સ વધારે ગમે છે. બીજે દિવસે ટેબલ પર મમ્મી તરફથી એક પત્ર હતો. એમાં જણાવ્યું કે તેને પણ મારા જેવું જ લાગ્યું હતું. મને બાઇબલમાંથી એવા ભક્તોની યાદ અપાવી, જેઓને કોઈનો સાથ નʼતો. મમ્મીએ મને શાબાશી આપી કે મેં સારા મિત્રો બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. મને એકલીને જ નહિ, મમ્મીને પણ આ તકલીફ હતી એ જાણીને નવાઈ લાગી. મારી મમ્મીના ઉત્તેજનથી મને સારું લાગ્યું ને હું રડી પડી. એ પછી જે ખરું છે એ કરવાની મારી હોંશ વધી ગઈ.—૧૭ વર્ષની જુન્કો, જાપાન.

[પાન ૧૧ પર ચિત્ર]

મમ્મી-પપ્પાને જણાવો કે પહેલાંના ફોટા કે કોઈ ચીજ-વસ્તુઓ બતાવે. એનાથી સરસ વાતચીત શરૂ થઈ શકે