સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિખરાયેલો માળો બાળકોનાં કુમળાં દિલ પર થતી અસર

વિખરાયેલો માળો બાળકોનાં કુમળાં દિલ પર થતી અસર

વિખરાયેલો માળો બાળકોનાં કુમળાં દિલ પર થતી અસર

લગ્‍નજીવન વિષે સલાહસૂચન આપનારાને એક સમયે લાગતું હતું કે તેઓ પાસે સૌથી સારી સલાહ છે. જેઓના લગ્‍નની નાવ ડોલાં ખાતી હોય, તેઓને આ સલાહકારો કહેતા કે ‘તમે પહેલા પોતાની ખુશી જુઓ. બાળકોની ચિંતા ન કરો. હંમેશાં ઝઘડતાં માબાપ સાથે રહેવા કરતાં, છૂટાછેડા લીધેલા મા કે બાપ સાથે રહેવું તેઓ માટે વધારે સહેલું છે. તેઓ પછી ટેવાઈ જશે.’

જોકે, એવા અમુક સલાહકારોનું વલણ હવે બદલાયું છે. તેઓ કહે છે કે ‘છૂટાછેડા તો જાણે યુદ્ધ છે. એમાં બધાય, અરે બાળકો પણ ઘાયલ થાય છે.’

ચપટી વગાડતા છૂટાછેડા?

એક કોમેડી સિરીયલની કલ્પના કરો, જે સૌને ગમી જઈ શકે: મમ્મી-પપ્પાના ડિવૉર્સ. બાળકો મમ્મીને સોંપાયાં. મમ્મી કોઈ વિધુરને પરણે, જેને પણ બાળકો છે. પછી જુઓ મજા! બે જુદાં જુદાં કુટુંબો ભેગાં રહેવાથી એવી મુશ્કેલીઓ ઊભી થાય છે, જે રિયલ લાઇફમાં ભાગ્યે જ જોવા મળે છે. પણ દરેક મુશ્કેલીનો ઉકેલ ૩૦ મિનિટની સિરીયલમાં જ આવી જાય. દર અઠવાડિયે એ જોઈને હસી હસીને તમારું પેટ દુઃખી જાય.

કદાચ ઉપર જણાવેલી ટીવી સિરીયલ બે ઘડીની ગમ્મત માટે ચાલી જાય. પણ હકીકતમાં છૂટાછેડા કંઈ કોમેડી સિરીયલ નથી. એમાં બધાની લાગણી ઘવાય છે. એક લેખક કહે છે કે ‘છૂટાછેડા માટે અદાલતમાં જવું પડે. એક વ્યક્તિ બીજી સામે અદાલતમાં દાવો માંડે. તમે ડિવોર્સ લેવાનું નક્કી કરો કે તરત તમારું બાળક, તમારા પૈસા બધુંય તમારા હાથની વાત નથી રહેતી. અરે તમે ક્યાં રહેશો એય તમારા હાથમાં નથી રહેતું. કદાચ અદાલતમાં તમારી તકલીફોનો ઉકેલ આવે અને ન પણ આવે. આખરે બહારનો કોઈ માણસ એટલે ન્યાયાધીશ એ બધું નક્કી કરશે. તે કહેશે કે તમારા બાળકને કેટલી વાર મળી શકશો અને કેટલા પૈસા તમને મળશે. અફસોસની વાત છે કે તમે ધારો છો એ પ્રમાણે કદાચ ન્યાયાધીશ ન પણ કરે.’—ઈમોશનલ ઇન્ફીડેલીટી, લેખક એમ. ગેરી ન્યુમન.

મોટે ભાગે છૂટાછેડા લઈને તમે ઊલમાંથી ચૂલમાં પડો છો. રહેવાની જગ્યાથી લઈને પૈસાની બાબત સુધી બધું ઊથલપાથલ થઈ જાય છે, એ પણ સારા માટે તો નહિ જ. તેમ જ ડિવોર્સથી બાળકોના કુમળા દિલ પર થતી અસરનો પણ વિચાર કરો.

છૂટાછેડા અને યુવાન બાળકો

માબાપના છૂટાછેડા થઈ જાય ત્યારે બાળકો પર ઘણું વીતે છે, ભલે તેઓ નાનાં હોય કે મોટાં. અમુકનો દાવો છે કે યુવાનો સારી રીતે સહન કરી શકે છે. તેઓ કદાચ કહે કે યુવાનો આમેય મોટા થઈ ગયા છે અને માબાપથી છૂટા પડવાની તૈયારીમાં હોય છે. હકીકતમાં સંશોધકોને જોવા મળ્યું છે કે યુવાનો સમજુ થયા હોવાથી છૂટાછેડાથી તેઓ પર વધારે ખરાબ અસર પડે છે. * નીચેના મુદ્દાઓ વિચારો:

◼ નાનાં બાળકો કરતાં યુવાનો વધારે અસલામતી અનુભવી શકે છે. તેઓ હવે મોટા થઈ ગયા છે એવો દેખાડો કરે તોય છેતરાતા નહિ. તેઓને આ ઉંમરે એવા કુટુંબની જરૂર છે જેમાં પ્રેમભાવ હોય, સંપ હોય.

◼ યુવાનો આ ઉંમરે સારા દોસ્તો બનાવતા શીખે છે. એવામાં માબાપ ડિવોર્સ લે તો યુવાનોને ભરોસો, વફાદારી અને પ્રેમ જેવા ગુણો પરથી વિશ્વાસ ઊઠી જાય છે. મોટા થઈને તેઓ કોઈની સાથે નજીકનો સંબંધ બાંધતા કદાચ અચકાશે.

◼ બાળકોને કોઈ તકલીફ હશે તો એ કોઈ ને કોઈ રીતે દેખાઈ આવે છે. જ્યારે કે યુવાનિયાઓ તકલીફોનો ઉકેલ શોધવા જોખમી માર્ગ અપનાવે છે. કદાચ તેઓ ગમે એવા ગુના કરે, દારૂડિયા બને કે ડ્રગ્સને રવાડે ચડી જાય.

એનો અર્થ એવો નથી કે જેઓના છૂટાછેડા થયા છે, તેઓનાં યુવાન બાળકો માટે કોઈ આશા જ નથી. તેઓ જો મા અને બાપ બંને સાથે સારા સંબંધો રાખે તો ચોક્કસ સફળ થઈ શકે છે. * પણ અમુકનું કહેવું છે કે છૂટાછેડાથી ‘બાળકોનું ભલું’ થશે, અથવા પતિ-પત્ની વચ્ચેની તકલીફોનો અંત આવશે. એવું માની લેવું નાદાની છે. હકીકતમાં ‘દીઠાય ન ગમતા’ જીવનસાથી સાથે ડિવોર્સ લીધા પછી, પહેલાં કરતાં વધારે માથાકૂટ કરવી પડે છે. ખાસ કરીને પૈસા કે બાળકોને લગતા મોટા નિર્ણયો વિષે. આમ છૂટાછેડાથી કુટુંબની મુશ્કેલીઓનો અંત આવી નથી જતો, પણ જાણે કે લડાઈ એક અખાડામાંથી બીજામાં જાય છે.

લગ્‍નજીવન ટકાવી રાખો!

જો તમે પરણીને સુખી ન હોવ તો શું? કદાચ તમને લાગશે કે છૂટાછેડા જ સૌથી સારો રસ્તો છે. પણ આ લેખમાં આપણે જોઈ ગયા કે એવો નિર્ણય લેતા પહેલાં ફરીથી વિચાર કરવાની જરૂર છે. છૂટાછેડા લેવાથી લગ્‍નજીવનની બધીય મુશ્કેલીઓનો અંત આવી જતો નથી.

પણ એનો અર્થ એ નથી કે ગમે એવા ખરાબ લગ્‍નજીવનને પણ સહેતા રહો. એક બીજો રસ્તો પણ છે: તમારા લગ્‍નજીવનની તકલીફોને સુધારવા સખત પ્રયત્ન કરો.સૂચન એમ કહીને ટાળી ન દો કે ‘મારા લગ્‍નજીવનની તકલીફોનો કોઈ ઉકેલ જ નથી.’ આ સવાલો પર વિચાર કરો:

◼ ‘શરૂઆતમાં મારા લગ્‍નસાથીના કયા ગુણોએ મારું દિલ ચોરી લીધું હતું? શું અમુક હદે એ ગુણો હજુયે તેનામાં છે?’—નીતિવચનો ૩૧:૧૦, ૨૯.

◼ ‘લગ્‍ન પહેલાં તેના માટે જેવો પ્રેમ હતો, એ ફરીથી જગાડવા હું શું કરું?’—ગીતોનું ગીત ૨:૨; ૪:૭.

◼ ‘ભલે મારા જીવનસાથી ગમે એ કરે, આ મૅગેઝિનના પાન ત્રણથી નવ પરનાં સૂચનો હું કઈ રીતે પાળું?’—રૂમી ૧૨:૧૮.

◼ ‘શું હું મારા લગ્‍નસાથીને (મોઢામોઢ કે લખીને) સમજાવી શકું કે સંબંધો સુધારવા હું શું કરવા ચાહું છું?’—અયૂબ ૧૦:૧.

◼ ‘અમારા અનુભવી મિત્ર સાથે બેસીને લગ્‍નજીવનમાં સુધારો કરવા પહોંચી વળાય એવા ધ્યેયો બાંધીએ તો કેમ?’—નીતિવચનો ૨૭:૧૭.

બાઇબલ કહે છે કે “ડાહ્યો પુરુષ પોતાની વર્તણૂક બરાબર ચોક્કસ રાખે છે.” (નીતિવચનો ૧૪:૧૫) આ સિદ્ધાંત જીવનસાથી પસંદ કરતી વખતે તો લાગુ પડે જ છે. સાથે સાથે લગ્‍નજીવન ડગુમગુ થતું હોય ત્યારે પણ આ સિદ્ધાંત મદદ કરે છે. આ મૅગેઝિનના નવમા પાન પર જણાવ્યું છે તેમ, સુખી કુટુંબમાં પણ તકલીફો તો આવવાની જ છે. ફરક એટલો જ કે તેઓ એનો ઉકેલ કઈ રીતે લાવે છે.

માનો કે તમે કાર કે બાઇક પર કોઈ લાંબી મુસાફરીએ નીકળ્યા છો. રસ્તામાં તમને કોઈને કોઈ તકલીફો તો આવવાની જ. જેમ કે ધોધમાર વરસાદ પડે, ટ્રાફિક હોય કે અમુક રસ્તા બંધ થઈ ગયા હોય. અરે, તમે ભૂલા પણ પડો. હવે તમે શું કરશો? શું તમે પાછા ઘરે જતાં રહેશો? કે પછી બીજો કોઈ રસ્તો કાઢીને તમારી મંઝિલે પહોંચશો? તમારું લગ્‍નજીવન પણ એક મુસાફરી જેવું છે. લગ્‍ન કર્યું ત્યારે, તમને ખબર હતી કે મુશ્કેલીઓ તો આવશે જ, કેમ કે બાઇબલ કહે છે કે ‘જેઓ પરણે છે તેઓને દુઃખ તો આવશે.’ (૧ કોરીંથી ૭:૨૮) સવાલ એ નથી રહેતો કે મુશ્કેલીઓ આવશે કે નહિ. સવાલ તો એ છે કે તમે મુશ્કેલીઓનો ઉકેલ કઈ રીતે શોધશો? શું એવો કોઈ રસ્તો શોધી શકો જેનાથી મુશ્કેલી પાર કરીને તમારી મંઝિલ તરફ જઈ શકો? ભલે તમને લાગે કે લગ્‍નબંધન હવે તૂટું તૂટું થઈ રહ્યું છે, તોપણ એને મજબૂત બનાવવા તમે કોઈની મદદ લેશો?—યાકૂબ ૫:૧૪.

ઈશ્વરની ગોઠવણ

લગ્‍ન ગોઠવણ કંઈ જેવી-તેવી નહિ, પણ ઈશ્વરે કરેલી ગોઠવણ છે. (ઉત્પત્તિ ૨:૨૪) જ્યારે લાગે કે મારાથી આ મુશ્કેલીઓ સહન નહિ થાય, ત્યારે આ લેખમાંના મુદ્દાઓ યાદ કરો:

૧. પહેલા હતો એવો પ્રેમ જગાડવા પ્રયત્ન કરો.—ગીતોનું ગીત ૮:૬.

૨. તમે પોતે લગ્‍નજીવન સુધારવા શું કરી શકો એ વિચારો અને એમ કરો.—યાકૂબ ૧:૨૨.

૩. તમારા જીવનસાથીનું માન જાળવીને સાફ શબ્દોમાં મોઢામોઢ કે લખીને જણાવો કે લગ્‍નજીવનમાં કેવા કેવા સુધારા કરવાની જરૂર છે.—અયૂબ ૭:૧૧.

૪. બીજાની મદદ લો. તમારે એકલા એકલા જ મુશ્કેલીઓ સામે લડવાની જરૂર નથી. (g09 10)

[ફુટનોટ્‌સ]

^ આ લેખ યુવાનોની વાત કરે છે, પણ છૂટાછેડાની અસર નાનાં બાળકોને પણ થાય છે. વધારે માહિતી માટે પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે, પ્રકરણ ૪ જુઓ.

^ ખરું કે એવા સંબંધો જાળવવા હંમેશાં સહેલું તો નથી જ. ખાસ કરીને જો મા કે બાપ કુટુંબને છોડીને ચાલ્યા ગયા હોય. અથવા તો તેમને કુટુંબની કંઈ પડી જ ન હોય કે પછી કુટુંબ માટે જોખમી હોય.—૧ તીમોથી ૫:૮.

[પાન ૧૯ પર બોક્સ/ચિત્ર]

‘આ વખત ભૂલ નહિ થાય!’

સંશોધન બતાવે છે કે જો પહેલું લગ્‍ન તૂટી ગયું હોય તો બીજું પણ તૂટવાના ચાન્સીસ વધારે છે. એમાંય ત્રીજા લગ્‍નમાં તો વધારે જોખમ રહેલું છે. એમ. ગેરી ન્યુમન પોતાના પુસ્તક ઈમોશનલ ઇન્ફીડેલીટીમાં એનું એક કારણ જણાવે છે. તે લખે છે કે ‘તમારા પહેલા લગ્‍નમાં તકલીફો ઊભી થાય તો, એનું કારણ જીવનસાથીની તમારી પસંદગી નથી. એ તમે પોતે છો. તમે એ વ્યક્તિના પ્રેમમાં પડ્યા. તમે તેની સાથે એ રીતે જીવ્યા, જેના લીધે તમે આજે સુખી કે દુઃખી છો.’ અંતે ન્યુમનનું કહેવું છે કે ‘ભલાઈ એમાં છે કે તમે મુશ્કેલીઓને જીવનમાંથી કાઢો અને લગ્‍નસાથીને રાખો. નહિ કે લગ્‍નસાથીને કાઢો અને મુશ્કેલીઓને રાખો.’

[પાન ૨૧ પર બોક્સ]

જો લગ્‍નબંધન તૂટે તો . . .

બાઇબલ કહે છે કે અમુક સંજોગોમાં જ કદાચ ડિવોર્સ લેવા પડે. * તમારા કુટુંબમાં એમ થાય તો, કઈ રીતે યુવાન બાળકોને એ સહેવા મદદ કરી શકો?

તમારા બાળકને જણાવો કે શું બની રહ્યું છે. શક્ય હોય તો માબાપે મળીને બાળકને જણાવવું જોઈએ કે ડિવોર્સનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. ખાતરી કરાવો કે એમાં તેનો કંઈ જ વાંક નથી અને તમે બંને તેને ચાહતા રહેશો.

યુદ્ધ જાણે કે ખતમ થયું, હવે લડવાનું બંધ કરો. અમુક પતિ-પત્ની છૂટાછેડા પછી પણ કચકચ કરતા જ રહે છે. એક એક્સપર્ટ કહે છે કે તેઓ ‘કાયદેસર છૂટા પડી ગયા છે, પણ મનોમન લડતા જ રહે છે.’ નાની-નાની બાબતોમાં એકબીજાનો વાંક શોધવામાં એટલા ડૂબી જાય છે કે બાળકો માટે સમય જ નથી રહેતો. એનાથી તો બાળકોને ઉત્તેજન મળે છે કે પોતાનું કામ કઢાવવા માબાપને સામસામે લડાવી મારે. કદાચ કોઈ યુવાન તેની મમ્મીને કહે કે “પપ્પા તો મને મોડે સુધી બહાર ફરવા દે છે. તું કેમ મને રોકે છે?” મમ્મી નથી ચાહતી કે પોતાનું બાળક “દુશ્મનને પક્ષે” ભળી જાય, એટલે તેને મન ફાવે તેમ કરવા દે છે.

તમારા બાળકને વાત કરવા દો. તમારું યુવાન બાળક કદાચ આવું વિચારે કે ‘હવે મમ્મી-પપ્પા એકબીજાને ચાહતા નથી તો મને પણ નહિ ચાહે.’ અથવા તો ‘મારાં માબાપ નિયમ તોડી શકે તો હું કેમ ન તોડું?’ તમારા બાળકના આવા વિચારો સુધારવા અને મનમાં કોઈ ડર હોય તો એ કાઢવા તેની સાથે વાત કરો. જોઈએ એટલો સમય આપો. પણ એક ચેતવણી છે: તમે મા કે બાપ છો એ ન ભૂલો. એ તમારું બાળક છે, તેને બધી અંગત વાતો કરીને, બોજો ન નાખો.

તમારાથી છૂટા પડેલા લગ્‍નસાથી સાથે સારા સંબંધો જાળવી રાખવા બાળકને ઉત્તેજન આપો. ખરું કે છૂટાછેડા પછી તમે એકબીજાના જીવનસાથી રહેતા નથી. પણ હજી બાળકના મા કે બાપ તો છો જ. એટલે છૂટા પડેલા સાથીનું ખરાબ બોલવું ન જોઈએ. આ વિષય પર એક પુસ્તક કહે છે: “જો માબાપ છૂટાછેડાની લડાઈમાં પોતાનાં બાળકોને હથિયાર બનાવે, તો જેવું વાવે એવું લણવા તૈયાર રહેવું પડશે.”—ટીન્સ ઈન ટર્મોઈલ—એ પાથ ટુ ચેન્જ ફોર પેરન્ટ્‌સ, એડોલેસેન્ટસ એન્ડ ધેર ફેમીલીઝ.

તમારી પોતાની સંભાળ રાખો. કોઈ વાર તમે તનમનથી થાકી જશો. પણ હિંમત ન હારો. રોજબરોજનાં કામ સાથે મોજમઝા ને આરામ પણ કરો. યહોવાહના ભક્ત હોવ તો તેમની ભક્તિમાં લાગુ રહો. એનાથી તમને અને તમારા બાળકને જીવનમાં ખુશી જાળવી રાખવા મદદ મળશે.—ગીતશાસ્ત્ર ૧૮:૨; માત્થી ૨૮:૧૯, ૨૦; હેબ્રી ૧૦:૨૪, ૨૫.

[ફુટનોટ્‌સ]

^ બાઇબલ છૂટાછેડા લઈને ફરી લગ્‍ન કરવાનું ફક્ત એક જ કારણ આપે છે: જ્યારે પતિ કે પત્ની લગ્‍નસાથી સિવાય બીજા કોઈ સાથે જાતીય સંબંધ બાંધે. (માત્થી ૧૯:૯) પતિ-પત્નીમાંથી કોઈ વ્યભિચાર કરે તો, નિર્દોષ લગ્‍નસાથી એ ફેંસલો કરશે કે છૂટાછેડા લેવા કે નહિ. કોઈ સગાં કે મિત્રો એ ફેંસલો લઈ ન શકે.—ગલાતી ૬:૫.

[પાન ૨૦ પર ચિત્ર]

તમારા લગ્‍નના દિવસે આપેલું વચન પાળવા બનતું બધું જ કરો

[પાન ૨૧ પર ચિત્ર]

છૂટાછેડા પછી બાળક બંને સાથે વારાફરતી રહેતું હોય તો, તેને તમારા છૂટા પડેલા જીવનસાથી સાથે સારા સંબંધો રાખવા ઉત્તેજન આપો