સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

◼ “અમેરિકામાં આશરે તેત્રીસ ટકા છોકરીઓ વીસ વર્ષની થાય એ પહેલાં જ ગર્ભવતી બની જાય છે.”—સેન્ટર્સ ફોર ડીસીસ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન, યુ.એસ.એ.

◼ અમેરિકામાં “ઘરેલું હિંસાનો ભોગ” બનેલા ૪૨૦ પુરુષો પર થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે “દસમાંથી ત્રણ પુરુષોની મારપીટ થઈ હતી કે પછી કોઈ બીજી રીતે જુલમ કરવામાં આવ્યો હતો.”—અમેરિકન જર્નલ ઓફ પ્રીવેન્ટીવ મેડીસીન.

શું બાળક એકથી વધારે ભાષા શીખી શકે?

ઘણાં માબાપને લાગે છે કે બાળકને એકથી વધારે ભાષા શીખવીશું તો, તે માતૃભાષા પણ સરખી રીતે બોલી નહિ શકે. પણ ટોરન્ટો, કૅનેડાની એક સંશોધન ટૂકડીના કહેવા પ્રમાણે એ ખરું નથી. આ ટૂકડીના આગેવાન લોરા-એન પેટીટો મગજના ડૉક્ટર (ન્યુરૉલોજિસ્ટ) છે. તે કહે છે: ‘જન્મથી જ આપણા મગજની રચના એવી હોય છે કે એક કરતાં વધારે ભાષાઓ આસાનીથી શીખી શકીએ.’ જોવા મળ્યું છે કે એકથી વધારે ભાષાઓ બોલતાં બાળકો, સ્કૂલમાં એક જ ભાષા બોલતાં બાળકોથી વધારે હોશિયાર હોય છે. ટોરન્ટો સ્ટાર છાપું કહે છે કે “જો માબાપ પોતાનાં બાળકોને એકથી વધારે ભાષાઓ શીખવશે, તો બાળકોને ઘણા ફાયદા થશે. પણ બાળકોને બીજી ભાષા શીખવવા માટે માબાપે પોતે કંઈક કરવું જોઈએ.” (g09 10)

પોર્નોગ્રાફીથી બાળકોને થતું નુકસાન

આજકાલ નાની ઉંમરથી બાળકો ઇંટરનેટ વાપરે છે. સ્ક્રીન પર અચાનક અશ્લીલ અને હિંસક વિડીયો પણ ખૂલી જાય છે. જર્મનીની ભાષાવિજ્ઞાન સંસ્થાના ચેરમેન હાઇન્સ-પીટર મેડીન્ગરના કહેવા પ્રમાણે, બાર કે એનાથી મોટી વયના બાળકોને મોટે ભાગે ખબર હોય છે કે હિંસા કે અશ્લીલતાથી ભરેલી વિડીયોની વેબસાઈટ્‌સ ક્યાં છે. એ પણ ખબર છે કે એ કેવી રીતે જોઈ શકાય. આવાં બાળકોને જોઈને એમ જ લાગે કે તેઓને કંઈ થયું નથી. પણ આવી વેબસાઈટ જોયા પછી તેઓના કોમળ દિલ પર ઘણી ખરાબ અસર થાય છે. મેડીન્ગર માબાપોને અરજ કરે છે કે તમારાં બાળકોનાં મનમાં શું ચાલે છે એ જાણો. તેઓ કૉમ્પ્યુટરમાં શું જુએ છે એનું ધ્યાન રાખો. (g09 10)

લગ્‍ન પહેલાં જ છૂટાછેડાની તૈયારી!

સીડનીના સન્ડે ટેલિગ્રાફ છાપાનો રિપોર્ટ જણાવે છે કે ઑસ્ટ્રેલિયામાં વધુને વધુ લોકો લગ્‍ન પહેલાં એક કરાર (એગ્રીમેન્ટ) કરે છે. આ કરાર પ્રમાણે લગ્‍નસાથીએ અમુક ફરજો સ્વીકારવી પડે છે. તેઓ સહમત થાય છે કે છૂટાછેડા લે તો તેઓની મિલકતના કેવા ભાગલા પાડવા. હવે તો એવા કરાર પણ થાય છે કે લગ્‍નને ટકાવી રાખવા પતિ-પત્નીએ રોજબરોજ શું કરવું, શું ન કરવું વગેરે. દાખલા તરીકે કોણ રાંધશે, કોણ સાફ-સફાઈ કરશે, કોણ કાર ચલાવશે. તેમ જ, પાલતું પ્રાણીઓ ઘરમાં લાવવા કે નહિ, કૂતરાને કોણ ફરવા લઈ જશે, લગ્‍નસાથીએ પોતાનું કેટલું વજન જાળવી રાખવું અને કોણ કચરો નાખવા જશે વગેરે. ક્રીસ્ટીન જેફ્રેસ નામના વકીલ કહે છે કે આજકાલ લોકો “એવી બહુ અપેક્ષા રાખતા નથી કે તેઓનું લગ્‍નજીવન કાયમ ટકશે.” (g09 10)

બાળકોને વહાલ બતાવવા ફાંફાં મારતાં માબાપો

“આજકાલ એવાં માબાપોનું પ્રમાણ વધી રહ્યું છે, જેઓને ખબર નથી કે બાળકો સાથે કેવી રીતે વર્તવું, કેવી રીતે વહાલ કરવું. એટલે તેઓ માર્ગદર્શન શોધી રહ્યા છે,” ન્યૂઝવીક પોલસ્કા નામનું પોલૅન્ડનું મૅગેઝિન જણાવે છે. આજકાલ માબાપોને હવે આવી બાબતો પણ શીખવવી પડે છે કે બાળકોને કેવી રીતે ગળે લગાડવાં, રમાડવાં કે હાલરડાં ગાવાં. બાળકોના સારા ઉછેર માટે એ બહુ જરૂરી છે. પરંતુ, સંશોધન બતાવે છે કે “પોલૅન્ડમાં માબાપો પોતાનાં બાળકો સાથે મોટા ભાગનો સમય ટીવી જોવામાં કે શોપિંગ કરવામાં જ કાઢે છે.” બાળકો સાથે રમવું એ છેક છઠ્ઠા ક્રમે આવે છે. (g09 10)