સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સુખી કુટુંબોની ઝલક બીજો ભાગ

સુખી કુટુંબોની ઝલક બીજો ભાગ

સુખી કુટુંબોની ઝલક બીજો ભાગ

“સુખી કુટુંબોની ઝલક—પહેલો ભાગ” એવા અનેક કુટુંબો વિષે જણાવે છે, જેઓ તકલીફોમાં પણ બાઇબલના સિદ્ધાંતોથી ટકી રહ્યા. * યહોવાહ ઈશ્વર તેમના માર્ગદર્શન પ્રમાણે જીવનારાને આ વચન આપે છે: “કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.”—ગીતશાસ્ત્ર ૩૨:૮.

જ્યારે પૈસાની તંગી પડે . . . મોટા ભાગે પતિ-પત્નીમાં પૈસાને કારણે ઝઘડા થાય છે. પૈસાની બાબતે પણ બાઇબલના સિદ્ધાંતો ઘણી મદદ આપે છે. ઈસુએ કહ્યું: ‘તમારા જીવને સારૂ ચિંતા ન કરો, કે અમે શું ખાઈશું અથવા શું પીઈશું; અને તમારા શરીરને સારૂ ચિંતા ન કરો, કે અમે શું પહેરીશું. તમારો ઈશ્વર જાણે છે કે એ બધાંની તમને અગત્ય છે.’—માત્થી ૬:૨૫, ૩૨.

અમેરિકામાં કટરીના નામનું તોફાન આવ્યું. એમાં ઈસ્સાખાર નામના ભાઈનું ઘર તબાહ થઈ ગયું. તેઓએ પૈસાની તંગી કઈ રીતે સહી, એ પાન ૨૩ પર વાંચો.

જ્યારે કુટુંબમાં કોઈ સખત બીમાર પડે . . . આપણે બધા જ બીમાર થઈએ છીએ. પણ મોટા ભાગે જલદી જ સાજા થઈ જઈએ છીએ. પણ જો કુટુંબમાં કોઈની બીમારી લાંબી ચાલે તો? બાઇબલ કહે છે કે એવી બીમારીમાં પણ યહોવાહ આપણને સાથ આપશે. (ગીતશાસ્ત્ર ૪૧:૧-૩) બીમારીમાં યહોવાહ કઈ રીતે કુટુંબ દ્વારા મદદ આપે છે?

જાપાનના હાજિમીની પત્ની નોરીકોને ગંભીર બીમારી થઈ. બે દીકરીઓ સાથે હાજિમી પોતાની પત્નીની સંભાળ રાખે છે. તેઓનો અનુભવ પાન ૨૪ પર વાંચો.

જ્યારે બાળક ગુજરી જાય . . . બાળક ગુજરી જાય એના જેવું બીજું કોઈ દુઃખ નથી. યહોવાહ વચન આપે છે કે ભાવિમાં આપણાં દુઃખના આંસુ, ખુશીના આંસુ બની જશે. (પ્રકટીકરણ ૨૧:૧-૪) આજે પણ યહોવાહ શોક પાળનારાને ખૂબ દિલાસો આપે છે.—ગીતશાસ્ત્ર ૧૪૭:૩.

અમેરિકાના ફરનાન્દો અને તેમની પત્ની દિલ્માની કહાણી પચ્ચીસમા પાને છે. તેઓની નાનકડી લાડલી દીકરી ગુજરી ગઈ. બાઇબલે તેઓને કઈ રીતે ટકાવી રાખ્યા, એ વાંચો.

ચાલો આ ત્રણ અનુભવ વાંચીએ. એ બતાવશે કે આફતોમાં પણ બાઇબલ કઈ રીતે કુટુંબોને દિલાસો અને માર્ગદર્શન આપે છે. (g09 10)

[ફુટનોટ્‌સ]

^ આ મૅગેઝિનના પાન ૧૪-૧૭ જુઓ.

[પાન ૨૩ પર બોક્સ/ચિત્ર]

જ્યારે પૈસાની તંગી પડે . . .

અમેરિકામાં રહેતા ઈસ્સાખારનો અનુભવ

‘કટરીના નામના તોફાને અમારું ઘર ખતમ કરી નાખ્યું. ફક્ત તળિયાની જમીન જ દેખાતી હતી. જે સ્કૂલમાં હું કામ કરતો હતો એના પર પાણી ફરી વળ્યાં હતાં. એ પાણી ઊતરતાં દોઢ મહિનો લાગ્યો.’

૨૦૦૫ના ઉનાળામાં અમે અમેરિકાના મિસિસિપી, બેઈ સેંટ લૂઇસ શહેરમાં રહેતા હતા. મારા કુટુંબમાં હું, મારી પત્ની મિશેલ અને અમારી બે વર્ષની દીકરી સીડની છીએ. યહોવાહના સાક્ષીઓ તરીકે, હું ને મારી પત્ની ચાહતા હતા કે બને એટલો સમય અમે લોકોને યહોવાહ વિષે શીખવીએ. હું નજીકના લુઇઝિઆના, ન્યૂ ઑર્લિન્સ શહેરમાં શિક્ષક હતો. સ્કૂલમાં હું ત્રણ દિવસ ભણાવતો ને બાકીનો સમય લોકોને બાઇબલ વિષે શીખવતો. અમે બધી રીતે સુખી હતા. પણ ઓચિંતા સમાચાર મળ્યા કે કટરીના નામનું તોફાન અમારા શહેર તરફ આવી રહ્યું છે. અમે તરત જ નાસી છૂટ્યા.

તોફાનમાં ઘણું જ નુકસાન થયું. બેઈ સેંટ લૂઇસમાં અમારું ઘર સાવ પતી ગયું હતું. જે સ્કૂલમાં હું કામ કરતોʼતો એને પણ ઘણું નુકસાન થયું હતું. ઇન્સ્યોરન્સ કંપની અને સરકારે આપેલા પૈસાથી અમે ભાડાનું મકાન રાખી શક્યા. પણ આવક પૂરતી ન હોવાથી એ પણ મુશ્કેલ બનતું હતું. એટલું જ નહિ, ગંદા પાણીને લીધે મારી પત્નીને ચેપ લાગ્યો. તે કમજોર થવા લાગી. પછી તેને મચ્છરોને લીધે વેસ્ટ નાઇલ નામનો વાઇરસ થયો. એની સાથે સાથે ઇન્સ્યોરન્સ અને જીવન-જરૂરી ચીજોના ભાવ પણ વધતા ગયા.

આ અઘરા સંજોગોમાં અમે ઘણી કરકસરથી જીવવા લાગ્યા. અમુક જરૂરી વસ્તુ પણ જતી કરવી પડતી. કેવી નોકરી કરવી એ પણ હું બહુ જોતો નહિ, જે કંઈ મળે સ્વીકારી લેતો.

સાચું કહું તો અમને બધી માલ-મિલકત ગુમાવવાનું દુઃખ થયું હતું. પણ અમે ખુશ હતા કે જીવ તો નʼતો ગુમાવ્યો. આ અનુભવથી અમને શીખવા મળ્યું કે માલ-મિલકત જ બધું નથી. અમને ઈસુના આ શબ્દો યાદ આવ્યા: “કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.”—લુક ૧૨:૧૫.

ખરું કે અમને માલ-મિલકત ગુમાવવાનું દુઃખ થયું હતું, પણ ઘણાએ અમારાથી વધારે ગુમાવ્યું હતું. બિચારા અમુક લોકો તો માર્યા ગયા હતા. એટલે તોફાન પછી હું તરત જ રાહત કાર્યમાં મદદ કરવા લાગ્યો. જેઓ તબાહ થઈ ગયા હતા, તેઓને દિલાસો આપવા લાગ્યો.

આ આફતમાં અમને ગીતશાસ્ત્ર ૧૦૨:૧૭થી બહુ દિલાસો મળ્યો છે, જે કહે છે કે યહોવાહે ‘લાચારની પ્રાર્થના પર લક્ષ લગાડ્યું છે, અને તેઓની પ્રાર્થના’ સાંભળી છે. અમને ખરેખર યહોવાહનો સાથ મળ્યો છે! (g09 10)

[પાન ૨૩ પર બોક્સ]

૨૦૦૫માં કટરીના અને રીટા નામનાં તોફાનો અમેરિકાના ગલ્ફ કોસ્ટ પર ત્રાટક્યાં. તરત જ યહોવાહના સાક્ષીઓએ ૧૩ રાહત કેન્દ્રો અને ચીજ-વસ્તુઓ રાખવા ૯ ગોદામો ખોલ્યાં. ૪ પેટ્રોલ પંપ ઊભા કર્યા. અમેરિકા અને બીજા તેર દેશોમાંથી લગભગ ૧૭,૦૦૦ યહોવાહના સાક્ષીઓ એ રાહત કામમાં જોડાયા. તેઓએ હજારો ઘર રિપેર કર્યાં.

[પાન ૨૪ પર બોક્સ/ચિત્ર]

જ્યારે કુટુંબમાં કોઈ બીમાર પડે . . .

જાપાનમાં રહેતા હાજિમી ઈટોનો અનુભવ

‘અમે હંમેશાં સાથે મળી રસોઈ કરતા. પણ હવે મારી પત્ની નોરીકો એટલી બીમાર છે કે તે મોંથી ખાય, પી કે બોલી નથી શકતી. વ્હીલચેર તેનો સહારો છે. શ્વાસ લેવા પણ મશીનની મદદ લેવી પડે છે.’

મે ૨૦૦૬માં નોરીકોને બોલવામાં તકલીફ પડવા માંડી. થોડા વખત પછી તેને ખાવા-પીવામાં પણ તકલીફ પડવા લાગી. સપ્ટેમ્બર આવતા તો ડૉક્ટરોએ કહ્યું કે તેને એવી બીમારી છે, જે દિવસે દિવસે શરીર કમજોર બનાવી દેશે. * ચાર મહિનાની અંદર અમારું જીવન સાવ બદલાઈ ગયું. પણ આ તો નોરીકોની તકલીફોની શરૂઆત જ હતી.

સમય જતાં, નોરીકોની જીભ અને જમણા હાથમાં લકવો મારી ગયો. હવે તે મોંથી ખાય-પી શકતી ન હોવાથી, ડૉક્ટરોએ અમુક નળીઓ મૂકવી પડી. પહેલા તો તેના પેટમાં એક નળી મૂકી (ગેસ્ટ્રોસ્ટોમી). એનાથી અમે તેને ખવડાવી શકીએ છીએ. ડૉક્ટરોએ ગળામાં કાપ મૂકીને બીજી એક નળી મૂકી (ટ્રીકિઓસ્ટોમી), જેથી તે શ્વાસ લઈ શકે. પણ આ ઑપરેશન પછી તે બોલી શકતી નહિ. આ બધું થતા નોરીકોને કેવું લાગ્યું હશે, એની કલ્પના કરવી પણ અઘરી છે! પહેલાં તો તે હંમેશાં કંઈ ને કંઈ કરતી રહેતી. અમે યહોવાહના સાક્ષીઓ છીએ. એટલે તે અને અમારી દીકરીઓ પૂરેપૂરો સમય લોકોને ઈશ્વર વિષે શીખવતા. પણ હવે તો નોરીકો શ્વાસ પણ મશીનને આધારે લે છે. મોટા ભાગે તેણે પથારીમાં જ રહેવું પડે છે.

આ બધી તકલીફો છતાં નોરીકો હિંમત નથી હારી! તે હજુ પણ યહોવાહ વિષે શીખવા સત્સંગમાં જાય છે. પછી ભલેને શ્વાસ લેવાના મશીન સાથે વ્હીલચેરમાં તેણે જવું પડે. નોરીકો હવે બહુ સાંભળી શકતી નથી. એટલે મારી દીકરી સત્સંગમાં તેને મોટા અક્ષરોમાં અમુક વિચારો લખી બતાવે છે. એના લીધે નોરીકો સત્સંગમાંથી લાભ મેળવી શકે છે. પહેલાંની જેમ, નોરીકો પૂરેપૂરો સમય બીજાઓને યહોવાહ વિષે શીખવી શકતી નથી. તોપણ અમારા કૉમ્પ્યુટરમાં ખાસ સાધન દ્વારા તે બીજાઓને પત્ર લખે છે. આમ તે બાઇબલમાંથી સુંદર ભાવિની આશા વિષે હજુ લોકોને જણાવી શકે છે.—૨ પીતર ૩:૧૩; પ્રકટીકરણ ૨૧:૧-૪.

કુટુંબ તરીકે અમે નોરીકોનું ધ્યાન રાખીએ છીએ. ઘરની સંભાળ રાખવાનું મોટા ભાગનું કામ પહેલા નોરીકો કરતી. હવે હું અને અમારી બંને દીકરીઓ મળીને એ કરીએ છીએ. ઘરમાં વધારે મદદ આપી શકે માટે દીકરીઓએ નોકરી પણ બદલી છે.

અમુક સવારે મને નોરીકો બહુ જ થાકેલી દેખાય છે. હું વિચારું કે તેને થોડો આરામ કરવાનું કહું. પણ નોરીકો બીજાઓને બાઇબલ વિષે શીખવે નહિ, ત્યાં સુધી તેને ચેન ન પડે. હું તેનું કૉમ્પ્યુટર ચાલુ કરું કે તરત તેની આંખો ખુશીથી ચમકી ઊઠે! તે પત્ર લખતી હોય ત્યારે તેને થોડું સારું લાગે છે. ‘પ્રભુના કામમાં સદા મચ્યા રહેવાના’ લાભ હું પોતે જોઈ શક્યો છું.—૧ કોરીંથી ૧૫:૫૮.

જાન્યુઆરી ૨૦૦૬ના અવેક! મૅગેઝિનમાં જેસન સ્ટુઅર્ટનો અનુભવ છે. તેને પણ આ જ બીમારી છે. તેનો અનુભવ વાંચવાથી નોરીકોને નિરાશામાં પણ ઉત્તેજન મળે છે. ઘણી વાર હૉસ્પિટલના સ્ટાફને નવાઈ લાગતી કે નોરીકો આ ગંભીર બીમારીમાં પણ કેવી રીતે ખુશ રહે છે. નોરીકોએ તેઓને જેસનનો અનુભવ જણાવ્યો. અમે તેઓને એ લેખની કોપી પણ આપી. બીજાઓને ઈશ્વર વિષે જણાવવાથી મારી પત્નીની હિંમત વધે છે.

અમારા લગ્‍નને હવે ૩૦ વર્ષ થઈ ગયાં. પણ મારી પત્નીના જે ગુણો પર હું પહેલાં ધ્યાન નʼતો આપતો, એની છેલ્લાં ત્રણ વર્ષથી બહુ જ કદર કરું છું. તેની સાથે લગ્‍ન કરીને હું બહુ ખુશ છું! (g09 10)

[ફુટનોટ્‌સ]

^ આ બીમારીનું નામ એમાયોટ્રોફિક લેટરલ સ્ક્‌લોરોસિસ (એ.એલ.એસ) છે. એ મગજ અને કરોડરજ્જુના જ્ઞાનતંતુઓને અસર કરે છે.

[પાન ૨૫ પર બોક્સ/ચિત્ર]

જ્યારે બાળક ગુજરી જાય . . .

અમેરિકામાં રહેતા ફરનાન્દો અને દિલ્મા ફ્રેતસની કહાણી

‘બાળક ગુજરી જાય ત્યારે જે દુઃખ થાય, એને શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. એના જેવું બીજું કોઈ દુઃખ છે જ નહિ.’

અમારી દીકરી પ્રેશિયસ એપ્રિલ ૧૬, ૨૦૦૬ના રોજ ગુજરી ગઈ. તે માંડ દસેક દિવસ જીવી. તેના જન્મના છએક મહિના પહેલાં ડૉક્ટરે જણાવ્યું હતું કે તેને હૃદયની ગંભીર બીમારી છે. તેના જન્મનો વખત નજીક આવતો ગયો તેમ, અમને ભાન થયું કે અમારી અનમોલ દીકરી કદાચ જીવશે નહિ. જો જીવે તોપણ થોડા જ દિવસોમાં મરણ પામશે. એ અમારા માનવામાં જ નʼતું આવતું, કેમ કે પહેલી ત્રણ દીકરીઓને તો એવું કંઈ જ ન હતું.

અમારી દીકરીનો જન્મ થયો ત્યારે, એક મોટા ડૉક્ટરે તેને તપાસી. તેમણે જણાવ્યું કે પ્રેશિયસને ટ્રાઈસોમી ૧૮ નામની ગંભીર બીમારી છે. એ આશરે ૫,૦૦૦ બાળકોમાં એકને થાય છે. અમે તો સાવ પડી ભાંગ્યાં. અમારી લાડલીને બચાવવા કંઈ જ કરી શકતા ન હતા. બસ એટલું જ કે બાકીના દિવસો તેની સાથે ગુજારીએ. અમે દિન ને રાત તેની સાથે જ રહ્યા.

અમારી લાડલી દીકરી સાથે ૧૦ દિવસ કાઢી શક્યા, એ જ અમારે મન મોટી વાત હતી. અમે અને અમારી ત્રણ દીકરીઓએ તેની સાથે ખૂબ વાતો કરી. વહાલ કર્યું. તેને જરાય એકલી રહેવા ન દીધી. બધાએ તેની સાથે પુષ્કળ ફોટા પડાવ્યા. અમે એ પણ વાતો કરી કે તે કોના જેવી લાગે છે. પ્રેશિયસની બીમારી પારખનાર ડૉક્ટર રોજ હૉસ્પિટલમાં અમને મળવા આવતા. તે અમારી સાથે રડ્યા અને કહ્યું કે તેમને કેટલો અફસોસ થાય છે. અમારી સાથે વાતો કરતા કરતા તે પ્રેશિયસનું ચિત્ર બનાવતા હતા, જેથી તેને યાદ રાખી શકે. તેમણે એ ચિત્રની એક કૉપી અમને પણ આપી.

અમે યહોવાહના સાક્ષીઓ છીએ. અમને પૂરી શ્રદ્ધા છે કે બાઇબલ શીખવે છે તેમ, જલદી જ ઈશ્વર ધરતીને સુંદર બનાવી દેશે. એ પછી કોઈ બીમાર નહિ થાય. ઈશ્વર વચન આપે છે કે તે ગુજરી ગયેલાઓને, અરે અમારી લાડલી જેવા બાળકોને પણ આ ધરતી પર ફરી જીવતા કરશે. (અયૂબ ૧૪:૧૪, ૧૫; યોહાન ૫:૨૮, ૨૯) અમે એ દિવસની રાહ જોઈએ છીએ જ્યારે પ્રેશિયસને ફરી હાથમાં લઈને વહાલ કરીશું, ગળે લગાવીશું. અમે આ નવા યુગ વિષે જ્યારે પણ સાંભળીએ, ત્યારે અમારું દિલ આનંદથી ધબકવા લાગે છે! એ યુગ આવશે ત્યાં સુધી અમને દિલાસો મળે છે કે ઈશ્વર અમારી પ્રેશિયસને ભૂલ્યા નથી. તેમ જ બીમારીને લીધે તે પીડાતી પણ નથી.—સભાશિક્ષક ૯:૫, ૧૦. (g09 10)