સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરને પસંદ હોય એ રીતે ભક્તિ કરીએ

ઈશ્વરને પસંદ હોય એ રીતે ભક્તિ કરીએ

બાઇબલ શું કહે છે

ઈશ્વરને પસંદ હોય એ રીતે ભક્તિ કરીએ

સર્વ મનુષ્યને જેમ ખોરાકની ભૂખ હોય છે તેમ, ઈશ્વરભક્તિની પણ ભૂખ હોય છે. ખોરાકની વાત કરીએ તો આજે અનેક જાતનાં સ્વાદિષ્ટ ભોજન છે, આપણે એમાંથી પસંદગી કરી શકીએ છીએ. શું ધર્મ વિષે પણ એવું છે? આજે અનેક ધર્મો અને એના રીત-રિવાજો છે. ઘણા લોકો માને છે કે બધા ધર્મ ભક્તિની ભૂખ મિટાવે છે. શું એવું હોઈ શકે?

ઘણાનું માનવું છે કે તમે ધાર્મિક હો એ જ પૂરતું છે. પછી ભલે ને તમે ગમે એને ભજો, ગમે એ રીતે ભજો. દરેક જણ પોતાની રીતે ભક્તિ કરે એ શું ઈશ્વરને માન્ય છે? ચાલો જોઈએ કે બાઇબલ એના વિષે શું કહે છે.

ઈશ્વર કેવી ભક્તિ સ્વીકારે છે?

આપણામાં ઈશ્વરભક્તિની ભૂખ કેમ છે? એનું કારણ બાઇબલમાં ઉત્પત્તિ ૧:૨૭માં જોવા મળે છે: ‘ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્‍ન કર્યું. ઈશ્વરે તેઓને નરનારી ઉત્પન્‍ન કર્યાં.’ ઈશ્વર તો અદૃશ્ય છે. તેમને મનુષ્ય જોઈ શકતો નથી, કદી જોશે પણ નહિ. તો પછી, ‘ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે ઉત્પન્‍ન કર્યા’ એનો અર્થ શું થાય? પ્રથમ માણસ આદમને એ રીતે બનાવવામાં આવ્યો હતો, જેથી તે યહોવાહ ઈશ્વર જેવા ગુણો બતાવી શકે. જેમ કે નિઃસ્વાર્થ પ્રેમ, ભલાઈ, દયા, ન્યાય અને સંયમ. આદમ પોતાની મરજી પ્રમાણે જીવી શકે એ રીતે યહોવાહે એને બનાવ્યો હતો. સાથે સાથે એવી ક્ષમતા પણ આપી હતી, જેથી તે ખરુંખોટું પારખી શકે અને યહોવાહના નિયમો પ્રમાણે જીવી શકે. આ રીતે આદમ પશુ-પંખીઓથી ચઢિયાતો હતો. તે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવી શકતો હતો.—ઉત્પત્તિ ૧:૨૮; રૂમી ૨:૧૪.

બાઇબલ એ પણ જણાવે છે કે ઈશ્વરભક્તિ કરવા માટે આપણને શાની જરૂર છે. પહેલો કોરીંથી ૨:૧૨-૧૫ એવા ઈશ્વરભક્તો વિષે જણાવે છે જેઓના પર ઈશ્વરની શક્તિ છે. તેઓ ઈશ્વરની દોરવણી પ્રમાણે જીવે છે. એટલે તેઓ એ શક્તિથી ખરા ઈશ્વરને ઓળખી શકે છે, તેમનું જ્ઞાન લઈ શકે છે. આ રીતે તેઓ ઈશ્વરના વિચારો બાઇબલમાંથી વાંચીને સમજી શકે છે. બીજી બાજુ, જેઓ પર ઈશ્વરની શક્તિ નથી તેઓને બાઇબલ સાંસારિક, એટલે કે દુન્યવી રીતે જ વિચારનાર કહે છે. તેઓની નજરમાં ઈશ્વરને લગતી વાત કરવી સાવ મૂર્ખતા છે. એટલે તેઓ માણસની બુદ્ધિ પ્રમાણે નિર્ણયો લે છે.

આપણામાં ઈશ્વર જેવા ગુણો હોવાથી, તેમની જેમ વિચારી અને વર્તી શકીએ છીએ. પણ એનો અર્થ એ નથી કે આપણે પોતાની બુદ્ધિ કે આવડતથી ઈશ્વર સાથે નાતો બાંધી શકીએ. એ માટે આપણને ઈશ્વરની શક્તિની ખાસ જરૂર છે. પણ જેઓ ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલવા નથી માંગતા, તેઓ પોતાની જ ઇચ્છા પ્રમાણે જીવવા માગે છે. ખોટાં કામોમાં મંડ્યા રહે છે. બાઇબલ જણાવે છે કે તેઓ પર ઈશ્વરની કૃપા નથી. તેઓ દેહની વાસના પૂરી કરવા જ જીવતા હોય છે.—૧ કોરીંથી ૨:૧૪; યહુદા ૧૮, ૧૯.

ઈશ્વરને પસંદ હોય એવી ભક્તિ કરીએ

ઈશ્વરને પસંદ પડે એવી ભક્તિ કરવા આપણે શું કરવું જોઈએ? યહોવાહ ઈશ્વર જ વિશ્વના સર્જનહાર છે, તેમના લીધે જ આપણે જીવીએ છીએ એ સ્વીકારવું જોઈએ. (પ્રકટીકરણ ૪:૧૧) એ પણ સ્વીકારવું જોઈએ કે તેમની ઇચ્છા પ્રમાણે જીવવામાં જ જીવનનો ખરો મકસદ છે. (ગીતશાસ્ત્ર ૧૧૫:૧) જેમ જીવન ટકાવી રાખવા ખોરાક જરૂરી છે, તેમ જ ભક્તિ કરવા ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવું બહુ જરૂરી છે. એનાથી જ ખરું સુખ મળે છે. ઈસુનો વિચાર કરો. તેમની ભક્તિનો જોટો ન જડે. તેમણે પણ કહ્યું હતું: “જેણે મને મોકલ્યો છે, તેની ઇચ્છા પૂરી કરવી, અને તેનું કામ પૂર્ણ કરવું, એ મારૂં અન્‍ન છે.” (યોહાન ૪:૩૪) યહોવાહ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવાથી ઈસુને તાજગી અને સંતોષ મળતા.

ઈશ્વરને પસંદ પડે એવી ભક્તિ કરવા બીજું શું કરવું જોઈએ? યહોવાહ ઈશ્વર જેવો સ્વભાવ કેળવવો જોઈએ. આપણામાં ઈશ્વર જેવા ગુણો હોવાથી એવો સ્વભાવ કેળવવો અઘરું નથી. (કોલોસી ૩:૧૦) એમ કરીશું તો, આપણે એવું કંઈ નહિ કરીએ જેનાથી પોતાની જાતને હલકા પાડીએ અથવા બીજાઓ સાથેનો આપણો સંબંધ નબળો પડી જાય. (એફેસી ૪:૨૪-૩૨) આપણું મન દુભાય એવાં ખોટાં કામો પણ નહિ કરીએ. આમ, યહોવાહનાં ધોરણો પ્રમાણે જીવીશું તો આપણાં વાણી-વર્તન સુધરશે અને મનની શાંતિ મળશે.—રૂમી ૨:૧૫.

ઈશ્વરને પસંદ પડે એવી ભક્તિ વિષે ઈસુએ એક મહત્ત્વની બાબત કહી હતી: ‘માણસ એકલી રોટલીથી નહિ, પણ હરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.’ (માત્થી ૪:૪) આ બતાવે છે કે ભક્તિ કરવા આપણે કાયમ ઈશ્વર યહોવાહનું જ્ઞાન લેતા રહેવું જોઈએ. બાઇબલમાં યહોવાહે જીવનને લગતા સવાલોના જવાબ આપ્યા છે, જે સર્વ મનુષ્યના મનમાં ઊઠે છે.—૨ તીમોથી ૩:૧૬, ૧૭.

ઈશ્વર પાસેથી આવતું ખરું સુખ

વ્યક્તિ આચરકૂચર ખાઈને પોતાની ભૂખ મટાડી શકે છે. એ જ રીતે, આપણે જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લઈને કે ફિલસૂફીઓમાં માનીને ભક્તિની ભૂખ મિટાવી શકીએ. પરંતુ, આચરકૂચર ખાવાથી તો આપણા શરીરને પૂરતું પોષણ નહિ મળે. કોઈ બીમારી પણ લાગી જાય. એ જ રીતે, ઈશ્વરને પસંદ પડે એ રીતે તેમની ભક્તિ નહિ કરીએ તો, આપણી શ્રદ્ધા મરી પરવારશે. એનાથી આપણને જ નુકસાન થશે.

એવું ન થાય એ માટે યહોવાહ ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ, તેમની ઇચ્છા પ્રમાણે જ જીવીએ. તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ. એમ કરીશું તો આપણા કિસ્સામાં પણ આ શબ્દો સાચા પડશે: “જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે.”—માત્થી ૫:૬. (g09-E 12)

શું તમે કદી વિચાર્યું છે?

▪ આપણામાં કેમ ઈશ્વરભક્તિની ભૂખ છે?ઉત્પત્તિ ૧:૨૭.

▪ શું આપણે પોતે ઈશ્વરભક્તિની ભૂખ મિટાવી શકીએ?૧ કોરીંથી ૨:૧૨-૧૫.

▪ ઈશ્વરને પસંદ પડે એવી ભક્તિ કરવા આપણે શું કરવું જોઈએ?માત્થી ૪:૪; યોહાન ૪:૩૪; કોલોસી ૩:૧૦.

[પાન ૨૧ પર ચિત્રનું મથાળું]

ઈશ્વરને પસંદ પડે એ રીતે તેમની ભક્તિ નહિ કરીએ તો, એનાથી આપણને જ નુકસાન થશે