સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કેમ આટલો ભેદભાવ અને નફરત?

કેમ આટલો ભેદભાવ અને નફરત?

કેમ આટલો ભેદભાવ અને નફરત?

“પ્રતિષ્ઠા અને અધિકારોની દૃષ્ટિએ સર્વ માનવો જન્મથી સ્વતંત્ર અને સમાન હોય છે. તેમનામાં વિચારશક્તિ અને અંતઃકરણ હોય છે અને તેમણે પરસ્પર બંધુત્વની ભાવનાથી વર્તવું જોઈએ.”—માનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણા, કલમ ૧ પ્રમાણે.

આવા ઊંચા આદર્શો છતાં, ચેપી રોગની જેમ ભેદભાવ અને અન્યાય મનુષ્યોમાં ફેલાયેલા છે. મનુષ્યમાં જન્મથી જ પાપની અસર હોવાથી, આવા ખરાબ ગુણો આપણામાં ઘર કરી ગયા છે. (ગીતશાસ્ત્ર ૫૧:૫) સાથે સાથે આપણે મુશ્કેલીથી ભરેલા યુગમાં જીવીએ છીએ. જોકે સાવ એવું પણ નથી કે આપણને કોઈ આશા નથી. ભલે આપણે દુનિયાને સુધારી શકતા નથી, પણ પોતાને તો સુધારી શકીએ. આપણામાં રહેલા ભેદભાવને ઉખેડી નાખવાનો પ્રયત્ન કરી શકીએ.

પહેલા તો એ સ્વીકારીએ કે આપણે દરેક કોઈ ને કોઈ રીતે ભેદભાવ રાખીએ છીએ. એ વિષે એક પુસ્તક કહે છે કે “ભેદભાવ વિષેના સંશોધનમાંથી આ શીખવા મળ્યું: એક, આપણે દરેક થોડે ઘણે અંશે ભેદભાવ રાખીએ જ છીએ. બીજું, આપણામાંથી ભેદભાવ કાઢવા નિર્ણય કરીને એ પ્રમાણે આપણે પ્રયત્ન કરવો પડે છે. ત્રીજું, જો દિલથી એમ કરીશું, તો ભેદભાવ પર જીત મેળવી શકીશું.”—ભેદભાવ અને અન્યાય સમજવા (અંગ્રેજી).

ભેદભાવ સામેની લડતમાં જીતવા શિક્ષણ “સૌથી મહત્ત્વનું” ગણાય છે. યોગ્ય શિક્ષણના કેવા કેવા લાભ થઈ શકે? એ આપણને સમજવા મદદ કરી શકે કે ભેદભાવનાં મૂળ ક્યાં છે. આપણી પોતાની તપાસ કરીને સુધારો કરવા મદદ કરી શકે. અરે આપણે ભેદભાવનો શિકાર બનીએ તો, સમજી-વિચારીને પગલાં ભરવા પણ મદદ કરી શકે.

ભેદભાવનાં મૂળ ક્યાં છે?

જ્યારે વ્યક્તિના મનમાં ભેદભાવ ઘર કરી જાય છે, ત્યારે તે અર્થનો અનર્થ કરે, શંકા કરે, અરે જે હકીકત હોય એ પણ જોઈ ન શકે. એની શરૂઆત નાની નાની વાતથી થઈ શકે, જે લોકોને ભમાવી શકે. અથવા તો કોઈ જાણીજોઈને બીજા સમાજ વિષે આપણા કાન ભંભેરતું હોઈ શકે. રાષ્ટ્રવાદ અને ખોટા ધાર્મિક શિક્ષણને લીધે પણ મનમાં ભેદભાવનાં બી ફૂટી નીકળી શકે. અથવા તો એ આપણા ઘમંડને લીધે હોઈ શકે. હવે આપણે અમુક મુદ્દાઓ અને એને લગતા બાઇબલ સિદ્ધાંતોનો વિચાર કરીએ. એમ કરીએ ત્યારે આપણે વિચારી શકીએ કે મારે ક્યાં સુધારો કરવાની જરૂર છે.

સોબત. આપણને બધાને એકબીજા સાથે હળવું-મળવું ગમે છે. બાઇબલ જણાવે છે કે ‘જે જુદો પડે છે તે પોતાનો જ સ્વાર્થ જુએ છે.’ તે કોઈ સારી સલાહ ધ્યાનમાં લેતો નથી. (નીતિવચનો ૧૮:૧) ખરું કે આપણે મિત્રોની પસંદગી સમજી-વિચારીને કરવી જોઈએ, કેમ કે એ આપણા જીવનને અસર કરે છે. એટલે જ શાણા માબાપ પોતાનાં બાળકોના મિત્રો કેવા છે, એ જાણવાનો પ્રયત્ન કરે છે. સંશોધન બતાવે છે કે ફક્ત ત્રણ વર્ષનાં બાળકો પણ ભેદભાવ બતાવી શકે છે. બાળકો એ ક્યાંથી શીખે છે? બીજાઓ પાસેથી. એટલે સૌથી પહેલા તો માબાપે પોતે બાળકો માટે સારો દાખલો બેસાડવો જોઈએ, જેથી બાળકમાં સારા સંસ્કાર ઊતરે.

બાઇબલ શું શીખવે છે? “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.” (નીતિવચનો ૨૨:૬) “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” (નીતિવચનો ૧૩:૨૦) તમે માબાપ હોવ તો આ સવાલોનો વિચાર કરો: ‘શું મારાં બાળકોને હું ઈશ્વરે બતાવેલા માર્ગ પર ચલાવું છું? મારા પોતાના મિત્રો કેવા છે? શું હું કોઈનો સારો મિત્ર છું?’—નીતિવચનો ૨:૧-૯.

રાષ્ટ્રવાદ. એક ડિક્શનરી એની વ્યાખ્યા આ રીતે આપે છે: ‘એવી માન્યતા કે પોતાનો દેશ બીજા બધાથી અલગ અને સૌથી સારો છે. એમાં વ્યક્તિ બીજા દેશોના કરતાં પોતાના દેશની સંસ્કૃતિ અને વિકાસ ઉપર વધારે ભાર મૂકે છે.’ રાજકીય વિજ્ઞાનના એક પ્રોફેસર પોતાના પુસ્તકમાં જણાવે છે કે ‘રાષ્ટ્રવાદથી લોકોમાં એવા ભાગલા પડે છે કે પછી તેઓ એકબીજાનું સાંભળવા જરાય રાજી નથી હોતા. એટલે લોકો પહેલા એમ વિચારશે કે હું અમેરિકાનો, રશિયાનો, ચીનનો, ઇજિપ્તનો કે પેરુનો છું. પછી કદાચ . . . કદાચ વિચારે કે હું એક માનવ પણ છું.’ યુએનના એક વખતના સેક્રેટરી-જનરલે આમ લખ્યું: “આજે મોટા ભાગની તકલીફો આપણા ખોટાં મંતવ્યોને લીધે છે. અમુક તો આપણે લગભગ અજાણે જ સ્વીકારી લઈએ છીએ. એમાંનું એક મંતવ્ય એ છે કે ‘સાચે કે ખોટે, મારો દેશ જ મહાન.’”—દેશો વચ્ચે લડાઈ અને સંપ (અંગ્રેજી), આઇવો ડ્યુકાચેક.

બાઇબલ શું શીખવે છે? ‘ઈશ્વરે બધા મનુષ્યો પર એટલી પ્રીતિ કરી કે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.’ (યોહાન ૩:૧૬) ‘ઈશ્વર પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) આપણે પોતાના દિલને આ પૂછીએ: ‘હું ઈશ્વરમાં માનું છું અને ઈશ્વર કોઈ ભેદભાવ નથી રાખતા. તે મારા પર અને હરેક જાતના લોકો પર પ્રેમ રાખે છે. તો પછી શું મારે પણ તેમના જેવા બનવું ન જોઈએ?’

જાતિભેદ. એક ડિક્શનરી પ્રમાણે, જાતિભેદ રાખનાર માને છે કે “માનવ સ્વભાવ અને આવડત પોતપોતાની જાતિને આભારી છે. એના લીધે કોઈ એક જાતિ અન્ય કરતાં ચડિયાતી હોય છે.” જોકે ધ વર્લ્ડ બુક ઍન્સાયક્લોપેડિયા પ્રમાણે, સંશોધકોને “હજુ સુધી કોઈ પુરાવો મળ્યો નથી, જે વૈજ્ઞાનિક રીતે એવું સાબિત કરે કે એક જાતિ બીજી કરતાં ચડિયાતી છે.” જાતિભેદને લીધે દુનિયામાં કેટલો અન્યાય ચાલે છે! જેમ કે કંઈ કેટલાય લોકોના હક્કો વારંવાર છીનવી લેવામાં આવે છે. આ હકીકતો સાબિતી આપે છે કે જાતિભેદ જૂઠાણા અને ભૂલભરેલી માન્યતા પર ચણાયેલી ઇમારત છે.

બાઇબલ શું શીખવે છે? “સત્ય તમને મુક્ત કરશે.” (યોહાન ૮:૩૨) ઈશ્વરે ‘માણસોની સર્વ પ્રજાઓને એકમાંથી ઉત્પન્‍ન કરી.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬) “માણસ જેમ જુએ છે તેમ યહોવાહ જોતો નથી; કેમકે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવાહ હૃદય તરફ જુએ છે.” (૧ શમૂએલ ૧૬:૭) હવે આ સવાલો પર વિચાર કરો: ‘શું હું બધાને ઈશ્વરની નજરે જોવાનો પ્રયત્ન કરું છું? શું બીજી જાતિ અને સંસ્કૃતિના લોકોને હું સારી રીતે ઓળખવાનો પ્રયત્ન કરું છું?’ આપણે પોતે લોકોને સારી રીતે ઓળખીએ ત્યારે, તેમના વિષેના ખોટા વિચારો દૂર થાય છે.

ધર્મ. ભેદભાવની અસર વિષય પર એક અંગ્રેજી પુસ્તક કહે છે: “જ્યારે માણસ ધર્મનો ઉપયોગ પોતાના ફાયદા અને સમાજના સ્વાર્થ માટે કરવા માંડે, ત્યારે વખત જતાં નફરતની આગ લાગવાની જ છે. ત્યાર પછી ધર્મ અને ભેદભાવની ભેળસેળ થઈ જાય છે.” એ જ પુસ્તક આગળ જણાવે છે કે કેટલી આસાનીથી લોકોનું “ધાર્મિક વલણ ધિક્કારમાં બદલાઈ જાય છે.” શું એની કોઈ સાબિતી છે? હા. એક જ ધર્મના હોવા છતાં, જાતિભેદને લીધે જુદાં જુદાં ચર્ચો હોય છે. જેમ કે અમુક જાતિ માટે એક ચર્ચ તો વળી બીજી જાતિ માટે જુદું ચર્ચ. વળી, જુદા જુદા ધાર્મિક પંથો વચ્ચે નફરત અને હિંસા, તેમ જ ધર્મને નામે થતાં અનેક નિર્દય કામો જોવા મળે છે.

બાઇબલ શું શીખવે છે? ‘જે જ્ઞાન ઈશ્વરથી છે તે શાંતિપ્રિય, સલાહ કરાવનારું અને ભેદભાવ વગરનું છે.’ (યાકૂબ ૩:૧૭) ‘ખરા ભજનારા ઈશ્વરની શક્તિથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે.’ (યોહાન ૪:૨૩) “તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને તમને સતાવનારા માટે પ્રાર્થના કરો.” (માથ્થી ૫:૪૪, કોમન લેંગ્વેજ) વિચાર કરો કે ‘ધર્મને લીધે કોઈ મારું બૂરું કરે તોપણ, શું મારો ધર્મ બધાને પ્રેમ બતાવવાનું ઉત્તેજન આપે છે? શું મારો ધર્મ ખુલ્લા દિલે દરેકને આવકારે છે, પછી ભલે તે ગમે એ નાતજાત કે રંગના હોય, અમીર કે ગરીબ હોય કે પછી સમાજમાં નાના કે મોટા હોય?’

અભિમાન. અતિશય ગર્વ અને અહંકારને લીધે, વ્યક્તિ સહેલાઈથી ભેદભાવની જાળમાં ફસાઈ શકે છે. દાખલા તરીકે, ઘમંડી વ્યક્તિ તરત જ માનવા લાગશે કે પોતે કંઈક છે અને ઓછા ભણેલા કે ગરીબ લોકો કંઈ જ નથી. કદાચ તે એમ પણ માનવા લાગે કે પોતાની જાતિ કે સમાજના લોકો બીજાથી ચડિયાતા છે. આજે પણ હિટલર જેવા જુલમી લોકો છે, જેઓ જાણીજોઈને લોકોમાં રાષ્ટ્રવાદ અને જાતિભેદનું ઝેર રેડે છે. એમ કરીને મોટા ભાગના લોકોનો સાથ મેળવે છે. પછી, જે જાતિ કે લોકો ગમતા ન હોય તેઓનું જીવન ઝેર બનાવી દે છે.

બાઇબલ શું શીખવે છે? ‘દરેક અભિમાની અંતઃકરણને યહોવાહ ધિક્કારે છે.’ (નીતિવચનો ૧૬:૫) “સ્વાર્થી ન બનો. બીજાઓને પ્રભાવિત કરવાના ઇરાદાથી ન વર્તો. નમ્ર બનો અને પોતાના કરતાં બીજાઓને ચઢિયાતા ગણો.” (ફિલિપી ૨:૩, IBSI) હવે આ સવાલો વિચારો: ‘કોઈ મારી જાતિ કે સમાજના વખાણ કરે ત્યારે, શું મને અંદરોઅંદર ખુશી થાય છે? બીજી જાતિ કે સમાજને કોઈ તોડી પાડે ત્યારે શું મને ખુશી થાય છે? મારામાં નથી એવી આવડત બીજામાં હોય તો શું મને અદેખાઈ આવે છે કે પછી હું તેઓને શાબાશી આપું છું?’

બાઇબલ આપણા લાભ માટે જ આ ચેતવણી આપે છે: “પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ; કેમકે તેમાંથી જ જીવનનો ઉદ્‍ભવ છે.” (નીતિવચનો ૪:૨૩) તમારું દિલ અનમોલ છે, એને સાચવો. એને કોઈ નુકસાન ન થવા દો. એને ઈશ્વરના વિચારોથી ભરી દો. એમ કરશો તો જ ‘વિવેકબુદ્ધિ તમારા પર ચોકી કરશે. બુદ્ધિ તમારું રક્ષણ કરશે; એ તમને દુષ્ટ માણસોના માર્ગમાંથી તથા આડું બોલનાર માણસોથી’ બચાવશે.—નીતિવચનો ૨:૧૦-૧૨.

પરંતુ, જો તમે ભેદભાવ અને નફરતના શિકાર બન્યા હોવ તો શું કરી શકો? ચાલો એનો જવાબ હવે પછીના લેખમાં જોઈએ. (g09-E 08)

[પાન ૬ પર ચિત્રનું મથાળું]

આપણે લોકોને સારી રીતે ઓળખીએ ત્યારે, તેઓ વિષેના ખોટા વિચારો દૂર થાય છે