સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ટેક્નૉલૉજીમાં અદ્‍ભુત પરિવર્તન

ટેક્નૉલૉજીમાં અદ્‍ભુત પરિવર્તન

ટેક્નૉલૉજીમાં અદ્‍ભુત પરિવર્તન

આલ્બેનિયામાં ગધેડા પર સવાર ઘરડા માણસને મોબાઇલ પર વાત કરતો જોવો, હવે નવાઈની વાત નથી. ભારતમાં ભિખારીને ભીખ માગતા થોભીને, મોબાઇલ પર ફોન કરતો અથવા કોઈનો ફોન રીસીવ કરતો જોવો હવે નવું નથી. આજે દુનિયાને ખૂણે-ખૂણે ટેક્નૉલૉજી પગપેસારો કરી ગઈ છે. મોટે ભાગે લોકો પાસે ટીવી, મોબાઇલ અને કૉમ્પ્યુટર છે. એ ફક્ત અમીરો માટે જ નહિ, આમ જનતા માટે પણ સામાન્ય બની ગયા છે.

ટેક્નૉલૉજી આજે વીજળીવેગે પ્રગતિ કરી રહી છે. મોબાઇલ કે સેલફોનની જ વાત લો. આજકાલ એવા નવા નવા મૉડલ નીકળ્યા છે જેમાં ઘણી સગવડો છે. તમે એનાથી ઇન્ટરનેટ વાપરી શકો, ઈમેઈલ મોકલી-વાંચી શકો, એસએમએસ મોકલી શકો, ટીવી જોઈ શકો, સંગીત સાંભળી શકો, ફોટા લઈ શકો, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) દ્વારા મુસાફરી વખતે રસ્તો શોધી શકો. અને હા, એનાથી કોઈને ફોન પણ કરી શકો, એ કેમ ભૂલાય!

મલ્ટિમીડિયા સ્માર્ટફોન વિષે વૉશિંગ્ટન પોસ્ટ છાપું જણાવે છે: ‘૧૯૬૫માં ઉત્તર અમેરિકાના હવાઈદળ પાસે જે કૉમ્પ્યુટર હતું, એનાથીયે વધારે ચઢિયાતી ટેક્નૉલૉજી આજકાલના મોબાઇલમાં જોવા મળે છે.’ છાપું એ પણ જણાવે છે કે “આજે દુનિયામાં દર બે વ્યક્તિએ એક મોબાઇલ ફોન છે.” ત્રીસેક દેશોમાં તો ત્યાંની વસ્તી કરતાંય વધારે મોબાઇલ છે. છાપા પ્રમાણે, “પહેલાં કદી થઈ ન હોય એ હદે આજે ટેક્નૉલૉજીની અસર દુનિયાને ખૂણે ખૂણે થઈ રહી છે. આપણે પોતે એ નજરો-નજર જોઈએ છીએ.”

દુનિયામાં આજે મોબાઇલ વાપરતા લગભગ ૬૦ ટકા લોકો ગરીબ દેશોમાંથી છે. આ બતાવે છે કે ટેક્નૉલૉજીનો બહોળો ઉપયોગ એવા દેશોમાં વધારે થાય છે. અફઘાનિસ્તાનનો વિચાર કરો. ત્યાં ૨૦૦૮માં એક જ મહિનામાં ૧,૪૦,૦૦૦ નવા ગ્રાહકો મોબાઇલ ફોન વાપરવા લાગ્યા હતા. આફ્રિકામાં થોડાં વર્ષોથી મોબાઇલના વપરાશમાં દર વર્ષે લગભગ ૫૦ ટકા વધારો જોવા મળ્યો છે.

પરંતુ આ ટેક્નૉલૉજીમાં થયેલી ક્રાંતિથી અનેક મુશ્કેલીઓ સામે આવી છે. મોબાઇલ, પેજર કે લેપટોપને લીધે વ્યક્તિનો કોઈ પણ સમયે ગમે ત્યાં સંપર્ક કરી શકાતો હોવાથી ઘણાને લાગે છે કે તેઓ ટેક્નૉલૉજીની જાળમાં ફસાઈ ગયા છે. અમુક તો એના એટલા “બંધાણી” બની ગયા છે કે દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જાણવા ફોન કે ઇન્ટરનેટ જેવાં સાધનો વગર રહી શકતા જ નથી.

આમ, આજની ટેક્નૉલૉજીને લીધે, સંચાર માધ્યમમાં આવેલી ક્રાંતિને લીધે ઘણી તકલીફો ઊભી થાય છે. * લોકો એના બંધાણી થઈ જાય છે. એના લીધે કામકાજમાં ખલેલ પહોંચે છે. બીજી ઘણી રૂકાવટ આવે છે. પરંતુ આ સાધનો એટલા જ ઉપયોગી પણ છે, એનાથી ઘણું કામ કરી શકાય છે. તો પછી, તમે કઈ રીતે એનો સારો ઉપયોગ કરી શકો? કઈ રીતે એની ખરાબ અસરોથી બચી શકો? એ વિષે આપણે હવે પછીના લેખમાં જોઈશું. (g09-E 11)

[ફુટનોટ્‌સ]

^ આ ત્રણેય લેખમાં સેલ કે મોબાઇલ ફોન, કૉમ્પ્યુટર, ટીવી અને ઇન્ટરનેટ વિષે વાત થાય છે. જો બીજું કંઈ જણાવવામાં આવ્યું ન હોય તો એવી વસ્તુઓ માટે “ટેક્નૉલૉજી” શબ્દ વપરાયો છે.