સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ટેક્નૉલૉજી આશીર્વાદ કે શાપ?

ટેક્નૉલૉજી આશીર્વાદ કે શાપ?

ટેક્નૉલૉજી આશીર્વાદ કે શાપ?

એક માણસ કાર ચલાવતો હતો ત્યારે કંટ્રોલ ગુમાવી બેઠો. કાર જોરથી લાઇટના થાંભલા સાથે અથડાઈ. કારમાં બેઠેલી એક સ્ત્રીને ખૂબ ઇજા થઈ. એ માણસે તરત મોબાઇલ ફોનથી મદદ માગી. કાર કઈ રીતે ભટકાઈ હતી? એ માણસનો મોબાઇલ વાગ્યો ને તેણે વાત કરવા રસ્તા પરથી પલ-બે-પલ નજર હટાવી લીધી અને અકસ્માત થયો.

આ બનાવ બતાવે છે કે ટેક્નૉલૉજીના ફાયદા સાથે ગેરફાયદા પણ છે. એ તમે કેવો ઉપયોગ કરો એના પર આધાર રાખે છે. આજે એવા બહુ ઓછા લોકો છે જેઓ જૂના જમાનાનાં સાધનો વાપરવા તૈયાર હોય. કૉમ્પ્યુટરનો વિચાર કરો. એનાથી જીવન કેટલું આસાન બની ગયું છે. તમે અનેક કામ ઘર બેઠા કરી શકો છો. જેમ કે, ઇન્ટરનેટ દ્વારા ખરીદી કરી શકો, બીલ ભરી શકો, બૅંકના કામો નીપટાવી શકો. ઈમેઈલથી, વોઇસમેઈલથી કે વિડીયો લીંક મોકલીને બીજાઓને સંદેશો મોકલી શકો છો.

થોડા સમય પહેલાં કુટુંબના સભ્યો રોજ સવારે સ્કૂલે કે નોકરી-ધંધા પર જાય પછી સાંજે ભેગા મળે ત્યાં સુધી એકબીજા સાથે વાત કરી ન શકતા. પરંતુ હવે એવું નથી. આજે મોટા ભાગે બધા પાસે ફોન છે. યુએસએ ટુડે નામનું છાપું જણાવે છે: “આજે ૭૦ ટકા જેટલા પતિ-પત્ની પોતપોતાના મોબાઇલ પરથી ખાલી એકબીજાના ખબર-અંતર પૂછવા રોજ ફોન કરે છે. ૬૪ ટકા પતિ-પત્ની રોજ ફોન પર નક્કી કરે છે કે તેઓ ક્યારે શું કરશે. અરે, ૪૨ ટકા માબાપ રોજ મોબાઇલથી પોતાનાં બાળકો સાથે વાત કરે છે.”

ટેક્નૉલૉજીના ગુલામ ન બનો

ટેક્નૉલૉજીને વધારે પડતી કે અયોગ્ય રીતે વાપરવાથી શું માનસિક અને શારીરિક રીતે નુકસાન થઈ શકે? પશ્ચિમી દેશના એક યુગલનો વિચાર કરો, જેમણે નવા-નવા જ લગ્‍ન કર્યા હતા. એક સમાચાર પ્રમાણે, તેઓ “મોટા ભાગે મોબાઇલ પર જ હોય. ગમે ત્યાં જાય, ગમે ત્યાં હોય, ગાડી ચલાવતા હોય, જીમમાં હોય કે એક જ ઘરમાં જુદા-જુદા રૂમમાં હોય તોય એકબીજા સાથે મોબાઇલ પર જ વાતો કર્યા કરે.” કોઈ કોઈ વાર તો તેઓ એક મહિનામાં એકબીજા સાથે ૬૬ કલાકથી પણ વધારે ફોન પર વાતો કરતા. તેઓએ કહ્યું કે ‘અમે અમારા મોબાઇલ વગર જીવી જ ન શકીએ.’ ડૉક્ટર હેરિસ સ્ટ્રાટનર માનસિક બીમારીના નિષ્ણાત છે. તેમણે કહ્યું કે આ યુગલ ટેક્નૉલૉજીનું “બંધાણી” બની ગયું છે. તે કહે છે કે “લાગે છે કે મોબાઇલના સહારે જ તેઓનો સંબંધ બંધાયેલો છે.”

ખરું કે એવા બનાવ બહુ બનતા નથી, તોપણ મોટા ભાગે લોકો એ જ દિશામાં જઈ રહ્યા છે, જે ચિંતાજનક છે. ફોન કે ઇન્ટરનેટ વગર એકાદ કલાક રહેવાનો વિચાર માત્ર ઘણા લોકો સહી શકતા નથી. એમાંની વીસેક વર્ષની એક યુવતીએ કહ્યું: “અમારે કાયમ ઈમેઈલ ચેક કરવા જોઈએ, કાયમ ઇન્ટરનેટ વાપરવા જોઈએ, અમારે કાયમ મિત્રોને એસએમએસ કરવા જોઈએ.”

જો મોબાઇલ કે ટીવી વગેરે ‘તમારો મોટા ભાગનો સમય ખાઈ જતા હોય અને જીવનમાં એ વસ્તુઓ જ તમારા માટે મહત્ત્વની હોય, તો એ ચેતવણી છે કે જીવનમાં કંઈક સારું થઈ રહ્યું નથી,’ એવું ડૉ. બ્રેન યૉઓ ધ બિઝનેસ ટાઇમ્સ ઑફ સિંગાપોર છાપામાં કહે છે. એ જ રીતે ઘણા લોકો પોતાના રૂમમાં ભરાઈને કલાકો ને કલાકો સુધી એકલા-એકલા કૉમ્પ્યુટર કે ટીવી જેવી વસ્તુઓ સામે બેસી રહે છે. એનાથી તેઓને જરૂરી શારીરિક કસરત મળતી નથી. એના લીધે વ્યક્તિને હૃદયની તકલીફો, ડાયાબિટીસ અથવા બીજી કોઈ મોટી બીમારી થઈ શકે.

એના બીજાં જોખમો પણ છે, જેની અસર તરત જ થાય છે. દાખલા તરીકે, મોબાઇલની વાત કરીએ તો તાજેતરનો એક અભ્યાસ જણાવે છે કે વાહન ચલાવતી વખતે મોબાઇલ પર વાત કરવી જાણે દારૂ પીને વાહન ચલાવવા જેટલું જોખમી છે, પછી ભલેને એ હેન્ડ્‌સ-ફ્રી મોબાઇલ હોય! વાહન ચલાવતી વખતે ટેક્ષ મેસેજ કે એસએમએસ મોકલવો પણ જીવલેણ સાબિત થઈ શકે. એક સર્વેમાં જોવા મળ્યું કે ૧૬-૨૭ વયના વાહનચાલકોમાંથી લગભગ ૪૦ ટકા લોકો ગાડી ચલાવતા ચલાવતા એસએમએસ મોકલતા હોય છે. એટલે તમે વાહન ચલાવતી વખતે ફોન કરતા હો કે એસએમએસ મોકલતા હો તો હવેથી ચેતી જજો. ભૂલશો નહિ, ઍક્સિડન્ટ થાય તો એનું કારણ જાણવા પોલીસ અને ઇન્સ્યોરન્સ કંપની તમારો મોબાઇલ ચેક કરી શકે છે. વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરવી કે એસએમએસ મોકલવાની ભારે કિંમત ચૂકવવી પડી શકે! * ૨૦૦૮માં, કૅલિફૉર્નિયા, અમેરિકામાં એક ટ્રેન અકસ્માતમાં ૨૫ લોકો માર્યા ગયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે ડ્રાઇવરે ટ્રેન ચલાવતી વખતે એસએમએસ મોકલ્યો ને અમુક સેકંડોમાં જ અકસ્માત થયો. ટ્રેન રોકવા તેણે બ્રેક પણ મારી ન હતી.

આજે ઘણાં બાળકો મનોરંજન માટે ટીવી, ફિલ્મો જુએ છે. મોબાઇલ, કૉમ્પ્યુટર અને ઇન્ટરનેટ વાપરે છે. તેઓએ આવી વસ્તુઓ સમજી-વિચારીને વાપરતાં શીખવું જોઈએ, જેથી ગેરફાયદા ન થાય. એમ કરવા તેઓને કેવી રીતે મદદ કરી શકાય? એ જાણવા હવે પછીનો લેખ વાંચો. (g09-E 11)

[ફુટનોટ્‌સ]

^ બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવવા ચાહતા હોય તેઓએ, કોઈ પણ સંજોગોમાં ધ્યાન ફંટાવીને જીવન ખતરામાં નાખે એવી બાબતોમાં સાવચેત રહેવું જોઈએ.—ઉત્પત્તિ ૯:૫, ૬; રૂમી ૧૩:૧.

[પાન ૧૫ પર ચિત્રનું મથાળું]

શું મોબાઇલ જેવી વસ્તુઓ તમારો મોટા ભાગનો સમય ખાઈ જાય છે?