સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારું થાઇરોઇડ કેવું છે?

તમારું થાઇરોઇડ કેવું છે?

તમારું થાઇરોઇડ કેવું છે?

બ્રાઝિલના સજાગ બનો!ના લેખક તરફથી

સારા નામની સ્ત્રીને ગર્ભ રહ્યો. પણ ત્રણેક મહિનામાં તો કસુવાવડ થઈ ગઈ. તે સાવ ભાંગી પડી. એકાદ વર્ષ પછી સારાને બીજી વાર કસુવાવડ થઈ. તે પરેશાન થઈ ગઈ. ડૉક્ટર પાસે અનેક ટેસ્ટ કરાવ્યા, પણ કસુવાવડનું કોઈ કારણ જડ્યું નહિ. સારા યોગ્ય પ્રમાણમાં ખોરાક લેતી અને નિયમિત કસરત પણ કરતી. તોય વર્ષો પછી તેનું વજન અચાનક વધવા લાગ્યું. પગમાં ખેંચ આવવા લાગી. તેનાથી ઠંડી જરાય સહેવાતી નહિ. છેવટે તેણે બ્લડ ટેસ્ટ કરાવ્યો. થાઇરોઇડ ગ્રંથિનો અલ્ટ્રાસાઉંડ ટેસ્ટ કરાવ્યો ત્યારે સારાને ખબર પડી કે તેને હાશિમોટો થાઇરોઈડીટિસ નામની બીમારી છે. આ બીમારીને લીધે કદાચ તેની કસુવાવડ થઈ હતી. *

મોટા ભાગના લોકોની જેમ સારાને એવો વિચાર પણ આવ્યો નહિ હોય કે તેને થાઇરોઇડની બીમારી હશે. પરંતુ તેની લથડતી જતી તંદુરસ્તી પરથી જોવા મળ્યું કે થાઇરોઇડ ગ્રંથિ કેટલી મહત્ત્વની છે.

થાઇરોઇડ ગ્રંથિ

થાઇરોઇડ ગ્રંથિ શરીરનું નાનું અંગ છે. એ તમારા ગળાના આગળના ભાગમાં સ્વરપેટી નીચે આવેલું છે. તેનો આકાર પતંગિયા જેવો છે. એની બન્‍ને પાંખ શ્વાસનળીની બંને બાજુ રહેલી છે. આ ગ્રંથિનું વજન ત્રીસેક ગ્રામથી પણ ઓછું છે. આપણા શરીરમાં આવી અનેક ગ્રંથિઓ છે. એ શરીર માટે જરૂરી હોર્મોન્સ બનાવીને સંગ્રહ કરી રાખે છે. પછી જરૂર પ્રમાણે આ હોર્મોન્સ લોહીમાં ભળીને શરીરના કોષો સુધી પહોંચે છે.

થાઇરોઇડ ગ્રંથિમાં શું હોય છે? એમાં જાડા પ્રવાહીથી ભરેલા અનેક નાનાં નાનાં પડીકાં હોય છે. આ પ્રવાહી એ જ થાઇરોઇડ હોર્મોન્સ. એમાં પુષ્કળ આયોડિન હોય છે. શરીરનું લગભગ ૮૦ ટકા આયોડિન આ થાઇરોઇડમાં હોય છે. જો આહારમાં આયોડિનની ખામી હોય તો, થાઇરોઇડ ગ્રંથિ અસાધારણ ફૂલી જઈ શકે, જેને ગોઈટર કહેવાય છે. નાનાં બાળકોમાં આયોડિનની કમી હોય તો, તેઓમાં હોર્મોન બનતા અટકી જઈ શકે. પરિણામે તેઓનો શારીરિક અને માનસિક વિકાસ અટકી જઈ શકે. જાતીય શક્તિ પણ નબળી પડી જાય. એવી હાલતને વામનતા (ક્રીટિનિઝમ) કહે છે.

થાઇરોઇડ હોર્મોન્સનું કામ

થાઇરોઇડ હોર્મોન્સ ટી-૩, આરટી-૩ (વિપરીત ટી-૩) અને ટી-૪ નામથી ઓળખાય છે. * ટી-૩ અને આરટી-૩ એ બંને હોર્મોન્સ ટી-૪માંથી જ બને છે. પણ આ બે હોર્મોન્સ બનવાની ક્રિયા થાઇરોઇડ ગ્રંથિની બહાર થાય છે. શરીરને થાઇરોઇડ હોર્મોન્સની જરૂર પડે ત્યારે, થાઇરોઇડ ગ્રંથિમાંથી ટી-૪ હોર્મોન લોહીમાં ઝરવા લાગે છે. પછી ટી-૪ અને એમાંથી બનતા બીજા હોર્મોન આખા શરીરના કોષો સુધી પહોંચીને એને અસર કરે છે.

જેવી રીતે ગાડી કે મોટર બાઇકનું એક્સલરેટર સ્પીડ કંટ્રોલ કરે છે, એવી જ રીતે થાઇરોઇડ હોર્મોન્સ શરીરના ચયાપચયને કંટ્રોલમાં રાખે છે. ચયાપચય શરીરના કોષોમાં થતી ક્રિયાને બતાવે છે જેનાથી શક્તિ મળે છે, નવા કોષો ઉત્પન્‍ન થાય છે. આમ, થાઇરોઇડ હોર્મોન્સ શરીરની પેશીઓને વૃદ્ધિ પામવા, એને રિપેર કરવા મદદ કરે છે. હૃદયને ધબકતું રાખવામાં પણ એ ભાગ ભજવે છે. આ હોર્મોન્સ શરીરમાં બનતી શક્તિને કંટ્રોલમાં રાખે છે. આ શક્તિ સ્નાયુઓ અને શરીરની ગરમી માટે જરૂરી છે.

થાઇરોઇડ હોર્મોન્સ બીજાં અનેક મહત્ત્વનાં કામ કરે છે. દાખલા તરીકે, એ લોહીમાંથી વધારાનું ખરાબ કોલેસ્ટ્રોલ બહાર કાઢવા યકૃતને મદદ કરે છે. આ કોલેસ્ટ્રોલને ટ્રાયગ્લીસેરોઈડ અને લો-ડેન્સીટી લીપોપ્રોટિન કહે છે. પછી એ ખરાબ કોલેસ્ટ્રોલ પિત્તમાં જાય છે અને મળ દ્વારા બહાર નીકળી જાય છે. જો શરીરમાં થાઇરોઇડ હોર્મોન ઓછું હોય તો, ખરાબ કોલેસ્ટ્રોલ વધી જઈ શકે. તેમ જ સારું કોલેસ્ટ્રોલ (હાઈ-ડેન્સીટી લીપોપ્રોટિન) શરીરમાં ઓછું થઈ શકે.

આપણી હોજરીમાં થાઇરોઇડ હોર્મોન્સને લીધે પાચકરસ ઝરવા લાગે છે, હોજરીના સ્નાયુઓ વધારે કામ કરવા લાગે છે. એનાથી ખોરાક જલદી પચી જાય છે. એટલે જો શરીરમાં વધારે પડતું થાઇરોઇડ હોર્મોન હોય તો, પેટ ખાલી કરવા વારે વારે ટોઇલેટ જવું પડે. જો એ હોર્મોન ઓછું હોય તો, કબજિયાત થાય છે.

થાઇરોઇડને શું કંટ્રોલમાં રાખે છે?

મગજના હાઇપોથેલેમસ નામનો એક ભાગ થાઇરોઇડને કંટ્રોલમાં રાખે છે. શરીરમાં થાઇરોઇડ હોર્મોન્સની માંગ ઊભી થતા જ હાઇપોથેલેમસ એની બાજુમાં આવેલી પિચ્યુટરી ગ્રંથિને સિગ્‍નલ મોકલે છે. પિચ્યુટરી ગ્રંથિ મગજના નીચલા ભાગ અને તાળવાની વચ્ચે આવેલી છે. સિગ્‍નલ મળતા જ આ ગ્રંથિમાંથી લોહીમાં થાઇરોઇડ સ્ટિમ્યુલેટીંગ હોર્મોન્સ (ટીએસએચ) ઝરવા લાગે છે. એનાથી થાઇરોઇડ ગ્રંથિને હોર્મોન્સ બનાવવા સિગ્‍નલ મળે છે.

લોહીમાં થાઇરોઇડ હોર્મોન્સ અને થાઇરોઇડ સ્ટિમ્યુલેટીંગ હોર્મોન્સનું પ્રમાણ પારખવાથી ડૉક્ટરને ખબર પડે છે કે થાઇરોઇડ બરાબર કામ કરે છે કે નહિ. થાઇરોઇડની બીમારી છે કે નહિ, એ પારખવા આ તપાસ કરવી ખૂબ જ અગત્યનું છે.

થાઇરોઇડ ગ્રંથિ બરાબર કામ ન કરે ત્યારે . . .

થાઇરોઇડ ક્યારે બરાબર કામ કરતું નથી? એના અનેક કારણો છે. જેમ કે, ખોરાકમાં પૂરતું આયોડિન મળતું ન હોય. બહુ થાક કે ચિંતા હોય. શરીરના જનીનમાં કોઈ ખામી હોય. કોઈ ચેપ લાગ્યો હોય. શરીરમાં બીજા કોઈ રોગની અસર હોય. કે પછી કોઈ બીમારીમાં લીધેલી દવાની આડઅસર હોય. * થાઇરોઇડ ગ્રંથિ બહુ મોટી થઈ જવી અથવા ગળામાં ગાંઠ (ગોઇટર) થવી એ થાઇરોઇડની બીમારી છે. એમાં આખી ગ્રંથિમાં સોજો આવે છે. ગાંઠો થાય છે. ભલે એ બહુ ગંભીર ન લાગે, પણ ગોઇટર થાય એટલે તરત જ ડૉક્ટરની મદદ લેવી જોઈએ. એની પાછળ બીજી કોઈ મોટી બીમારી પણ હોઈ શકે. જેમ કે, કૅન્સર. *

મોટે ભાગે થાઇરોઇડની તકલીફમાં આ ગ્રંથિ ખૂબ વધારે અથવા બહુ ઓછા પ્રમાણમાં થાઇરોઇડ હોર્મોન્સ ઉત્પન્‍ન કરે છે. વધુ પડતા હોર્મોન્સ ઉત્પન્‍ન કરે તો એને હાઇપરથાઇરોડીઝમ અને ઓછાં ઉત્પન્‍ન કરે તો એને હાઇપોથાઇરોડીઝમ કહેવાય. થાઇરોઇડની બીમારી ધીમે ધીમે અને છૂપી રીતે થાય છે. તપાસ ન કરાવે તો વ્યક્તિને વર્ષો સુધી એની ખબર પણ ન પડે. બીજી બીમારીઓની જેમ, થાઇરોઇડનું પણ જેટલું વહેલું નિદાન કરવામાં આવે એટલું જ સારું પરિણામ મળે છે.

થાઇરોઇડમાં મોટે ભાગે બે સામાન્ય બીમારી હોય છે. એક, હાશિમોટો થાઇરોડીટિસ. બીજી, ગ્રેવ્ઝનો રોગ. આ બંને બીમારી શરીરના બીજા કોઈ રોગના પરિણામે થઈ હોય છે. થાઇરોઇડની આ બીમારીમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ સારા કોષોને દુશ્મન માનીને એના પર હુમલો કરે છે. હાશિમોટો થાઇરોડીટિસ સામાન્ય રીતે પુરુષો કરતાં સ્ત્રીઓમાં છ ગણો વધારે જોવા મળે છે. એનાથી તેઓને હાઇપોથાઇરોડીઝમ રોગ થાય છે. જ્યારે કે ગ્રેવ્ઝનો રોગ સામાન્ય રીતે સ્ત્રીઓમાં આઠ ગણો વધારે જોવા મળે છે. એનાથી હાઇપરથાઇરોડીઝમ થાય છે.

વ્યક્તિને થાઇરોઇડનો રોગ છે કે નહિ, એ જાણવા કેટલા કેટલા સમયે તપાસ કરાવવી જોઈએ, એ વિષે લોકો અલગ અલગ કહેશે. જોકે સામાન્ય રીતે નવા જન્મેલા બાળકના લોહીની તપાસ (સ્ક્રીનીંગ) કરવી મહત્ત્વનું છે. (“નવા જન્મેલા બાળકની જરૂર તપાસ કરાવો” બૉક્સ જુઓ.) તપાસમાં ખબર પડે કે થાઇરોઇડ ગ્રંથિ બહુ ઓછા હોર્મોન્સ ઉત્પન્‍ન કરે છે તો, ડૉક્ટર બીજા ટેસ્ટ કરાવવાનું કહેશે, જેથી ખબર પડે કે ગ્રંથિ પર કેવા રોગપ્રતિકાર હુમલો કરે છે. જો તપાસમાં ખબર પડે કે થાઇરોઇડ ગ્રંથિ વધારે પડતા હોર્મોન્સ ઉત્પન્‍ન કરે છે, તો ગર્ભવતી કે સ્તનપાન કરાવતી સ્ત્રીઓ સિવાય દર્દીને ડૉક્ટર સ્કેન કરાવવાનું કહેશે. જો થાઇરોઇડ ગ્રંથિમાં ગાંઠ હોય તો બાયોપ્સી કરાવવાનું કહેશે, જેથી ખબર પડે કે એ ચેપી છે કે કેમ.

સારવાર કરાવવાની જરૂર હોય ત્યારે

યોગ્ય દવાથી હાઇપરથાઇરોડીઝમની અસર ઓછી થઈ શકે. જેમ કે, વધારે ધબકતું હૃદય કંટ્રોલમાં આવી શકે, શરીરમાં ધ્રૂજારી બંધ થાય અને ચિંતાઓ દૂર થાય. બીજી એવી સારવાર છે જેમાં થાઇરોઇડ કોષોનો નાશ કરવામાં આવે, જેથી એ ગ્રંથિ ઓછા હોર્મોન્સ બનાવે. કોઈ કિસ્સામાં ઑપરેશન દ્વારા થાઇરોઇડ ગ્રંથિ પણ કઢાવી નાખવી પડે છે.

દર્દીને જો હાઇપોથાઇરોડીઝમ રોગ થયો હોય કે તેણે થાઇરોઇડ ગ્રંથિ કઢાવી નાખી હોય, તો ડૉક્ટર મોટે ભાગે હોર્મોન ટી-૪ નામની દવા દરરોજ લેવા માટે લખી આપે છે. સારવારમાં ડૉક્ટર દર્દી પર નજર રાખે છે જેથી તેને યોગ્ય પ્રમાણમાં દવા મળતી રહે. જો દર્દીને થાઇરોઇડનું કૅન્સર હોય, તો એની ઘણી રીતોએ સારવાર કરી શકાય. જેમ કે દવાથી, ઑપરેશનથી, કેમોથેરપી કરાવીને કે રેડિયોએક્ટિવ આયોડિનથી.

આપણે શરૂઆતમાં સારાબહેનની વાત કરી હતી. આ બહેનને થાઇરોઇડની ઉણપ પૂરી કરવા ટી-૪ નામની દવા લેવાથી હવે ઘણું સારું છે. તેની ડાયેટિશયન યોગ્ય ખોરાક લેવા જરૂરી માર્ગદર્શન આપે છે. એનું સારું પરિણામ આવ્યું છે. સારાની જેમ ઘણા લોકોને હવે ખબર છે કે થાઇરોઇડ ગ્રંથિ ભલે કદમાં નાની હોય, પણ એ બહુ મહત્ત્વનું અંગ છે. એ માટે એની સારી રીતે સંભાળ રાખજો, તંદુરસ્ત રહેવા પૂરતા પ્રમાણમાં આયોડિન હોય એવો આહાર લો. બીમાર કરી નાખે એવી ચિંતાઓ ટાળો. તંદુરસ્ત રહેવા તમારાથી બનતું બધું જ કરો. (g09-E 05)

[ફુટનોટ્‌સ]

^ ગર્ભવતી સ્ત્રીની થાઇરોઇડ ગ્રંથિ બરાબર કામ ન કરતી હોય તો અનેક મુશ્કેલીઓ ઊભી થઈ શકે. જોકે ઘણી સ્ત્રીઓ થાઇરોઇડની બીમારી હોય, તોય તંદુરસ્ત બાળકને જન્મ આપે છે. તોપણ આ બીમારીમાં માતા થાઇરોઇડની ઉણપ પૂરી કરવા જરૂરી દવા લે એ ખૂબ મહત્ત્વનું છે. આખરે તો પેટમાં રહેલું બાળક શરૂશરૂમાં માતાના થાઇરોઇડ હોર્મોન (અંત્રઃસ્રાવ) પર જ આધારિત હોય છે.

^ ટી-૩ હોર્મોન ટ્રાયઆયોડોથાયરોનીન અને ટી-૪ થાઈરોક્ષીન નામથી ઓળખાય છે. આંકડો ૩ અને ૪ પરથી પારખી શકાય કે આયોડિનના એટલા અણુઓ જે તે હોર્મોન સાથે જોડાયેલા છે. થાઇરોઇડ ગ્રંથિ કેલ્સીટોનિન નામનું હોર્મોન પણ બનાવે છે, જે લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખવા મદદ કરે છે.

^ સજાગ બનો! જણાવતું નથી કે કેવો ઇલાજ કરવો જોઈએ. જો તમને લાગે કે થાઇરોઇડની કોઈ તકલીફ છે, તો આ બીમારીના અનુભવી ડૉક્ટરની મદદ લો જેથી તમને સમયસર યોગ્ય સારવાર મળે.

^ જો કોઈએ માથામાં કે ડોકમાં રેડિયોથેરેપી કરાવી હોય, પહેલાં કોઈ કૅન્સર થયું હોય, અથવા કુટુંબમાં કોઈને થાઇરોઇડ કૅન્સર થયું હોય, તો તેઓને કૅન્સર થવાની વધારે શક્યતા રહેલી છે.

[પાન ૨૩ પર ચિત્રનું મથાળું]

જેવી રીતે ગાડી કે બાઇકનું એક્સલરેટર સ્પીડ કંટ્રોલ કરે છે, એવી જ રીતે થાઇરોઇડ હોર્મોન્સ શરીરના ચયાપચયને કંટ્રોલમાં રાખે છે

[પાન ૨૫ પર ચિત્રનું મથાળું]

થાઇરોઇડની બીમારી ધીમે ધીમે અને છૂપી રીતે થાય છે. તપાસ ન કરાવે તો વ્યક્તિને વર્ષો સુધી એની ખબર પણ ન પડે

[પાન ૨૪ પર ચિત્રનું મથાળું]

સામાન્ય લક્ષણો

હાઇપરથાઇરોડીઝમ: વ્યક્તિ નાની-નાની વાતમાં ગુસ્સે થઈ જાય, વગર કારણે વજન ઓછું થાય, હૃદયના ધબકારા વધી જાય, દિવસમાં ઘણી વાર પેટ ખાલી કરવા જવું પડે, સ્ત્રીઓમાં અનિયમિત માસિકસ્ત્રાવ આવે, ચિડિયલ બની જાય, ખોટી ચિંતાઓ કરે, મિજાજ બદલાયા કરે, આંખના ડોળા મોટા લાગે, શરીરમાં નબળાઈ આવે, ઊંઘ ન આવે, વાળ ખરે અને સહેલાઈથી તૂટી જાય. *

હાઇપોથાઇરોડીઝમ: હલનચલન ઓછું થાય, સુસ્તી લાગે. વગર કારણે વજન વધે, વાળ ખરે, કબજિયાત થાય, ઠંડી બહુ લાગે, ડિપ્રેશ થઈ જવાય, અવાજ બદલાઈ જાય (ભારે અથવા તીણો), યાદશક્તિ નબળી પડી જાય, થાક લાગે.

[ફુટનોટ્‌સ]

^ બીજી કોઈ બીમારીના પણ આવાં અમુક લક્ષણો હોઈ શકે. તમને જો સારું ન લાગે તો સમયસર ડૉક્ટરની મદદ લેવી જોઈએ.

[પાન ૨૪ પર ચિત્રનું મથાળું]

નવા જન્મેલા બાળકની જરૂર તપાસ કરાવો

નવા જન્મેલા બાળકના લોહીના અમુક ટીપાં તપાસવાથી ખબર પડી જાય કે તેના થાઇરોઇડમાં કોઈ ગરબડ છે કે કેમ. જો લોહી તપાસવાથી જણાય કે અમુક મુશ્કેલી છે, તો ડૉક્ટરની દવાથી સારું થઈ જાય. જો બાળકમાં પૂરતા થાઇરોઇડ હોર્મોન્સ ન હોય, તો તેની વૃદ્ધિ રૂંધાય છે તેમ જ માનસિક વિકાસ પણ અટકે છે. એ હાલતને વામનતા (ક્રીટિનિઝમ) કહે છે. એટલે જ મોટા ભાગે જન્મના અમુક જ દિવસોમાં બાળકની તપાસ કરવામાં આવે છે કે બધું બરાબર છે કે નહિ.

[પાન ૨૫ પર ચિત્રનું મથાળું]

શું તમે યોગ્ય આહાર લો છો?

જો યોગ્ય આહાર લેવામાં આવે તો થાઇરોઇડની બીમારી જલદી થતી નથી. દાખલા તરીકે, શું તમારા આહારમાં પૂરતું આયોડિન હોય છે? એ થાઇરોઇડ હોર્મોન્સ બનાવવા મહત્ત્વનો ભાગ ભજવે છે. ખારા પાણી કે દરિયાઈ માછલી, જિંગા જેવા આહારમાંથી જરૂરી આયોડિન મળે છે. શાકભાજી અને માંસમાંથી પણ આયોડિન મળે છે. કેવી જમીનમાં ઊગે છે એના આધારે શાકભાજી અને માંસમાં આયોડિનનું વધતું-ઓછું પ્રમાણ હોય છે. આહારમાં આયોડિનની કમી પૂરવા અમુક સરકારો નિમક કે મીઠું બનાવતી વખતે એમાં આયોડિન ઉમેરવાનું કહે છે.

થાઇરોઇડ માટે સેલેનિયમ પણ બહુ જરૂરી છે. એ પ્રોટીનનો એક ભાગ છે, જે ટી-૪ હોર્મોનમાંથી ટી-૩ બનાવે છે. શાકભાજી, માંસ અને દૂધમાં સેલેનિયમ હોય છે. કેટલા પ્રમાણમાં હોય છે એ કેવી જમીનમાં ઉછેર થયો કે ઉગાડવામાં આવ્યું એના પર આધારિત છે. ઘઉં અને ચોખામાંથી પણ પૂરતું સેલેનિયમ મળે છે. જોકે, તમને થાઇરોઇડની બીમારી છે એવું લાગે તો તરત જ ડૉક્ટરને મળો, એની ઘરઘથ્થું સારવાર કરશો નહિ.

[પાન ૨૪ પર ચિત્રનું મથાળું]

શ્વાસનળી

સ્વરપેટી (આદમ્સ એપલ)

થાઇરોઇડ

શ્વાસનળી