સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘બધા કેમ મારા જીવનમાં માથું મારે છે?’

‘બધા કેમ મારા જીવનમાં માથું મારે છે?’

યુવાનો પૂછે છે

‘બધા કેમ મારા જીવનમાં માથું મારે છે?’

નીચેના અમુક સંજોગોમાં તમે શું કરશો? તમારા જવાબ સામે ટિકકરી શકો.

૧. તમારા રૂમનો દરવાજો બંધ છે અને તમારા ભાઈ કે બહેન દરવાજો ખખડાવ્યા વગર રૂમમાં ઘૂસી જાય છે.

‘કંઈ વાંધો નહિ . . . હું પણ એવું કરું છું.’

‘સાવ બુદ્ધિ વગરનો! જો હું કપડાં બદલતો હોત તો?’

૨. તમે મિત્ર સાથે ફોન પર વાત કરો છો, અને મમ્મી તમારી વાત છુપાઈને સાંભળે છે.

‘કંઈ વાંધો નહિ . . . મારી પાસે છુપાવવા જેવું કંઈ નથી.’

‘ખરી છે! એવું લાગે છે કે તે જાણે જાસૂસી કરતી હોય.’

૩. તમે ઘરમાં પ્રવેશો છો અને મમ્મી-પપ્પા સવાલોની ઝડી વરસાવે છે. ‘તું ક્યા ગયો હતો? તેં શું કર્યું? કોની સાથે ગયો હતો?’

‘વાંધો નહિ . . . આમેય હું તેઓને બધું જણાવતો જ હોવ છું.’

‘ખરા છે તેઓ! શું તેઓને મારામાં જરાય ભરોસો નથી?’

જ્યારે તમે નાના હતા ત્યારે ભાઈ કે બહેન તમારા રૂમનો દરવાજો ખોલીને અંદર આવી જતા તોપણ તમે ખુશી ખુશી તેમને આવકારતા. જો મમ્મી-પપ્પા કોઈ સવાલ પૂછતા તો તમે બેધડક જવાબ આપતા. એ સમયે તમારું જીવન એક ખુલ્લી કિતાબ જેવું હતું. પણ હવે સમય બદલાયો છે. તમે બંધ કિતાબ જેવું જીવન ચાહો છો, કેમ કે તમે યુવાનીમાં ડગ માંડી રહ્યા છો. ચૌદ વર્ષનો કોરે કહે છે, * “હવે મારે અમુક બાબતો ખાનગી રાખવી છે. બીજાઓને બધું કહેવાનું મન નથી.”

શા માટે તમને હવે એકાંત જોઈએ છે? કેમ કે હવે તમે યુવાન બની રહ્યા છો. તમારા શરીરમાં જે ફેરફાર થઈ રહ્યા છે એના લીધે તમે હવે સભાન થઈ રહ્યા છો. પરિવારના સભ્યોની સામે પણ તમે તમારા દેખાવને લીધે ચિંતિત છો. જેમ જેમ તમે મોટા થાવ છો તેમ તેમ તમારી લાગણીઓ અને વિચારો બદલાય છે. આ બતાવે છે કે તમે “વિવેકબુદ્ધિ” કેળવી રહ્યા છો, જેના વિષે બાઇબલમાં લખવામાં આવ્યું છે. (નીતિવચનો ૧:૧, ૪; પુનર્નિયમ ૩૨:૨૯) ઈસુ પણ “ઉજ્જડ ઠેકાણે” ગયા હતા, જેથી મહત્ત્વની બાબતો પર શાંતિથી વિચાર કરી શકે.—માત્થી ૧૪:૧૩.

જોકે હજુ પણ તમારે માબાપનું કહ્યું કરવાનું છે. તમને માર્ગદર્શન કે સલાહ આપવાનો તેમનો હક છે. (એફેસી ૬:૧) જેમ જેમ તમે મોટા થાવ છો તેમ તેમ તમે અમુક બાબતો છુપાવવા માગો છો. જ્યારે કે એ જ સમયે માબાપ તમારા વિષે બધું જ જાણવા માંગે છે. આવા પડકારનો સામનો તમે કેવી રીતે કરી શકો? ચાલો બે બાબતો જોઈએ જેમાં મુશ્કેલી ઊભી થતી હોય છે.

જ્યારે તમે એકાંત ચાહો છો

તમે થોડો સમય એકાંતમાં રહેવા માગો છો એના યોગ્ય કારણો હોઈ શકે. કદાચ તમને “થોડો વિસામો” જોઈએ છે. (માર્ક ૬:૩૧) અથવા તમને પ્રાર્થના કરવી છે. ઈસુએ પણ શિષ્યોને સલાહ આપી હતી કે ‘તારી ઓરડીમાં પેસ, ને તારૂં બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા પિતાની પ્રાર્થના કર.’ (માત્થી ૬:૬; માર્ક ૧:૩૫) જો તમારો પોતાનો રૂમ હોય અને તમે બારણું બંધ કરીને પ્રાર્થના કરતા હો, તોપણ માબાપને જાણવાની જિજ્ઞાસા હોય કે તમે શું કરી રહ્યા છો. કદાચ તમારા ભાઈ-બહેનો પણ સમજી નહિ શકે કે તમે કેમ એકાંત ચાહો છો.

તમે શું કરી શકો? તમારા રૂમને જંગનું મેદાન બનાવવાને બદલે આવું કંઈક કરી શકો.

● ભાઈ-બહેન સાથે વાત કરીને સમજૂતી કરી શકો, જેથી તમારું કામ શાંતિથી કરી શકો. જો જરૂર લાગે તો મમ્મી-પપ્પાની મદદ પણ લઈ શકો.

● જો મમ્મી-પપ્પા તમારા કામમાં માથું મારતા હોય એવું લાગે, તો તેઓના વિચારોને સમજવાની કોશિશ કરો. ૧૬ વર્ષની રબેકા કહે છે, “આજે યુવાનો પર જાત-જાતના દબાણો આવે છે. એટલે મારા માબાપ મારી તપાસ રાખતા હોય એ હું સમજી શકું છું. જો મારા બાળકો ટીનેજર હોય તો હું પણ એવું જ કરીશ.” રબેકાની જેમ શું તમે તમારા માબાપની ચિંતાઓને સમજવાની કોશિશ કરો છો?—નીતિવચનો ૧૯:૧૧.

● સમજી-વિચારીને આ સવાલો પર વિચાર કરો: “જ્યારે મારા રૂમનો દરવાજો બંધ હોય છે ત્યારે હું કંઈક ખોટું કરીશ એવી શું માબાપને શંકા છે? હું માબાપને કશું કહેતો નથી એટલે શું તેઓ મારા વિષે જાણવા જાસૂસી કરે છે?” જો તમે દિલ ખોલીને માબાપની સાથે વાત કરશો તો તેઓ તમારી ઊલટ-તપાસ નહિ કરે. *

તમે શું કરી શકો? જે વિષય પર માબાપ સાથે વાત કરવા માગો છો એ નીચે લખી લો.

․․․․․

દોસ્તોની વાત હોય ત્યારે

જ્યારે બાળકો યુવાનીમાં પ્રવેશે છે ત્યારે તેઓને નવા નવા મિત્રો બનાવવાનું ગમતું હોય છે. એવી જ રીતે માબાપને પણ એ જાણવાની જિજ્ઞાસા હોય છે કે તમારા મિત્રો કોણ છે, અને તમે તેઓ સાથે શું કરો છો. તેઓ પોતાની જવાબદારી સારી રીતે નિભાવવા માટે જાણકારી રાખતા હોય છે. જોકે તમને થતું હશે કે મારા માબાપ ખોટી ખોટી ચિંતા કરે છે. ૧૬ વર્ષની એમી કહે છે “મારા માબાપ દર દસ મિનિટે પૂછ પૂછ કરે કે કોને ઈ-મેઇલ કરું છું, કે કોને ફોન કરું છું. એ મને જરાય ગમતું નથી.”

તમે શું કરી શકો? મિત્રોને લીધે જો માબાપ સાથે ચડસાચડસી થતી હોય, તો આવું કંઈક કરી શકો.

● મિત્રોને માબાપ સાથે મળાવો. તેઓ કોણ છે, શું કરે છે એ વિષે જણાવો. જોકે માબાપ તમારા મિત્રોને ઓળખતા નહિ હોય, તો સમજી શકાય કે તેઓ શા માટે જાસૂસી કરે છે. યાદ રાખો કે તમારા માબાપને ખબર છે કે જેવા મિત્રો કરશો એવી અસર તમારા પર થશે જ. (૧ કોરીંથી ૧૫:૩૩) તેથી જો તમારા મિત્રો વિષે માબાપને ખબર હશે, તો તેઓની ચિંતા ઓછી થશે. અને ઘરમાં શાંતિ જળવાઈ રહેશે.

● માબાપ સાથે એ વિષે શાંતિથી વાત કરો. તેઓને એમ ન કહો કે ‘તમે કેમ મારા જીવનમાં ઘડી ઘડી માથું મારો છો.’ એને બદલે તેઓને સમજાવવાની કોશિશ કરો. અને કહી શકો: ‘જ્યારે હું મિત્રો સાથે વાત કરું છું ત્યારે તમે બધું સાંભળવાનો પ્રયત્ન કરો છો. અને પછી એ વિષે બધું પૂછ પૂછ કરો છો. એટલે હવે મને મિત્રો સાથે વાત કરવાનું મન નથી થતું.’ આવી રીતે માબાપ સાથે વાત કરશો તો કદાચ તેઓ તમારી વાતોમાં માથું નહિ મારે.—નીતિવચનો ૧૬:૨૩.

● પોતાને ન છેતરો: શું ખરેખર તમને એકાંતની જરૂર છે કે પછી બીજાથી કશું છુપાવવા માગો છો? ૨૨ વર્ષની બ્રિટની કહે છે: ‘જો તમે માબાપ સાથે રહેતા હોવ અને તમારા વિષે ચિંતા કરતા હોય, તો તમારે આવું કંઈક વિચારવું જોઈએ: “હું કંઈ ખોટું કરતી નથી, તેથી મારે કશું છુપાવવાની જરૂર નથી.” પણ જો તમે કંઈક છુપાવવા માગતા હોવ તો ચોક્કસ દાળમાં કંઈક કાળું છે.’

તમે શું કરી શકો? માબાપ સાથે કઈ રીતે વાત શરૂ કરશો એ નીચે લખી લો.

તમને વધારે એકાંત જોઈએ છે?

શું તમને અમુક સમયે એકાંત જોઈએ છે? કોઈ તમને ડિસ્ટર્બ ના કરે માટે તમે શું કરી શકો? હવે પછીના મુદ્દાઓ તમને મદદ કરશે.

પહેલું પગલું: તકલીફ ક્યાં છે એ પારખો.

તમને ક્યારે ક્યારે એકાંત જોઈએ છે?

․․․․․

બીજું પગલું: માબાપના વિચારો પારખો.

તેઓની ચિંતા કરવાનું કારણ શું છે?

․․․․․

ત્રીજું પગલું: સુધારો કરવા પ્રયત્ન કરો.

(ક) તમારી બેદરકારીને લીધે પ્રૉબ્લેમ ઊભો થયો હોય એવી એક બાબત વિષે નીચે લખી લો.

․․․․․

(ખ) ઉપર તમે જે જવાબો લખ્યા છે, એના આધારે તમે જીવનમાં કેવા ફેરફાર કરશો?

․․․․․

(ગ) પ્રૉબ્લેમને થાળે પાડવા માબાપ પાસેથી તમે કેવી અપેક્ષા રાખો છો?

․․․․․

ચોથું પગલું: દિલ ખોલીને વાત કરો.

કોઈ યોગ્ય સમય જોઈને ઉપર જે લખ્યું છે એ વિષે માબાપ સાથે ચર્ચા કરો. (g10-E 03)

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype

[ફુટનોટ્‌સ]

^ આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.

^ જો માબાપ હજુ પણ તમારા પર શંકા કરતા હોય તો શાંતિથી અને માનથી એના વિષે તેઓની સાથે વાત કરો. પછી તેઓની ચિંતાઓ વિષે ધ્યાનથી સાંભળો. તેઓની ચિંતાનું કારણ પારખવાની કોશિશ કરો.—યાકૂબ ૧:૧૯.

આના વિષે વિચાર કરો

● તમે જે કંઈ કરો છો એ વિષે શા માટે માબાપ જાણવા માગે છે?

● માબાપ સાથે વાતચીત કરવાની કળા વિકસાવવાથી, ભાવિમાં બીજા સાથે વાતચીત કરવામાં કઈ રીતે મદદ મળશે?

[પાન ૧૧ પર ચિત્રનું મથાળું]

બીજા યુવાનો શું કહે છે?

જો યુવાનો ખુલીને વાત કરશે, તો માબાપ તેઓના ઈ-મેઇલ અને એસ.એમ.એસ. વાંચવાની કોશિશ નહિ કરે.” ઈડન

માબાપ મારા ઈ-મેઇલ વાંચે તો મને કંઈ વાંધો નથી. ઘણા દેશોમાં મૅનેજરને કર્મચારીઓના ઈ-મેઇલ ચેક કરવાનો હક હોય છે. તો પછી માબાપ પોતાના બાળકોના ઈ-મેઇલ ચેક કરે એમાં વાંધો શું છે?’ કેવિન

આપણે મુસીબતમાં ના ફસાઈએ એવું માબાપ ચાહે છે, એટલે તેઓ સવાલો પૂછ્યા કરે છે. જોકે આપણને લાગી શકે કે એ સારું તો ના જ કહેવાય. પણ સાચું કહું તો હું તેઓની જગ્યાએ હોવ, તો હું પણ એવું જ કરું.’ અલાના

[પાન ૧૩ પર ચિત્રનું મથાળું]

માબાપે વિચારવા જેવું

તમારો દીકરો પોતાના રૂમમાં છે. શું દરવાજો ખખડાવ્યા વગર અંદર ઘૂસી જશો?

તમારી દીકરી સ્કૂલે જવાની ઉતાવળમાં મોબાઇલ ફોન ભૂલી ગઈ છે. શું એના મૅસેજ વાંચશો?

આ સવાલોના જવાબ આપવા એટલું સહેલું નથી. જોકે માબાપ તરીકે બાળકોની સંભાળ રાખવાની જવાબદારી તમારી છે, એટલે તપાસ રાખવામાં કંઈ ખોટું નથી. પણ હંમેશા બાળક પર શંકા કરીને તેઓના જીવનની દરેક પળ પર નજર રાખી શકતા નથી. આવા સંજોગોમાં તમે શું કરી શકો?

પહેલું, ટીનેજર એકલા હોય એટલે ઊંધું-છતું જ કરે, એવું માની લેવાની જરૂર નથી. તેઓ મોટા થાય તેમ અમુક હદ સુધી તેમને એકાંતમાં કામ કરવાનું ગમતું હોય છે. એકલા રહેવાથી પોતાની જાતે મિત્રો બનાવતા શીખશે. વધુમાં, તેઓ કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરવા પોતાની ‘બુદ્ધિ’ વાપરતા શીખશે. (રૂમી ૧૨:૧, ૨) આ રીતે તેઓ એક જવાબદાર વ્યક્તિ બની શકશે. (૧ કોરીંથી ૧૩:૧૧) એકાંતમાં તેઓને બરાબર વિચાર કરવાની તક પણ મળે છે. જ્યારે તેઓની માન્યતા કે સંસ્કાર સામે કોઈ દબાણ આવે ત્યારે તેઓ સારો જવાબ આપી શકે છે.

બીજું, જો તમે બાળકને પોતાની મુઠ્ઠીમાં રાખવા કોશિશ કરશો, તો તેને કદાચ ચીડ ચઢે અને તમારી સામે પણ થાય. (એફેસી ૬:૪; કોલોસી ૩:૨૧) શું એનો અર્થ એવો કે તેઓને બહુ છૂટછાટ આપવી જોઈએ? ના એવું નથી. માબાપ તરીકે તમારે તમારી ફરજ અદા કરવાની છે. તમારો ધ્યેય એ હોવો જોઈએ કે બાળકો પોતાની જાતે નિર્ણય લેતા શીખે. (પુનર્નિયમ ૬:૬, ૭; નીતિવચનો ૨૨:૬) ટૂંકમાં કહીએ તો, જાસૂસી કરવાને બદલે જરૂરી માર્ગદર્શન આપવું જોઈએ.

ત્રીજું, તમારા બાળકો સાથે બેસીને ચર્ચા કરો. તેઓ દિલ ખોલીને જે પણ કહે એ ધ્યાનથી સાંભળો. પછી જુઓ કે શું અમુક બાબતોમાં તેઓને થોડી છૂટ આપી શકાય કે કેમ? (ફિલિપી ૪:૫) બાળકને જણાવો કે તે કોઈ ખોટું પગલું ન ભરે ત્યાં સુધી તેને એકાંતમાં અમુક કાર્યો કરવા દેશો. જો તે કહેલું ના કરે તો કેવી શિક્ષા કરવામાં આવશે એ જણાવો. જો શિસ્તની જરૂર લાગે તો અચૂક આપજો. એક પ્રેમાળ માબાપ તરીકે તેઓને અમુક હદ સુધી છૂટ આપી શકાય. છૂટ આપવાનો અર્થ એ નથી કે તે મન-ફાવે એમ કરે. છૂટ આપવાની સાથે સાથે તેની સંભાળ પણ રાખવાની જરૂર છે.

[પાન ૧૨ પર ચિત્રનું મથાળું]

ભરોસો જાણે કમાણી જેવો છે, તમે એ માગી ન શકો, કમાવો પડે!

[પાન ૧૦ પર ચિત્રનું મથાળું]