સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મને યહોવાહના સાક્ષીઓ ગમી ગયા

મને યહોવાહના સાક્ષીઓ ગમી ગયા

મને યહોવાહના સાક્ષીઓ ગમી ગયા

ટોમાસ ઓરોસ્કોનો અનુભવ

હું જ્યારે પહેલી વખત યહોવાહના સાક્ષીઓની સભામાં ગયો હતો ત્યારે એક નાના છોકરાએ સ્પીચ આપી હતી. તે એટલો નાનો હતો કે પોડિયમની પાછળથી માંડ માંડ ઑડિયન્સને જોઈ શકતો હતો. પણ તેની બોલવાની કળા અને સ્પીચ આપવાની રીત જોઈને હું દંગ રહી ગયો.

મેં યુનાઈટેડ સ્ટેટ્‌સમાં બોલિવિયાના રાજદૂત તરીકે કામ કર્યું હતું. એક સમયે લશ્કરના વડા અને રાષ્ટ્રપતિના પી.એ. (પર્સનલ આસિસ્ટંટ) તરીકે પણ હતો. ઊંચા હોદ્દાને લીધે મને હંમેશાં માન મળતું. પણ મેં જોયું તો સભામાં બેઠેલા બધા એ નાના છોકરાને ધ્યાનથી સાંભળતા હતા. એને જે માન આપતા હતા એ જોઈને હું મારા જીવન માર્ગ વિષે જરા વિચારવા લાગ્યો.

૧૯૩૪માં પપ્પા પૅરાગ્વે અને બોલિવિયા વચ્ચેના ચાકો યુદ્ધમાં માર્યા ગયા. એ પછી મને કૅથલિક બોર્ડિંગ સ્કૂલમાં મૂકવામાં આવ્યો. ત્યાં હું દરરોજ મીસમાં જતો. ત્યાં અમે ભજનો ગાતા, કૅથલિક ધર્મ વિષેના સિદ્ધાંતો સાંભળતા અને ગોખેલી પ્રાર્થના બોલતા. ચર્ચની ગાયક મંડળીમાં ગાતો અને પાદરી ચર્ચમાં વિધિઓ કરતા ત્યારે એમાં મદદ પણ કરતો. તેમ છતાં મેં કદી બાઇબલ વાંચ્યું ન હતું. અરે જોયું પણ ન હતું.

ધાર્મિક તહેવારો હોય ત્યારે મને બહુ મઝા આવતી. એમાં ધાર્મિકતા કરતા પાર્ટીનો માહોલ વધારે રહેતો, એટલે રોજિંદા કામથી છુટકારો મળતો. પણ પાદરીઓ અને ધર્મનું જ્ઞાન આપનારા આગેવાનો બહુ જ કઠોર હતા. મને એ લોકો જરાય ગમતા નહિ. એટલે મેં નક્કી કર્યું કે ધર્મને લગતી કોઈ પણ બાબતમાં ઊંડો નહિ ઉતરું.

મિલિટરીનું ઘેલું લાગવું

એક દિવસે બે મિલિટરી ઑફિસર મારા ગામ તરીહામાં આવ્યા. તેઓ બોલિવિયાના પાટનગર લા પાઝમાં કામ કરતા હતા. તેઓ કોઈ મહાન વ્યક્તિની જેમ ચાલીને મુખ્ય બજારથી પસાર થતાં હતા. તેમનો યુનિફૉર્મ જોઈને હું ઇમ્પ્રેશ થઈ ગયો. એ ચોખ્ખો અને ઈસ્ત્રી-ટાઇટ હતો. તેઓએ હૅટ પણ પહેરેલી હતી જેની ધાર એકદમ ચળકાટ મારતી હતી. એ બધું જોઈને મેં ત્યાં જ નક્કી કરી લીધું કે હું પણ મિલિટરી ઑફિસર બનીશ. હું વિચારતો હતો કે તેઓને જીવનમાં ઘણા અનુભવ થયા હશે. બીજાઓની સેવા કરવાથી તેઓને બહુ સંતોષ મળતો હશે.

૧૯૪૯માં જ્યારે હું ૧૬ વર્ષનો હતો ત્યારે બોલિવિયાની મિલિટરી કૉલેજમાં જોડાયો. એડમિશન લેવા ગયા ત્યારે મુખ્ય દરવાજાથી તે છેક લશ્કરના ક્વાર્ટર્સ સુધી લાંબી લાઇન હતી. મોટાભાઈ પણ મારી સાથે લાઇનમાં ઊભા રહ્યા. તેમણે લશ્કરના અધિકારી સાથે મારી ઓળખાણ કરાવી અને મારા વખાણ કર્યા. પછી તેમને ભલામણ કરી કે મારી સંભાળ રાખે. પછી ભાઈ મને મૂકીને જતા રહ્યા. ત્યાર પછી નવા જોડાનારાનું સ્વાગત કરવામાં આવે તેમ મારું સ્વાગત થયું. મને જમીન પર પછાડીને કહેવામાં આવ્યું કે “જોઈએ કે કોણ કોની વાહ વાહ કરશે!” હું કંઈ ઢીલો-પોચો ન હતો એટલે મારો અહમ ઘવાયા સિવાય બીજું કંઈ મને થયું નહિ.

યુદ્ધમાં કેવી રીતે લડવું એ હું શીખ્યો. સમય ગયો એમ મોટો મિલિટરી ઑફિસર બન્યો. અનુભવથી હું જોઈ શક્યો કે બહારના દેખાવથી ભલે એવું લાગે કે મિલિટરીના લોકો બહુ સારા છે, પણ એ ખાલી દેખાડો છે.

મને ઊંચી પદવી મળી

હું મિલિટરીમાં નવો નવો હતો ત્યારે મને આર્જેન્ટિના જનરલ બેલગ્રાનો નામના યુદ્ધ જહાજ પર તાલીમ મળી. એ જહાજ એટલું મોટું હતું કે એમાં એક હજારથી વધારે સૈનિકો રહી શકતા. બીજા વિશ્વયુદ્ધ પહેલાં એ જહાજ અમેરિકામાં હતું. અને યુ.એસ.એસ. ફીનિક્સ તરીકે ઓળખાતું. ૧૯૪૧માં જ્યારે જાપાનીઓએ હવાઈ ટાપુના પર્લ હાર્બર પર હુમલો કર્યો ત્યારે એ જહાજ એમાંથી બચી ગયું. છેવટે એ જહાજ આર્જેન્ટિનાના લશ્કરનું બન્યું.

ધીમે ધીમે હું આગળ વધતો ગયો ને છેવટે બોલિવિયાની નૅવીમાં મને બીજા નંબરનું સ્થાન મળ્યું. અમે બોલિવિયાની સરહદે આવેલી નદીઓ પરથી ચોકી કરતા. આ નદીઓના અમુક ફાંટા ઍમેઝોનમાંથી આવતા હતા. વળી અમે ટિટિકાકા નામના સરોવરની પરથી પણ ચોકી કરતા. એ એટલું મોટું હતું કે જહાજો એમાં સહેલાઈથી આવ-જા કરી શકતા. આ સરોવર દરિયાની સપાટીથી ઘણી ઊંચાઈ પર છે. દુનિયામાં આટલે ઊંચે બીજું કોઈ સરોવર નથી.

૧૯૮૦ના મે મહિનામાં મને મિલિટરી કમિશનના ડિપ્લોમેટ તરીકે અમેરિકાના પાટનગર વૉશિંગ્ટન ડી.સી.માં મોકલવામાં આવ્યો. મારી સાથે લશ્કરના, ઍરફોર્સના અને નૅવીના ઉચ્ચ અધિકારીઓ પણ હતા. હું સિનિયર હતો એટલે ત્રણેવ વિભાગના વડા તરીકે મારી નિમણૂક થઈ. હું અમેરિકામાં લગભગ બે વર્ષ રહ્યો. એ પછી મને બોલિવિયાના રાષ્ટ્રપતિના પી.એ. તરીકે નિમવામાં આવ્યો.

મિલિટરી કમાન્ડર હોવાથી દર રવિવારે ચર્ચમાં જવું, એ મારી ફરજ હતી. લશ્કરના પાદરીઓ જે બધું કરતા એ જોઈને ધર્મમાં ચાલતી પોલ હું જોઈ શક્યો. ધર્મની આવી નામી વ્યક્તિઓ ખૂન-ખરાબી કરવાને ટેકો આપે એ સારું ના કહેવાય. જોકે ધર્મમાં ચાલતા આવા ધતિંગ જોઈને ધર્મમાંથી રસ ઊડી જવાને બદલે મને પરમેશ્વર માટેનું સત્ય શોધવાનું મન થયું. મેં પહેલા ક્યારેય બાઇબલ વાંચ્યું ન હતું, પણ હવે કોઈ કોઈ વાર હાથમાં લઈને જે પણ પાન ખુલતું એ વાંચવા લાગ્યો.

યહોવાહના સાક્ષીઓની સભામાં થયેલો અનુભવ

મારી પત્ની મેન્યુએલા, યહોવાહના સાક્ષીઓની મિશનરી બહેન જેનેટ પાસેથી બાઇબલ શીખવા લાગી ત્યારે મને બહુ ગમ્યું નહિ. તે યહોવાહના સાક્ષીઓના સભાસ્થાનમાં જેને કિંગ્ડમ હૉલ કહેવાય છે ત્યાં પણ જવા લાગી. જોકે હું તેને લેવા-મૂકવા જતો પણ મને એ સભામાં જવાનું મન ન થતું. હું વિચારતો કે ત્યાં બધા બૂમ-બરાડા કરતા હશે, અથવા તો ભાવનાશીલ થઈને રડતાં હશે.

એક દિવસે મારી પત્નીએ કહ્યું કે જેનેટના પતિ મને મળવા માગે છે. શરૂઆતમાં તો મેં મળવાની આનાકાની કરી. પછી મેં વિચાર્યું કે મારી પાસે પણ ધાર્મિક જ્ઞાન છે, હું તેમની સામે દલીલો કરી શકું છું. જ્યારે હું જેનેટના પતિ ઈઅનને પહેલી વખતે મળ્યો ત્યારે મને તેમનો સ્વભાવ બહુ ગમી ગયો. જોકે તેમની વાતોમાં મને એટલો રસ ન પડ્યો. તેમની પાસે બાઇબલનું ઘણું જ્ઞાન હતું, છતાં તેમણે મને નીચા પાડવાની કોશિશ કરી નહિ. તે બહુ જ નમ્ર અને મળતાવડા હતા.

એ પછીના અઠવાડિયે મેં પણ યહોવાહના સાક્ષીઓની સભામાં જવાનું નક્કી કર્યું. શરૂઆતમાં કહ્યું હતું એમ મેં ત્યાં નાના છોકરાની સ્પીચ સાંભળી. તે બાઇબલના યશાયાહના પુસ્તકમાંથી અમુક ભાગ વાંચતો અને સમજાવતો હતો. તેને સાંભળીને લાગ્યું કે મને એક સરસ સંગઠન મળ્યું છે. હું યુવાન હતો ત્યારે મારે મિલિટરી ઑફિસર બનવું હતું. પણ હવે એ નાના છોકરાને જોઈને તેના જેવું બીજાઓને બાઇબલનું જ્ઞાન આપવું હતું. અચાનક જાણે મારું પથ્થર દિલ પીગળી ગયું.

સમય વીત્યો તેમ જોઈ શક્યો કે સાક્ષીઓની સભા સમયસર શરૂ થતી અને સમયસર પૂરી થતી. તેઓ સભામાં હંમેશાં પ્રેમથી મારો આવકાર કરતા અને મારી સાથે સારી રીતે વાતો કરતા. હું તેઓથી અલગ હોવ એવું ક્યારેય મને લાગ્યું નહિ. તેઓનો ચોખ્ખો અને શોભતો પહેરવેશ જોઈને પણ હું ઇમ્પ્રેશ થયો. તેઓની સભા વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી રહેતી. જે વિષયની ચર્ચા કરવા વિષે પહેલેથી જણાવ્યું હોય એ વિષય પર જ ભાગ રજૂ કરવામાં આવતા. આ બધું મને એક સપના જેવું લાગતું. આ બધું તેઓ આગેવાનોથી ડરીને નહિ, પણ એકબીજા માટે પ્રેમ હોવાને લીધે કરતા.

પહેલી સભામાં ગયા પછી હું ઈઅન સાથે બાઇબલમાંથી શીખવા લાગ્યો. એ માટે તમે પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો નામનું પુસ્તક અમે વાપરતા. * એના ત્રીજા પ્રકરણનું એ ચિત્ર મને હજુ યાદ છે, જેમાં બિશપ લશ્કરને લડાઈ પહેલા આશીર્વાદ આપતા હતા. એ ચિત્રમાં જે બતાવેલું હતું એ મેં મારી સગી આંખે થતું જોયું હતું. કિંગ્ડમ હૉલમાંથી મને રીઝનીંગ ફ્રોમ ધ સ્ક્રીપ્ચર્સ નામનું પુસ્તક મળ્યું. એમાં મેં વાંચ્યું કે બાઇબલ મુજબ યહોવાહના ભક્તો લડાઈમાં ભાગ લેતા નથી. ત્યારે મને લાગ્યું મારે જીવનમાં અમુક ફેરફાર કરવા પડશે. મેં નક્કી કર્યું કે ક્યારેય કૅથલિક ચર્ચમાં જઈશ નહિ. હું નિયમિત રીતે સાક્ષીઓની સભામાં જવા લાગ્યો. મેં મિલિટરીમાંથી રાજીનામું આપવાનું પણ નક્કી કરી લીધું.

સત્યના માર્ગમાં પ્રગતિ

થોડાંક અઠવાડિયા પછી મેં સાંભળ્યું કે મંડળના સભ્યો આવનાર ડિસ્ટ્રીક્ટ સંમેલન માટે સ્ટેડિયમની સફાઈ કરવાના છે. હું સંમેલનમાં જવા માટે બહુ જ ઉત્સાહી હતો. હું સ્ટેડિયમની સફાઈ માટે પણ ગયો. ત્યાં મેં ઘણા બધા સાક્ષીઓ સાથે હળીમળીને સફાઈમાં મદદ કરી. મને બહુ મઝા આવી. મને કચરો વાળતા જોઈને એક યુવાન ભાઈને બહુ જ નવાઈ લાગી. તેણે આવીને મને પૂછ્યું: ‘શું તમે એ જ નૅવીના અધિકારી છો?’

મેં ‘હા’ પાડી.

તે ભાઈએ કહ્યું ‘હું માની જ નથી શકતો કે નૅવીનો અધિકારી કચરો વાળી રહ્યો છે!’ આવા અધિકારીઓ કોઈ દિવસ એક કાગળનો ટુકડો પણ ના ઉઠાવે. એ ભાઈ પહેલા મારા માટે મિલિટરીની ગાડી ચલાવતો હતો, જે હવે એક યહોવાહનો સાક્ષી છે.

પ્રેમના લીધે બધા સંપથી કામ કરે છે

મિલિટરીમાં તમારી જેટલી ઊંચી પદવી એટલું વધારે માન મળે. આ વાત મારા મનમાં ઘર કરી ગઈ હતી. એટલે મેં એક વાર પૂછ્યું હતું કે “શું યહોવાહના સાક્ષીઓમાં પણ એવું હોય છે?” પદવી અને સ્થાનને લઈને મારા મનમાં જે ભ્રમ ઘૂસી ગયો હતો એ જલદી જ ભાંગવાનો હતો.

૧૯૮૯માં મેં સાંભળ્યું કે યહોવાહના સાક્ષીઓના આગેવાનોના ગ્રૂપના (ગવર્નિંગ બૉડીના) એક સભ્ય ન્યૂ યૉર્કથી આવવાના છે. અને બોલિવિયાના સંમેલનમાં પ્રવચન આપવાના છે. હું એ જોવા માટે આતુર હતો કે સાક્ષીઓ એ ‘ખાસ વ્યક્તિ’ સાથે કેવી રીતે વર્તે છે. હું માનતો હતો કે તેમનું ઠાઠમાઠથી સ્વાગત કરવામાં આવશે.

સંમેલન શરૂ થઈ ગયું પણ કોઈ ખાસ વ્યક્તિ આવી હોય એવા કોઈ એંધાણ દેખાયા નહિ. હું શંકા કરવા લાગ્યો કે કોઈ આવ્યું છે કે નહિ. ત્યાં મારી અને મેન્યુએલાની બાજુમાં એક વૃદ્ધ યુગલ બેઠું હતું. તેણે જોયું કે બહેન પાસે અંગ્રેજી ભજનનું પુસ્તક છે. એટલે સવારનો કાર્યક્રમ પૂરો થયો ત્યારે તેમની સાથે વાત કરવા લાગી. જોકે પછીથી એ યુગલ ત્યાંથી જતું રહ્યું.

જ્યારે એ બહેનના પતિ મુખ્ય પ્રવચન આપવા સ્ટેજ પર આવ્યા ત્યારે હું અને મેન્યુએલા આંખો ફાડીને જોઈ જ રહ્યા! તેમને જોઈને મિલિટરીમાં ઘૂસી ગયેલ માન અને પદવી મેળવવાનો મારો ભ્રમ ભાંગી ગયો. સંમેલન પછી મેં કહ્યું “હું માની જ ન હતો શકતો કે ગવર્નિંગ બૉડીના સભ્ય અમારી બાજુમાં બેઠા હતા. એય સ્ટેડિયમની કમર ટાઇટ થઈ જાય એવી ખુરશીમાં.”

જ્યારે હું એ વિષે વિચારું છું, ત્યારે મને હસવું આવે છે. ઈઅને મને કેટલી વખત માત્થી ૨૩:૮ના ઈસુના આ શબ્દો સમજાવવાની કોશિશ કરી કે, “તમે સઘળા ભાઈઓ છો.”

પહેલી વખત પ્રચારમાં જવું

જ્યારે હું મિલિટરીમાંથી છૂટો થયો ત્યારે ઈઅને મને ઘરે ઘરે જઈને લોકોને બાઇબલનો સંદેશો આપવાના કામમાં જોડાવા કહ્યું. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૦) મિલિટરીના ક્વાર્ટર્સમાં જવાનું ના થાય એવું હું ઇચ્છતો હતો, પણ ત્યાં જ જવું પડ્યું. ખાસ કરીને જે મિલિટરી જનરલના ઘરથી હું દૂર રહેવા માગતો હતો, એ જ સામે આવ્યો. તેને જોઈને મને પસીનો છૂટી ગયો. જ્યારે તેણે મારી બેગ અને બાઇબલ જોયા ત્યારે કટાક્ષમાં કહેવા લાગ્યો, ‘તારું મગજ તો ઠેકાણે છે ને?’

મેં તરત જ મનમાં ટૂંકી પ્રાર્થના કરી. એનાથી મારો ગભરાટ ઓછો થઈ ગયો. એ જનરલે મારી વાત સાંભળી અને બાઇબલ આધારિત સાહિત્ય પણ વાંચવા લીધું. આ અનુભવથી મારો ડર દૂર થયો અને યહોવાહને મારું જીવન સમર્પણ કરવાનો નિર્ણય મજબૂત થયો. જાન્યુઆરી ૩, ૧૯૯૦ના રોજ મેં બાપ્તિસ્મા લીધું.

સમય જતાં મારી પત્ની, પુત્ર અને પુત્રી પણ યહોવાહના સાક્ષી બન્યા. હવે હું યહોવાહના સાક્ષીઓના મંડળમાં એક વડીલ તરીકે સેવા આપું છું. મોટાભાગનો સમય લોકોને ઈશ્વરના રાજ્ય વિષે શીખવું છું. યહોવાહના સાક્ષી હોવાને એક સન્માન ગણું છું. આ લહાવાની સરખામણીમાં દુન્યવી પદવી કે માન કંઈ જ નથી. એ સાચું કે રોજિંદા જીવનના કાર્યો બરાબર ગોઠવેલા હોવા જોઈએ. પણ એટલી હદ સુધી નહિ કે આપણે કઠોર બનીએ. પોતાનો જ કક્કો ખરો કરીએ. એને બદલે આપણે પ્રેમાળ હોવા જોઈએ. યહોવાહ ચાહે છે કે બધા કાર્યો વ્યવસ્થિત રીતે થાય. પણ એનાથી વધારે તે ચાહે છે કે સર્વ પ્રેમ બતાવે, કેમ કે તે પ્રેમના સાગર છે.—૧ કોરીંથી ૧૪:૩૩, ૪૦; ૧ યોહાન ૪:૮. (g10-E 03)

[ફુટનોટ્‌સ]

^ યહોવાહના સાક્ષીઓનું પુસ્તક, જે હવે છાપવામાં આવતું નથી.

[પાન ૧૫ પર ચિત્રનું મથાળું]

૧૯૫૦માં મારા ભાઈ રેનાટો સાથે

[પાન ૧૫ પર ચિત્રનું મથાળું]

ચીન અને બીજા દેશોના મિલિટરી અધિકારીઓ સાથે એક મેળાવડામાં