સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું આખું બાઇબલ આજે પણ ઉપયોગી છે?

શું આખું બાઇબલ આજે પણ ઉપયોગી છે?

બાઇબલ શું કહે છે?

શું આખું બાઇબલ આજે પણ ઉપયોગી છે?

“બાઇબલ સમયમાં કુટુંબની વંશાવળી, નૈતિકતા જાળવી રાખવી અને ઈશ્વરનો ડર રાખીને ચાલવું જેવા વિષયો બહુ મહત્ત્વના હતા. પણ આજે ૨૧મી સદીમાં એ માહિતી બહુ કંઈ કામની નથી.”

“બાઇબલ પહેલી વખત છપાયું એ પહેલા જ જૂનવાણી બની ગયું.”

‘શું બાઇબલ જૂનું થઈને નકામું બની ગયું છે?’ થોડો સમય પહેલાં આ વિષયની ચર્ચા ઇન્ટરનેટ પર થઈ હતી. અમુક લોકોના અભિપ્રાય ઉપર જણાવેલા છે. શું તમે એ વિચારો સાથે સહમત છો? તમે શું માનો છો?

કદાચ તમે બાઇબલ વિષેના લોકોના આવા અભિપ્રાય સાથે સહમત ન હોવ. તેમ છતાં તમને સવાલ હોય શકે કે ‘શું બાઇબલ આજે પણ ઉપયોગી છે?’ જોકે આજે મોટાભાગના ચર્ચમાં લોકો બે ભાગથી બનેલું બાઇબલ વાપરે છે. પહેલા ભાગને જૂનો કરાર અને બીજા ભાગને નવો કરાર કહેવામાં આવે છે. * આખા બાઇબલની ૭૫ ટકા માહિતી જૂના કરારમાં છે. એટલે ઘણાને લાગે કે બાઇબલની મોટા ભાગની માહિતી જૂની અને કામમાં ન આવે એવી છે.

મુસાના નિયમશાસ્ત્રમાં પાપોની માફી માટે પ્રાણીઓના બલિદાન ચઢાવવા વિષે કહ્યું હતું. પણ આજે કોઈ ખાસ એવા બલિદાનો ચઢાવતા નથી. એટલે સવાલ થાય કે બાઇબલના લેવીય પુસ્તકમાં બલિદાન આપવા વિષેની માહિતી સંઘરી રાખવાનો શું અર્થ? (લેવીય ૧:૧–૭:૩૮) એવી જ રીતે પહેલા કાળવૃત્તાંતના શરૂઆતના અધ્યાયમાં મોટા ભાગે વંશાવળી આપેલી છે. એ આજે શું કામની? (૧ કાળવૃત્તાંત ૧:૧–૯:૪૪) આજે એ લોકોમાંથી કોઈ હયાત નથી, અને કોઈને ખબર પણ નથી કે તે કોની વંશાવળીમાંથી આવે છે. તો શું એ બધી માહિતી રાખી મૂકવાનો કોઈ મતલબ ખરો?

ધારો કે તમે આંબા પરથી એક કેરી તોડી. તમે એક વખતે ફળ તોડી લીધું એટલે શું ઝાડ નકામું બની જાય છે? ના, તમે વધારે ફળની આશા રાખો છો. અમુક રીતે જોઈએ તો બાઇબલ આંબાના ઝાડ જેવું છે. બાઇબલના અમુક ભાગો જેમ કે ગીતશાસ્ત્ર અને ઈસુએ પહાડ પર આપેલ ઉપદેશ કેરી જેવા છે. લોકોને એ ગમે છે. પણ હાથમાં કેરી આવે ત્યારે ઝાડને ભૂલી જાય તેમ, ઘણા લોકો બાઇબલના ગમતા ભાગો વાંચે છે પણ બીજા ભાગોની અવગણના કરે છે. શું એવું કરવું યોગ્ય છે? એ વિષે બાઇબલ શું કહે છે?

લગભગ ઈસવીસન ૬૫માં પ્રેરિત પાઊલે તીમોથીને લખેલા પત્રમાં યાદ દેવડાવ્યું: “તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે, તે પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને સારૂ તને જ્ઞાન આપી શકે છે, તે પણ તું જાણે છે.” આગળ પાઊલે લખ્યું “દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે.” (૨ તીમોથી ૩:૧૫, ૧૬) જ્યારે પાઊલે લખ્યું કે “દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે” ત્યારે તે ખાલી ગ્રીક શાસ્ત્રની જ વાત કરતા ન હતા.

અમુક લોકોનું કહેવું છે કે ઈસુના મરણ વખતે તીમોથી બાળક હતા. તીમોથીને તેની યહુદી માતાએ નાનપણથી હેબ્રી શાસ્ત્રમાંથી શિક્ષણ આપ્યું હશે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧) એ સમયે ગ્રીક શાસ્ત્રનો કોઈ ભાગ લખવામાં આવ્યો ન હતો. તીમોથી આશરે ૩૫ વર્ષના હતા ત્યારે પાઊલે તેમને એક પત્ર લખ્યો હતો. એમાં જણાવ્યું હતું કે તીમોથી ‘બાળપણથી શાસ્ત્ર’ જાણે છે. એટલે પાઊલે જ્યારે “દરેક શાસ્ત્ર”ની વાત કરી ત્યારે એમાં હેબ્રી શાસ્ત્ર પણ આવી જાય, જેમાં અર્પણ માટેના નિયમો અને વંશાવળી આપેલી છે.

જો ઈશ્વરે તેમના અમુક ભક્તોને બાઇબલ લખાવવા અને સાચવી રાખવા કહ્યું ન હોત, તો આજે આપણી પાસે બાઇબલ ન હોત. (રૂમી ૩:૧, ૨) ગ્રીક શાસ્ત્ર લખાયાને ૧,૯૦૦ વર્ષ પછી પણ આખું બાઇબલ આજે અલગ-અલગ રીતે ઉપયોગી છે. કઈ રીતે? એક દાખલો લઈએ. પ્રાચીન ઈસ્રાએલીઓ માટે મુસાનું નિયમશાસ્ત્ર કોઈ પવિત્ર વસ્તુ જ ન હતું, જે આવનાર પેઢીઓ માટે સાચવી રાખવાનું હતું. તેઓ માટે એ નિયમશાસ્ત્ર દેશના બંધારણ તરીકે કામ કરતું હતું. એમાંના અમુક નિયમો આજે આપણને જરૂરી ના લાગે. પણ ઈસ્રાએલી લોકોના જીવન માટે અને દેશ સારી રીતે ચાલે એ માટે એ બહુ જ જરૂરી હતા. વળી, મસીહને ઓળખવા માટે બાઇબલમાં વંશાવળી આપવી બહુ જ જરૂરી હતું. એના વગર લોકોને ખબર પડી ન હોત કે મસીહા કઈ રીતે દાઊદ રાજાના વંશમાંથી આવશે.—૨ શમૂએલ ૭:૧૨, ૧૩; લુક ૧:૩૨; ૩:૨૩-૩૧.

આજે ખ્રિસ્તીઓ મુસાનો નિયમ પાળવા માટે બંધાયેલા નથી. તેમ છતાં હેબ્રી શાસ્ત્રમાં જણાવેલા મસીહ, એટલે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવો જ જોઈએ. બાઇબલમાં આપેલી વંશાવળી બતાવે છે કે ‘દાઊદના’ વંશમાંથી આવનાર મસીહા, ઈસુ જ છે. વધુમાં એ શાસ્ત્રમાં અર્પણો વિષે જે લખવામાં આવ્યું છે, એ જાણવાથી આપણે ઈસુએ આપેલા બલિદાનનું મહત્ત્વ સમજી શકીએ છીએ. સાથે સાથે એના માટે આપણી કદર વધે છે.—હેબ્રી ૯:૧૧, ૧૨.

પહેલી સદીના રૂમી મંડળના સભ્યોને પાઊલે લખ્યું, “જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું, કે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.” (રૂમી ૧૫:૪) આ કલમથી જોઈ શકીએ છીએ કે બાઇબલ ફક્ત આપણા જ નહિ, બીજાઓના લાભ માટે પણ છે. એવું બીજું કોઈ પુસ્તક નથી જે કહી શકે કે છેલ્લાં ૩,૫૦૦ વર્ષથી ઈશ્વરભક્તોને માર્ગદર્શન આપી રહ્યું છે. ખરું-ખોટું પારખવા અને સુધારો કરવા મદદ કરે છે. પછી ભલેને એ ભક્તો સિનાયના અરણ્યમાં જીવ્યા હોય, કનાન દેશમાં રહ્યા હોય, બાબેલોનની ગુલામી સહી હોય કે પછી રોમન સામ્રાજ્યમાં રહ્યા હોય. ફરી એકવાર આંબાના ઝાડનો વિચાર કરો. એના મૂળિયાં જમીનમાં દાટેલા હોવાથી આપણે સહેલાઈથી જોઈ શકતા નથી. એવી રીતે, આપણે બાઇબલના અમુક ભાગોની કિંમત સહેલાઈથી આંકી શકતા નથી. પણ જેમ મહેનત કરીને જમીન ખોદવાથી મૂળિયાં દેખાય છે, તેમ બાઇબલમાં થોડા ઊંડા ઊતરવાથી એનું મહત્ત્વ સમજી શકાય છે. જો મહેનત કરીને એની તપાસ કરીશું તો જરૂર આપણને ઘણો ફાયદો થશે! (g10-E 03)

[ફુટનોટ્‌સ]

^ આ લેખમાં જૂના કરારને હેબ્રી શાસ્ત્ર અને નવા કરારને ગ્રીક શાસ્ત્ર તરીકે ઉલ્લેખ કરીશું.

શું તમે કદી વિચાર્યું છે?

● તીમોથી “પવિત્ર શાસ્ત્ર” ક્યારથી જાણતો હતો?૨ તીમોથી ૩:૧૫.

● બાઇબલના કયા ભાગો ઈશ્વરની પ્રેરણાથી લખાયા છે? કયા ભાગો આપણા લાભ માટે છે?૨ તીમોથી ૩:૧૬.

● “જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું” એનાથી આપણે કેવી રીતે લાભ મેળવી શકીએ? રૂમી ૧૫:૪.

[પાન ૨૫ પર ચિત્રનું મથાળું]

બાઇબલમાં જણાવેલી માહિતી આપણને ઈસુએ આપેલા બલિદાનની કદર કરવા મદદ કરે છે