સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સારા બનીએ કે ખરાબ એ કોના હાથમાં છે?

સારા બનીએ કે ખરાબ એ કોના હાથમાં છે?

બાઇબલ શું કહે છે?

સારા બનીએ કે ખરાબ એ કોના હાથમાં છે?

ઇતિહાસમાં અમુક માનવીઓએ ઠંડે કલેજે કેટલાયની કત્લેઆમ કરી છે. જ્યારે કે અમુકે બીજાઓને પ્રેમ બતાવવા બનતું બધું કર્યું છે. આવું કેમ? માનવીઓ કેમ અમુક વાર જંગલી જાનવરની જેમ વર્તે છે?

દિલની પ્રેરણા અને ખરું-ખોટું પારખવાની આવડત

બાઇબલ સીધેસીધું કહે છે: “માણસના મનની કલ્પના તેના બાળપણથી ભૂંડી છે.” (ઉત્પત્તિ ૮:૨૧) આ કારણે બાળકો નાનપણથી જ ધમાલ-મસ્તી કરતા શીખી જાય છે. (નીતિવચનો ૨૨:૧૫) હકીકત એ છે કે આપણે સર્વ જન્મથી ખોટું કરવા પ્રેરાઈએ છીએ. (ગીતશાસ્ત્ર ૫૧:૫) જેમ દરિયાના મોજાં સામે હલેસા મારવા ખૂબ મહેનત કરવી પડે છે, તેમ સારા કામ કરવા ખૂબ પ્રયત્ન કરવો પડે છે.

ઈશ્વરે આપણામાં ખરું-ખોટું પારખવાની ક્ષમતા મૂકી છે. એનાથી આપણું દિલ અમુક હદ સુધી નક્કી કરે છે કે સારું શું, ને ખરાબ શું. દિલની સારી પ્રેરણાથી આપણે મોટાભાગના લોકોની સાથે સારી રીતે વર્તીએ છીએ. જેઓને કોઈ સારા સંસ્કાર મળ્યા ન હોય, તેઓ પણ ભલાઈથી વર્તી શકે છે. (રૂમી ૨:૧૪, ૧૫) અગાઉ જણાવવામાં આવ્યું તેમ, આપણે બધા ખોટું કરવા પ્રેરાઈ શકીએ છીએ. એટલે હંમેશા આપણા મનમાં સારા ને ખરાબ વિચારો વચ્ચે સંઘર્ષ ચાલતો હોય છે. એ ઉપરાંત, ખરાબ કરવાનું દબાણ બીજે ક્યાંથી આવી શકે?

દુષ્ટ દુનિયા

એક જાતનો કાંચીડો આસપાસના વિસ્તાર સાથે ભળી જવા પોતાનો રંગ બદલી શકે છે. એવી જ રીતે જો વ્યક્તિ ગુનેગારની સોબત કરશે, તો એના રંગે રંગાઈ શકે છે. એટલે બાઇબલ કહે છે, ‘ઘણાને અનુસરીને તું દુષ્ટતા ન કર.’ (નિર્ગમન ૨૩:૨) જો વ્યક્તિ ઇમાનદાર અને સંસ્કારી લોકોની સોબત રાખશે તો તે પણ એવા ગુણો કેળવી શકશે.—નીતિવચનો ૧૩:૨૦.

દુષ્ટ લોકોની સોબત ન કરીએ તોપણ આપણે ખોટું કરી શકીએ છીએ. એનું કારણ એ છે કે આપણામાં જન્મથી જ ખરાબ કરવાની વૃત્તિ છુપાયેલી છે. એટલે તક મળે ત્યારે ખરાબ કરવાની ઇચ્છા હાવી થઈ શકે છે. (ઉત્પત્તિ ૪:૭) વધુમાં, દુષ્ટતા તરફ ઢાળનાર બાબતો આપણા ઘરની અંદર સહેલાઈથી પગપેસારો કરી શકે છે. કઈ રીતે? વિડીયો ગેમ્સ, ટીવી પ્રોગ્રામ અને ફિલ્મો દ્વારા. એમાં રહેલું મનોરંજન મારા-મારી અને હિંસાથી ભરેલું હોય શકે. અરે, ન્યૂઝમાં પણ અનેક ક્રૂર લોકો વિષેના સમાચાર આવતા રહેતા હોય છે. જો એ સાંભળતા અને જોતા રહીશું, તો આપણે પણ એનાથી ટેવાઈ જઈશું. એવી ખરાબ બાબતોને સામાન્ય ગણવા લાગીશું.

દુનિયા કેમ આટલી બગડી ગઈ છે? બાઇબલ કહે છે કે “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) આ ‘દુષ્ટ’ વ્યક્તિ શેતાન છે. બાઇબલ કહે છે કે તે ખૂની છે અને જૂઠો છે. (યોહાન ૮:૪૪) તેના લીધે આખી દુનિયામાં દુષ્ટતા ફેલાઈ ગઈ છે.

દુષ્ટતા આપણા વિચારો, લાગણીઓ અને કાર્યોને અસર કરી શકે છે. એટલા માટે અમુક લોકો કંઈ ખરાબ કર્યા પછી બહાના કાઢે છે કે ‘એમાં મારો વાંક નથી.’ શું એ ખરેખર સાચું છે? ના, દરેક વ્યક્તિ પોતાની જાત પર કાબૂ રાખી શકે છે. જેમ વ્યક્તિ કાર કે વહાણ કાબૂમાં રાખી શકે છે, તેમ વ્યક્તિ પોતાના કાર્યો પર કાબૂ રાખી શકે છે.

સારું કે ખરાબ—પસંદગી તમારી

કોઈ પણ સારા કે ખરાબ કાર્યનું મૂળ આપણા વિચારોથી શરૂ થાય છે. જો સારું કરવાનું વિચારીશું, તો સારા ફળ મળશે. પણ જો સ્વાર્થી વિચારોને મનમાં ઘર કરવા દઈશું તો ખરાબ ફળ મળશે. (લુક ૬:૪૩-૪૫; યાકૂબ ૧:૧૪, ૧૫) હકીકત એ છે કે વ્યક્તિ સારી બને કે ખરાબ, એ તેના હાથમાં છે.

બાઇબલ કહે છે કે વ્યક્તિ ભલાઈ કરતા શીખી શકે છે. (યશાયાહ ૧:૧૬, ૧૭) જો વ્યક્તિમાં પ્રેમ હશે તો તેને સારા કાર્યો કરવાની પ્રેરણા મળશે. ઈશ્વરનું વચન કહે છે કે “પ્રેમ પોતાના પડોશીનું કંઈ ભૂંડું કરતો નથી.” (રૂમી ૧૩:૧૦) જો વ્યક્તિ પ્રેમ બતાવતા શીખશે, તો તે બીજા સાથે ક્રૂર રીતે નહિ વર્તે.

અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યમાં રહેતા રે નામના માણસે પ્રેમ બતાવતા શીખવું પડ્યું. નાનપણથી જ તે મારામારી કરતા શીખી ગયો. તે ઝઘડો કરવા હંમેશાં તૈયાર જ રહેતો, એટલે લોકોએ તેનું એક નામ પાડી દીધું હતું. તે એકદમ જલદીથી તપી જતો. પણ તે બાઇબલમાંથી શીખવા લાગ્યો તેમ તેના સ્વભાવમાં ફેરફાર કરવા લાગ્યો. એ કરવું સહેલું ન હતું. અનેક વાર તેને પાઊલ નામના એક બાઇબલ લેખકની જેમ લાગ્યું કે “સારૂં કરવા હું ઇચ્છું છું ત્યારે ભૂંડું હાજર હોય છે.” (રૂમી ૭:૨૧) ઘણાં વર્ષો મહેનત કર્યા પછી, રે હવે ‘સારાથી ભૂંડા’ પર જીત મેળવી શકે છે.—રૂમી ૧૨:૨૧.

શા માટે ‘નમ્ર જનોના રસ્તા’ પર ચાલતા રહેવું જોઈએ? (નીતિવચનો ૨:૨૦-૨૨) કેમ કે ભલાઈ હંમેશાં દુષ્ટતા પર જીત મેળવે છે. બાઇબલ કહે છે, ‘થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે. નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.’ (ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧) ટૂંક સમયમાં ઈશ્વર સર્વ દુષ્ટતાને મિટાવી દેશે. જેઓ સારું કરવા પ્રયત્ન કરે છે, તેઓ માટે એક સુંદર ભાવિ રહેલું છે. એ માટે ભલાઈ કરીએ, સારા બનીએ! (g10-E 04)

શું તમે કદી વિચાર્યું છે?

● આપણા કાર્યો પર કોણ કાબૂ રાખે છે?યાકૂબ ૧:૧૪.

● શું પોતાનો સ્વભાવ બદલવો શક્ય છે?યશાયાહ ૧:૧૬, ૧૭.

● શું દુષ્ટતાનો કદી અંત આવશે?ગીતશાસ્ત્ર ૩૭:૯, ૧૦; નીતિવચનો ૨:૨૦-૨૨.

[પાન ૩૧ પર ચિત્રનું મથાળું]

વ્યક્તિ સારી બને કે ખરાબ, એ તેના પોતાના હાથમાં છે