સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘તને છૂટો કરીએ છીએ’

‘તને છૂટો કરીએ છીએ’

‘તને છૂટો કરીએ છીએ’

ફ્રેડ છ વર્ષથી એક કંપનીમાં કામ કરતો હતો. * આ વર્ષો દરમિયાન તેણે આપેલા સુઝાવને લીધે કંપનીના ઢગલો રૂપિયા બચ્યા હતા. આ કારણને લીધે કંપનીના ડાયરેક્ટરે તેનું નામ ‘બુદ્ધિશાળી ફ્રેડ’ પાડ્યું. એક દિવસે ડાયરેક્ટરે તેને ઑફિસમાં બોલાવ્યો. તેને લાગ્યું કે કંપની તેનો પગાર વધારશે કે પ્રમોશન આપશે. પણ એના બદલે, ડાયરેક્ટરે ઓચિંતા કહ્યું ‘હવે તારા માટે કામ નથી, તને છૂટો કરીએ છીએ.’

આ સાંભળીને ફ્રેડ ચોંકી ગયો. તેણે કહ્યું: ‘આ નોકરી મને બહુ ગમતી હતી. પગાર પણ સારો હતો. પણ એક પળમાં મારું જીવન બદલાઈ ગયું.’ જ્યારે ફ્રેડે તેની પત્ની અડેલને એ સમાચાર આપ્યા ત્યારે તે પણ માની જ ન શકી. અડેલે કહ્યું: ‘મને એટલો આઘાત લાગ્યો કે કોઈએ જાણે મારા હાથની નસ કાપી નાખી હોય અને એમાંથી લોહી વહી જતું હોય. હે ભગવાન, અમારું શું થશે!’

ફ્રેડની જેમ લાખો લોકોને નોકરીમાંથી પાણીચું મળી ગયું અને તેઓ બેકાર બની ગયા. આ પાના પરનો ચાર્ટ એની સાબિતી આપે છે. પણ ચાર્ટમાં એ નથી જોઈ શકાતું કે બેકારીએ લોકોના હૈયાને કેવા ધ્રુજાવી નાખ્યા છે. ચાલો રાઉલનો વિચાર કરીએ જે પેરુ દેશનો છે. તે ન્યૂ યૉર્ક શહેરની એક મોટી હોટલમાં ૧૮ વર્ષથી કામ કરતો હતો. હવે બેકાર બની ગયો. તેણે બીજી નોકરી શોધવા બહુ ફાંફાં માર્યા, પણ કંઈ મેળ પડ્યો નહિ. તે કહે છે: ‘છેલ્લાં ત્રીસેક વર્ષથી મેં મારા કુટુંબનું ભરણ-પોષણ કર્યું છે. બેકાર બન્યા પછી મને લાગે છે કે હું સાવ નકામો છું.’

રાઉલનો અનુભવ બતાવે છે કે જ્યારે વ્યક્તિ બેકાર બને ત્યારે ફક્ત પૈસાની તંગી જ નહિ, બીજી અનેક ચિંતાઓનો સામનો કરવો પડે છે. રીનીનો વિચાર કરો. તેના પતિ મેથ્યુ ત્રણ કરતાં વધારે વર્ષથી બેકાર હતા. રીની કહે છે: ‘બેકારીને લીધે અમારી પાસે બહુ કંઈ ચીજ-વસ્તુ ન રહી. લોકોની નજરમાં અમારી કોઈ કિંમત ના રહી. અમુક સમય બાદ અમે પણ પોતાને નકામા ગણવા લાગ્યા.’

વ્યક્તિ બેકાર બની જાય ત્યારે તેના દિલને ઠેસ લાગે છે. તે ચિંતામાં ડૂબી જઈ શકે કે પૈસાની તંગીમાં કંઈ રીતે ઘર ચલાવશે. ફ્રેડ કહે છે: ‘મારી આવક સારી હતી ત્યારે કરકસરથી જીવવાના વિચારો અમારા મનમાં ક્યારેય આવ્યા ન હતા. પણ બેકાર બની ગયા પછી પહેલાના જેવા બિલ આવતાં રહ્યાં, ત્યારે સાદું જીવન જીવવા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો જ ન હતો.’

જો તમે બેકાર બની ગયા હોવ તો તમે જરૂર બીજી નોકરી શોધતા હશો. પણ હાલમાં તમારે કરકસરથી જીવવું પડશે. એ વિષે કેવાં સૂચનો તમને મદદ કરશે એ પછીથી જોઈશું. ચાલો, પહેલા એ જોઈએ કે બેકારી દરમિયાન આવતી મુશ્કેલીઓનો સામનો કરવા કઈ બે ખાસ બાબતો કરી શકો. (g10-E 07)

[ફુટનોટ્‌સ]

^ આ લેખોમાં અમુક નામ બદલ્યાં છે.

[પાન ૩ પર ચિત્રનું મથાળું]

૨૦૦૮માં ત્રણ દેશોના બેકારોની સંખ્યા

[પાન ૩ પર ચિત્રનું મથાળું]

જાપાન ૨૬,૫૦,૦૦૦

સ્પેન ૨૫,૯૦,૦૦૦

યુનાઈટેડ સ્ટેટ્‌સ ૮૯,૨૪,૦૦૦