સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પડકારો ઝીલવા તૈયાર રહો

પડકારો ઝીલવા તૈયાર રહો

પડકારો ઝીલવા તૈયાર રહો

‘મારા તાજાં જન્મેલા બાળકને કંઈ ન થાય માટે મેં ધૂમ્રપાન છોડવાનું નક્કી કર્યું. મેં ઘરમાં “ધૂમ્રપાનની મનાઈ” એવું લેબલ લગાડ્યું. પણ, જેમ સુનામી અચાનક આવે એમ એક જ કલાકમાં મને સિગારેટની તલપ લાગી. છેવટે મારે સિગારેટ સળગાવવી જ પડી.’—યોશિમિત્સુ, જાપાન.

યોશિમિત્સુના અનુભવથી ખબર પડે છે કે ધૂમ્રપાનથી છુટકારો મેળવવો આસાન નથી. ઘણાં લોકોએ આ લત છોડવામાં પીછેહઠ કરી છે. અભ્યાસો બતાવે છે કે, એમાંથી ૯૦ ટકા જેટલાં લોકો ફરી પાછા વ્યસની બન્યાં છે. છતાં, તમે ધૂમ્રપાન છોડવામાં સફળ થઈ શકો છો. બસ, એના માટે તમારે કેટલાંક પડકારોનો સામનો કરવા તૈયાર થવું પડશે. ચાલો જોઈએ કે કેવા પડકારોનો તમારે સામનો કરવો પડશે.

તમાકુમાં રહેલ નિકોટીનની તલપ: સિગારેટ છોડ્યાના ત્રણ દિવસમાં તલપ ખૂબ તીવ્ર હોય છે. આશરે બે અઠવાડિયામાં ધીરે ધીરે એ ઓછી થઈ જાય છે. ધૂમ્રપાનથી મુક્ત થયેલી એક વ્યક્તિએ કહ્યું “એ સમય દરમિયાન તીવ્ર ઇચ્છા જાણે દરિયાનાં મોજાંની જેમ આવ-જા કરે છે. તલપ સતત રહ્યાં કરતી નથી.” જોકે, વર્ષો પછી પણ તમને અચાનક જ ધૂમ્રપાન કરવાની ઝંખના થઈ શકે. એવું થાય તો પોતાની જાત પર કાબૂ રાખો. પાંચ-દસ મિનિટ માટે થોભી જાવ. એમ કરવાથી તલપ એની મેતે જતી રહેશે.

લત છોડવાથી થતી તકલીફો: શરૂ-શરૂમાં, કેટલાક લોકોને ગમે ત્યારે ઊંઘ આવે કે કામમાં ધ્યાન રાખવામાં તકલીફ પડે છે. વજન વધવા લાગે છે. ઘણાંને શરીર તૂટતું હોય એવું લાગે, ખંજવાળ આવે, પરસેવો થાય, ઉધરસ કે ખાંસી આવ્યાં કરે. મૂડ બદલાઈ જાય. જેમ કે, વાત વાતમાં અધીરા બની જવું, ચિડાઈ જવું અથવા ઉદાસ થઈ જવું. જોકે, આ બધી તકલીફો ચારથી છ અઠવાડિયામાં ગાયબ થઈ જાય છે.

આ સમયે તમને રાહત મળે, એ માટે નીચે કેટલાંક સૂચનો આપવામાં આવ્યાં છે. જેમ કે:

• થોડી વધારે ઊંઘ ખેંચો.

• વધારે પ્રમાણમાં પાણી અથવા જૂસ પીઓ. પૌષ્ટિક ખોરાક લો.

• કસરત કરો.

• ઊંડા શ્વાસ લો. ચોખ્ખી હવા તમારા ફેફસાંમાં ભરાય છે, એવી મનમાં કલ્પના કરો.

તલપને જગાડતી બાબતો: કેટલીક બાબતો અથવા લાગણીઓ ધૂમ્રપાન કરવાની ઇચ્છાને ભડકાવે છે. જેમ કે, કેટલાંકને વધારે સમય લઈને પીણું પીવાની આદત હોય અને વચ્ચે વચ્ચે સિગારેટ પીતા હોય. જો એવી આદત હોય, તો ધૂમ્રપાન છોડો નહિ ત્યાં સુધી પીણું પીવામાં બહુ સમય ન વિતાવો. અમુક સમય પછી જ્યારે તલપ ઓછી થાય ત્યારે તમે ટાઇમ લઈને પીણું પીવાનો આનંદ ફરીથી માણી શકો.

ભલે તમારા શરીરમાંથી નિકોટીન નીકળી ગયું હોય, તોપણ તમારા મનમાં એ આદતની અસર ઘણા સમય સુધી રહે છે. ટોર્બન કહે છે: “મને ધૂમ્રપાન છોડ્યાને ઓગણીસ વર્ષ થઈ ગયા. છતાં પણ, કૉફી બ્રેક વખતે ધૂમ્રપાન કરવાનું મન થાય છે.” એવું જોવા મળ્યું છે કે અમુક ખાસ સમયે ધૂમ્રપાન કરવાની આદત, સમય જતાં ધીમી પડીને જતી રહે છે.

પણ જો તમે દારૂ પીતા હોવ, તો વાત અલગ છે. ધૂમ્રપાન છોડવા માટે તમારે કદાચ દારૂ પીવાથી દૂર રહેવું પડશે. જ્યાં દારૂ પીવાતો હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ. એનું કારણ એ છે કે મોટા ભાગના લોકો જ્યારે વ્યસન છોડવામાં નિષ્ફળ જાય ત્યારે દારૂ પીતા હોય છે. દારૂ શા માટે ધૂમ્રપાન છોડવાનું મુશ્કેલ બનાવે છે?

• જરાક દારૂ પણ નિકોટીનથી મળતાં નશામાં વધારો કરે છે.

• ઘણી વખત લોકો જ્યારે ભેગા મળીને દારૂ પીતા હોય, ત્યારે સાથે ધૂમ્રપાન પણ કરતા હોય છે.

• દારૂના નશામાં વ્યક્તિ સારા નિર્ણય લઈ ન શકે. પોતાના વિચારો અને લાગણીઓ પર બરાબર કાબૂ ન રાખી શકે. એટલે બાઇબલ કહે છે: ‘દારૂ બુદ્ધિ હરી લે છે.’—હોશીઆ ૪:૧૧.

સંગત: યોગ્ય મિત્રોની પસંદગી કરો. એવા લોકોની સંગત કરવાનું ટાળો, જેઓ ધૂમ્રપાન કરતા હોય કે કરવાનું કહેતા હોય. તમે ધૂમ્રપાનથી છૂટવા માંગો છો, એવું જાણીને અમુક ખોટી રીતે દબાણ કરી શકે. તમારી મજાક ઉડાવી શકે, એવા લોકોથી દૂર રહો.

લાગણીઓ: ઘણા લોકો થોડા સમય માટે ધૂમ્રપાન છોડે છે, પણ કંઈ કારણને લીધે ફરી ચાલુ કરી દે છે. એના વિષે એક અભ્યાસ કરવામાં આવ્યા હતો. એમાં જોવા મળ્યું કે લગભગ ૭૦ ટકા લોકોએ ટેન્શન કે ગુસ્સામાં આવીને ધૂમ્રપાન ફરી શરૂ કરી દીધું. કોઈ એવો બનાવ બને જેનાથી ધૂમ્રપાન કરવાની તમારી લાગણી ઉત્તેજિત થાય, તો તમારું મન બીજી તરફ ફેરવો. કદાચ તમે પાણી પી શકો, ચ્યુઇંગ ગમ ખાઈ શકો. અથવા ચાલવા નીકળી પડો. તમારાં મનમાં સારા વિચારો ભરવા પ્રયત્ન કરો. એ માટે કદાચ તમે ઈશ્વરને પ્રાર્થના કરી શકો. બાઇબલનાં થોડાં પાના વાંચી શકો.—ગીતશાસ્ત્ર ૧૯:૧૪.

બહાના કાઢવાનું ટાળો

હું તો ખાલી એક જ કસ મારું છું.

હકીકત: માણસના મગજમાં નિકોટીન પારખતા તંતુઓ હોય છે. એક કસ મારવાથી એમાંના આશરે ૫૦ ટકા તંતુઓ સક્રિય થઈને ત્રણ કલાક સુધી તમને નશામાં રાખે છે. પરિણામે, તમે ધૂમ્રપાન કરવાનું ફરી શરૂ કરી દેશો.

ધૂમ્રપાન કરવાથી તણાવમાં રાહત મળે છે.

હકીકત: અભ્યાસો બતાવે છે કે, નિકોટીનથી તણાવ પેદા કરતા હોર્મોન વધે છે. હકીકતમાં લોકોને જે રાહત મળે છે, એ ધૂમ્રપાન કરવાથી નહિ પણ તલપ શમી જવાથી મળે છે.

બહુ મોડું થઈ ગયું છે, હવે મારાથી ન છોડાય.

હકીકત: નિરાશા તમારા પાકા ઇરાદાને તોડી પાડશે. બાઇબલ કહે છે: “જો તું સંકટને દિવસે નાહિંમત થઈ જાય, તો તારૂં બળ થોડું જ છે.” (નીતિવચનો ૨૪:૧૦) તેથી, નિષ્ફળ થવાના વિચારો છોડો. જો વ્યક્તિ ખરેખર ચાહતી હોય તો આ મૅગેઝિનમાં આપેલાં સૂચનો અમલમાં લાવીને ધૂમ્રપાનથી છુટકારો મેળવી શકે છે.

લત છોડ્યા પછી થતી તકલીફો મારાથી નહિ સહેવાય.

હકીકત: ખરું કે લત છોડ્યા પછી આવતી તકલીફો સહેવી થોડી અઘરી હોય છે. જોકે એ થોડાં અઠવાડિયાં માટે જ હોય છે. તેથી, તમારા ઇરાદા પર અટલ રહો. અમુક મહિના કે વર્ષો પછી ફરીથી તમને ધૂમ્રપાન કરવાની તીવ્ર ઇચ્છા થઈ શકે. પણ ચિંતા ન કરો. જો તમે સિગારેટ નહિ સળગાવો તો એ ઇચ્છા થોડી મિનિટોમાં જતી રહેશે.

મને માનસિક બીમારી છે.

હકીકત: જો તમે ડિપ્રેશન કે સ્કિઝોફ્રેનિઆ જેવી માનસિક બીમારીની સારવાર લેતા હોવ, તો ધૂમ્રપાન છોડવા તમારા ડૉક્ટરની મદદ લો. એ તમને વધારે મદદ કરી શકે. ધૂમ્રપાન છોડતી વખતે કદાચ તે નિયમિત રીતે તમારી સારવારની તપાસ રાખે.

જો મારાથી પીછેહઠ થશે, તો હું પોતાને હારી ગયેલો સમજીશ.

હકીકત: જો તમે સિગારેટ પીવાનું પાછું શરૂ કરી દો, તો એમ માની ન લો કે મારાથી છોડી નહિ શકાય. ઘણા લોકોને શરૂ-શરૂમાં આવું થતું હોય છે. મહત્ત્વનું એ છે કે તમે પાછા ઊભા થઈ જાવ અને ફરીથી પ્રયત્ન કરો. તમે પડી ગયા એનો એવો મતલબ નથી કે તમે નિષ્ફળ ગયા છો. નીચે પડ્યા રહેવું નિષ્ફળતા છે! તેથી, પ્રયત્ન કરતા રહેશો તો ચોક્કસ સફળ થશો!

રોમુઅલ્ડોનો વિચાર કરો. તેણે ૨૬ વર્ષ સુધી ધૂમ્રપાન કર્યું. હવે તેણે ૩૦ કરતાં વધારે વર્ષોથી વ્યસન છોડી દીધું છે. તે કહે છે: ‘મેં વ્યસન છોડવામાં ઘણી વાર પીછેહઠ કરી. દરેક વખતે હું ખૂબ જ દુઃખી થતો. લાગતું કે જાણે હું નકામો છું. છતાં, યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધવાનો મેં પાક્કો નિર્ણય લીધો. વારંવાર પ્રાર્થનામાં તેમની મદદ માંગી. છેવટે હું સફળ થયો.’

આ વિષય પરના છેલ્લા લેખમાં, આપણે બીજા કેટલાંક સૂચનો જોઈશું. એ વ્યસન મુક્ત વ્યક્તિ બનવા મદદ કરશે. (g10-E 05)

[પાન ૩૦ પર ચિત્રનું મથાળું]

તમાકુ લેવાની જીવલેણ રીતો

[પાન ૩૦ પર ચિત્રનું મથાળું]

તમાકુનો અલગ-અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે. અમુક તમાકુવાળી ચીજ-વસ્તુ હેલ્થી ફૂડની અને દવાની દુકાનોમાં વેચાતી હોય છે! તેમ છતાં, વિશ્વ આરોગ્ય સંસ્થાના કહેવા પ્રમાણે “તમાકુના બધા જ પ્રકારો જીવલેણ છે.” તમાકુના કોઈ પણ ઉપયોગથી અનેક રોગો થઈ શકે. જેમ કે કૅન્સર, હૃદયરોગ વગેરે. એવી બીમારીઓ ઘણા લોકોને મોતના મોંમા ધકેલે છે. ધૂમ્રપાન કરતી માતાઓ તેઓના પેટમાં રહેલા બાળકને નુકશાન પહોંચાડી શકે છે. તમાકુ ક્યાં-ક્યાં વપરાય છે?

બીડી: આ નાની અને હાથથી વાળીને બનાવેલી સિગારેટ એશિયામાં સામાન્ય રીતે વપરાય છે. સિગારેટ કરતાં બીડીથી કેટલાય ઘણું વધારે ટાર, નિકોટીન અને કાર્બન મૉનોક્સાઈડ વ્યક્તિના શરીરમાં જતું હોય છે.

સિગાર: આ બનાવવા માટે તમાકુના પાંદડાં કે એમાંથી બનેલાં પેપરનો ઉપયોગ થાય છે. એમાં વચ્ચે તમાકુ ભરી, કસીને લપેટવામાં આવે છે. સિગાર થોડું આલ્કલાઇનવાળું (ખારું) છે જ્યારે કે સિગારેટ થોડી ઍસિડવાળી છે. એટલે સિગારમાં રહેલું નિકોટીન સહેલાઈથી શરીરમાં ભળી જાય છે, પછી ભલેને સિગાર સળગાવ્યા વગર મોંમાં રાખી હોય.

ક્રિટેકસ અથવા લવિંગની સિગારેટ: આમાં ૬૦ ટકા તમાકુ અને ૪૦ ટકા લવિંગ હોય છે. સામાન્ય સિગારેટ કરતાં એમાંથી વધારે ટાર, નિકોટીન અને કાર્બન મોનોક્સાઈડ શરીરમાં જતું હોય છે.

પાઇપ: આ કોઈ ધૂમ્રપાન કરવાનો સુરક્ષિત રસ્તો નથી. એનો ઉપયોગ કરવાથી પણ કૅન્સર અને બીજા રોગો તો થાય જ છે.

ધુમાડારહિત તમાકુ: આમાં ચાવવામાં આવતી તમાકુ, છીંકણી અને દક્ષિણ એશિયામાં વપરાતી વિવિધ સ્વાદની ગુટખાનો સમાવેશ થાય છે. આ પ્રકારની તમાકુમાં રહેલું નિકોટીન મોં દ્વારા લોહીમાં ભળે છે. આ પ્રકારની ધુમાડારહિત તમાકુનો ઉપયોગ ધૂમ્રપાન જેટલો જ જોખમી છે.

પાણીની પાઇપ (બોન્ગ, હુક્કો, નારઘીલી, શીષા): આ સાધનોમાં તમાકુનો ધુમાડો પાણીમાંથી પસાર કરીને સૂંઘવામાં આવે છે. તેમ છતાં, આ રીતે લેવામાં આવતું તમાકુ, કૅન્સર પેદા કરતા ઝેરી તત્ત્વોને બહુ ઓછા નથી કરતું.

[પાન ૩૧ પર ચિત્રનું મથાળું]

બીજાને વ્યસન છોડવા મદદ કરવી

[પાન ૩૧ પર ચિત્રનું મથાળું]

ઉત્તેજન આપતા રહો. લત છોડવા માંગતી વ્યક્તિને ઘડી ઘડી સલાહ કે ઠપકો આપવાને બદલે ઉત્તેજન અને શાબાશી આપો. “લો, ફરી પાછા નિષ્ફળ ગયા” જેવા શબ્દો બોલવાને બદલે કહી શકો: “મને ખાતરી છે કે તમે ફરી પ્રયત્ન કરશો તો ચોક્કસ આ લત છોડી શકશો.”

માફ કરો. ધૂમ્રપાન છોડવા માંગતું કોઈ તમારા પર ગુસ્સે થાય, તો તેને માફ કરવા પ્રયાસ કરો. કદી આવું ન કહેતા, “તું વ્યસની હતો એ જ સારું હતું.” એના બદલે પ્રેમથી આવું કંઈ કહી શકો, “હું સમજુ છું કે આ અઘરું છે, પણ તમે જે મહેનત કરો છો એની હું બહુ કદર કરું છું.”

પૂરો સાથ આપો. બાઇબલ કહે છે: “સાચો મિત્ર હંમેશાં વફાદાર રહે છે. જરૂરના સમયે મદદરૂપ થવા ભાઈ જન્મ્યો છે.” (નીતિવચનો ૧૭:૧૭, IBSI) ધૂમ્રપાન છોડવા માંગતી વ્યક્તિનો મૂડ ગમે તેવો હોય, “હંમેશાં” પ્રેમ બતાવવાનો અને ધીરજ રાખવાનો પ્રયત્ન કરો.