ફ્લૂથી તમારા કુટુંબને બચાવો
ફ્લૂથી તમારા કુટુંબને બચાવો
આ દુનિયાના અંત વિષે ઈસુએ એક મહત્ત્વની ભવિષ્યવાણી કરી હતી. એમાં તેમણે કહ્યું હતું કે ‘ઠેકઠેકાણે રોગચાળો ફાટી નીકળશે.’ (લૂક ૨૧:૧૧, પ્રેમસંદેશ) એ રોગોમાંનો એક ઇન્ફ્લૂએન્ઝા એટલે ફ્લૂ છે.
ફ્લૂ એક પ્રકારના વાયરસથી (વિષાણુથી) થાય છે. આ વાયરસ એકદમ સૂક્ષ્મ છે અને શરીરના કોષોમાં ભળી જાય છે. પછી કોષો પર કાબૂ મેળવી વાયરસની સંખ્યા વધારે છે. ફ્લૂનો વાયરસ ખાસ કરીને શ્વાસોશ્વાસની ક્રિયા માટે વપરાતાં બધાં જ અંગો પર હુમલો કરે છે. જ્યારે વ્યક્તિ ઉધરસ ખાય, છીંક ખાય, અરે વાત કરે ત્યારે પણ એના શરીરમાંથી પ્રવાહીના ઝીણાં ઝીણાં ટીપાં સાથે વાયરસ બહાર આવતા હોય છે. આ રીતે એક વ્યક્તિથી બીજી વ્યક્તિને ફ્લૂનો ચેપ લાગે છે. જ્યારે આ રોગ દેશ કે દુનિયાના લાખો લોકોમાં ફેલાય ત્યારે એ ગંભીર ચેપી રોગ ગણાય છે.
પ્રાણીઓ અને પક્ષીઓ પણ વાયરસનો શિકાર બની શકે છે. ફ્લૂ વાયરસના એ, બી કે સી ગ્રૂપ પાડવામાં આવ્યા છે. ઇન્ફ્લૂએન્ઝાનો રોગ સામાન્ય રીતે ‘એ’ ગ્રૂપમાંથી આવે છે. વાયરસ અનેક જાતના હોય છે. એના ગ્રૂપ નક્કી કરવા ખાસ કરીને વાયરસની સપાટી પરથી બે જાતના પ્રોટીનની તપાસ કરવી પડે. એક છે, હીમાગ્લુટીનીન (H) અને બીજો છે, ન્યુરામિનાડેઝ (N).
ફ્લૂને લીધે લોકો ચિંતા કરે એના ઘણાં કારણો છે. જેમ કે આ રોગ આગની જેમ ફેલાય છે. આ ફ્લૂના વાયરસમાંથી બીજા અનેક જુદી જાતના વાયરસ પેદા થાય છે. જો એ વાયરસ પહેલી વખત દેખાયો હોય તો માનવીના શરીર પાસે એ વાયરસ સામે લડવાની કોઈ ક્ષમતા નથી હોતી.
શિયાળામાં ફ્લૂ વધારે ફૂલે-ફાલે છે. વૈજ્ઞાનિકોને હવે ખબર છે કે ઠંડીમાં ફ્લૂ વાયરસના કોષની ચામડી ચીકણી બની જાય છે. એનાથી વાયરસને ઠંડીથી રક્ષણ મળે છે, અને એ વધારે સમય ટકી શકે છે. જ્યારે વ્યક્તિ એ ચેપી હવા શ્વાસમાં લે છે ત્યારે શ્વાસનળીમાં રહેલી ગરમીને લીધે એ વાયરસની ચીકણી ચામડી પીગળી જાય છે. પરિણામે વ્યક્તિને ચેપ લાગે છે. આ બતાવે છે કે ઠંડા વાતાવરણમાં ફ્લૂના વાયરસ વધારે સમય ટકે છે અને આસાનીથી ફેલાય છે.
રક્ષણ મેળવવા માટેનાં સૂચનો
ઘણી સરકારોએ નક્કી કર્યું છે કે જો ચેપી રોગ મોટા પ્રમાણમાં ફેલાય તો શું કરવું જોઈએ. પણ તમારે શું કરવું
જોઈએ? કોઈ પણ રોગના ચેપથી બચવા ચાલો ત્રણ સાદી રીતની ચર્ચા કરીએ:તંદુરસ્ત બનો: ખાતરી કરો કે કુટુંબમાં બધાને પૂરતી ઊંઘ મળે છે. બધાને એવો ખોરાક મળવો જોઈએ જેનાથી શરીર તંદુરસ્ત રહે. ખાસ કરીને તાજા ફળ, શાકભાજી અને અનાજ શરીરને ઘણી શક્તિ આપે છે. ચરબી વગરના માંસમાંથી એમિનો ઍસિડ (પ્રોટીનમાંથી મળતું એક તત્ત્વ) મળે છે, જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
રોગાણુને ફેલાવા ન દો: શક્ય હોય તો લાકડાં અને પ્લાસ્ટિકનાં ફર્નિચરને દરરોજ સાફ રાખો. વાસણો વાપર્યા પછી તરત જ ધોઈ નાખો. નિયમિત વપરાતી ચાદરો વગેરે ધુઓ. જે ચીજો લોકો રોજ અડતા હોય એને સેનિટાઇઝરથી (જંતુનાશકથી) લૂછો જેથી રોગના જંતુ મરી જાય. જેમ કે, દરવાજાના હૅન્ડલ, ટેલિફોન અને રીમોટ કન્ટ્રોલ. જો શક્ય હોય તો બારી-બારણા ખુલ્લા રાખો, જેથી રૂમમાં તાજી હવા આવે.
સ્વચ્છતા જાળવો: સાબુ અને પાણીથી કે પછી સેનિટાઇઝરથી હાથ બરાબર ધુઓ. (જો સેનિટાઇઝર નાની બોટલમાં મળતું હોય, તો હંમેશાં સાથે રાખો.) જો શક્ય હોય,
તો હાથ કે મોઢું લૂછવા માટે બીજા કોઈનો ટુવાલ ન વાપરો, પછી ભલે તેઓ તમારા કુટુંબના હોય.ગંદા હાથે આંખ, નાક કે મોંને અડશો નહિ. જો ટિશ્યૂ-પેપર મળતા હોય, તો એ વાપરો જેથી ઉધરસ કે છીંક ખાતી વખતે મોં ને નાક ઢાંકી શકો. પછી એ પેપરને તરત જ કચરામાં ફેંકી દો. ટેલિફોન જેવા સાધનોથી રોગાણુ સહેલાઈથી ફેલાઈ શકે છે, એટલે શક્ય હોય તો એવા સાધનો વાપરવાનું ટાળો. ખાસ કરીને આવી ટેવો પાળવાનું બાળકોને શીખવવાની ખૂબ જરૂર છે. આવી સારી ટેવ હંમેશાં રાખવી જોઈએ. ખાસ કરીને ફ્લૂ ને ઠંડીની મોસમમાં.
બીજાઓનો વિચાર કરો
ફ્લૂના ચિહ્નો પારખો એના એકાદ દિવસ પહેલાં તમને એનો ચેપ લાગી ગયો હોય છે. એ સમયે તમે એ રોગના જીવાણુનો ચેપ બીજાઓને લગાડી શકો. બીમાર થયા પછી આશરે પાંચ દિવસ સુધી એનો ચેપ બીજાને લગાડી શકો છો. અમુક હદ સુધી ફ્લૂના ચિહ્નો સામાન્ય શરદીના ચિહ્નો જેવા જ છે. જેમ કે તાવ, માથાનો દુઃખાવો, ખૂબ થાક લાગવો, ઉધરસ અને હાથ-પગનો દુઃખાવો. ઘણી વખત નાકમાંથી પાણી પડ્યા કરે છે. ખાસ કરીને બાળકોને પેટની તકલીફ એટલે કે ઝાડા-ઊલટી થઈ શકે છે. જો તમને ફ્લૂ થયો હોય, તો વધારે સારું કે તમે ઘરે રહો જેથી બીજાઓને ચેપ ન લાગે.
સાજા થવા માટે પૂરતો આરામ લો અને બને એટલું વધારે પ્રવાહી લેતા રહો. ફ્લૂ થાય તો ચિહ્નો પારખીને ડૉક્ટરે જણાવેલ દવા લો. દવા લેવાથી કદાચ ફ્લૂ જલદી મટી શકે. જો નાના બાળકને ફ્લૂ થયો હોય તો તેને એસ્પ્રિન ન આપવી જોઈએ. જો તમને ન્યૂમોનિયા જેવા ચિહ્નો જોવા મળે જેમ કે શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુઃખાવો કે સતત ગંભીર માથાનો દુઃખાવો થતો હોય તો તરત જ ડૉક્ટર પાસે જાવ.
ફ્લૂ થવાથી આપણી ચિંતા વધી જઈ શકે છે. પણ જો એના માટે તૈયાર હોઈશું તો સારી રીતે એનો સામનો કરી શકીશું. સૌથી મોટો દિલાસો અને ઇલાજ બાઇબલમાંથી મળે છે. એ જણાવે છે કે એક દિવસ “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ!”—યશાયાહ ૩૩:૨૪. (g10-E 06)
[પાન ૧૩ પર ચિત્રનું મથાળું]
એક જાતનો ખતરનાક ફ્લૂ
૨૦૦૯માં મૅક્સિકોમાં એક જાતનો ફ્લૂ પહેલી વાર જોવા મળ્યો. જે એચ-૧-એન-૧ (H1N1) તરીકે ઓળખાય છે. એ સ્પૅનિશ ફ્લૂ જેવો છે, જેણે ૧૯૧૮માં કરોડો લોકોને મારી નાખ્યા હતા. મૅક્સિકોમાં જોવા મળેલ ફ્લૂમાં એવા અમુક તત્ત્વો છે જે ભૂંડ અને પક્ષીઓમાં થતાં વાયરસ સાથે મળતા આવે છે.
[પાન ૧૫ પર ચિત્રનું મથાળું]
રોગચાળો ફાટે ત્યારે શું કરવું?
[પાન ૧૫ પર ચિત્રનું મથાળું]
સૌથી પહેલાં, સરકારો કે ડૉક્ટરોની સલાહ પાળો. ગભરાઈને બાવરા ના બનો. આ લેખમાં જણાવેલા સૂચનોને પાળવામાં વધારે ધ્યાન આપો. શક્ય હોય તો ભીડથી દૂર રહો. જો તમને ફ્લૂ થાય, તો મોં પર માસ્ક કે રૂમાલ જેવું કંઈક બાંધી રાખો. દિવસમાં અનેક વાર હાથ ધુઓ. બીમારીને લીધે જો બહાર ન જઈ શકતા હોવ તો આશરે બે અઠવાડિયા ચાલે એટલી દવા અને સાબુ જેવી ચીજો ઘરમાં રાખો. એવા ખોરાકનો સંગ્રહ કરો જે બે અઠવાડિયા સુધી બગડે નહિ.
વધારે લોકો ભેગા થતા હોય એવી જગ્યાએ તમે હોવ તો આ લેખમાં આપેલા સૂચનો પાળો. એ જગ્યામાં તાજી હવા આવે એવું કંઈક કરો.
[પાન ૧૪ પર ચિત્રનું મથાળું]
૬ રીતો જે રોગને ફેલાવતો અટકાવે છે
૧. ઉધરસ કે છીંક આવે ત્યારે મોં ઢાંકો
૨. હાથ ધુઓ
૩. ઘરમાં તાજી હવા આવવા દો
૪. ચીજોને સાફ રાખો
૫. બીમાર હોવ તો પૂરતો આરામ કરો
૬. બીમાર હોવ તો બીજાને અડશો નહિ
[પાન ૧૩ પર ચિત્રનું મથાળું]
માઇક્રોસ્કૉપમાં એચ-૧-એન-૧નો ઇન્ફ્લૂએન્ઝા વાયરસ આવો દેખાય છે
[Credit Line]
CDC/Cynthia Goldsmith