સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સ્ટ્રેસ! ઓછું કરવા તમે શું કરી શકો?

સ્ટ્રેસ! ઓછું કરવા તમે શું કરી શકો?

સ્ટ્રેસ! ઓછું કરવા તમે શું કરી શકો?

બાઇબલ કહે છે કે આપણે ‘સંકટના વખતોમાં’ જીવીએ છીએ. તમે પણ જરૂર સ્વીકારશો કે આજે લોકોના માથે અનેક ભાર છે.—૨ તીમોથી ૩:૧.

નાની જગ્યામાં આગ લાગી હોય તો એને હોલવવી સહેલું છે, પણ મોટી જગ્યામાં હોલવવી સહેલું નથી. એવી જ રીતે સ્ટ્રેસ કે તણાવ થોડા સમય માટે હોય તો સહી શકાય, પણ જો એ લાંબું ચાલે તો એને સહેવું અઘરું છે. એક ડૉક્ટર કહે છે: ‘આપણે બધાય બહુ વ્યસ્ત છીએ, એટલે તણાવ તો આવશે જ. એટલા માટે આપણે બધાએ શીખવાની જરૂર છે રોજ એને કંઈ રીતે કાબૂમાં રાખીએ.’ *

રોજના સ્ટ્રેસને કાબૂમાં રાખવાની ખાસ બે રીતો છે. પહેલું કે એવી બાબતોમાં ફેરફાર કરો જેનાથી તમને તણાવ થતો હોય. બીજું, જ્યારે એવી બાબતો ઊભી થાય જેમાં કંઈ કરી શકતા ના હોઈએ, ત્યારે તમારી લાગણીઓ પર કાબૂ રાખવા પ્રયત્ન કરો.

સ્ટ્રેસને ઓછું કરવા શું બાઇબલ કોઈ સલાહ-સૂચનો આપે છે? હા, જરૂર.

બાઇબલમાંથી રાહત

બાઇબલ આપણા સરજનહાર પાસેથી આવ્યું છે. એમાં જણાવેલી માહિતી અનમોલ છે. જેમ સરોવર પાણીથી ભરપૂર હોય, તેમ બાઇબલ માર્ગદર્શનથી ભરેલું છે. એમાં દિલાસો અને રાહત આપતા વિચારો છે. એમાંથી તાજગી મળી શકે છે. બાઇબલમાં આપેલી સલાહ પાળવાથી આપણે રોજિંદા જીવનમાં આવતા તણાવથી ‘ભયભીત નહિ થઈએ કે ગભરાઈશું નહિ.’—યહોશુઆ ૧:૭-૯.

બાઇબલ કઈ રીતે આપણો બોજો હલકો કરે છે? એમાં જણાવ્યું છે કે આપણા સરજનહાર એક પિતા જેવા છે. તે ‘ઘણા દયાળુ તથા કૃપાળુ’ છે. (યાકૂબ ૫:૧૧) એ જાણવાથી આપણને ઘણો દિલાસો મળે છે. પેટ્રિશા નામની સ્ત્રી કૅલિફૉર્નિયાની એક યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તે કહે છે: ‘જ્યારે હું ટેન્શનમાં હોઉં ત્યારે ઈશ્વરે કરેલા અજોડ કામો અને આપણા માટે રાખેલા મકસદનો વિચાર કરું છું. એ પર વિચાર કરવાથી મને ઘણી શાંતિ મળે છે.’

ઈસુ ખ્રિસ્ત પણ લોકોની ચિંતા અને દુઃખ જોઈને તેઓ સાથે પ્રેમથી વર્ત્યા. તેઓને દિલાસો આપતા તેમણે કહ્યું: “ઓ સખત મજૂરી કરનારાઓ અને બોજ ઊંચકનારાઓ, તમે બધા મારી પાસે આવો, અને હું તમને આરામ આપીશ.”—માથ્થી ૧૧:૨૮-૩૦, કોમન લેંગ્વેજ.

ઈસુ કદીયે લોકો સાથે કઠોર બન્યા નહિ. તે હંમેશાં પોતાના શિષ્યોની લાગણીઓ અને જરૂરિયાતો ધ્યાનમાં રાખીને વર્ત્યા. જ્યારે શિષ્યો પ્રચારમાં બહુ જ થાકી ગયા ત્યારે ઈસુએ તેઓના આરામ માટે ગોઠવણ કરી. (માર્ક ૬:૩૦-૩૨) ઈસુ હવે સ્વર્ગમાં એક રાજા છે. એટલે ખાતરી રાખી શકીએ કે જ્યારે આપણે બહુ જ તાણમાં હોઈએ ત્યારે તે જરૂર હમદર્દી બતાવશે. દયા બતાવીને તે ‘જરૂર મદદ’ પૂરી પાડશે.—હિબ્રૂ ૨:૧૭, ૧૮; ૪:૧૬, કોમન લેંગ્વેજ.

તણાવ ઓછો કરવા વાતચીત કરો

વાતચીત કરવી એ સ્ટ્રેસને કાબૂમાં રાખવાની એક મહત્ત્વની રીત છે. બાઇબલ કહે છે: “સલાહ લીધા વગરના ઇરાદા રદ જાય છે; પણ પુષ્કળ સલાહકારીઓ હોય તો તેઓ પાર પડે છે.” (નીતિવચનો ૧૫:૨૨) ઘણા લોકો કહેશે કે સ્ટ્રેસને ઓછું કરવા લગ્‍નસાથી, મિત્ર કે સાથે કામ કરનારની જોડે વાત કરવાથી ઘણો ફાયદો થાય છે.

ઈશ્વર સાથે પ્રાર્થનામાં વાતચીત કરવી સૌથી મહત્ત્વનું છે. એમ કરવાથી આપણને લાભ થાય એવી “સલાહ” મળે છે. નિયમિત પ્રાર્થના કરવાથી ‘કશાની ચિંતા ન કરવા’ મદદ મળશે. દિલ ખોલીને પ્રાર્થના કરવાથી ઘણા લોકોએ ‘ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે’ એનો અનુભવ કર્યો છે. બાઇબલમાં આપેલા વચન મુજબ ઈશ્વર તેઓના “હૃદયોની તથા મનોની સંભાળ” રાખે છે.—ફિલિપી ૪:૬, ૭; નીતિવચનો ૧૪:૩૦.

સ્ટ્રેસ વિષે એક જ્ઞાનકોશ કહે છે: ‘અમુક લોકો બધું સ્ટ્રેસ પોતાની મેળે સહન કરવા કોશિશ કરે છે. પણ જેઓ મિત્રોનો સાથ લે છે, તેઓ સાથે વાત કરે છે, તેઓ સારી રીતે સ્ટ્રેસનો સામનો કરી શકે છે. આવા વ્યક્તિઓ માથે બહુ ભાર લઈને ફરતા નથી.’ ઈશ્વર યહોવાહના ભક્તો મધ્યે જે સથવારો મળે છે, એ તમને બીજે ક્યાંય નહિ મળે. બાઇબલના માર્ગદર્શન પ્રમાણે તેઓ નિયમિત ભેગા મળે છે અને એકબીજાને ઉત્તેજન આપતા રહે છે. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) એક યહોવાહના સાક્ષી ભાઈ કહે છે, ‘નોકરીમાં મારા પર કામનો બહુ જ બોજો હોય છે. અમુક વાર મારે દિવસમાં ઘણા કલાકો કામ કરવા પડે છે. પણ જ્યારે હું યહોવાહના સાક્ષીઓની ધાર્મિક સભામાં જાઉં છું ત્યારે મને બહુ રાહત મળે છે. સભામાં છેલ્લી પ્રાર્થના કરવામાં આવે ત્યાં સુધી મારું બધું ટેન્શન જતું રહ્યું હોય.’

હસવાથી સ્ટ્રેસનો સામનો કરવા મદદ મળે છે. સભાશિક્ષક ૩:૪ કહે છે “રડવાનો વખત અને હસવાનો વખત” હોય છે. હસવાથી મન પરનો બોજો હલકો થાય છે અને શરીરને ફાયદો થાય છે. એક ડૉક્ટર કહે છે: ‘આપણે હસીએ છીએ ત્યારે શરીર અડ્રેનાલિન બનાવવાનું બંધ કરીને એન્ડોર્ફિન નામનું હોર્મોન પેદા કરે છે. એ હોર્મોનને લીધે વ્યક્તિ સ્ટ્રેસમાંથી બહાર આવે છે.’ એક પત્ની કહે છે, ‘જ્યારે હું બહુ જ તણાવમાં હોવ ત્યારે મારા પતિ કંઈક એવું કહે છે જેનાથી મને બહુ હસવું આવે છે. આ રીતે મારું ટેન્શન તરત જ ઓછું થઈ જાય છે.’

ટેન્શનને ઓછું કરતા ગુણો વિકસાવો

બાઇબલ ઉત્તેજન આપે છે કે આપણે એવા ગુણો કેળવીએ જે તાણને ઓછું કરે. જેમ કે, “પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ.” આ સદ્‍ગુણો ઈશ્વરની શક્તિથી કેળવાય છે. બાઇબલ અરજ કરે છે કે આપણે ‘સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદાથી’ દૂર રહીએ. પછી આગળ જણાવે છે, ‘એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, એકબીજાને ક્ષમા કરો.’—ગલાતી ૫:૨૨, ૨૩; એફેસી ૪:૩૧, ૩૨.

આજની સ્ટ્રેસથી ભરેલી દુનિયામાં શું આ સલાહ પાળવાથી કંઈ ફાયદો થાય છે? હા, જરૂર! એક ડૉક્ટર કહે છે, ‘બીજાઓ સાથે સારી રીતે વર્તવાથી સ્ટ્રેસ ઘટાડી શકાય છે.’ બાઇબલ આપણને નમ્ર બનવા અને પોતાની મર્યાદા પારખવા ઉત્તેજન આપે છે. આમ આપણે ગજા ઉપરાંતની બાબતો કરવા નહિ જઈએ.—મીખાહ ૬:૮.

ઈશ્વર આપણને ઉત્તેજન આપે છે કે નમ્રતા કેળવીએ. આપણા બધાની લાગણીમય, શારીરિક અને માનસિક ક્ષમતા મર્યાદિત છે. આપણે જે બધું ચાહીએ છીએ એ કરી નથી શકતા. એટલા માટે જો કોઈ કામ આપણા માટે અશક્ય હોય, તો ‘ના’ કહેતા શીખીએ. ભલે આપણને ના કહેવાનું જરાય ગમતું ના હોય, આપણે એ કહેતા શીખવું જોઈએ.

જો આપણે આ લેખમાં જણાવેલી બધી જ બાઇબલની સલાહ પાળીશું, તો શું આપણું જીવન બિલકુલ સ્ટ્રેસ વગરનું હશે? ના. હકીકત એ છે કે યહોવાહનો કટ્ટર દુશ્મન શેતાન, આપણા પર દબાણો લાવે છે. તે ખાસ કરીને યહોવાહના ભક્તો પર બહુ જ દબાણ લાવે છે. તેનો ઇરાદો એ છે કે આપણે ઈશ્વરની ભક્તિ કરવાનું છોડી દઈએ. (પ્રકટીકરણ ૧૨:૧૭) પણ આપણે આ લેખમાં શીખ્યા તેમ, ઈશ્વર આપણને અનેક રીતે રાહત આપે છે. આપણે બહુ તાણમાં હોઈએ ત્યારે તે એનો સામનો કરવા અને ઓછું કરવા જરૂર મદદ કરશે. * (g10-E 06)

[ફુટનોટ્‌સ]

^ જો તમને લાંબા સમયથી સ્ટ્રેસ હોય અને એના લીધે બીમાર થવા માંડ્યા હોય, તો સારું કે તમે ઇલાજ માટે ડૉક્ટરને મળો.

^ સ્ટ્રેસને ઓછું કરવાની રીતો વિષે વધુ જાણવું હોય તો ફેબ્રુઆરી ૮, ૨૦૦૫નું અને ફેબ્રુઆરી ૮, ૨૦૦૧નું અવેક! મૅગેઝિન જુઓ.

[પાન ૨૭ પર ચિત્રનું મથાળું]

સ્ટ્રેસને ઓછું કરવાની અમુક રીત

● પોતા પાસેથી કે બીજાઓ પાસેથી એવી અપેક્ષા ન રાખો જે કરવું અશક્ય હોય.—સભાશિક્ષક ૭:૧૬.

● કઈ બાબતો મહત્ત્વની છે એ નક્કી કરો.—ફિલિપી ૧:૧૦, ૧૧.

● નિયમિત કસરત કરો.—૧ તીમોથી ૪:૮.

● સુંદર સૃષ્ટિનો આનંદ માણો.—ગીતશાસ્ત્ર ૯૨:૪, ૫.

● નિરાંતે બેસવા માટે સમય કાઢો.—માત્થી ૧૪:૨૩.

● પૂરતો આરામ લો.—સભાશિક્ષક ૪:૬.

[પાન ૨૫ પર ચિત્રનું મથાળું]

સ્ટ્રેસને ઓછું કરવા બહુ જરૂરી છે કે વાતચીત માટે સમય કાઢો

[પાન ૨૫ પર ચિત્રનું મથાળું]

સારા ગુણો કેળવવાથી સ્ટ્રેસ ઘટશે