સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈમાનદાર લોકો

ઈમાનદાર લોકો

ઈમાનદાર લોકો

સાન્ટીઆગો નામે ભાઈ આર્જેન્ટિનામાં એક ટૅક્સી ડ્રાઇવર છે. તેમની ટૅક્સીમાં કોઈ બેગ ભૂલી ગયું. સાન્ટીઆગોએ વિચારવું ન પડ્યું કે “હવે શું કરું.” તરત જ બેગ એના માલિકને પહોંચતી કરી. કદાચ થાય કે એમાં શું? પણ એ બેગમાં ૩૨,૦૦૦ કરતાં વધારે ડૉલર હતા!

આખી દુનિયામાં ઈમાનદાર લોકો રહેતા હોય તો કેવું સારું! કોઈ ચિંતા વિના તમે તમારું બાળક બેબીસીટરના હાથમાં સોંપી શકો. બારણે તાળાં મારવાં ન પડે કે ઘરની ચાવી રાખવી ન પડે. શું એ સપનું જ છે?

સારા સંસ્કારની અસર

ઈશ્વરભક્ત પાઊલે પોતાના અને બીજા ભક્તોના વિષે આમ કહ્યું: “અમે સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.” (હેબ્રી ૧૩:૧૮) આજે યહોવાહના ભક્તો એમ જ કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ એવા લોકો બનવા ચાહે છે, જેઓ બાઇબલમાં યશાયાહ ૩૩:૧૫માંના ગુણો કેળવે છે: “જે ન્યાયને માર્ગે ચાલે છે ને સત્ય બોલે છે, જે જુલમની [કપટની] કમાઈને ધિક્કારે છે, જે લાંચને હાથમાં ન પકડતા તરછોડી નાખે છે.” ચાલો આવી ઈમાનદારીના અમુક દાખલા જોઈએ.

‘સત્ય બોલો.’ ડોમીંગો યહોવાહના એક ભક્ત છે. તે ફિલિપાઈન્સમાં નાળિયેરીનો પાક ઉગાડનારા પાસે કામ કરતા હતા અને ત્યાં જ રહેતા હતા. તે કહે છે કે ‘ઘણા લોકો પોતાના માલિક સાથે બેઇમાની કરે છે. જેમ કે, સૂકાં કોપરાંની કેટલી બેગો ભરી એ વિષે માલિકને સાચું ના જણાવે. એમ કરીને તેઓ અમુક બેગો ચોરી-છૂપીથી વેચી નાખે.’

એક વાર ડોમીંગો અને તેમના કુટુંબે માલિકના ફાયદા માટે ખોટું બોલવાની ના પાડી ત્યારે, તેઓને કામ પરથી કાઢી મૂકવાની ધમકી મળી. ડોમીંગો કહે છે કે “અમે માલિકને કહ્યું કે અમને કાઢી મૂકવામાં આવે તોપણ, જૂઠું નહિ બોલીએ. આખરે માલિકે કહ્યું કે યહોવાહના ભક્તો સારા લોકો છે. તેમનો ભરોસો કરી શકાય. પછી માલિકે નાળિયેરીનો પાક કરવા અમને વધારે જમીન આપી.”

‘કપટની કમાઈને ધિક્કારો.’ પીએર નામના ભાઈ કૅમરૂનના એક વિસ્તારમાં કરવેરાના મુખ્ય અધિકારી છે. તેમને સહેલાઈથી પૈસા કમાવાની ઘણી તકો મળી. સૌથી પહેલા તેમને ટેમ્પરરી કામ કરતા લોકોને પગાર આપવાનું કામ સોંપવામાં આવ્યું. તેમણે જોયું કે એમાં કંઈક ગોટાળો હતો. પીએર સમજાવે છે કે ‘એવા લોકોને પણ પગાર અપાયાની નોંધ હતી, જેઓનો કોન્ટ્રાક્ટ પૂરો થયો હતો અથવા જેઓ ગુજરી ગયા હતા. એ પૈસા મારા ખિસ્સામાં નાખવાનું વિચારવાને બદલે, મેં એની બરાબર નોંધ રાખી અને એ પૈસા પણ સાચવીને રાખ્યા.’

આખરે શું બન્યું? પીએર કહે છે કે ‘બે વર્ષ પછી એ બધા હિસાબનું ઑડિટ કરવામાં આવ્યું. મને ગર્વ હતો કે મારા કામમાં કોઈ ગોટાળો ન હતો. બધી નોંધ એકદમ બરાબર હતી. મેં વધારાના પૈસા પણ પાછા આપ્યા, જે આ સમય સુધીમાં તો મોટી રકમ થઈ હતી. હિસાબ તપાસનારાએ મારી ઈમાનદારી માટે મને શાબાશી આપી.’

‘લાંચ ન લો.’ રીકાર્ડો નામે એક ભાઈ રીઓ દ જનીરો, બ્રાઝિલમાં નોટરી કરનાર વકીલ તરીકે કામ કરે છે. તેમને ઘણી વાર લાંચ આપવાની કોશિશ થઈ છે. તે કહે છે, ‘એક વાર તો એક વકીલે લાંચ આપવા મારી જાણ બહાર સીડી પ્લેયર ઘરે મોકલ્યું. એ દિવસોમાં સીડી પ્લેયર હોવું બહુ મોટી વાત ગણાતી.’

રીકાર્ડોએ શું કર્યું? તે કહે છે, ‘મેં અને મારી પત્નીએ નક્કી કર્યું કે અમે એ પાર્સલ ખોલીશું પણ નહિ. હું એ વકીલની ઑફિસે ગયો અને પાર્સલ તેના ટેબલ પર મૂકી દીધું. એ તેના માનવામાં જ આવતું ન હતું. એ પાછું આપવાનું કારણ સમજાવવાની મને સરસ તક મળી. એનાથી ખાસ કરીને એ વકીલની સેક્રેટરી પર ઘણી અસર થઈ.’

જોકે ફક્ત યહોવાહના ભક્તો જ ઈમાનદાર હોય એવું નથી, પણ તેઓ ઈમાનદાર લોકો તરીકે જાણીતા છે. એટલે જ થોડા સમય પહેલાં પોલૅન્ડમાં એક કપડાંની કંપનીની દુકાનોમાં ફક્ત યહોવાહના ભક્તોને જ નોકરીની ઑફર કરવામાં આવી હતી. એ કંપનીની મૅનેજરે આમ કહ્યું: ‘ખરું કે ઘણા ઈમાનદાર લોકો છે, પણ યહોવાહના ભક્તો જ સિદ્ધાંતો પ્રમાણે જીવે છે.’

ગરીબીમાં પણ ઈમાનદાર

ઘણા લોકોને લાગે કે ગરીબ વ્યક્તિ બેઇમાન બને તો ચાલે. દાખલા તરીકે, ટીવી ચેનલ સી.એન.એન.નો એક રિપોર્ટ, નાઇજીરિયાના ચૌદ વર્ષના એક છોકરા વિષે જણાવે છે. તે આખો દિવસ ઇંટરનેટ પર લોકોને છેતરે છે. તે છોકરો પોતાના બચાવમાં કહે છે કે ‘હું શું કરું? મારે પપ્પા-મમ્મી અને નાની બહેનનું ભરણ-પોષણ કરવાનું છે. એ માટે કંઈક તો કરવું પડે ને!’

જોકે, બાઇબલ એમ નથી કહેતું કે તમે ઈમાનદાર બનશો તો ધનવાન બની જશો. પણ જીવન-જરૂરી વસ્તુઓ મળી રહેશે એવી ખાતરી આપે છે. યશાયાહ ૩૩:૧૬ આમ જણાવે છે: ‘તેની રોટલી તેને આપવામાં આવશે; તેને પાણી મળશે.’

પણ કોઈને થશે કે ‘એક ટંકનું ખાવાનું મેળવવાના પણ ફાંફાં પડતા હોય એવા લોકોનું શું? એવી ગરીબીમાં ઈમાનદાર રહેવાથી કોઈ ફાયદો થશે?’

કૅમરૂનની એક વિધવા બહેન બર્ટનો વિચાર કરો. તે નાનકડી દુકાનમાં શક્કરિયાં જેવા મોગાના લોટમાંથી બનેલી નાની નાની લાકડી જેવી તીખી વાનગી વેચે છે, જેને મીયાન્ડો કહે છે. બહેન કહે છે, ‘હકીકતમાં દરેક પૅકેટમાં ૨૦ મીયાન્ડો હોય છે. પણ મોટા ભાગે દુકાનદારો પૅકેટમાં ફક્ત ૧૭ કે ૧૮ મૂકે છે. જોકે, હું લોકોને છેતરીને પૈસા કમાવા માંગતી નથી.’

શું એમ કરવાથી બર્ટનો ધંધો જોરદાર ચાલે છે? ના, એવું નથી. તે કહે છે, ‘ઘણી વાર તો આખો દિવસ કંઈ પણ વેચાતું નથી. તોપણ, હું કંઈ ખાવાનું ઉધાર લેવા જાઉં ત્યારે, તેઓ અચકાયા વગર મને આપે છે. તેઓ મને ઓળખે છે અને પૂરો ભરોસો રાખે છે કે પૈસા મળતા જ હું ચૂકવી દઈશ.’

ઈશ્વર પર પૂરો ભરોસો રાખીએ

વ્યક્તિ જે કહે એ જ કરે ત્યારે, તેના પર ભરોસો બેસે છે. જૂના જમાનાના ઈસ્રાએલમાં યહોશુઆ નામે આગેવાન હતા. તેમણે ઈશ્વર વિષે આમ કહ્યું: ‘યહોવાહે જે સારાં વચનો આપ્યાં હતાં તેમાંથી એકે નિષ્ફળ ગયું નહિ; સર્વ સફળ થયાં.’ (યહોશુઆ ૨૧:૪૫) ઈશ્વર પર શ્રદ્ધા રાખવાનાં કયાં કારણો આપણી પાસે પણ છે?

ઈશ્વરનાં વચનો એટલાં ભરોસાપાત્ર છે કે એને વરસાદ સાથે સરખાવવામાં આવે છે. (યશાયાહ ૫૫:૧૦, ૧૧) શું કોઈ વરસાદ અટકાવીને, જમીનને ભીની થતાં અને શાકભાજીને ઊગતા રોકી શકે છે? ના, એ જ રીતે ઈશ્વરનાં વચનોને પૂરાં થતાં કોઈ રોકી શકતું નથી.

બાઇબલમાં બીજો પીતર ૩:૧૩માં ઈશ્વરનું એવું જ એક વચન જોવા મળે છે: ‘આપણે તેમના વચન પ્રમાણે નવાં આકાશ અને નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, એની રાહ જોઈએ છીએ.’ ઈશ્વર જલદી જ દુનિયામાંથી એવા લોકોનો નાશ કરશે, જેઓ બીજાનો લાભ લેવા તેઓને છેતરે છે. શું તમે જાણવા ચાહો છો કે ઈશ્વર એમ કઈ રીતે કરશે? એ માટે યહોવાહના સાક્ષીઓને મળો અથવા આ મૅગેઝિનના પાન ૫ ઉપર આપેલા તમારા દેશના સરનામા પર લખો. (g10-E 10)

[પાન ૮ પર બોક્સ/ચિત્ર]

ઈમાનદારીનું ઇનામ

ફિલિપાઈન્સમાં યહોવાહના એક ભક્તનું નામ લુસિયો છે. તેમને જે ઑફિસ સાફ કરવાનું કહેવામાં આવ્યું હતું, એમાં જૂની ફાઈલોના કબાટમાંથી ૨૭,૫૦૦ ડૉલર મળ્યા. એ ઑફિસ અને પૈસા તેમના માલિકના હતા, જે એ વખતે કોઈ કામથી બહારગામ ગયા હતા. લુસિયો કહે છે કે “જીવનમાં પહેલી વાર મેં ડૉલર જોયા!”

માલિક પાછા આવ્યા ત્યારે લુસિયોએ તેમને એ બધા પૈસા આપી દીધા. એવી ઈમાનદારીથી શું ફાયદો થયો? તે ભાઈ કહે છે, ‘મને વધારે જવાબદારી સોંપવામાં આવી. અરે, માલિકે મને મારા કુટુંબ સાથે રહેવા એક રૂમ આપ્યો. ખરું કે ફિલિપાઈન્સમાં જીવન સહેલું ન હતું. પણ મેં અનુભવ્યું કે જો યહોવાહ ઈશ્વરના નિયમો પાળીએ, તો તે ચોક્કસ આપણી કાળજી રાખે છે.’

[પાન ૯ પર બોક્સ/ચિત્ર]

ઈમાનદારી

કૅમરૂનના ડુઆલા શહેરની બજારમાં મૉઝેની મચ્છીની દુકાન જાણીતી હતી. મૉઝે કહે છે, ‘મેં મારી નાનકડી દુકાનનું નામ “ત્રાજવાં” આપ્યું છે. આખા બજારમાં અમુક જ એવાં ત્રાજવાં છે જેમાં કોઈ ફેરફાર થયો ન હોય. મારાં ત્રાજવાં એમાંનાં એક છે. મને ખબર છે કે લોકો ઘણી વાર ચકાસે છે કે હું તેઓને છેતરતો નથી ને! તેઓ મારી પાસેથી એક કિલો માછલી લઈ જાય છે અને એનું વજન બીજી કોઈ જગ્યાએ પણ કરાવે છે. હંમેશાં માછલીનું વજન કિલોથી પણ વધારે થતું. એટલે ઘણા લોકો મને કહેતા કે “તમારી ઈમાનદારીને લીધે જ અમે અહીં આવીએ છીએ.”’

[પાન ૭ પર ચિત્ર]

“અમે માલિકને કહ્યું કે અમને કાઢી મૂકવામાં આવે તોપણ, જૂઠું નહિ બોલીએ.”—ડોમીંગો, ફિલિપાઈન્સ.

[પાન ૭ પર ચિત્ર]

“હિસાબ તપાસનારાએ મારી ઈમાનદારી માટે મને શાબાશી આપી.”—પીએર, કૅમરૂન.

[પાન ૭ પર ચિત્ર]

‘એક વકીલે મને લાંચ આપવાની કોશિશ કરી. મેં અને મારી પત્નીએ નક્કી કર્યું કે અમે એ પાર્સલ ખોલીશું પણ નહિ.’—રીકાર્ડો, બ્રાઝિલ.

[પાન ૭ પર ચિત્ર]

ઘણી વાર તો આખો દિવસ કંઈ વેચાયું ન હોય તોપણ, બર્ટ બહેન ખાવાનું ઉધાર લેવા જેની પાસે જાય તે અચકાયા વિના આપતા. તેઓને પૂરો ભરોસો હતો કે પૈસા મળતા જ બર્ટ તેઓને ચૂકવી દેશે.