સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હિપેટાઇટિસ બી છૂપો ખૂની

હિપેટાઇટિસ બી છૂપો ખૂની

હિપેટાઇટિસ બી છૂપો ખૂની

“હું ૨૭ વર્ષનો હતો અને તંદુરસ્ત દેખાતો હતો. હમણાં જ લગ્‍ન થયું હતું. નોકરીએ કામનું ઘણું ટેન્શન રહેતું. હું યહોવાહના સાક્ષીઓના મંડળમાં ઘણી જવાબદારી ઉપાડતો. પણ હું સાવ અજાણ હતો કે હિપેટાઇટિસ બી ધીમે ધીમે મારા લિવરને બગાડી રહ્યું હતું.”—ડક યન.

લિવર ઝેરી તત્ત્વોને ગાળીને આપણું લોહી શુદ્ધ કરે છે. તેમ જ, બીજાં ૫૦૦ જેટલાં મહત્ત્વનાં કામો કરે છે. એટલા માટે લિવરનો સોજો અથવા હિપેટાઇટિસ આપણી તબિયત માટે જોખમી છે. હિપેટાઇટિસ ઘણો દારૂ પીવાથી અથવા શરીરમાં ઘણાં ઝેરી તત્ત્વો ભેગાં થવાથી થઈ શકે છે. મોટા ભાગે વાઇરસના લીધે હિપેટાઇટિસ થાય છે. વૈજ્ઞાનિકોએ એવા પાંચ વાઇરસ શોધી કાઢ્યા છે. તેઓનું માનવું છે કે હજું બીજા એવા ત્રણેક વાઇરસ છે.—નીચેનું બૉક્સ જુઓ.

એ પાંચ વાઇરસમાંનો એક હિપેટાઇટિસ બી વાઇરસ (એચ.બી.વી) છે. દર વર્ષે લગભગ છ લાખ લોકો મલેરિયાથી મરે છે, એટલા જ એ વાઇરસથી પણ મરે છે. દુનિયાની વસ્તીનો ત્રીજો ભાગ, લગભગ બે અબજથી વધારે લોકોને હિપેટાઇટિસ બીનો ચેપ લાગ્યો છે. પણ એમાંથી મોટા ભાગના અમુક મહિનાઓમાં જ સાજા થઈ ગયા છે. જોકે, લગભગ ત્રણ કરોડ પચાસ લાખ લોકોનો રોગ હજુય વધી ગયો છે. રોગની કોઈ નિશાની દેખાય કે નહિ, તોયે જીવનભર તેઓનો ચેપ કોઈને પણ લાગી શકે છે. *

હિપેટાઇટિસ બી વાઇરસ બહુ વધી ગયો હોય, એવા અમુક કિસ્સામાં પણ શરૂઆતથી જ યોગ્ય સારવાર મળે તો, લિવરને થતા નુકસાન સામે રક્ષણ આપી શકાય. જોકે, ખાસ બ્લડ ટેસ્ટ કરાવવાથી જ ખબર પડે કે હિપેટાઇટિસ બી થયો છે કે નહિ. એટલે એ વાઇરસ થયો હોય એવા મોટા ભાગના લોકોને એની ખબર નથી હોતી. અરે, લિવર કેવું કામ કરે છે એની તપાસ કરાવીએ તો એના ટેસ્ટ પણ નોર્મલ આવી શકે છે. એટલે હિપેટાઇટિસ બી છૂપો ખૂની છે, જે કોઈ જાતની ચેતવણી આપ્યા વગર શરીરમાં ઘર કરી જઈ શકે. એ વાઇરસનો ચેપ લાગ્યા પછી, ઘણાં વર્ષો સુધી કોઈ નિશાની દેખાતી નથી. એ ચેપની ખબર પડે ત્યાં સુધીમાં તો લિવર સિરોસિસ કે કૅન્સર થઈ જઈ શકે છે. આ રોગોને લીધે હિપેટાઇટિસ બી થયો હોય એવી ચારમાંથી એક વ્યક્તિને મોત ભરખી જાય છે.

“કઈ રીતે હિપેટાઇટિસ બી થયો?”

ડક યન કહે છે કે “ત્રીસ વર્ષની ઉંમરે મને પહેલા નિશાન દેખાયા. મને ઝાડા થયા હોવાથી હું ડૉક્ટર પાસે ગયો, જેમણે મને ફક્ત ઝાડાની દવા આપી. પછી હું વૈદ પાસે ગયો, જેમણે મને આંતરડા અને પેટ માટેની દવા આપી. બેમાંથી એકે પણ તપાસ ન કરી કે મને હિપેટાઇટિસ છે કે નહિ. મને ઝાડા ચાલુ જ રહ્યા હોવાથી હું શરૂઆતમાં ગયો હતો, એ જ ડૉક્ટર પાસે પાછો ગયો. * તેમણે ધીમેથી મારા પેટ પર જમણી બાજુ થપથપાવ્યું. મને દુખ્યું. મારા બ્લડ ટેસ્ટથી તેમની શંકા સાચી પડી. મને હિપેટાઇટિસ બી થયો હતો. મારા માનવામાં જ નʼતું આવતું! મેં કદી લોહી લીધું ન હતું કે કોઈની સાથે આડો સંબંધ બાંધ્યો ન હતો.”

ડક યનને હિપેટાઇટિસ બી થયા પછી તેમની પત્ની, માબાપ અને ભાઈ-બહેનોએ પણ બ્લડ ટેસ્ટ કરાવ્યો. તેઓના શરીરમાં હિપેટાઇટિસ બીનાં જંતું હતાં. તેઓના કિસ્સામાં, રોગ સામે લડવાની શક્તિએ શરીરમાંથી એ વાઇરસ કાઢી નાખ્યો. શું ડક યનને તેઓ પાસેથી હિપેટાઇટિસ બી થયો હતો? શું તેઓ બધાને કોઈ એક જ રીતે ચેપ લાગ્યો હતો? કંઈ કહી ન શકાય. લગભગ ૩૫ ટકા લોકોના કિસ્સામાં ચેપ લાગવાના કારણની ખબર નથી પડતી. પણ એ ચોક્કસ છે કે હિપેટાઇટિસ બી વારસામાં મળતો નથી. સામાન્ય રીતે એકબીજા સાથે હળવા-મળવાથી કે સાથે બેસીને ખાવાથી થતો નથી. પણ ચેપી વ્યક્તિનું લોહી, વીર્ય કે સ્ત્રાવ કોઈ પણ રીતે બીજી વ્યક્તિના શરીરમાં જાય તો, હિપેટાઇટિસ બી વાઇરસ ફેલાય છે.

રોગવાળું લોહી ચડાવવાને કારણે ઘણાને ચેપ લાગે છે. ખાસ કરીને એવા દેશોમાં જ્યાં દાન કરેલા લોહીમાં હિપેટાઇટિસ બી વાઇરસ છે કે નહિ, એની તપાસ કરવાનાં સાધનોની કમી હોય કે પછી હોય જ નહિ. એચઆઈવી કરતાં હિપેટાઇટિસ બી સો ગણો વધારે ચેપી છે. એચઆઈવી વાઇરસથી એઈડ્‌સ થાય છે. ચેપી વ્યક્તિના જરાક સરખા લોહીથી પણ બીજાને હિપેટાઇટિસ બીનો ચેપ લાગી શકે છે. જેમ કે રેઝર પર રહી ગયેલું જરાક લોહી. એવું લોહી જામી જાય તોપણ, એક કે એનાથી વધારે અઠવાડિયાં સુધી એ ચેપી રહે છે. *

ખરી સમજણ જરૂરી છે

ડક યન યાદ કરે છે કે “કંપનીમાં ખબર પડી કે મને હિપેટાઇટિસ બી થયો છે ત્યારે, મને બીજા કામદારોથી દૂર નાની ઑફિસ આપી.” આ કંઈ નવું નથી, કેમ કે વાઇરસ કઈ રીતે ફેલાય છે એ વિષે ઘણી ગેરસમજણ છે. અરે, ભણેલા લોકોને પણ કદાચ હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ એ વચ્ચેનો ફરક ખબર નથી. હિપેટાઇટિસ એ વાઇરસ બહુ જ ચેપી છે, પણ એનાથી જીવને જોખમ હોતું નથી. વળી, હિપેટાઇટિસ બી જાતીય સંબંધોથી પણ ફેલાય શકે છે. એટલે સારા લોકોને ચેપ લાગે તો બીજાઓ તેમના પર શંકા કરવા લાગે છે.

ગેરસમજણ અને શંકાને લીધે ઘણી તકલીફો ઊભી થઈ શકે છે. દાખલા તરીકે, નાના-મોટા કોઈને પણ હિપેટાઇટિસ બી થયો હોય તો, ઘણી જગ્યાએ લોકો કોઈ વાંક-ગુના વગર તેઓ સાથે વહેવાર રાખવાનું બંધ કરી દે છે. એવાં બાળકો સાથે પડોશીઓ પોતાનાં બાળકોને રમવા દેતા નથી. સ્કૂલોમાં એવાં બાળકોને લેતા નથી. તેમ જ, એવા લોકોને જલદી કોઈ નોકરી પર રાખતું નથી. એટલે લોકો હિપેટાઇટિસ બી વાઇરસ છે કે નહિ એનો ટેસ્ટ કરાવતા નથી. અથવા તો પોતાને એ વાઇરસ હોય તોપણ જણાવતા નથી. અમુક લોકો એ વિષે જણાવવા કરતાં પોતાનું અને સગાં-વહાલાનું જીવન જોખમમાં મૂકે છે. આમ આ રોગ એકથી બીજી પેઢીને ફેલાઈ શકે છે.

આરામ લેવો જરૂરી છે

ડક યન કહે છે કે “મારા ડૉક્ટરે પૂરતો આરામ લેવાનું કહ્યું હતું છતાં, હું બે મહિના પછી નોકરી પર ચઢી ગયો. બ્લડ ટેસ્ટ અને સીટી સ્કેનમાં સિરોસિસની કોઈ નિશાની દેખાઈ નહિ. એટલે મને લાગ્યું કે હવે કંઈ વાંધો નથી.” ત્રણ વર્ષ પછી કંપનીએ ડક યનની બદલી મોટા શહેરમાં કરી. ત્યાંનું જીવન ઘણું મુશ્કેલ હતું. તોપણ, ખર્ચો પૂરો કરવા અને કુટુંબની સંભાળ રાખવા તે કામ કરતા રહ્યા.

થોડા જ મહિનાઓમાં હિપેટાઇટિસ બી વાઇરસે પાછો ઊથલો માર્યો. એના લીધે ડક યન બહુ થાકી જતા. તે કહે છે કે “આખરે મારે નોકરી છોડવી પડી. મને થયું કે કેમ મેં પહેલેથી કામ ઓછું કરી ન દીધું! જો કર્યું હોત તો આટલો બીમાર ન પડત અને મારા લિવરને આટલું નુકસાન ન થાત.” ડક યન એમાંથી ઘણું શીખ્યા. હવે તેમણે કામ ઓછું કરી નાખ્યું અને ખર્ચા પર કાપ મૂકી દીધો છે. વળી, તેમનું આખું કુટુંબ પણ મદદ કરે છે. અરે, તેમની પત્ની કુટુંબના ખર્ચાને પહોંચી વળવા નાની-મોટી નોકરી પણ કરી લે છે.

હિપેટાઇટિસ બી સાથે જીવવું

ખરું કે ડક યનની તબિયત સુધરી, પણ લિવરને નુકસાન થયું હોવાથી એ બરાબર કામ કરતું ન હતું. એના લીધે બીપીનું પ્રમાણ ઊંચું રહેતું હતું. એના અગિયાર વર્ષ પછી અન્‍નનળીની એક નસ ફાટી જવાથી તેમના ગળામાં લોહી વહેવા લાગ્યું. એના લીધે તેમણે આખું અઠવાડિયું હૉસ્પિટલમાં રહેવું પડ્યું. એના ચાર વર્ષ પછી તેમના મગજમાં તકલીફ ઊભી થવા માંડી. તેમના મગજમાં એમોનિયા એટલે કે નવસાર ભેગો થયો હતો, કેમ કે તેમનું લિવર લોહીમાંથી એ કાઢી શકતું ન હતું. સારવાર લેવાથી થોડા દિવસોમાં એ મુશ્કેલી પણ જતી રહી.

ડક યન હવે ૫૪ વર્ષના છે. તેમની તબિયત વધારે બગડે તો એના વિષે બહુ કંઈ કરી શકાય એમ નથી. હવે એ બીમારીની સારવાર પણ તેમના શરીરમાંથી એના વાઇરસને પૂરેપૂરા કાઢી શકવાની નથી. કદાચ એની ઘણી આડઅસર પણ થાય. એટલે છેલ્લી પસંદગી લિવર ટ્રાન્સપ્લાન્ટ એટલે કે લિવર બદલાવવાની છે. પણ લિવર આપનારાઓના લિસ્ટ કરતાં, રાહ જોનારાનું લિસ્ટ લાંબું છે. ડક યન કહે છે, “મને ખબર છે કે ગમે ત્યારે મારું મોત થઈ શકે છે. પણ એની ચિંતા કરવાથી શું ફાયદો! હું હજું જીવું છું, માથે છત છે અને પ્રેમાળ કુટુંબ છે. આમ જોઈએ તો, મારી હાલત મારા કુટુંબ માટે આશીર્વાદ સાબિત થઈ છે. હું મારા કુટુંબ સાથે ઘણો સમય વિતાવી શકું છું. બાઇબલમાંથી ઘણું શીખી શકું છું. હવે મોત આવે તોપણ, હું એનો સામનો કરી શકું છું અને એવા જીવનની રાહ જોઉં છું જ્યારે બીમારી હશે જ નહિ.” *

ડક યનના આવા સરસ વિચારોને લીધે આજે તેમનું કુટુંબ આનંદથી જીવે છે. કુટુંબના પાંચેય જણ પૂરો સમય યહોવાહ વિષે લોકોને જણાવવાની મઝા માણે છે. (g10-E 08)

[ફુટનોટ]

^ જો વ્યક્તિની રોગ સામે લડવાની શક્તિ છએક મહિનામાં એ વાઇરસને શરીરમાંથી ન કાઢે, તો એ રોગ વધી ગયેલો કહેવાય.

^ સજાગ બનો! જણાવતું નથી કે કઈ સારવાર કરાવવી.

^ ચેપી વ્યક્તિનું લોહી તરત જ સાફ કરી નાખવું જોઈએ. એ માટે ગ્લવ્ઝ પહેરીને એક ભાગ બ્લીચ અને દસ ભાગ પાણીનું મિશ્રણ કરીને બરાબર સફાઈ કરવી જોઈએ.

^ જ્યારે કોઈ બીમાર નહિ પડે એવી દુનિયા વિષે બાઇબલમાંથી પ્રકટીકરણ ૨૧:૩, ૪ વાંચો. પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક પણ જુઓ.

[પાન ૧૫ પર બ્લર્બ]

યોગ્ય સારવાર વહેલી મળે તો કદાચ વધારે નુકસાન ન થાય

[પાન ૧૬ પર બ્લર્બ]

ગેરસમજના ડરથી લોકો હિપેટાઇટિસ બી માટેનો ટેસ્ટ ન કરાવે કે એ બીમારી હોય તોપણ ન જણાવે

[પાન ૧૪ પર બોક્સ]

હિપેટાઇટિસના પ્રકાર

હિપેટાઇટિસ માટે પાંચ પ્રકારના વાઇરસ જવાબદાર છે. એમાંના આ ત્રણ સૌથી જાણીતા છે, જેને એ, બી અને સી નામ આપવામાં આવ્યું છે. એમ માનવામાં આવે છે કે એના બીજા વાઇરસ પણ છે. બધા જ પ્રકારના હિપેટાઇટિસમાં વ્યક્તિને ફ્લૂ થયો હોય એવું લાગી શકે. તેમ જ, કમળો પણ થઈ શકે. ઘણાને, ખાસ કરીને બાળકોને એવી કોઈ નિશાની દેખાતી નથી. હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી વાઇરસમાં એવી નિશાનીઓ દેખાવા માંડે ત્યાં સુધીમાં તો લિવરને ઘણું નુકસાન થઈ ચૂક્યું હોય છે.

હિપેટાઇટિસ એ વાઇરસ (એચ..વી)

ચેપી વ્યક્તિના મળમાં હિપેટાઇટિસ એ વાઇરસ હોય છે. આ વાઇરસ મીઠું, તાજું પાણી અને બરફમાં પણ હોય શકે. કોઈને હિપેટાઇટિસ એ વાઇરસનો ચેપ શામાંથી લાગી શકે છે?

મળથી દૂષિત થયેલાં પાણીવાળી કાચી માછલી, ઝીંગા વગેરે ખાવું કે એવું દૂષિત પાણી પીવું.

ચેપી વ્યક્તિની સાથે ને સાથે રહેવું. અથવા એવી વ્યક્તિનાં વાસણમાંથી ખાવું-પીવું.

ટોઇલેટ વાપર્યા પછી, ચેપી બાળકની નૅપિ કે ડાયપર બદલ્યા પછી અથવા રાંધતા પહેલાં હાથ બરાબર ન ધોવા.

ખરું કે હિપેટાઇટિસ એ ભયંકર રોગ છે, પણ મોટે ભાગે લાંબો સમય ચાલતો નથી. મોટા ભાગના કિસ્સામાં અમુક અઠવાડિયાં કે મહિનાઓમાં શરીર પોતે વાઇરસનો નિકાલ કરી નાખે છે. એની કોઈ ખાસ સારવાર નથી, પણ આરામ કરવો અને સારો ખોરાક લેવો જોઈએ. એસીટામીનોફેન નામની તાવ માટેની દવા જેવા ડ્રગ્સ અને શરાબ લિવરને ભારે પડે છે. ડૉક્ટર નક્કી કરે કે લિવર પૂરેપૂરું સાજું થઈ ગયું છે ત્યાં સુધી, એવી દવા કે શરાબ ન લેવા જોઈએ. આ વાઇરસના દરદીને ફરીથી એ જ વાઇરસનો ચેપ નહિ લાગે, પણ બીજા પ્રકારના હિપેટાઇટિસ થવાની શક્યતા ખરી. હિપેટાઇટિસ એ વાઇરસની રસી છે, જે એને રોકી શકે છે.

હિપેટાઇટિસ બી વાઇરસ (એચ.બી.વી)

હિપેટાઇટિસ બી વાઇરસનો ચેપ લાગ્યો હોય એ વ્યક્તિના લોહી, વીર્ય અને યોનિના પ્રવાહીમાં વાઇરસ હોય છે. જે વ્યક્તિનું શરીર એની સામે લડી ન શકતું હોય અને તેના શરીરમાં એવું પ્રવાહી જાય તો, તેને ચેપ લાગે છે. બીજી કઈ રીતે એનો ચેપ લાગી શકે?

જન્મ (મા પાસેથી બાળકને લાગતો ચેપ)

સારવારનાં, દાંતનાં, છૂંદણાંનાં કે નાક-કાન કોચવાંનાં સાધનોને જંતુમુક્ત કરવાં બરાબર સાફ ન કર્યાં હોય

ઇંજેક્શનની સોય, રેઝર, નખ ઘસવાનું કે કાપવાનું સાધન, ટૂથ બ્રશ કે પછી એવું કંઈ પણ જેનાથી જરા જેટલું લોહી પણ બીજાના શરીરમાં દાખલ થાય

જાતીય સંબંધો

આરોગ્ય સંસ્થાના અધિકારીઓ માને છે કે હિપેટાઇટિસ બી વાઇરસ જંતુઓથી, ખાંસવાથી, હાથ પકડવાથી, ભેટવાથી, ગાલ પર કીસ કરવાથી કે ધવડાવવાથી ફેલાતો નથી. મોટા ભાગે લોકોના શરીરમાંથી આ વાઇરસ નીકળી જાય અને પછી શરીર એના સામે રક્ષણ આપે છે. નાનાં બાળકોને લાંબો સમય સુધી એનો ચેપ રહેવાનું જોખમ હોય છે. જો એની સારવાર ન થાય તો લિવર કામ કરતું બંધ થઈ શકે અને એ મોત પણ નોતરી શકે. હિપેટાઇટિસ બી વાઇરસની રસી છે, જે એને રોકી શકે છે.

હિપેટાઇટિસ સી વાઇરસ (એચ.સી.વી)

હિપેટાઇટિસ સી પણ હિપેટાઇટિસ બીની જેમ જ ફેલાય છે. મોટા ભાગે ઇંજેક્શન અને ડ્રગ્સની ચેપી સોય દ્વારા ફેલાય છે. હિપેટાઇટિસ સી વાઇરસ માટે કોઈ રસી નથી. *

[ફુટનોટ]

^ વિશ્વ આરોગ્ય સંસ્થા હિપેટાઇટિસ માટે વધારે માહિતી અનેક ભાષાઓમાં આ વેબ સાઇટ પર આપે છે, www.who.int.

[પાન ૧૬ પર બોક્સ]

હિપેટાઇટિસ બીને કાબૂમાં રાખવો

હિપેટાઇટિસ બી વાઇરસનો ચેપ દુનિયામાં બધી બાજુએ લોકોને લાગે છે. પણ હિપેટાઇટિસ બી થયો હોય એવા ૭૮ ટકા લોકો એશિયા અને પૅસિફિક ટાપુઓમાં રહે છે. ત્યાં દસમાંથી એક વ્યક્તિને એનો ચેપ લાગ્યો હોય છે. મોટે ભાગે એ વાઇરસ જન્મ સમયે માતા પાસેથી આવે છે. અથવા તો બાળકને નાનપણમાં જ બીજાં બાળકોના ચેપી લોહીથી એ વાઇરસ થાય છે. એના પર કાબૂ મેળવવાની રસી છે. એ રસી નવા જન્મેલા બાળકને અને આ વાઇરસનું જોખમ હોય, તેઓને આપવામાં આવે છે. * જ્યાં એમ કરવામાં આવ્યું છે, ત્યાં આ બીમારીને કાબૂમાં રાખવામાં સફળતા મળી છે.

[ફુટનોટ]

^ હિપેટાઇટિસની રસી કદાચ લોહીના નાના નાના અંશોમાંથી બનાવવામાં આવી હોય. એટલે વાચકોને ચોકીબુરજ જૂન ૧૫, ૨૦૦૦ અને ઑક્ટોબર ૧, ૧૯૯૪ના અંકમાંથી “વાચકો તરફથી પ્રશ્નો” જોવા માટે ઉત્તેજન આપવામાં આવે છે. “કીપ યૉરસેલ્વ્‌સ ઇન ગોડ્‌સ લવ” પુસ્તકના પાન ૨૧૫ ઉપર પણ લોહીના અંશો વિષે માહિતી આપી છે. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૧૭ પર ચિત્ર]

ડક યન અને તેમનું કુટુંબ

[પાન ૧૪ પર ચિત્રનું મથાળું]

© Sebastian Kaulitzki/Alamy