સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સલામત રહેવા વૃદ્ધો માટે સૂચનો

સલામત રહેવા વૃદ્ધો માટે સૂચનો

સલામત રહેવા વૃદ્ધો માટે સૂચનો

એક છોકરી ઘરમાં દોડા-દોડ કરી રહી છે. અચાનક લપસીને પડી જાય છે. એક પલમાં તે ઊભી થાય છે, તેને કંઈ વાગ્યું નથી પણ ફક્ત શરમાય જાય છે. હવે બીજો બનાવ જોઈએ. એક વૃદ્ધ સ્ત્રી પોતાના ઘરમાં ઠોકર ખાઈને પડી જાય છે. તેનું થાપાનું હાડકું તૂટી જવાથી ઑપરેશન કરાવવું પડે છે. તેને સાજા થતા મહિનાઓ લાગે છે. હવે, તેને પડવાની વધારે બીક લાગતી હોવાથી હરવા-ફરવાનું ઓછું કરે છે. આમ તે નબળી પડવા લાગે છે.

પશ્ચિમના એક દેશમાં દર વર્ષે ૬૫ અને એનાથી વધુ ઉંમરની વ્યક્તિઓમાંથી ત્રીજા ભાગની વ્યક્તિઓ પડી જાય છે. આ ઉંમરે પડવાથી મરણતોલ ઇજા થઈ શકે છે. એટલે જ બાઇબલ વૃદ્ધો વિષે કહે છે: “તેઓ ઊંચાણથી બીશે, ને તેમને રસ્તે ચાલતાં ભય લાગશે.”—સભાશિક્ષક ૧૨:૫.

ઉંમર વધવાની સાથે તબિયતની તકલીફો પણ વધે છે. સલામત રહેવા અને સારી રીતે જીવવા તમારે પગલાં ભરવા જોઈએ. એનાથી એક તો તંદુરસ્તી અને શક્તિ જળવાઈ રહેશે. બીજું કે ઘર સલામત રહેશે.

તંદુરસ્તી અને શક્તિ જાળવી રાખો

ઉંમર વધે તેમ શરીરમાં નબળાઈ આવે છે. કોઈ પણ કામ કરવું થોડું અઘરું પડે છે. કદાચ ઓછું દેખાય અને સમતોલન ગુમાવી બેસીએ. સ્નાયુ અને હાડકાં નબળા પડી જવાથી ભાંગવા-તૂટવાની શક્યતા વધે છે. જોકે રોજિંદી પ્રવૃત્તિઓ ચાલુ રાખવાથી અને ખાવાની સારી ટેવ પાડવાથી ઘડપણની તકલીફો ઓછી થાય છે. ફિઝિયોથૈરપીસ્ટ નીતા જણાવે છે કે ‘કસરત કરવી અગત્યની છે. એનાથી સારી રીતે ઊઠી-બેસી શકશો, સમતોલન અને શક્તિ જળવાઈ રહેશે અને શરીર સહેલાઈથી વળી શકશે.’

એક સાહિત્ય જણાવે છે: “વૃદ્ધજનોની તંદુરસ્તી કે ક્ષમતા ભલે ગમે તેવી હોય, પણ શારીરિક પ્રવૃત્તિઓમાં લાગુ રહેવાથી ઘણી મદદ મળશે. તેઓને ઊભા રહેવામાં કે ચાલવામાં તકલીફ હોય તોપણ કસરત કરવાથી ફાયદો થશે. ખરું કહીએ તો કસરત ન કરવાથી નુકસાન થશે.” (યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ ઍન્ડ હ્યુમન સર્વિસ) * રોજિંદી પ્રવૃત્તિઓની સાથે કસરત કરવાથી હૃદયની બીમારી, સાંધાના દુઃખાવા, હાડકાં કમજોર પડવા અને ડિપ્રેશન સામે લડી શકશો. તેમ જ, લોહીનું વહન અને પાચન શક્તિ સુધરશે. ઊંઘ સારી આવશે, આત્મ-વિશ્વાસ વધશે અને સજાગ રહેશો.

જો તમે કસરત ન કરતા હોવ, તો એ શરૂ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લો. કસરત કરતા ચક્કર આવે કે છાતીમાં દુખાવો થાય ત્યારે ચોક્કસ ડૉક્ટરને મળો. એવા કિસ્સામાં, ઇમરજન્સી નંબર પર ફોન કરી શકો. આવું કંઈ થાય ત્યારે એને હળવાશથી ન લેવું જોઈએ. કહેવામાં આવે છે કે વર્ષમાં એક વાર તમારે આંખોની તપાસ કરાવવી જોઈએ.

વિટામિન અને ખનીજ ઓછા હોય એવો ખોરાક ટાળો, પછી ભલેને એ બનાવામાં સહેલો અને સરળ હોય. ખાસ કરીને વૃદ્ધજનોએ એવો ખોરાક લેવો જોઈએ જેમાં વધારે પ્રમાણમાં વિટામિન ડી અને કૅલ્શિયમ હોય. એનાથી હાડકાં મજબૂત રહેશે અથવા જલદીથી નબળા નહિ થાય. તેથી અનાજ અને ઓછી-ચરબી વાળા દૂધનો ખોરાક લો. તેમ જ, તાજા શાકભાજી અને ફળ ખાઓ. જો ખાવાની આદતમાં મોટો ફેરફાર કરવાના હોય તો પહેલાં ડૉક્ટરની સલાહ લો. તે તમારી તબિયતને આધારે જણાવશે કે શું ખાવું અને શું ન ખાવું.

એ ઉપરાંત પૂરતું પ્રવાહી લો. મોટાભાગે વૃદ્ધો પૂરતું પાણી પીતા ન હોવાથી તેઓના શરીરમાંથી એ ખૂટી જાય છે. ખાસ કરીને જેઓ એકલા કે વૃદ્ધાશ્રમમાં રહે છે, તેઓના શરીરમાં પાણી ખૂટી જવાથી નબળાઈને લીધે પડી જાય છે. તેમ જ, કશી સૂઝ ન પડે, કબજિયાત થાય, કરચલીઓ પડે, જલદી ચેપ લાગી જાય અને મોત પણ થઈ શકે.

ઘર સલામત બનાવો

મોટાભાગના વૃદ્ધો ઘરમાં પડી જાય છે. પણ, સાવચેતીના થોડા પગલાં લેવાથી એ જોખમ ઓછું કરી શકાય. નીચેના સૂચનો વાંચો અને વિચારો કે પોતાના ઘરમાં કેવી રીતે લાગુ પાડી શકાય.

બાથરૂમ:

• ભીનામાં લપસી જવાય નહિ એવો ફ્લોર હોવો જોઈએ.

• શાવર કે બાથટબમાં લપસી જવાય નહિ એવી મેટ હોવી જોઈએ. જો નાહવા માટે ખુરશી વાપરતા હોવ, તો નળની પાસે હોવી જોઈએ. શાવર હાથથી વાપરી શકાય એવો હશે તો સહેલાઈથી બેસીને નાહી શકાશે.

• બાથરૂમમાં હૅન્ડલ હોવા જોઈએ, જેથી બાથટબ કે ટોઇલેટમાં જતા એનો ઉપયોગ કરી શકાય. હૅન્ડલ મજબૂત રીતે લગાવેલા હોવા જોઈએ. બેસવામાં કે ઊભા થવામાં તકલીફ ન પડે એટલી ઊંચી ટોઇલેટ સીટ હોવી જોઈએ.

• ડીમ લાઇટ ચાલુ રાખો કે ટોર્ચ વાપરો.

દાદરા:

• દાદરા સારી સ્થિતિમાં અને પૂરતો પ્રકાશ આવે એવાં હોવા જોઈએ અને એના પર વસ્તુઓ મૂકેલી ન હોવી જોઈએ.

• દાદરાની બંને બાજુ કઠેડો હોવો જોઈએ. લપસી જવાય નહિ એવી પટ્ટીઓ દાદરા પર લગાવવી જોઈએ. લાઇટની સ્વીચ ઉપર-નીચે બંને જગ્યાએ હોવી જોઈએ.

• ઉપર નીચે ચાલવાથી પગ વધારે મજબૂત થાય છે. પણ સમતોલન રાખવામાં તકલીફ હોય તો, દાદરા ચઢ-ઉતર કરવાનું ટાળવું જોઈએ.

બેડરૂમ:

• પલંગ અને બીજા ફર્નિચર વચ્ચે પૂરતી જગ્યા રાખો.

• બેસીને તૈયાર થાઓ.

• પલંગ પાસે લેમ્પ કે ટોર્ચ હાથવગી રાખો.

રસોડું:

• પ્લેટફોર્મ વ્યવસ્થિત રાખો જેથી સહેલાઈથી કામ કરી શકો કે વસ્તુઓ મૂકી શકો.

• ફ્લોર ચળકાટ મારતો અને લપસણો ન હોવો જોઈએ.

• કબાટમાં વસ્તુઓ એકદમ ઊંચે કે સાવ નીચે ન હોવી જોઈએ. સહેલાઈથી લઈ શકાય એવી રીતે વસ્તુઓ રાખવી. સીડી કે સ્ટૂલનો ઉપયોગ ટાળો અને ઉપર ચઢવા ખુરશી તો કદી ન વાપરો.

ધ્યાનમાં રાખવાના મુદ્દા:

• ડીમ-લાઇટ ચાલુ રાખો જેથી બાથરૂમ અને બીજે સહેલાઈથી જઈ શકાય.

• જો તમે અડધી ઊંઘમાં હોવ તો લાકડી કે વૉકર વાપરવું જોઈએ.

• તમારી ખુરશીઓ સ્થિર (પૈડાં વિનાની), હાથા વાળી અને સહેલાઈથી ઉઠ-બેસ થઈ શકે એટલી ઊંચાઈની રાખો.

• દોરા નીકળેલી કાર્પેટ અને ઉખડી કે તૂટી ગયેલી ટાઇલ્સનું સમારકામ કરાવવું જેથી પડી ન જવાય. ઇલેક્ટ્રિકલ વાયરો દીવાલ પર હોવા જોઈએ જેથી ચાલતા આડે ન આવે.

• કાર્પેટ ઉપર સાદડી ન રાખશો, એમાં પગ ભરાઈને પડવાનું જોખમ રહેલું છે. લાકડાના કે ટાઇલ્સના લીસ્સા ફ્લૉર પર સાદડી વાપરવાની જરૂર હોય તો, સરકી ન જાય એવી વાપરો.

• ઢીલા કે ઘસાઈ ગયેલા કે લપસી જવાય એવા સ્લીપર ન પહેરવા. ઊંચી એડીના સૅન્ડલ કે બૂટ પહેરવાનું ટાળો.

• કેટલીક દવાઓથી અમુકને ચક્કર આવે છે. જો કોઈ દવા લીધા પછી તમને પણ એવું થતું હોય, તો ડૉક્ટરને ચોક્કસ જણાવો. તે તમને એ દવા કે એની માત્રા બદલી આપશે.

કોઈ કામ કરવાની જરૂર હોય અને તમારા માટે એ અઘરું હોય તો, કુટુંબના સભ્યો, મિત્રો કે એ કામ જાણનાર વ્યક્તિની મદદ લો. એમ કરવામાં મોડું ન કરો.

બીજાઓ શું કરી શકે?

જો તમારા માબાપ, દાદા-દાદી કે મિત્રો વૃદ્ધ હોય તો, તેઓ સલામત રહે એ માટે શું કરી શકો? આગળ જોઈ ગયા એ સૂચનો ધ્યાન રાખીને તેઓને પૂછી શકો કે ક્યાં સુધારા કરવાની જરૂર છે. જરૂર હોય તો દર અઠવાડિયે એકાદ બે વાર તેમના માટે સારુ ખાવાનું બનાવી શકો. ઘરડા લોકોને નિયમિત કસરતની જરૂર છે. કદાચ તમે આજુબાજુની દુકાનમાં ચાલીને જવાના હોય તો, તેઓને સાથે લઈ જઈ શકો. વૃદ્ધોને ઓળખીતા સાથે બહાર નીકળવું ગમશે. કેટલાક દેશોમાં સરકાર એવી ગોઠવણ કરે છે કે ઘરે નર્સ આવે અથવા જરૂરી સારવાર પૂરી પાડે. તેમ જ, ઘરની સલામતી પર નજર રાખતા હોય છે. કદાચ એવી સેવા મેળવવા ડૉક્ટર તમારા માટે ગોઠવણ કરી શકે.

આપણા ઉત્પન્‍નકર્તા પોતાને “વયોવૃદ્ધ” તરીકે ઓળખાવે છે. એ બતાવે છે આપણે વૃદ્ધોને આદર આપવો જોઈએ, ખાસ કરીને વૃદ્ધ માતાપિતાને. (દાનીયેલ ૭:૯) ઈશ્વરે આજ્ઞા આપી કે “તારા બાપનું તથા તારી માનું તું સન્માન રાખ.” (નિર્ગમન ૨૦:૧૨) તેમણે એ પણ જણાવ્યું કે “તું પળિયાંવાળા માથાની સમક્ષ ઊભો થા, ને વૃદ્ધ માણસના મોંને માન આપ, ને તારા દેવનો ડર રાખ.” (લેવીય ૧૯:૩૨) વૃદ્ધોને માન આપીને બતાવીશું કે આપણને ઈશ્વરનો ડર છે! બદલામાં તેઓ આપણો આભાર માનવા પ્રેમ અને દયા બતાવશે. તેઓને મદદ કરીએ ત્યારે ફરજને લીધે નહિ પણ આનંદથી કરીએ. (g11-E 02)

[ફુટનોટ્‌સ]

^ નિયમિત કસરતથી થતા ફાયદા વિષે મે ૨૨, ૨૦૦૫ અવેક! મૅગેઝિન જુઓ.

[પાન ૨૫ પર ચિત્રનું મથાળું]

ઇમર્જન્સીમાં ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા મદદ

કેટલાક દેશોમાં વૃદ્ધ લોકો નાનકડું ઇલેક્ટ્રોનિક સાધન સાથે રાખે છે, જેથી તેઓ પડે કે તરત જ બટન દબાવીને મદદ માંગી શકે. આ સાધન ગળામાં કે કાંડે પહેરી શકાય. જો તમારા વિસ્તારમાં આવી કોઈ સેવા હોય અને તમે એકલા રહેતા હોવ, તો એનો લાભ લેવાનું વિચારી શકો.