બીજા માબાપ શું કહે છે
બીજા માબાપ શું કહે છે
જો તમારું બાળક બાલમંદિર કે નર્સરીમાં હોય, તો તમને કદાચ અમુક મુશ્કેલીઓ હશે. જેમ કે, બાળક જીદ અને ગુસ્સો કરે તો શું કરવું? તેને કઈ રીતે શીખવવું કે સારું શું અને ખરાબ શું? કઈ રીતે જરૂરી શિસ્ત આપવી? આવો જોઈએ કે કેટલાક માતા-પિતાએ કઈ રીતે આવા પડકારનો સામનો કર્યો.
ગુસ્સો અને જીદ કરે ત્યારે . . .
“બાળક બે-એક વર્ષનું થાય ત્યાં સુધી મન-ગમતી ચીજવસ્તુ મેળવવા જીદ કરતું હોય છે. મારા દીકરાને પણ આવી મુશ્કેલી હતી. જો તે કંઈ માંગે અને તેને ન મળે, તો ગુસ્સામાં બધી વસ્તુઓ આમ-તેમ ફેંકતો. તે અમારું પહેલું બાળક હોવાથી અમને તેના આવા વર્તનનો કોઈ અનુભવ ન હતો. પછી બીજાઓએ અમને જણાવ્યું કે બાળકનું આમ કરવું સામાન્ય છે. તોપણ અમને તેની ચિંતા રહેતી.”—કેન્યાના સુઝન બહેન.
“અમારી દીકરી બે વર્ષની હતી ત્યારે, જમીન પર આળોટતી, ચીસો પાડતી, રડતી અને ધમપછાડા કરતી. તેનું આવું વર્તન અમને ગમતું નહિ. એ સમયે તેની સાથે વાત કરવું નકામું હતું. એટલે હું અને મારા પતિ તેને તેના રૂમમાં મોકલી દેતા. પછી એમ કહેતા કે ‘તું શાંત થઈ જાય એટલે બહાર આવજે. આપણે પછી વાત કરીશું.’ એક વાર તેના શાંત થઈ ગયા બાદ, અમારા બેમાંથી કોઈ તેના રૂમમાં જતું. તેને સમજાવતા કે કેમ તેનું વર્તન અયોગ્ય હતું. આ રીત ઘણી લાભકારક સાબિત થઈ. એક વાર તો અમે તેને ઈશ્વર પાસે માફી માંગતા સાંભળી હતી. સમય જતાં, તેનો ગુસ્સો અને જીદ ઓછા થતાં ગયા અને છેવટે બંધ થઈ ગયા.”—સ્પેનના યોલંદા બહેન.
“નાના ભૂલકાં ઘણી વાર ચકાસતા હોય છે કે કઈ હદ સુધી આપણે તેઓનું ચલાવી લઈશું. કોઈ બાબતમાં તેઓને ના કહ્યું હોય, પણ અમુક વાર એ કરવા દઈએ તો, તેઓ મૂંઝાઈ જાય છે. અમને જોવા મળ્યું છે કે મક્કમ રહેવાથી અને પોતાના કહ્યાને વળગી રહેવાથી, બાળકો શીખ્યા છે કે જીદ કરવાથી કોઈ વસ્તુ મળશે નહિ.”—બ્રિટનના નીલ ભાઈ.
શિસ્ત આપવા વિષે
“પાંચ વર્ષની અંદરનું બાળક આપણું સાંભળે છે કે નહિ એ પારખવું મુશ્કેલ છે. એટલે બાળકને એકની એક વાત વારે-ઘડીએ કહેવી પડે. કદાચ તમારે મક્કમતાથી અને કડક અવાજમાં હજાર વખત કહેવું પડે.”—ફ્રાન્સના સર્જ ભાઈ.
“મારા ચારેય બાળકો એક જ માહોલમાં ઉછર્યાં છે, તોપણ તેઓ એકબીજાથી સાવ અલગ છે. મારી એક છોકરીને ખબર પડે કે તેણે અમને નારાજ કર્યાં છે, તો તરત રડવા લાગશે. જ્યારે કે બીજી છોકરી હદ બહાર જવા પૂરી કોશિશ કરશે. અમુક વખતે આંખો બતાવવી કે ધમકાવવું પૂરતું હોય છે, તો અમુક વાર તેઓને શિક્ષા કરવી પડે છે.”—કૅનેડાના નાથાન ભાઈ.
“શિસ્ત આપવામાં ઢીલ ન કરો, તેમ જ બહુ કડક પણ ન બનો. અમુક વાર અમારું બાળક પસ્તાવો બતાવે તો, અમે વાજબી બનીને શિક્ષા ઘટાડીએ છીએ.”—ફ્રાન્સના મેથ્યુ ભાઈ.
“હું કોશિશ કરું છું કે બાળકો માટે ઘણા બધા નિયમો ન બનાવું. બનાવેલા નિયમો બદલાય નહિ એનું પણ હું ધ્યાન રાખું છું. ત્રણ વર્ષનો મારો દીકરો જાણે છે કે મારું નહિ સાંભળે તો શું થશે. એનાથી તેને પોતાનું વર્તન સારું રાખવા મદદ મળી છે. ખરું કે ઘણી વખતે હું બહુ થાકી ગઈ હોવ તો, તેના ખોટાં કામોને ચલાવી લેવાનું મન થાય. પણ હું પૂરી કોશિશ કરું છું કે બનાવેલા નિયમોને વળગી રહું. આપણે જે કહ્યું હોય એને વળગી રહેવું બહુ જરૂરી છે!”—કૅનેડાના નતાલી બહેન.
ઘડેલા નિયમોને વળગી રહેવા વિષે
“બાળકોની યાદશક્તિ બહુ તેજ હોય છે. તેઓને જે કહ્યું હોય એમાં માતા-પિતા વળગી ન રહે તો, બાળકો એને યાદ રાખી લે છે.”—બોલિવિયાના મિલ્ટન ભાઈ.
“અમુક વખતે મારો દીકરો એક જ વાતને જુદી જુદી રીતે પૂછશે. તે ચકાસવા માંગતો હોય છે કે હું દર વખતે એક સરખું કહું છું કે નહિ. જો હું કંઈક કહું અને તેની મમ્મી કંઈ બીજું કહે તો તે તરત પારખી જાય છે કે અમારું કહેલું બદલાય છે. એનો તે ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે.”—સ્પેનના એન્જેલ ભાઈ.
“મારો મૂડ સારો હોય તો દીકરાના તોફાનને અમુક વાર ચલાવી લઉં. જો મૂડ ખરાબ હોય તો સખત શિક્ષા કરું છું. મેં જોયું છે કે આમ કરવાથી તેનું વર્તન વધારે બગડ્યું છે.”—કોરિયાના જિયોંગ-ઑક બહેન.
“બાળકોને સમજાવવું જરૂરી છે કે આજે અમુક પ્રકારનું વર્તન ખોટું હોય તો, કાલે પણ ખોટું જ કહેવાશે.”—બ્રાઝિલના ઍન્ટૉનીયો ભાઈ.
“જો પોતાના શબ્દોને વળગી નહિ રહીએ, તો બાળકોને લાગશે કે મમ્મી-પપ્પાના વિચારો મૂડ પ્રમાણે બદલાય છે. બાળકોને આપેલા નિયમોને ખુદ વળગી રહીશું તો, તેઓ જોઈ શકશે કે જે વર્તન ખોટું છે એ સદા ખોટું જ છે. આ એક રીતે માતા-પિતા બાળકોને સલામતી અને હુંફ આપે છે.”—બ્રાઝિલના ઝિલમાર ભાઈ.
“જ્યારે બીજા લોકો હાજર હોય છે, ત્યારે બાળકો એનો ફાયદો ઉઠાવવા ચાહતા હોય છે. પણ હું કોઈ બાબતે ના પાડું તો એ મારી ‘ના’ જ રહે છે. હું મારા દીકરાને ચોખ્ખું જણાવું છું કે તારી જીદથી મારી ‘ના,’ ‘હાʼમાં બદલાવાની નથી.”—કોરિયાના ચાંગ-શોક ભાઈ.
“માબાપમાં સંપ હોવો જરૂરી છે. મારી પત્ની અને હું કોઈ વાતે સહમત ન હોઈએ તો, એકાંતમાં એના પર વાત કરીએ છીએ. બાળકો પારખી શકે છે કે માબાપમાં કઈ બાબતે સંપ નથી. એનો તેઓ લાભ ઉઠાવવાની કોશિશ કરે છે.”—સ્પેનના કિસસ ભાઈ.
“બાળક જુએ કે માબાપ આગળ મનમાની ચાલવાની નથી અને તેઓમાં સંપ છે, એનાથી તે સલામતી અનુભવે છે. તેને ખબર છે કે માબાપનું માનીશ તો શું થશે અને નહિ માનું તો શું થશે.”—જર્મનીના દમારિયસ બહેન.
“અમારા માટે પોતાના શબ્દોને વળગી રહેવાનો અર્થ એ પણ છે કે દીકરીને આપેલું વચન પૂરું કરવું. એનાથી તે અમારા વચનો પર પૂરો ભરોસો રાખી શકે છે.”—જર્મનીના હેન્ડરીક ભાઈ.
“નોકરી પર જો માલિક વારંવાર મારું કામ બદલ્યા કરે તો મને બહુ ચીડ ચઢે છે. બાળકો પણ કંઈ અલગ નથી. નિયમો વિષે ખબર હોવાથી અને એ કદી બદલાતા નથી એ જાણવાથી બાળકો સલામતી અનુભવે છે. તેઓએ એ પણ જાણવાની જરૂર છે કે જો નિયમ નહિ પાળે તો કેવું પરિણામ ભોગવવું પડશે. એમાં કોઈ બાંધછોડ નહિ થાય.”—કૅનેડાના ગ્લેન ભાઈ. (g11-E 10)
[પાન ૮ પર બ્લર્બ]
“તમારી હા તે સાફ હા, અને ના તે સાફ ના થાય.”—યાકૂબ ૫:૧૨
[પાન ૯ પર બોક્સ/ચિત્ર]
કુટુંબનો પરિચય
પ્લાનીંગ વગર બાળક આવ્યું તોય સ્વીકારતા શીખ્યા
ટોમ અને યૂન્હી હાનનો અનુભવ
ટોમ: લગ્ન કર્યાના છ મહિનામાં જ મારી પત્ની યૂન્હીને ગર્ભ રહ્યો. હું બહારથી શાંત દેખાતો હતો. કેમ કે, મારે યૂન્હીને ખાતરી આપવી હતી કે ‘હું તારી સંભાળ રાખીશ, મારા પર ભરોસો રાખ!’ પણ અંદરથી હું ગભરાતો હતો.
યૂન્હી: હું ડરી ગઈ હતી. મને બહુ આઘાત લાગ્યો હતો. હું ખૂબ રડી કારણ કે મને લાગ્યું કે હું મા બનવા હાલમાં તૈયાર નથી.
ટોમ: પપ્પા બનવા હું પણ તૈયાર ન હતો. બીજા માબાપો સાથે વાત કર્યાં પછી અમને સમજાયું કે પ્લાનીંગ કર્યા વગરનું બાળક આવવું સામાન્ય છે. ઉપરાંત, બીજાઓ તરફથી અમને જાણવા મળ્યું કે મમ્મી-પપ્પા બનવાથી કેવો અનેરો આનંદ મળે છે. પછી ધીરે ધીરે મારો ડર અને ચિંતા ઓછા થઈ ગયા. હું પપ્પા બનવા માટે આતુર હતો.
યૂન્હી: અમંડાનો જન્મ થયા બાદ નવી મુશ્કેલીઓ પણ જન્મી. તે બહુ રડતી. એના લીધે હું ઘણા અઠવાડિયા ઊંઘી ન શકી. મને ભૂખ લાગતી નહિ અને બહુ થાક લાગતો. એ વખતે હું લોકોને મળવાનું ટાળતી હતી. પણ પછીથી મને સમજાયું કે પોતાને એકલા પાડવાનો કોઈ ફાયદો નથી. એટલે મેં બીજી માતાઓ સાથે સમય ગાળવાનું શરૂ કર્યું. એના લીધે હું તેઓ સાથે મારી સમસ્યા વિષે વાત કરી શકી. એનાથી સમજાયું કે મને જ નહિ બધા માબાપને આવી મુશ્કેલીઓ આવે છે.
ટોમ: મેં ઘણી કોશિશ કરીને અમારું રૂટિન જાળવી રાખ્યું હતું. દાખલા તરીકે, યહોવાહના સાક્ષી હોવાથી હું અને યૂન્હી નિયમિત રીતે ધાર્મિક સભામાં જતા અને ઈશ્વર વિષે ખુશખબર ફેલાવતા. બાળક આવવાથી ખર્ચાઓ પણ વધે છે. અમુક ખર્ચાઓ તો આપણે ધાર્યા પણ ન હોય એટલા હોય છે. અમે દેવામાં ડૂબી ન જઈએ એટલે જેટલી ચાદર હતી એટલા જ અમે પગ લાંબા કર્યાં. એટલે અમારી ચિંતાઓ ઓછી હતી.
યૂન્હી: પહેલાં હું માનતી કે બાળકને સાથે લઈને ખુશખબર ફેલાવવા જવું અઘરું છે. પણ મેં જોયું કે સાથે બાળક હોય તો લોકોને ગમે છે. હવે હું ખુશખબર ફેલાવવાનું કાર્ય નિયમિત રીતે કરું છું. હું અમંડાથી બહુ ખુશ છું.
ટોમ: બાઇબલ કહે છે કે બાળકો તો ઈશ્વર “યહોવાહનું આપેલું ધન છે.” તેમના તરફથી ભેટ છે. (ગીતશાસ્ત્ર ૧૨૭:૩) એટલે એ શબ્દોથી હું સમજ્યો કે બાળક તો ઈશ્વરનો આશીર્વાદ છે. વારસામાં મળેલી ધન-દોલતને બે રીતે વાપરી શકાય. સાચવીને અથવા બેફામ ઉડાવીને. એટલે હું બાળ વિકાસના દરેક તબક્કા વિષે શીખી રહ્યો છું. હું મારી દીકરીને આંખો સામે મોટી થતા જોવા ચાહું છું. કેમ કે વીતી ગયેલો સમય પાછો આવતો નથી!
યૂન્હી: અમુક વાર જિંદગી આપણને નવાઈ પમાડે છે. પ્લાનીંગ કર્યા વગર બાળક થાય તો એનાથી ચોંકવું નહિ. આજે મારી દીકરી અમંડા છ વર્ષની છે. હવે હું તેના વગર જીવવાની કલ્પના પણ કરી શકતી નથી!
[પાન ૯ પર ચિત્ર]
ટોમ અને યૂન્હી પોતાની દીકરી અમંડા સાથે