સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુના શિષ્યોને કેમ સતાવવામાં આવ્યા છે?

ઈસુના શિષ્યોને કેમ સતાવવામાં આવ્યા છે?

બાઇબલ શું કહે છે?

ઈસુના શિષ્યોને કેમ સતાવવામાં આવ્યા છે?

“મારા શિષ્ય હોવાને લીધે તમને રિબાવવામાં આવશે, મારી નાખવામાં આવશે અને આખી દુનિયા તમારો તિરસ્કાર કરશે.”—માથ્થી ૨૪:૯, IBSI.

ઈસુને ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યા એના થોડા દિવસો પહેલાં જ તેમણે એ શબ્દો કહ્યા હતા. તેમણે મરણની આગલી રાત્રે શિષ્યોને કહ્યું: “તેઓએ મારી સતાવણી કરી છે. તેથી સ્વાભાવિક રીતે તેઓ તમારી પણ સતાવણી કરશે.” (યોહાન ૧૫:૨૦, ૨૧, IBSI) જેઓ ઈસુની આજ્ઞા પાળે છે અને તેમના પગલે ચાલે છે તેઓને લોકો ધિક્કારે છે. ઈસુએ બીજાના ભલા માટે પોતાનું જીવન આપી દીધું. ગરીબોને દિલાસો આપ્યો અને ભારથી દબાયેલાઓને જીવનની આશા આપી.

ઈસુને અનુસરે છે તેઓને લોકો કેમ ધિક્કારે છે? બાઇબલ એના ખરાં કારણો જણાવે છે. એ તપાસીશું તેમ જોઈશું કે કેમ લોકો સતાવણી સહીને પણ ઈસુને પગલે ચાલે છે.

વિરોધીઓ અજ્ઞાન હોવાથી સતાવે છે

ઈસુએ શિષ્યોને કહ્યું હતું: ‘એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે. તેઓ ઈશ્વરને તથા મને ઓળખતા ન હોવાથી એ કામો કરશે.’ (યોહાન ૧૬:૨, ૩) જોકે ઘણા સતાવનારા દાવો કરતા કે ઈસુ જેમને ભજે છે તેમને તેઓ પણ ભજે છે. પણ હકીકતમાં, તેઓ જૂઠા ધર્મની માન્યતા અને રિવાજોની અસર હેઠળ હતા. ખરું કે, તેઓને ‘ઈશ્વર પર આસ્થા હતી, પણ એ જ્ઞાન વગરની હતી.’ (રોમનો ૧૦:૨) ઈસુના શિષ્યોની સતાવણી કરવામાં તાર્સસના એક શાઊલ હતા. સમય જતા તે ખ્રિસ્તી બન્યા અને પ્રેરિત પાઊલ તરીકે ઓળખાયા.

પાઊલના સમયમાં ફરોશીઓનો યહુદી પંથ હતો. તેઓ રાજકારણમાં ડૂબેલા હતા અને ખ્રિસ્તીઓનો વિરોધ કરતા હતા. પાઊલ એમાંનાં એક હતા. તેમણે પછીથી સ્વીકાર્યું: ‘હું પહેલાં નિંદા કરનાર તથા સતાવનાર તથા જુલમી હતો. એ વખતે ખ્રિસ્ત પર વિશ્વાસ ન હોવાથી મેં અજ્ઞાનપણે એમ કર્યું હતું.’ (૧ તીમોથી ૧:૧૨, ૧૩) પણ યહોવા ઈશ્વર અને તેમના દીકરા ઈસુ વિષે શીખ્યા પછી પાઊલે તરત જ સત્યના માર્ગે ચાલવા ફેરફારો કર્યા.

આજે પણ પાઊલની જેમ ઘણા સતાવનારાઓએ ફેરફાર કર્યા છે. હવે પાઊલની જેમ તેઓની પણ સતાવણી થાય છે. તેઓ ઈંટનો જવાબ પથ્થરથી આપતા નથી, પણ ઈસુની આ સલાહ લાગુ પાડે છે: ‘તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને સતાવનારા માટે પ્રાર્થના કરો.’ (માથ્થી ૫:૪૪, કોમન લેંગ્વેજ) યહોવાના સાક્ષીઓ એ પ્રમાણે જીવવાની કોશિશ કરે છે. તેઓને આશા છે કે વિરોધીઓ પણ પાઊલની જેમ એક દિવસે બદલાશે.

અમુક વિરોધીઓ અદેખાઈને લીધે સતાવે છે

ઘણા વિરોધીઓએ અદેખાઈને લીધે ઈસુને સતાવ્યા હતા. રોમનો સૂબેદાર પોંતિયસ પીલાત “જાણતો હતો કે મુખ્ય યાજકોએ અદેખાઈને લીધે તેને [ઈસુને] સોંપી દીધો હતો.” (માર્ક ૧૫:૯, ૧૦) યહુદી ધર્મગુરુઓ કેમ ઈસુની અદેખાઈ કરતા હતા? એનું કારણ એ હતું કે ફરોશીઓ ધિક્કારતા હતા એવા સામાન્ય લોકોમાં ઈસુ લોકપ્રિય હતા. એક ફરોશીએ ફરિયાદ કરી કે ‘આખું જગત ઈસુની પાછળ ગયું છે.’ (યોહાન ૧૨:૧૯) એવી જ રીતે, આજે યહોવાના સાક્ષીઓ લોકોને ઈશ્વરનો સંદેશો જણાવે છે. લોકો એ સ્વીકારે છે ત્યારે ધર્મગુરુઓને “અદેખાઈ” આવે છે અને તેઓની સતાવણી કરે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૫, ૫૦.

અમુક દુશ્મનોને ઈશ્વરભક્તોનું સારું વર્તન ગમતું નથી. એટલે ઈશ્વરભક્ત પીતરે ખ્રિસ્તીઓને લખ્યું: “હવે તમારા અગાઉના મિત્રોને ખોટાં કામ કરવામાં તમે સાથ નથી આપતા તેથી તેઓ નવાઈ પામે છે. તેઓ તમને ધિક્કારે છે તથા તમારી મશ્કરી કરે છે.” (૧ પિતર ૪:૪, IBSI) આજે દુનિયામાં ચારેબાજુ ખરાબ વલણ જોવા મળે છે. પણ યહોવાના ભક્તો ખરાબ રીતે વર્તતા નથી અને પોતે કંઈક છે એવું વલણ બતાવતા નથી. હકીકતમાં આપણે સર્વ ઈશ્વરની નજરે પાપી હોવાથી તેમની દયાની જરૂર છે.—રોમનો ૩:૨૩.

‘જગતનો ભાગ’ ન હોવાથી ધિક્કારવામાં આવે છે

ઈશ્વરભક્ત યોહાને લખ્યું: “જગત પર અથવા જગતમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો.” (૧ યોહાન ૨:૧૫) અહીં કયા જગતની વાત થાય છે? શેતાનને આધીન રહેનાર મનુષ્યોની. શેતાન આ ‘જગતનો દેવ’ છે.—૨ કોરીંથી ૪:૪; ૧ યોહાન ૫:૧૯.

દુઃખની વાત છે કે અમુક લોકો આ દુનિયા અને એના ખરાબ કામોને વધારે ચાહે છે. એટલે તેઓ બાઇબલ શિક્ષણ પ્રમાણે ચાલનારાની સતાવણી કરે છે. ઈસુએ શિષ્યોને કહ્યું હતું: ‘જો તમે જગતનો ભાગ હોત તો જગત પોતાનાંના ઉપર પ્રેમ રાખત; તમે જગતના ભાગ નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તે માટે જગત તમને ધિક્કારે છે.’—યોહાન ૧૫:૧૯.

આજે શેતાનની દુનિયા ભ્રષ્ટાચાર, અન્યાય અને હિંસાથી ભરેલી છે! યહોવાના ભક્તો દુનિયા સાથે ભળતા નથી એટલે લોકો તેઓને નફરત કરે છે, એ અફસોસની વાત છે. અમુક નેકદિલ લોકો આ દુનિયાને સુધારવાનો પ્રયત્ન કરે છે. પણ તેઓ આ જગતના દેવ, શેતાનનો નાશ કરી શકતા નથી. એ તો ફક્ત યહોવા જ કરી શકે છે. તે શેતાનનો અગ્‍નિથી નાશ કરશે!—પ્રકટીકરણ ૨૦:૧૦, ૧૪.

યહોવાના સાક્ષીઓ આખી દુનિયામાં સૌથી સારો સંદેશો જણાવી રહ્યા છે. એ છે યહોવાના “રાજ્યની” ખુશખબર. (માત્થી ૨૪:૧૪) તેઓને પૂરી ખાતરી છે કે ખ્રિસ્ત દ્વારા ફક્ત ઈશ્વરનું રાજ્ય, એટલે તેમની સરકાર આ ધરતી પર હંમેશ માટે સુખ-શાંતિ લાવશે. (માત્થી ૬:૯, ૧૦) તેઓ માટે માણસો કરતાં ઈશ્વરનું માનવું સૌથી મહત્ત્વનું હોવાથી તેમના રાજ્યની ખુશખબર બધે જ ફેલાવે છે. (g11-E 05)

શું તમે કદી વિચાર્યું છે?

● તાર્સસનો શાઊલ કેમ ખ્રિસ્તીઓને સતાવતો હતો?—૧ તીમોથી ૧:૧૨, ૧૩.

● ઈસુના અમુક દુશ્મનોનું વલણ કેમ ખરાબ હતું?—માર્ક ૧૫:૯, ૧૦.

● યહોવાના ભક્તો આ દુનિયાને કેવી ગણે છે?—૧ યોહાન ૨:૧૫.

[પાન ૧૩ પર ચિત્ર]

૧૯૪૫માં કૅનેડા અને ક્વિબેકમાં યહોવાના સાક્ષીઓ ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવતા હોવાથી તેઓની સખત સતાવણી થઈ

[ક્રેડીટ લાઈન]

Courtesy Canada Wide