સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાળકને કૅન્સર થાય ત્યારે . . .

બાળકને કૅન્સર થાય ત્યારે . . .

બાળકને કૅન્સર થાય ત્યારે . . .

જૅઇલટોનને ખબર પડી કે દીકરીને કૅન્સર છે ત્યારે તેમને કેવું લાગ્યું? તે કહે છે: “મારી ફુલ જેવી દીકરી ગુજરી ગઈ હોય એવું લાગ્યું. સાવ લાચાર થઈ ગયો અને ભાંગી પડ્યો. મને ગુસ્સો આવ્યો. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય એવું લાગ્યું.”

‘બાળકને કૅન્સર છે’ એમ સાંભળીએ ખૂબ જ દુઃખ થાય, આઘાત લાગે, સખત ગભરામણ થાય. એ અનુભવ બહુ જ આકરો છે. કેટલા બાળકોને કૅન્સર થાય છે? ઇન્ટરનેશનલ યુનિયન અગેન્સ્ટ કૅન્સર સંસ્થાના કહેવા પ્રમાણે કૅન્સરના દર્દીઓમાં બાળકોની સંખ્યા બહુ થોડી છે. તોય “દર વર્ષે આખી દુનિયામાં ૧,૬૦,૦૦૦ કરતાં પણ વધારે બાળકોને કૅન્સર થાય છે. વિકાસ પામતા દેશોમાં સૌથી વધારે બાળકો ઍક્સિડન્ટથી મરણ પામે છે. એની સરખામણીમાં કૅન્સરથી મરણ પામતા બાળકો બીજા ક્રમે આવે છે.” દાખલા તરીકે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કૅન્સરના “અંદાજ પ્રમાણે દર વર્ષે બ્રાઝિલમાં ૯,૦૦૦ બાળકોને કૅન્સર થાય છે.”

સ્પૅનિશ ભાષામાં એક પુસ્તક કહે છે કે બાળકને કૅન્સર થાય ત્યારે “સખત આંચકો લાગે છે. કુટુંબના દરેક જણ પર એની અસર થાય છે” (કૅન્સર થયેલા બાળક પાસે બેઠેલી મા). કૅન્સર છે એવું ખબર પડે તો, મોટે ભાગે ઑપરેશન કરાવવું પડે. તેમ જ કીમોથેરાપી અથવા રેડિયોથેરાપી અથવા એ બંને કરાવવા પડે. એટલું જ નહિ, સાથે-સાથે આડઅસર પણ સહેવી પડે. માબાપ માટે એ સમયગાળો આઘાતજનક હોય છે. તેઓને ડર લાગે, ગભરામણ થાય, ઉદાસ થઈ જાય, ગુસ્સો આવે અને ખુદને દોષ આપે. તેમ જ, તેઓ માનવા તૈયાર ન હોય. માબાપ આ કડવો અનુભવ કઈ રીતે સહી શકે?

ડૉક્ટર અને તેમની સાથે કામ કરતા સાથીદારો દિલાસો આપવામાં મોટો ભાગ ભજવે છે. “તેઓ ઉત્તેજન આપતી માહિતી જણાવે છે. તેમ જ, કેવી આડઅસર થવાની શક્યતા રહેલી છે એ સમજાવે છે. આ જાણકારી હોવાથી ઓછો આઘાત લાગી શકે.” આવું અમેરિકાના એક ડૉક્ટરે કહ્યું, જેમણે કૅન્સરના ઘણા દર્દીઓને મદદ કરી છે. કૅન્સરમાંથી સાજા થયા હોય એવા બાળકોના માબાપ સાથે વાત કરવાથી પણ ઘણો દિલાસો મળે છે. એ ધ્યાનમાં રાખીને સજાગ બનો!એ બ્રાઝિલમાં રહેતા પાંચ માબાપના ઇન્ટરવ્યૂ લીધા છે.

જૅઇલટોન અને નીઆ “અમારી દીકરી અઢી વર્ષની હતી ત્યારે અમને જાણવા મળ્યું કે તેને એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકીમિયા થયો છે.”

સારવાર કેટલો સમય ચાલી?

“લગભગ અઢી વર્ષ સુધી કીમોથેરાપી ચાલી.”

તેને કેવી આડઅસર થઈ?

“તેને બહુ ઊલટી થતી. ઘણા વાળ ઊતરી ગયા. દાંત કાળા પડી ગયા. ત્રણ વાર તો ન્યુમોનિયા થયો હતો.”

તમને કેવું લાગતું હતું?

“પહેલાં તો અમે બહુ ડરી ગયા. પણ જોવા મળ્યું કે તેની તબિયત સુધરે છે ત્યારે, અમને ખાતરી થઈ કે તે સાજી થશે. આજે તે નવેક વર્ષની છે.”

આ અઘરા સંજોગ સહેવા તમને ક્યાંથી મદદ મળી?

“યહોવામાં અમને અતૂટ ભરોસો હતો. બાઇબલમાં બીજો કોરીંથી ૧:૩, ૪ કહે છે તેમ તે ‘સર્વ વિપત્તિમાં દિલાસો’ આપનાર ઈશ્વર છે. યહોવાના સાક્ષીઓએ એટલે કે આપણા ભાઈબહેનોએ અમારા દુઃખમાં ખૂબ સાથ આપ્યો હતો. જેમ કે, ઘણાએ ઉત્તેજન આપતા પત્રો લખ્યા, ફોન કર્યા, અમારી સાથે અને અમારી માટે પ્રાર્થના કરી. અરે, તેઓએ પૈસેટકે પણ મદદ આપી. અમુક સમય પછી અમારી દીકરીને બીજા રાજ્યમાં આવેલી હૉસ્પિટલમાં લઈ ગયા ત્યારે, ત્યાંના ભાઈ-બહેનોએ અમારા માટે રહેવાની વ્યવસ્થા કરી. તેમ જ, હૉસ્પિટલ જવા-આવવામાં વારા પ્રમાણે મદદ કરી. તેઓએ જે સાથ આપ્યો એનું વર્ણન કરવા અમારી પાસે શબ્દો નથી!”

લુઈસ અને ફાબિયાના “૧૯૯૨માં ખબર પડી કે અમારી ૧૧ વર્ષની દીકરીને અંડાશયમાં (ઓવરીમાં) કૅન્સર હતું, જે ઝડપથી વધી રહ્યું હતું. આ કૅન્સર બહુ ઓછા લોકોને થાય છે.”

એ ખબર પડી ત્યારે તમને કેવું લાગ્યું?

“માનવામાં જ ન આવ્યું કે અમારી દીકરીને કૅન્સર છે.”

તેને કેવી સારવાર લેવી પડી?

“તેણે સર્જરી અને કીમોથેરાપી કરાવી. એનાથી અમે બધા જ તન-મનથી થાકી ગયા હતા. અમારી દીકરીને બે વાર ન્યુમોનિયા થયો હતો. બીજી વાર થયો ત્યારે તે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી હતી. તેનામાં ઠારકણો (પ્લેટલેટ)ની ખામી હતી. એટલે કોઈવાર નાકમાંથી અને ત્વચામાંથી લોહી નીકળતું. પણ દવા લેવાથી એ આડઅસર ઓછી થઈ ગઈ.”

સારવાર કેટલો સમય ચાલી?

“પ્રથમ વાર બાયોપ્સી કરાવી ત્યારથી લઈને છેલ્લી વારની કીમોથેરાપી સુધી છએક મહિના થયા હતા.”

બીમારી અને એની સારવાર લેવા વિષે તમારી દીકરીને કેવું લાગ્યું?

“શરૂઆતમાં તેને ખબર ન હતી કે શું થઈ રહ્યું છે. ડૉક્ટરે જણાવ્યું કે ‘તેના પેટમાં નાના દડા જેવું કંઈ છે જે કાઢવાની જરૂર છે.’ આખરે તેને સમજાયું કે આ તો મોટી બીમારી છે. તેણે પૂછ્યું, ‘પપ્પા શું મને કૅન્સર છે?’ જવાબ આપતા હું મૂંઝાઈ ગયો.”

દીકરીનું દુઃખ જોઈને તમને કેવું લાગતું હતું?

“અમારી લાગણીઓ વર્ણન કરવી સહેલી નથી. કીમોથેરાપી લઈ શકે માટે અમારી લાડકી પોતાના હાથની નસ શોધવા નર્સને મદદ કરતી હતી. એ મારાથી જોવાતું નહિ. આવા સમયે હું બાથરૂમમાં જઈને રડતી અને યહોવાને પ્રાર્થના કરતી. એક રાત્રે હું એવી હતાશ થઈ ગઈ કે યહોવાને પ્રાર્થનામાં કહ્યું કે મારી દીકરીને બદલે મને મરી જવા દો.”

એ સહેવા તમને ક્યાંથી મદદ મળી?

“આપણા ભાઈબહેનો પાસેથી ખૂબ મદદ મળી હતી. અરે, દેશના ચારે ખૂણામાંથી અમુક ભાઈબહેનોના ફોન આવતા. એક ભાઈએ ફોન પર જે કર્યું એ કદી નહિ ભૂલું. તેમણે મને બાઇબલ લઈને ગીતશાસ્ત્રનું પુસ્તક ખોલવા કહ્યું. પછી એમાંથી અમુક કડીઓ વાંચી સંભળાવી. અમારા માટે એ ખરા સમયે હતું. એનાથી મને અને મારી પત્નીને ખૂબ જ ઉત્તેજન મળ્યું. કેમ કે, અમારી દીકરીને મળતી સારવાર વખતે આ સમયગાળો અમારા માટે સૌથી અઘરો હતો.”

રૉઝમૅરી “મારી દીકરી ચાર વર્ષની હતી ત્યારે જાણવા મળ્યું કે તેને લ્યુકીમિયાની બીમારી છે.”

એ જાણીને તમને કેવું લાગ્યું?

“હું માની જ ન શકી. મદદ માટે રાતદિવસ યહોવાને પ્રાર્થના કરતી. મારી મોટી દીકરી જ્યારે જોતી કે તેની નાની બહેન બીમારીથી ખૂબ પીડાય છે, ત્યારે તેનાથી સહેવાતું નહિ. એટલે મેં તેને મારી મમ્મીને ત્યાં મોકલી દીધી.”

તમારી દીકરીને કેવી આડઅસર થઈ હતી?

“દરરોજ કીમોથેરાપી લેવાથી તે એનિમીક થઈ ગઈ. તેના લાલ રક્તકણો ઘટી ગયા હોવાથી ડૉક્ટરોએ એ વધારવા ઈરિથ્રોપોયેટન (EPO) આપવા લાગ્યા. તેના લાલ રક્તકણમાં વધઘટ થતો હોવાથી અમને હંમેશાં ચિંતા રહેતી. તેમ જ તેને ખેંચ અને ફિટ આવતી.”

સારવાર કેટલો સમય ચાલી?

“તેણે અઠ્યાવીસ મહિના રોજ કીમોથેરાપી લીધી. એ દરમિયાન તેના વાળ ઊતરી ગયા અને વજન વધી ગયું. જોકે તેનો સ્વભાવ મજાકિયો હોવાથી તે બધું સહી શકી. સારવારના છએક વર્ષ પછી ડૉક્ટરોએ કહ્યું કે તેનામાં હવે કૅન્સરના કોઈ ચિન્હો નથી.”

આ અઘરા સમયમાંથી પસાર થવા તમને ક્યાંથી મદદ મળી?

“હું ને મારી બીમાર દીકરી અનેક વાર સાથે પ્રાર્થના કરતા. બાઇબલ જમાનાના ઈશ્વરભક્તોએ સહેલા દુઃખોનો વિચાર કરતા. તેમ જ, માત્થી ૬:૩૪ના ઈસુના શબ્દો અમે દિલમાં ઊતાર્યા, જે કહે છે કે આજે આવતી કાલની ચિંતા ન કરવી જોઈએ. ભાઈ-બહેનો અને હૉસ્પિટલ લિએઝન કમિટીના ભાઈઓએ અને ડૉક્ટરો સાથે કામ કરતા સર્વ લોકોએ ખૂબ મદદ કરી.”

શું તમારા કુટુંબમાં કોઈ બાળકને કૅન્સર થયું છે? અથવા તમે એવા કોઈ બાળકને ઓળખો છો? એમ હોય તો, આ ઇન્ટરવ્યૂમાંથી મદદ મળશે કે આવા સંજોગમાં તમને દુઃખ થાય એ સ્વાભાવિક છે. બાઇબલ કહે છે તેમ “રડવાનો વખત” પણ હોય છે. (સભાશિક્ષક ૩:૪) તમે ખાતરી રાખી શકો કે યહોવા ઈશ્વર “પ્રાર્થનાના સાંભળનાર” છે. તેમને વિનંતી કરનાર સર્વને તે દિલાસો આપે છે.—ગીતશાસ્ત્ર ૬૫:૨. (g11-E 05)

[પાન ૨૩ પર બોક્સ]

દિલાસો આપતી બાઇબલ કલમ

‘તમે આવતી કાલની ચિંતા કરશો નહિ. આવતી કાલ પોતાનું ફોડી લેશે. રોજની ચિંતા રોજ માટે પૂરતી છે.’—માથ્થી ૬:૩૪, સંપૂર્ણ બાઇબલ.

‘આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર અને પિતા, જે કરુણાનો પિતા તથા સર્વ દિલાસાનો ઈશ્વર છે, તે આપણને સર્વ વિપત્તિમાં દિલાસો આપે છે.’—૨ કોરીંથી ૧:૩, ૪.

‘કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.’—ફિલિપી ૪:૬, ૭.

“તમારી સર્વ ચિંતા તેના [ઈશ્વર] પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.”—૧ પીતર ૫:૭.

[પાન ૨૪ પર બોક્સ/ચિત્ર]

સુંદર ગોઠવણ

યહોવાના સાક્ષીઓની હૉસ્પિટલ લિએઝન કમિટી: તેઓ એવા ડૉક્ટર અને હૉસ્પિટલ શોધવા મદદ કરે છે જેઓ યહોવાના સાક્ષીઓના બાઇબલ આધારિત નિર્ણયને માન આપે અને લોહી વિના સારવાર આપવા તૈયાર હોય. આ ગોઠવણથી દર્દીને ‘લોહીથી દૂર રહેવાની’ બાઇબલની આજ્ઞા પાળવા મદદ મળે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૦.

[પાન ૨૩ પર ચિત્ર]

નીઆ, સ્ટેફાની અને જૅઇલટોન

[પાન ૨૩ પર ચિત્ર]

લુઈસ, એલીન અને ફાબિયાના

[પાન ૨૩ પર ચિત્ર]

એલીન અને રૉઝમૅરી