શા માટે આટલું બધું દુઃખ?
શા માટે આટલું બધું દુઃખ?
પાદરીઓ દાવો કરે છે કે ડાબી બાજુએ આપેલા સવાલનો જવાબ તેઓ જાણે છે. તેઓ શીખવે છે કે ‘ઈશ્વર સજા કરે છે એટલે મનુષ્ય પર દુઃખ આવે છે.’ હૈતીનો દાખલો લઈએ. ભૂકંપના અમુક દિવસો પછી રાજધાનીમાં આવેલા ચર્ચના પાદરીએ કહ્યું કે આપણને ચેતવવા માટે ઈશ્વરે આફત મોકલી. જોકે બધા જ એવું માનતા નથી. ઘણા માને છે કે ‘ઈશ્વર કેમ આફત મોકલે છે એ આપણા સમજની બહાર છે. આપણે તો ફક્ત તેમનામાં શ્રદ્ધા રાખવી જોઈએ.’ એવું અમેરિકાની એક ધાર્મિક સંસ્થાની પ્રોફેસર એલીઝાબેથ મેકએલીસ્ટરે જણાવ્યું.
શું સાચે જ ઈશ્વર આપણા પર દુઃખ લાવે છે? બાઇબલ એવું શીખવતું નથી! યહોવા ઈશ્વરે મનુષ્યને દુઃખી કરવા બનાવ્યા ન હતા. પણ પ્રથમ યુગલ આદમ અને હવાએ જાણીજોઈને ઈશ્વરની આજ્ઞા તોડી. અને તેઓએ પોતે સારા-ખરાબ ધોરણો ઘડ્યા. આમ તેઓએ ઈશ્વરથી મોં ફેરવી લીધું અને એના પરિણામો ભોગવ્યા. તેઓની ખોટી પસંદગીની અસર આજે પણ આપણે ભોગવીએ છીએ. શરૂઆતથી જ મનુષ્યના દુઃખ પાછળ ઈશ્વરનો હાથ ન હતો. એના વિષે બાઇબલ કહે છે: ‘કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું; કેમ કે દુષ્ટતાથી ઈશ્વર પરીક્ષણ કરતા નથી, અને તે કોઈને પરીક્ષણમાં નાખતા પણ નથી.’ (યાકૂબ ૧:૧૩) બધાની ઉપર, અરે ઈશ્વરભક્તો પર પણ દુઃખ આવે છે. ચાલો આપણે અમુક ઈશ્વરભક્તોનો વિચાર કરીએ:
• એલીશા મરણતોલ બીમાર હતા.—૨ રાજાઓ ૧૩:૧૪.
• ઈશ્વરભક્ત પાઊલે લખ્યું કે ‘હું ભૂખ્યો, તરસ્યો તથા ચીંથરેહાલ હતો, અને માર ખાતો હતો અને મારી પાસે રહેવાને ઘરબાર ન હતું.’—૧ કોરીંથી ૪:૧૧.
• ઈસુના પગલે ચાલતા એપાફ્રોદિતસ બીમાર પડવાથી “ઉદાસ” થઈ ગયા હતા.—ફિલિપી ૨:૨૫, ૨૬.
બાઇબલમાં ક્યાંય જણાવ્યું નથી કે ઈશ્વરે તેઓના પાપની સજા કરી હોય. પણ એ જણાવ્યું છે કે ઈશ્વર દુઃખ લાવતા નથી. એ પણ જણાવ્યું છે કે કયા ત્રણ કારણોને લીધે મનુષ્ય પર દુઃખ આવે છે. (g11-E 07)
પોતાની પસંદગી
“માણસ જે કંઈ વાવે તેજ તે લણશે.” (ગલાતી ૬:૭) બીડી-સિગારેટ પીવાથી, બેફામ ગાડી ચલાવવાથી કે પાણીની જેમ પૈસા ઉડાવવાથી વ્યક્તિ દુઃખી હાલતમાં આવી પડે તો, એમાં બીજાનો નહિ પણ તેનો પોતાનો વાંક છે.
કદાચ બીજાના સ્વાર્થના લીધે પણ આપણા પર દુઃખ આવી પડે. અરે, માની ન શકાય એ હદે મનુષ્યે બીજા પર જુલમ ગુજાર્યો છે. જેમ કે, નાઝીના રાજમાં થયેલી કતલથી લઈને બાળકો પર ગુજારેલો જુલમ અને શોષણ. અમુક લોકો જાણી જોઈને ખોટા નિર્ણયો લે છે, જેનાથી બીજાને સહેવું પડે છે.
અણધાર્યા બનાવો
બે હજાર વર્ષ પહેલાં યરુશાલેમમાં બુરજ પડ્યો હોવાથી ૧૮ લોકો માર્યા ગયા હતા. એનો ઉલ્લેખ કરતાં ઈસુએ લોકોને પૂછ્યું હતું: ‘તેઓ યરુશાલેમના સર્વ રહેવાસીઓ કરતાં વધારે ગુનેગાર હતા એમ તમે ધારો છો શું? હું તમને કહું છું, કે ના.’ (લુક ૧૩:૪, ૫) ઈસુ જાણતા હતા કે તેઓ પર યહોવા ઈશ્વરે પોતાનો કોપ રેડ્યો ન હતો. આવા બનાવો વિષે ઈશ્વરે શાસ્ત્રમાં આમ કહ્યું છે: ‘સમય અને સંજોગોની અસર’ બધાને થાય છે. (સભાશિક્ષક ૯:૧૧, કોમન લેંગ્વેજ) અણધાર્યા બનાવો અથવા કોઈની ભૂલને લીધે ઘણી વાર લોકો આફતનો ભોગ બને છે. એક દાખલો લઈએ: વાવાઝોડું, તોફાન અથવા ભૂકંપ થતા વિસ્તારના લોકોને વારંવાર ટકાઉ ઘર બાંધવાનું ઉત્તેજન આપવામાં આવે છે. તોપણ અહેવાલ બતાવે છે કે લોકો એની અવગણના કરે છે. એવા વિસ્તારમાં અણધારી આફત આવે ત્યારે ઘણાને એની અસર થાય છે. વળી ઘણાને ભારે દુઃખ સહેવું પડે છે.
‘આ જગતનો અધિકારી’
બાઇબલ કહે છે: “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (યોહાન ૧૨:૩૧; ૧ યોહાન ૫:૧૯) અહીં “દુષ્ટ” કોને દર્શાવે છે? શેતાનને, તે એક દુષ્ટ દૂત છે. બાઇબલ તેને ‘આ જગતનો અધિકારી’ તરીકે ઓળખાવે છે. તે દુનિયામાં ‘વાયુની’ જેમ પોતાના ઝેરી વિચારો ફેલાવે છે. એટલે આજે લોકોમાં શેતાનના જેવા વિચારો અને વલણ જોવા મળે છે. (એફેસી ૨:૨) કોમી રમખાણો, જાતિ સંહાર અને બાળ શોષણ જેવા ગુનાઓ બતાવે છે કે એની પાછળ મનુષ્યનો નહિ પણ શેતાનનો હાથ છે.
શું એનો એવો અર્થ થાય કે મનુષ્યના દુઃખની ઈશ્વરને કંઈ જ પડી નથી? શું તે સર્વ દુઃખ મિટાવી શકે છે? એમ કરવા શું તે પગલાં લેશે?