સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સ્તન કૅન્સર એની નિશાનીઓ, એ સહેવા મદદ

સ્તન કૅન્સર એની નિશાનીઓ, એ સહેવા મદદ

સ્તન કૅન્સર એની નિશાનીઓ, એ સહેવા મદદ

કૉનચિતા બહેનને કૅન્સર થઈ શકે એવી કોઈ કુટેવ ન હતી. * તે ચાલીશ વર્ષના અને તંદુરસ્ત હતા. તેમના કુટુંબમાં કોઈને સ્તન કૅન્સર થયું ન હતું. તે અવાર-નવાર મેમોગ્રામ (સ્તનનું એક્સ રે) કરાવતા, એમાં પણ કંઈ જોવા ન મળ્યું. પરંતુ એક દિવસે નાહતી વખતે સ્તન તપાસતા તેમને ગાંઠ જેવું લાગ્યું. તપાસ કરાવવાથી ખબર પડી કે એ કૅન્સર હતું. કેવી સારવાર કરાવી શકે એ વિષે કૉનચિતા અને તેમના પતિ સાથે ડૉક્ટર વાત કરતા હતા. પણ તેઓના દિલ-દિમાગ બહેર મારી ગયા હતા.

પહેલાંના સમયમાં કોઈ સ્ત્રીને સ્તન કૅન્સર થાય તો, ડૉક્ટર તેનું જીવન બચાવવા એક જ ઉપાય જણાવતા. એ છે સ્તન કઢાવી (માસ્ટેકટોમી) નાખવું. એની સાથે દર્દીની છાતી અને બગલમાંથી લસિકાગ્રંથિઓ પણ કઢી નાખતા. આ ઑપરેશનથી દર્દીનું શરીર કદરૂપી થઈ જતું. તેમ જ કીમોથેરાપી અને રેડિયોથેરાપી પણ લાંબો સમય ચાલતી. એટલે સમજી શકાય કે ઘણા લોકો પોતાની બીમારી કરતાં “સારવાર” લેવાથી કેમ ડરતા.

સ્તન કૅન્સરને મિટાવવા લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેથી દર્દીએ અંગ કદરૂપી કરતી સર્જરી ન કરાવવી પડે અને એની આડઅસર સહેવી ન પડે. કૉનચિતાની જેમ આજે કોઈને પણ સ્તન કૅન્સર થાય તો, સારવારની અનેક પસંદગી રહેલી છે. * આજે આપણને તબીબી સંશોધનો, ટીવી, રેડિયો અને ન્યૂઝપેપર દ્વારા જાણવા મળે છે કે એ રોગ મિટાવવા નવી નવી દવાની શોધ થઈ છે. તેમ જ, વ્યક્તિને કૅન્સર થવાની શક્યતા છે કે કેમ એ ડી.એન.એ. પરથી પારખી શકાય. એટલું જ નહિ, ખાવાની અમુક પરેજી પાડવાથી એના પર કાબૂ મેળવી શકાય.

ખરું કે સારવારની શોધમાં પ્રગતિ થઈ છે, તોય સ્તન કૅન્સરને લીધે વધારે સ્ત્રીઓ મરણ પામે છે. * ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપ ઔદ્યોગિક દેશો છે. તેમ છતાં, એમાં કૅન્સરના વધારે કિસ્સા જોવા મળે છે. એશિયા અને આફ્રિકામાં અત્યાર સુધી ઓછા કિસ્સાઓ જોવા મળતા, પણ હવે એમાં વધારો થઈ રહ્યો છે. એટલું જ નહિ, એ દેશોમાં કૅન્સરના લીધે વધારે લોકો મરણ પામે છે. કેમ એવું? આફ્રિકાના એક ડૉક્ટર કહે છે, “મોટા ભાગના દર્દીઓ વહેલું નિદાન કરાવતા નથી. તેઓ અમારી પાસે આવે ત્યારે, ઘણું મોડું થઈ ગયું હોય છે.”

ઉંમરની સાથે કૅન્સર થવાની શક્યતા પણ વધે છે. સ્તન કૅન્સર થયું હોય એમાંની ૮૦ ટકા સ્ત્રીઓની ઉંમર ૫૦થી વધારે છે. પરંતુ ખુશખબર છે કે સ્તન કૅન્સર મટી શકે છે. સ્તન કૅન્સરનું વહેલું નિદાન કરાવ્યું હોય અને એ ફેલાયું ન હોય તો, નિદાન કર્યાના પાંચ વર્ષ પછી પણ ૯૭ ટકા સ્ત્રીઓ જીવતી હોય છે. કૉનચિતાને પાંચ વર્ષ પહેલાં કૅન્સરનું નિદાન થયું હતું. આજેય તે જીવે છે.

સ્તન કૅન્સર વિષે સમજણ

કૉનચિતાના કિસ્સામાં બન્યું એમ સ્તન કૅન્સર મોટા ભાગે ગાંઠની જેમ દેખાઈ આવે છે. જોકે ૮૦ ટકા ગાંઠ બિનઝેરી અને પ્રવાહી ભરેલી હોય છે.

સ્તન કૅન્સરના અમુક કોષ છૂટા પડી જાય છે અને ઝડપથી વધે છે. સમય જતાં ગાંઠ બને છે. એવા કોષ બીજા કોષો પર હુમલો કરે છે ત્યારે એ જીવલેણ કે કૅન્સરગ્રસ્ત ગાંઠ બને છે. અમુક ગાંઠ ઝડપથી વધે છે; જ્યારે કે બીજાને પારખતા દસથી વધારે વર્ષ લાગે છે.

કૉનચિતાએ ગાંઠની ચકાસણી કરાવવા બાયોપ્સી કરાવી. એટલે કે ડૉક્ટરે પાતળી સોયથી એ ગાંઠમાંથી નાનો તંતુ કાઢ્યો. એ તપાસથી ખબર પડી કે તેને કૅન્સર હતું. એટલે કૉનચિતાએ એ ગાંઠ અને સ્તનની આજુ-બાજુના કોષો કઢાવવા સર્જરી કરાવી. એનાથી ખબર પડી કે એ ગાંઠની કક્ષા, કદ, અને તબક્કો કેટલો છે અને કેટલી ઝડપે વધી રહ્યું છે.

મોટા ભાગે સર્જરી કર્યા પછી ઘણા દર્દીઓ બીજી જરૂરી સારવાર લે છે, જેથી કૅન્સર ઊથલો ન મારે કે ફેલાય નહિ. અમુક વાર કૅન્સરના કોષો ગાંઠમાંથી છૂટા પડીને લોહીના પ્રવાહ અથવા લસિકાવાહિની પ્રક્રિયા (લિમ્ફ સિસ્ટમ)માં જાય અને બીજા જગ્યાએ વિકસવા લાગે. એ ગાંઠ મેટાસ્ટેસીસ નામથી ઓળખાય છે. એ ઝેરી કોષ શરીરના બીજા અંગો, જેમ કે મગજ, લીવર, હાકકાં, અથવા ફેફસામાં ફેલાય ત્યારે એ જીવલેણ બને છે.

કૉનચિતાએ સર્જરી કરાવ્યા પછી રેડિયોથેરાપી અને કીમોથેરાપી કરાવ્યા, જેથી રહી ગએલા કૅન્સરના કોષ નાશ પામે. તેમનું કૅન્સર, એસ્ટ્રોજન હોર્મોન (મદોપાત્દક રસાયણ) પર નભતું હતું. તેથી, કૅન્સરના કોષ પર કાબૂ મેળવી શકે એવી સારવાર તેમણે કરાવી.

સ્તન કૅન્સરના ઇલાજમાં આજે ખૂબ પ્રગતિ થઈ છે. દર્દીની ઉંમર, તંદુરસ્તી અને પહેલાં કૅન્સર થયું હતું કે કેમ એના આધારે યોગ્ય સારવાર આપવામાં આવે છે. આરલૅટીનો દાખલો લઈએ. નિદાન કરવાથી જાણવા મળ્યું કે તેમનું કૅન્સર દૂધ વાહિની (મિલ્ક ડક્ટ્‌) સુધી પહોંચ્યું નથી. એટલે તેમણે કૅન્સરની ગાંઠ કઢાવી નાખી (લમ્પેક્ટોમી કરાવી), જેનાથી તેમનું સ્તન બચી ગયું. હવે એલીસનો દાખલો લઈએ. તેમણે ગાંઠ કઢાવતા પહેલાં એ સંકોચાઈ જાય માટે કીમોથેરાપી કરાવી. જેનસીના કિસ્સામાં ડૉક્ટરે તેમની કૅન્સરની ગાંઠ અને સંત્રી (સેન્ટિનલ) ગાંઠ, જેમાં કૅન્સરનું પ્રવાહી પ્રથમ ભેગું થાય છે એ કાઢી નાખી. બીજી લસિકાગ્રંથિમાં કૅન્સરના કોષ ન હોવાથી એને રહેવા દેવામાં આવી. જો બધી જ લસિકાગ્રંથિઓ કાઢી નાખવામાં આવે તો, હાથ સૂજી જવાનો (લિમ્ફોઇડીમા) જોખમ રહેલો છે. પણ જેનસી આ જોખમથી બચી ગયા.

આજે સ્તન કૅન્સર વિષે ઘણી જાણકારી છે. તોપણ સવાલ રહેલો છે: કઈ રીતે અને શા માટે સ્તન કૅન્સર થાય છે?

શા કારણે થાય છે?

સ્તન કૅન્સર કેમ થાય છે એના કારણો હજી સુધી સમજાયા નથી. ટીકાકારો કહે છે: એનું નિદાન અને સારવાર વિષે ઘણું સંશોધન કરવાથી સંશોધકોને પુષ્કળ પૈસા મળે છે. પણ સ્તન કૅન્સરના કારણો અને એને અટકાવવા વિષે બહુ જાણકારી મળતી નથી. તેમ છતાં, વૈજ્ઞાનિકોએ મહત્ત્વનાં કારણો શોધી કાઢ્યાં છે. ઘણાનું માનવું છે કે શરીરમાં અનેક જટિલ ક્રિયા થવાથી સ્તન કૅન્સર થાય છે. આ જટિલ ક્રિયા ખરાબ કોષના જનીનથી શરૂ થાય છે. એ ઝેરી કોષો ઝડપથી વધે છે અને બીજા કોષો પર આક્રમણ કરે છે. રક્ષણ આપતા રોગપ્રતિકારક શક્તિથી છટકીને છૂપી રીતે બીજા મહત્ત્વના અંગો પર હુમલો કરે છે.

એવા જનીન ક્યાંથી આવે છે? પાંચથી દસ ટકા સ્ત્રીઓને વારસામાં ખરાબ જનીન મળ્યા હોય છે જેથી સ્તન કૅન્સર થાય છે. પરંતુ ઘણા કિસ્સામાં લાગે છે કે જોખમી કિરણ અને કૅમિકલને લીધે સારા જનીનને નુકશાન થાય છે. એ ખરું છે કે નહિ એ અભ્યાસ પરથી આવતા દિવસોમાં ખબર પડશે.

સ્તન કૅન્સર થવાના આવા કારણો હોઈ શકે: હોર્મોન ઇસ્ટ્રોજન; સ્ત્રીને નાની ઉંમરે માસિક સ્ત્રાવ શરૂ થયો હોય અથવા રજોનિવૃત્તિ (મેનોપોઝ) મોડી આવી હોય; મોટી ઉંમરે પહેલું બાળક જન્મ્યું હોય, કે કોઈ બાળકો થયા ન હોય; હોર્મોન રીપ્લેસમેન્ટ થેરાપી કરાવી હોય. મેનોપોઝ પછી સ્ત્રીનું અંડાશય હોર્મોન ઉપજાવતું ન હોવાથી ચરબીવાળા કોષો ઇસ્ટ્રોજન પેદા કરે છે. એનાથી સ્ત્રીની સ્થૂળતા વધવાની શક્યતા રહેલી છે. બીજું કારણ એ કે હોર્મોન ઇન્સ્યુલીનનું પ્રમાણ વધી જાય અને ઊંઘ આપતા (મિલાટોનીન) હોર્મોનમાં ઘટાડો થઈ જાય. એના લીધે ઘણી વાર રાતપાળી કરતા કામદારો દિવસે સારી રીતે ઊંઘી શકતા નથી.

શું સ્તન કૅન્સર માટે વધુ અસરકારક અને ઓછો દુઃખાવો થાય એવો ઇલાજ કદી મળશે? સંશોધકો એવો ઇલાજ શોધી રહ્યા છે કે દર્દીની જ રોગપ્રતિકારક શક્તિ અને દવાથી કૅન્સર થતા કોષોને અટકાવી શકાય. પણ એવું થાય ત્યાં સુધી નિદાન કરવાની રીતમાં ઘણી પ્રગતિ થઈ હોવાથી ડૉક્ટર ખરી જગ્યાએ અને વધુ અસરકારક રીતે રેડિયોથેરાપી આપી શકે છે.

તેમ જ, વૈજ્ઞાનિકો કૅન્સરના બીજા પાસાઓને વધુ સારી રીતે સમજવાની કોશિશ કરી રહ્યાં છે. જેમ કે, કૅન્સર કેમ એક અંગથી બીજા અંગમાં (મેટાસ્ટેસીસ) ફેલાય છે. તેમ જ, તેઓ ઇલાજ શોધે છે કે કીમોથેરેપીની અસરથી કેમ કૅન્સરના કોષો બચી જાય છે અને કૅન્સરના કોષોને વધતા કઈ રીતે અટકાવી શકે. એટલું જ નહિ, દરેક દર્દીની જરૂરિયાત પ્રમાણે કઈ રીતે સારવાર આપી શકાય.

એ બધું કરવામાં આવે તોય બીમારી અને મરણને કોઈ મિટાવી નહિ શકે. (રોમનો ૫:૧૨) ફક્ત આપણા સરજનહાર બીમારીને જડમૂળથી કાઢી શકે છે. પણ શું તે એમ કરશે? બાઇબલ કહે છે તે જરૂર કરશે! એવો સમય આવશે જ્યારે કોઈ ‘રહેવાસી કહેશે નહિ કે હું માંદો છું!’ * (યશાયાહ ૩૩:૨૪) ત્યારે જીવવાની કેવી મજા આવશે! (g11-E 08)

[ફુટનોટ્‌સ]

^ અમુક નામો બદલવામાં આવ્યાં છે.

^ સજાગ બનો! જણાવતું નથી કે કેવો ઇલાજ કરવો જોઈએ.

^ પુરુષોમાં સ્તન કૅન્સર ભાગ્યે જ થતું હોય છે.

^ વધારે માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે? પુસ્તક જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૨૭ પર બોક્સ/ચિત્ર]

તેના ચિહ્‍નો શું છે?

વહેલું નિદાન ખૂબ જ અગત્યનું છે. પરંતુ અમુક સંશોધનો ચેતવે છે કે યુવાન સ્ત્રીમાં સ્તનની તપાસ કે મેમોગ્રામ કરવાથી પણ જલદી કૅન્સર પારખી શકાતું નથી. એ કારણે તેઓએ બિનજરૂરી સારવાર લેવી પડે છે અને નકામી ચિંતા વધે છે. એટલે મહિલાઓને ડૉક્ટર ખાસ અરજ કરે છે કે સ્તન અને બગલમાં કંઈ સાધારણ ફેરફાર દેખાય તોય તરત તપાસ કરાવો. નીચેના અમુક લક્ષણોને ધ્યાન આપો:

● બગલ અથવા સ્તનમાં ગઠ્ઠો કે ચામડી જાડી થતી લાગે

● ડીંટડીમાંથી દૂધ સિવાય કોઈ પ્રવાહ નીકળે

● ડીંટડી કે આજુબાજુના ભાગનો રંગ બદલાયો હોય

● ડીંટડી અંદર જતી રહે અથવા દુખાવો થાય

[પાન ૨૭ પર બોક્સ]

સ્તન કૅન્સરનું નિદાન થાય તો . . .

● સારવાર લઈને સાજા થવામાં ઓછામાંઓછું એક વર્ષથી વધારે લાગી શકે.

● શક્ય હોય તો એવા ડૉક્ટર પસંદ કરો જે તમારી જરૂરિયાત અને માન્યતા ધ્યાનમાં રાખીને સારવાર આપવા તૈયાર હોય.

● કુટુંબ સાથે વાત કરો કે તમારી બીમારી વિષે કોને અને ક્યારે જણાવશો. એમ કરવાથી કુટુંબીજનો અને મિત્રો તમને પ્રેમ બતાવી શકશે. તેમ જ, તમારી સાથે પ્રાર્થના કરી શકશે.—૧ યોહાન ૩:૧૮.

● લાગણીઓમાં ચઢાવ-ઉતાર આવે ત્યારે બાઇબલ વાંચો, પ્રાર્થના કરો અને ઉત્તેજન આપતી કળી પર વિચાર કરો.—રોમનો ૧૫:૪; ફિલિપી ૪:૬, ૭.

● સ્તન કૅન્સરમાંથી સાજી થઈ હોય એવી વ્યક્તિ સાથે વાત કરો જેથી ઉત્તેજન મળે.—૨ કોરીંથી ૧:૭.

● આજની જ ચિંતા કરો, કાલની નહિ. ઈસુએ શિષ્યોને કહ્યું હતું: “આવતી કાલને માટે ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે.”—માત્થી ૬:૩૪.

● શક્તિ બચાવો અને પૂરતો આરામ કરો.

[પાન ૨૮ પર બોક્સ/ચિત્ર]

તમારા ડૉક્ટર સાથે વાત કરો

● સ્તન કૅન્સર વિષે ડૉક્ટર જે શબ્દાવલિ વાપરે છે એ શીખો.

● ડૉક્ટરને મળવા જતાં પહેલાં તેમને શું પૂછશો એ લખી લો. પછી જીવનસાથીને કે કોઈ મિત્રને સાથે આવવાનું કહો, જેથી તે અમુક વિગતો લખવા મદદ કરે.

● ડૉક્ટર જે કહે એ સમજ ન પડે તો, ફરીથી સમજાવવા કહો.

● ડૉક્ટરને પૂછો કે તમારા જેવા કેટલા કેસ તેમણે હાથ ધર્યા છે.

● જો બની શકે તો, બીજા ડૉક્ટરનો પણ અભિપ્રાય લો.

● એમ કરવા તમારા ડૉક્ટરો રાજી ન હોય તો, આ બીમારી વિષે તેઓ કેટલા માહિતગાર છે એ વિચારો. તમારી હાલત વિષે તેઓની ટીમ સાથે રૂબરૂ વાત કરવા જણાવો.

[પાન ૨૯ પર બોક્સ/ચિત્રો]

આડઅસરો સહેવી

કૅન્સરની સારવારથી અમુક દર્દીઓને આડઅસર થઈ શકે છે. જેમ કે ઊબકા-ઊલટી આવવી, વાળ ખરવા, થાક લાગવો, દુખાવો થાય, શરીર બહેર મારી જાય, હાથ-પગમાં ઝણઝણાટી આવે અને ત્વચા પર આડઅસર દેખાય. નીચે પ્રમાણે પગલા લેવાથી કદાચ એની અસર હળવી થશે:

● રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા બરાબર ખાવું જોઈએ.

● તમારી શક્તિમાં ચઢાવ-ઉતાર થાય કે કંઈ ખાવાની આડઅસર થાય તો એ લખી લો.

● દવા લેવાથી, એક્યુપંક્ચર કે માલીસ કરાવવાથી દુખાવો અને ઊબકા આવવામાં રાહત મળે છે કે કેમ એ જુઓ.

● હળવી કસરત કરીને શક્તિ વધારો, વજન જાળવી રાખો અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરો. *

● વારંવાર આરામ લો. પરંતુ ભૂલશો નહિ કે લાંબો સમય સુવાથી કદાચ વધારે થાક લાગે.

● ત્વચા સૂકાઈ ન જાય એનું ધ્યાન રાખો. ઢીલા કપડાં પહેરો. નાહવા માટે નવશેકું પાણી વાપરો.

[ફુટનોટ]

^ કૅન્સરના દર્દીએ કસરત શરૂ કરતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

[પાન ૩૦ પર બોક્સ]

કુટુંબમાં કે સગાં-વહાલાંને કૅન્સર હોય તો . . .

સગાં-વહાલાંને કૅન્સર હોય તો, તેમને કેવી રીતે મદદ કરી શકીએ? બાઇબલનો આ સિદ્ધાંત યાદ રાખીએ: “આનંદ કરનારાઓની સાથે આનંદ કરો; રડનારાઓની સાથે રડો.” (રોમનો ૧૨:૧૫) તેમને ફોન કરી શકો. પત્ર, કાર્ડ કે ઈમેઈલ લખી શકો. અથવા થોડો સમય સાથે મળીને પ્રેમથી વાત કરી શકો. તેમની સાથે પ્રાર્થના કરો અને ઉત્તેજન આપતી બાઇબલની કળી વાંચો. બારૅલ બહેન કહે છે, “કૅન્સરથી કોણ ગુજરી ગયું છે એવી વાત ન કરશો. પણ કોણ બચ્યું છે એની વાત કરો.” જેનસી બહેનને કૅન્સર હતું, તે કહે છે: “સગાં-વહાલાંને મળો, ભેટો અને પ્રેમ બતાવો. જો તેને પોતાના દુઃખ વિષે વાત કરવી હશે, તો તે કરશે.” ખાસ કરીને પતિએ પોતાની પત્નીને પ્રેમનો અહેસાસ કરાવવો જોઈએ.

જૅફરી કહે છે: “મારી પત્ની ઇચ્છતી ન હતી કે અમે તેની બીમારી વિષે જ વાત કરીએ. એટલે અમે અમુક દિવસો નક્કી કર્યા જ્યારે બીમારી વિષે વાત જ ન કરીએ. એના બદલે અમે ઉત્તેજનભરી મીઠી યાદો વિષે વાત કરતા. એનાથી એવું લાગતું જાણે બીમારીથી અમને છુટ્ટી મળી હોય.”

[પાન ૩૦ પર બોક્સ]

અમુક બહેનોને

સાંભળીને કેવું લાગ્યું?

શેરન: એક પલમાં મારું જીવન બદલાઈ ગયું. મેં કહ્યું “મારું જીવન પૂરું થઈ ગયું.”

સૌથી મુશ્કેલ સમય

સાન્ડ્રા: સારવાર કરતાં ચિંતાઓ વધારે કોરી ખાય.

માર્ગરેટ: બીજી વાર સારવાર લીધા પછી તમને થાય કે “હવે મારે સારવાર લેવી જ નથી,” તોપણ લો.

મિત્રો

આરલૅટી: અમે મિત્રોને જણાવ્યું જેથી તેઓ અમારી માટે પ્રાર્થના કરી શકે.

જૅની: મિત્રોની મીઠી સ્માઈલ, ચહેરાના હાવભાવ બહુ જ અમૂલ્ય હતા.

સાથ આપતા પતિ

બારબ્રા: મેં વિચાર્યું કે વાળ ખરે એ પહેલાં જ કઢાવી નાખું. કૉલિને કહ્યું, “તારું માથું સુંદર દેખાય છે!” એ સાંભળીને હું હસી પડી.

સાન્ડ્રા: અમે અરીસામાં સાથે જોયું. જૉનને જોઈને મને ખાતરી થઈ કે તેને મારા માટે હજુએ ખૂબ પ્રેમ છે.

શાશા: કાર્લ બીજાઓને કહેતા, “અમને કૅન્સર છે.”

જૅની: જૅફરીનો પ્રેમ કદી ખૂટતો નહિ, ઈશ્વરમાં તેમની શ્રદ્ધા પાક્કી હોવાથી મને હંમેશા ખૂબ જ ઉત્તેજન મળતું.

[પાન ૨૯ પર ડાયગ્રામ/ચિત્ર]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

કૅન્સર કોષ વૃદ્ધિ થતા સારા કોષોને અટકાવે છે અને બીજી માંસપેશીઓ પર હુમલો કરે છે

[ડાયગ્રામ]

દૂધ વાહિનીના સારા કોષ

દૂધ વાહિનીમાં કૅન્સરની શરૂઆત (DCIS)

દૂધ વાહિનીમાંથી કૅન્સર ફેલાયું છે (IDC)

[પાન ૩૦ પર ચિત્ર]

કુટુંબ અને મિત્રોના સાથથી કૅન્સરના દર્દીને સારું થવા મદદ મળે છે