ઈમાનદારીથી મળતી સફળતા
ઈમાનદારીથી મળતી સફળતા
“કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” —લુક ૧૨:૧૫.
જી વવા માટે પૈસા કમાવવા જરૂરી છે. ઈશ્વરે આપણને જવાબદારી સોંપી છે કે પોતાનું અને કુટુંબનું ભરણપોષણ પૂરું પાડીએ.—૧ તીમોથી ૫:૮.
પરંતુ આપણે જીવન જરૂરી પૈસા કમાવાને બદલે વધારે ચીજવસ્તુઓ મેળવવા પાછળ દોડતા રહીએ તો શું? પૈસા કમાવવું જ તમારા જીવનનો મકસદ બની જાય તો શું? જેઓ પૈસા પાછળ પડી જશે તેઓ સહેલાઈથી બેઈમાનીની જાળમાં ફસાઈ જશે. તેઓને કદાચ મોડે સુધી ખ્યાલ નહિ આવે કે બેઈમાની કરવાથી પણ તેઓ સફળ થયા નથી. બાઇબલ પણ કહે છે કે પૈસાનો પ્રેમ અનેક દુઃખ લાવે છે.—૧ તીમોથી ૬:૯, ૧૦.
માલમિલકત ભેગી કરવી એ જ સફળતા નથી. એ વિષે ચાલો ચાર વ્યક્તિઓનો અનુભવ જોઈએ.
સ્વમાન
“અમુક વર્ષો પહેલાં હું એક ક્લાયન્ટને મળવા ગયો. તેને દસ લાખ ડૉલરનો જીવનવીમો લેવો હતો. એનાથી મને હજારો ડૉલરનું કમિશન મળત. તેણે મને કહ્યું કે ‘તારું અડધું કમિશન મને આપે તો હું તારી પાસેથી વીમો લઉં.’ જોકે મેં તેને સાફ જણાવી દીધું કે તેની માંગ ગેરવાજબી અને ગેરકાયદેસર છે.
“મેં તેને સમજાવ્યું કે ‘શું તું બેઈમાન વ્યક્તિને પોતાના પૈસા વિષેની બધી જ માહિતી આપી દઈશ?’ પછી મેં ભાર દઈને તેને જણાવ્યું કે ‘તેના કહેવા પ્રમાણે હું નહિ કરું. પણ જો કાયદેસર વીમો લેવો હોય તો મારી પાસે આવજે.’ પણ તે પાછો આવ્યો નહિ.
“તેની માંગ પ્રમાણે મેં કર્યું હોત તો, મારી ઈમાનદારી પર પાણી ફરી જાત. તેમ જ, યહોવાના સાક્ષી તરીકેની મારી શાખના ચૂરેચૂરા થઈ જાત. મારે બેઈમાન લોકોના દાસ થઈને તેઓના ઇશારે નાચવું પડત.”—ડૉન, અમેરિકા.
મનની શાંતિ
શરૂઆતના લેખમાં જોયું તેમ ડૅનીને કારખાનાના માલિકે મોટી લાંચ ઑફર કરી. બદલામાં ડૅનીએ ખોટો અહેવાલ આપવાનો હતો કે ‘આ કારખાનું જરૂરિયાત પ્રમાણે માલ પૂરો પાડી શકશે.’ ડૅનીએ શું કર્યું?
“કારખાનાના માલિકે જમવાની ગોઠવણ કરી એ માટે મેં આભાર માનીને પૈસાનું કવર પાછું આપી દીધું. તેમણે એ કવર મને પાછું આપતા કહ્યું કે ‘તમારી કંપની માલ લેવા મંજૂર થાય તો હું તને હજી વધારે આપીશ.’ પણ મેં લેવાનો સાફ ઇન્કાર કર્યો.
“મેં એ પૈસા લીધા હોત તો કોઈને ખબર પડી જશે એવો ડર મને સતાવ્યા કરત. સમય જતાં કોઈક રીતે મારા માલિકને એ બનાવની ખબર પડી. હું ઈમાનદારીથી વર્ત્યો હોવાથી બહુ ખુશ હતો. મને નીતિવચનો ૧૫:૨૭ના શબ્દો યાદ આવ્યા: ‘દ્રવ્યલોભી પોતાના જ કુટુંબને હેરાન કરે છે; પણ લાંચને ધિક્કારનાર આબાદ થશે.’”—ડૅની, હૉંગકૉંગ.
કુટુંબનું સુખ
“હું પોતે કૉન્ટ્રૅક્ટર છું. લોકોને છેતરવાની અને ટૅક્સ આપવાથી છટકી જવાની ઘણી તકો રહેલી છે. પરંતુ મેં ઈમાનદારીથી વર્તવાનો નિર્ણય લીધો હોવાથી મને અને મારા કુટુંબને લાભ થયો છે.
“ઈમાનદારી ફક્ત ધંધામાં જ નહિ પણ જીવનના દરેક પાસામાં દેખાઈ આવવી જોઈએ. ઈમાનદારી વિષેના ઈશ્વરના ધોરણોમાં પોતાનો પતિ કે પત્ની કદી તડજોડ કરશે નહિ એવી ખાતરી હોય ત્યારે, કુટુંબમાં ભરોસો મજબૂત થાય છે. લગ્નસાથીના દિલમાં શાંતિ રહેશે કે પોતાનો સાથી કદી બેઈમાની કરશે નહિ.
“તમે દુનિયાની સૌથી મોટી કંપનીના માલિક હોવ, પણ કુટુંબની મુશ્કેલીઓ દૂર ન કરી શકો તો એ બધું શું કામનું? હું યહોવાનો સાક્ષી હોવાથી બાઇબલના ધોરણો પ્રમાણે જીવું છું. એ મને જીવન સાદું રાખવા મદદ કરે છે. હું મારા કુટુંબને પૂરતો સમય આપું છું અને એની મજા માણું છું. જ્યારે કે આખી દુનિયા સ્વાર્થને લીધે પૈસાની પાછળ દોડે છે.”—ડર્વીન, અમેરિકા.
ઈશ્વર સાથેનો નાતો
“કંપની માટે હું માલની ખરીદી કરું છું. એટલે ઘણા એજન્ટ અમુક વાર કહે છે કે ‘તારી કંપનીને પૂરું ડિસ્કાઉન્ટ આપવાને બદલે તેઓ જે ખરીદી કરે એમાંથી અમુક ટકા તને આપીશું.’ પણ એ તો કંપનીના પૈસા ચોરી કર્યા કહેવાય!
“મારો પગાર સામાન્ય છે. વધારે પૈસા મળે તો કોને ન ગમે! પરંતુ યહોવા ઈશ્વર સામે મારું શુદ્ધ દિલ છે. એના જેટલું મહત્ત્વનું બીજું કંઈ જ નથી. દરેક લેવડ દેવડમાં હું હિબ્રૂ ૧૩:૧૮નો આ સિદ્ધાંત યાદ રાખું છું: ‘અમે સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.’”—રાકેલ, ફિલિપીન્ઝ. (g12-E 01)
[પાન ૯ પર બોક્સ/ચિત્રો]
વેપાર-ધંધામાં ઈમાનદારીના સિદ્ધાંતો
દરેક જગ્યાએ વેપાર-ધંધાના ધોરણો એક સરખા હોતા નથી. પણ બાઇબલના ધોરણોથી સૌથી સારા નિર્ણયો લેવા મદદ મળી શકે છે. ઈમાનદારીથી ધંધો કરવામાં આ છ બાબત હોવી જરૂરી છે:
સાચું બોલવું
સિદ્ધાંત: “એકબીજાની સાથે જૂઠું ન બોલો.”—કોલોસી ૩:૯.
ભરોસાપાત્ર
સિદ્ધાંત: ‘તમારું બોલવું તે “હા”નું હા, ને “ના”નું ના હોય.’—માત્થી ૫:૩૭.
વિશ્વાસુ
સિદ્ધાંત: “બીજાની ગુપ્ત વાત ઉઘાડી ન કર.”—નીતિવચનો ૨૫:૯.
ઈમાનદાર
સિદ્ધાંત: ‘તું કંઈ લાંચ ન લે; કેમ કે લાંચ વ્યક્તિને અંધ બનાવે છે.’—નિર્ગમન ૨૩:૮.
વાજબી
સિદ્ધાંત: “જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.”—માત્થી ૭:૧૨.
કાયદેસર
સિદ્ધાંત: “દરેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો તેને કર.” —રોમનો ૧૩:૭.
[પાન ૯ પર બોક્સ/ચિત્રો]
વેપાર-ધંધામાં ઈમાનદાર રહેવા શું કરશો
● મહત્ત્વની બાબત નક્કી કરો. દાખલા તરીકે, તમારા માટે શું મહત્ત્વનું છે: પૈસા બનાવવા કે ઈશ્વરની આગળ શુદ્ધ દિલ રાખવું?
● પહેલેથી નક્કી કરો. પહેલેથી વિચારો કે કેવી બાબતોમાં તમારી ઈમાનદારીની કસોટી થશે અને ત્યારે તમે શું કરશો.
● તમે શું કરશો અને શું નહિ કરો એ જણાવો. નવો સોદો કે ધંધો શરૂ કરતા પહેલાં સામેની પાર્ટીને પ્રેમથી પણ સાફ સાફ તમારા ધોરણો વિષે જણાવો.
● બીજાઓ પાસેથી મદદ લો. તમારી સામે કોઈ લાલચ આવે અથવા અઘરો નિર્ણય લેવાનો હોય ત્યારે, તમારા જેવા ધોરણો પ્રમાણે ચાલતા તેઓ સાથે વાત કરો.
[પાન ૮ પર ચિત્ર]
ઈમાનદાર હશો તો મનની શાંતિ મળશે