સારું મનોરંજન ક્યાંથી મળી શકે?
યુવાનો પૂછે છે
સારું મનોરંજન ક્યાંથી મળી શકે?
તમે યહોવાના ભક્ત હશો તો, સમજી-વિચારીને મનોરંજન પસંદ કરશો. પછી ભલે કોઈ કહે કે આ ફિલ્મ જોવી જોઈએ, પુસ્તક વાંચવું જોઈએ કે સંગીત સાંભળવું જોઈએ, તમે તેનું તરત જ માની નહિ લો. કેમ કે આજના મનોરંજનમાં સેક્સ, મારા-મારી, મેલીવિદ્યા જોવા મળે છે. તમે એવી બાબતોથી દૂર રહેવા ચાહો છો. જોકે આજે સારું મનોરંજન પણ છે. ચાલો જોઈએ કે એ કઈ રીતે પસંદ કરી શકીએ. *
ફિલ્મો
કેવી ફિલ્મ તમને ગમે છે એની સામે ✔ કરો.
❍ કૉમેડી
❍ ડ્રામા
❍ ઍક્શન/ઍડ્વૅન્ચર
❍ સાયન્સ ફિક્શન
❍ કે બીજી કોઈ
શું તમે જાણો છો? મોટા ભાગે ભારતમાં દર વર્ષે એક હજાર કરતાં વધારે ફિલ્મ બને છે, જે બીજા દેશો કરતાં વધારે છે.
શું ટાળવું જોઈએ? બાઇબલના ધોરણોની સરખામણીમાં ઘણી ફિલ્મના ધોરણ એકદમ નીચા છે. અમુકમાં ખુલ્લેઆમ સેક્સ અને મારામારી બતાવે છે. વળી, અમુકમાં બીજામાં મેલીવિદ્યા કે જંતર-મંતર બતાવે છે. પરંતુ બાઇબલ કહે છે: ‘ક્રોધ, ખાર, નિંદા, અપશબ્દો તજી દો.’ (કોલોસી ૩:૮) એ ઉપરાંત મેલીવિદ્યા જેવી બાબતોને ઈશ્વર નફરત કરે છે.—પુનર્નિયમ ૧૮:૧૦-૧૩.
કઈ રીતે પસંદ કરશો? “જો ટ્રેઈલર મને ન ગમે તો હું ફિલ્મ જોતી નથી.”—શિરીન. *
“જો કોઈ મને કહે કે આ ફિલ્મ જોવી જ જોઈએ, તો હું માની નથી લેતી. સિવાય કે એમ કહેનાર વ્યક્તિના ધોરણો પણ બાઇબલ આધારિત હોય.”—કલ્પના.
“હું થિયેટરમાં ફિલ્મ જોતી હોઉં અને કંઈ પણ અજુગતું લાગે તો, ફિલ્મ છોડીને ચાલી આવું છું.”—મોના.
“ફિલ્મમાં સેક્સના દૃશ્ય, ખૂન-ખરાબી અને ગંદી ભાષા છે કે કેમ એ જાણવા ઇન્ટરનેટ પર એના વિષે વાંચું છું. એવું કંઈ ન હોય તો જ ફિલ્મ જોઉં છું.”—નતાશા.
સૂચન: એવી ફિલ્મ શોધો જેમાં કંઈ ખરાબ બાબત હોવાની શક્યતા ન હોય. માસામી નામની યુવાન બહેન કહે છે, “મને જૂની ક્લાસિકલ અને નવલકથા પર આધારિત ફિલ્મો જોવી ગમે છે.”
પોતાને પૂછો,
‘હું જે ફિલ્મો જોઉં છું એનાથી સેક્સ, મારામારી અને મેલીવિદ્યા વિષે ઈશ્વરના નિયમો પાળવા અઘરું બને છે કે સહેલું?’
બુક્સ
તમારા મનગમતા વાંચનની સામે ✔ કરો.
❍ નવલકથા
❍ સાચા બનાવો
❍ ક્લાસિક સાહિત્ય
❍ કે બીજું કંઈ
શું તમે જાણો છે? ફક્ત અમેરિકામાં જ દર અઠવાડિયે એક હજારથી વધારે પુસ્તકો બહાર પડે છે.
શું ટાળવું જોઈએ? ફિલ્મની જેમ જ, ઘણા પુસ્તકો બાઇબલના શિક્ષણ વિરુદ્ધ શીખવે છે. જેમ કે, અમુકમાં શરમજનક ગંદા ચિત્રો હોય અથવા જાદુ-મંતરને લગતું હોય. પણ બાઇબલ એનાથી દૂર રહેવા આમ કહે છે: ‘વ્યભિચાર તથા સર્વ પ્રકારની મલિનતા અથવા લોભનું નામ પણ તમારે ન લેવું.’ (એફેસી ૫:૩) એ પણ કહે છે કે જંતર-મંતરને લગતી કોઈ પણ બાબત ‘યહોવાની નજરે ભૂંડી છે.’—૨ રાજાઓ ૧૭:૧૭.
કઈ રીતે પસંદ કરશો? “બુકની પસંદગી કરતી વખતે પ્રકરણ પર અને પાછળના પાના પર નજર નાખું છું. મને ન ગમે એવું કંઈ હોય તો હું નથી ખરીદતી.”—મેરી.
“હું મોટી થઈ તેમ જાતે નક્કી કરવા લાગી. હું જાણું છું કે મારે મારા દિલનું સાંભળવું જોઈએ. પુસ્તક વાંચતા એવું લાગે કે એ ઈશ્વરના વિચારો પ્રમાણે નથી તો, વાંચવાનું છોડી દઉં છું.”—કૅરી.
સૂચન: જુદા જુદા વિષયો પર વાંચો. “મને જોવા મળ્યું છે કે મોર્ડન ફિક્શન કરતાં ક્લાસિકલ સાહિત્યમાં વધારે ડૂબી જાઉં છું. એમાં શબ્દચિત્ર, પાત્રો જે રીતે પ્રગટ કરવામાં આવે છે અને એક પછી એક બનેલા બનાવોને જે ઢબે લખવામાં આવે છે એ જોરદાર હોય છે.”—લારા.
પોતાને પૂછો,
‘હું જે પુસ્તકો વાંચું છું એ યહોવા ઈશ્વરને પસંદ હોય એવાં કામો કરવા ઉત્તેજન આપે છે કે કેમ?’
સંગીત
તમારા મનગમતા સંગીત સામે ✔ કરો.
❍ રોક
❍ ક્લાસિકલ
❍ જાઝ
❍ આર ઍન્ડ બી
❍ હિપ હૉપ
❍ કે બીજું કંઈ
શું તમે જાણો છે? ચાર મોટી રેકોર્ડિંગ કંપનીઓ દર વર્ષે ૩૦,૦૦૦ મ્યુઝિક આલ્બમ બહાર પાડે છે.
શું ટાળવું જોઈએ? ફિલ્મ અને પુસ્તકોની જેમ આજે મોટા ભાગના સંગીતના શબ્દો શરમજનક હોય છે. ગીતના વિચારો અને વિડીયો જાતીય લાગણીને ઉશ્કેરતા હોવાથી એવી લાગણીઓને અંકુશમાં રાખવી અઘરી બની જાય છે. (૧ કોરીંથી ૬:૧૮) “આજે મોટા ભાગનું સંગીત એવું વર્તન ઉશ્કેરે છે જે બાઇબલના ધોરણ પ્રમાણે નથી. ગીતની ધૂન લોકોને સેક્સી ડાન્સ કરવા ઉત્તેજન આપે છે.”—૨૧ વર્ષની લીઆહ.
કઈ રીતે પસંદ કરશો? “હું પોતાને પૂછું છું કે ‘મંડળમાંથી કોઈ ભાઈ-બહેન મારા સંગીતના લિસ્ટ પર નજર નાખે તો, શું એનાથી મારે શરમાવું પડશે?’ એનાથી મને એ વિચારવા મદદ મળે છે કે કેવું સંગીત મારે સાંભળવું જોઈએ.”—લીની.
સૂચન: જુદા જુદા પ્રકારનું સંગીત સાંભળી શકો. “મારા પપ્પાને ક્લાસિકલ સંગીત ખૂબ ગમે છે. એટલે નાનપણથી હું એ સાંભળતો આવ્યો છું. સંગીત વિષે શીખ્યો તેમ પિયાનો વગાડતા પણ શીખ્યો. એનાથી જાણે મારી આગળ સંગીતની દુનિયા ખુલી ગઈ હોય એમ લાગે છે.”—રોબર્ટો. (g11-E 11)
પોતાને પૂછો,
‘હું જે સંગીત સાંભળું છું એ જાતીય લાગણીઓને ઉશ્કેરે છે કે અંકુશમાં રાખવા મદદ કરે છે?’
વધારે જાણવા વાંચો!
ક્વેશ્ચન્સ યંગ પીપલ આસ્ક—આન્સર્સ ધેટ વર્ક, વોલ્યુમ ટુ, પ્રકરણ ૩૧-૩૨ જુઓ. આ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype
[ફુટનોટ્સ]
^ સજાગ બનો! નામ લઈને જણાવતું નથી કે શું ન જોવું, શું ન વાંચવું અથવા શું ન સાંભળવું જોઈએ. આ લેખનો મકસદ છે કે તમે બાઇબલ શિક્ષણને આધારે પોતાનું દિલ કેળવો અને ઈશ્વરના ધોરણો પ્રમાણે જીવો.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૪; રોમનો ૧૨:૯.
^ આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.
[પાન ૨૫ પર બ્લર્બ]
તમે બાઇબલના ધોરણોની અવગણના કરીને પ્રખ્યાત ફિલ્મ જુઓ, પુસ્તક વાંચો અથવા સંગીત સાંભળો તો, એનાથી મનોરંજનની દુનિયાને કંઈ ખોટ નહિ પણ લાભ થશે.
[પાન ૨૪ પર બોક્સ/ચિત્ર]
“આજે મોટા ભાગના પુસ્તકો અને ફિલ્મો બાઇબલના ધોરણો પ્રમાણે નથી. બાઇબલના ધોરણની સુમેળમાં હોય એવા પુસ્તક કે ફિલ્મ મળે ત્યારે, મને એ જોવાની કે વાંચવાની મઝા આવે છે.” એડ્રીઅન
[પાન ૨૪ પર બોક્સ]
તમારા માબાપને પૂછો
તમે મારી ઉંમરના હતા ત્યારના અને આજના મનોરંજનમાં શું ફરક છે? દાદા-દાદીની પેઢીથી લઈને આજની પેઢીમાં કેવા ફેરફાર થયા છે?
[પાન ૨૫ પર બોક્સ/ચિત્ર]
“અમુક સંગીત આપણને એવી બાબતો કરવા પ્રેરે છે જે ન કરવી જોઈએ. એવા સમયે અંત:કરણની અવગણના કરવાને બદલે એનું સાંભળવું જોઈએ, પછી ભલેને એ સંગીતની ધૂન ગમતી હોય.” જેન્સી