સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કેમ આટલો બધો ગુસ્સો?

કેમ આટલો બધો ગુસ્સો?

કેમ આટલો બધો ગુસ્સો?

ગુસ્સો કેમ આવે છે એ સમજવું સહેલું નથી. અરે, વિજ્ઞાનીઓ પણ કબૂલે છે કે તેઓ ગુસ્સાને સારી રીતે સમજી શક્યા નથી. જોકે, માનસિક સ્વાસ્થ્યના ડૉક્ટરો મોટા ભાગે સ્વીકારે છે કે દરેકને અલગ અલગ બાબતોથી ગુસ્સો ચઢે છે.

કેવી બાબતોથી? એવી બાબતો જેનાથી વ્યક્તિ અકળાઈ જતી હોય કે ચિડાઈ જતી હોય. મોટા ભાગે વ્યક્તિ સાથે થયેલો અન્યાય કે અયોગ્ય વર્તન તેને ગુસ્સો ચઢાવી શકે. વ્યક્તિનું અપમાન થવાથી દુઃખ થાય ત્યારે પણ ગુસ્સો આવી શકે. અથવા પોતાની સત્તા કે આબરૂ છીનવાઈ જશે, એવા વિચારથી ગુસ્સો આવી શકે.

ખરું કે ગુસ્સો ચઢાવતી બાબતો વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે. અરે, ગુસ્સો ચઢાવતી બાબતો ઉંમર, જાતિ અને સમાજ પ્રમાણે પણ અલગ અલગ હોય છે. તેમ જ, જેનાથી ગુસ્સો આવે, એ પ્રત્યે વ્યક્તિ જુદી જુદી રીતે વર્તે છે. અમુક લોકો ભાગ્યે જ ગુસ્સે થતા હોય છે અને થાય તોય જલદીથી સમી જતા હોય છે. જ્યારે કે કેટલાક ખૂબ જલદી ગુસ્સે થઈ જતા હોય છે. તેઓ પોતાનો ગુસ્સો કદાચ દિવસો, અઠવાડિયા, મહિના, અરે વર્ષો સુધી મનમાં ભરી રાખતા હોય છે.

આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ, જ્યાં એવું ઘણું છે, જે સહેલાઈથી ગુસ્સો ચઢાવી શકે. એ ઉપરાંત ગુસ્સો ચઢાવતી બાબતો સામે લોકોની સહનશક્તિ ઓછી થઈ રહી છે. એનું કારણ એ છે કે લોકો બીજાનો વિચાર કરતા જ નથી. ‘હું જ પહેલો’ એવું વલણ લોકો રાખતા થઈ ગયા છે. બાઇબલ જણાવે છે કે દુષ્ટ દુનિયાના ‘અંતના સમયમાં મુશ્કેલીના દિવસો આવશે. માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, બડાઈખોર, ગર્વિષ્ઠ, નિંદક, દગાખોર, અવિચારી અને ઘમંડી હશે.’ (૨ તીમોથી ૩:૧-૫, કોમન લેંગ્વેજ) શું આજે મોટા ભાગે આવું જોવા નથી મળતું?

જ્યારે સ્વાર્થી લોકોનું ધાર્યું ન થાય, ત્યારે મોટા ભાગે તેઓ ગુસ્સે થઈ જતા હોય છે. લોકોમાં ગુસ્સાની સમસ્યા વધી રહી છે, એનાં અનેક કારણો છે. ચાલો એમાંનાં કેટલાક જોઈએ.

માબાપનો દાખલો

માતા-પિતાના વર્તનની બાળકના ઘડતર પર ઊંડી અસર થાય છે. મનોવિજ્ઞાની હેરી. એલ. મીલ્સ સમજાવે છે કે ‘નાનપણથી જ વ્યક્તિ આજુબાજુના લોકોને ગુસ્સો વ્યક્ત કરતા જોઈને, તેઓની નકલ કરવા લાગે છે.’

જો બાળક એવા માહોલમાં ઉછેર્યું હોય, જ્યાં લોકો નાની નાની વાતમાં તપી જતા હોય, તો બાળક પર એની અસર થશે. બાળક પોતાના જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો ગુસ્સાથી જ કરશે. બાળકના વિકાસને એક છોડ સાથે સરખાવી શકાય. માનો કે એક છોડને ઝેરી પાણી પાવામાં આવે છે. એ છોડ વધશે તો ખરો પણ પૂરી વૃદ્ધિ નહિ પામે અથવા એને કાયમી નુકસાન થઈ શકે. એવી જ રીતે, ગુસ્સો પણ ઝેરી પાણી જેવો છે. જો બાળક ગુસ્સાવાળા વાતાવરણમાં ઉછર્યું હશે, તો તે મોટું થશે તેમ ગુસ્સાને કાબૂમાં રાખવો તેના માટે મુશ્કેલ બનશે.

ગીચોગીચ શહેરો

૧૮૦૦ની સાલમાં દુનિયાની વસ્તીના આશરે ત્રણ ટકા લોકો શહેરોમાં રહેતા હતા. ૨૦૦૮માં એ આંકડો વધીને ૫૦ ટકા થઈ ગયો અને ૨૦૫૦ સુધીમાં તો એ આંકડો આશરે ૭૦ ટકા સુધી પહોંચી જશે. જેમ વધુને વધુ લોકો શહેરોમાં ભરાતા જશે, તેમ ગુસ્સા અને ચીડનું પ્રમાણ પણ વધતું જશે! મેક્સિકો શહેરનો દાખલો લઈએ. એ દુનિયાનું સૌથી મોટું અને ગીચ શહેર છે. ત્યાં ટ્રાફિક જામ એ ચિંતાનું મોટું કારણ છે. એ શહેરમાં આશરે એક કરોડ ૮૦ લાખ લોકો વસે છે અને ત્યાં કંઈક ૬૦ લાખ જેટલી કાર છે. એક જર્નાલિસ્ટ કહે છે કે ‘મેક્સિકો શહેર કદાચ દુનિયાનું સૌથી તણાવભર્યું શહેર છે. ત્યાંના ગીચોગીચ ટ્રાફિકને લીધે લોકો ઊકળી ઊઠે છે.’

ગીચોગીચ શહેરો બીજી તકલીફો પણ ઊભી કરે છે, જેનાથી લોકોમાં તણાવ વધે છે. જેમ કે, હવા અને અવાજનું પ્રદૂષણ, ઘરોની અછત, સામાજિક મતભેદો અને ગુનાખોરીમાં વધારો. તણાવમાં વધારો થવાથી લોકો અકળાઈ જાય છે, ગુસ્સે થાય છે અને અધીરા બની જાય છે.

કથળતું અર્થતંત્ર

દુનિયાનું અર્થતંત્ર કથળી રહ્યું છે, એનાં લીધે લોકોમાં તણાવ અને ચિંતા વધી રહ્યાં છે. ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ અને યુનાઈટેડ નેશન્સ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન ૨૦૧૦નો એક રિપોર્ટ આમ જણાવે છે: ‘દુનિયામાં લગભગ ૨૧ કરોડ કરતાં વધારે લોકો નોકરી વગરના છે.’ દુઃખની વાત છે કે જેઓને નોકરી પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે, તેઓમાંથી મોટા ભાગના લોકો પાસે કોઈ બચત નથી અથવા સરકાર પાસેથી કોઈ સહાય નથી મળતી.

જેઓ પાસે નોકરી છે, તેઓને પણ ચિંતા છે. આગળ જણાવેલ લેબર ઓર્ગેનાઈઝેશન પ્રમાણે, કામને લગતો તણાવ એ જાણે ‘દુનિયા ફરતે ફેલાયેલો એક રોગચાળો છે.’ લૉરેન કર્ટિસ, જે કૅનેડાના ઑંટેરિયોમાં એક મૅનેજમૅન્ટ સલાહકાર છે, તે કહે છે: ‘જેઓ પોતાની નોકરી ગુમાવવાનો ડર રાખે છે, તેઓ હંમેશા સૌથી ખરાબ પરિણામો વિષે જ વિચારે છે. એટલે, તેઓ પોતાનો બચાવ કરે છે અને માલિક કે સાથી કામદારો સાથે વધારે દલીલ કરે છે.’

અન્યાય અને ભેદભાવ

માની લો કે તમે એક દોડમાં ભાગ લઈ રહ્યા છો અને ફક્ત તમારા પગ બેડીઓથી બાંધેલા છે, તો તમને કેવું લાગશે? લાખો લોકોને એવું જ લાગે છે, જ્યારે તેઓ નાતજાત કે બીજા કોઈ પ્રકારનો ભેદભાવ અનુભવે છે. ભેદભાવને લીધે લોકોને નોકરી, સારું ભણતર, ઘર કે બીજી જીવન-જરૂરી બાબતો મળતી નથી, ત્યારે તેઓ પોતાનો પિત્તો ગુમાવે છે.

બીજા અનેક અન્યાયોથી વ્યક્તિનું મનોબળ તૂટી જાય છે અને તે ઉદાસ થાય છે. દુઃખની વાત છે કે મોટા ભાગે બધાએ ક્યારેક તો અન્યાય અનુભવ્યો હશે. આશરે ત્રણ હજાર વર્ષ પહેલાં શાણા રાજા સુલેમાને લખ્યું: “જુલમ વેઠનારાઓનાં આંસુ પડતાં હતાં અને તેમને દિલાસો દેનાર કોઈ નહોતું.” (સભાશિક્ષક ૪:૧) જ્યારે અન્યાય વધી જાય અને દિલાસો આપનાર કોઈ ન હોય, ત્યારે વ્યક્તિના દિલમાં સહેલાઈથી ગુસ્સો ભરાઈ શકે.

મનોરંજન

બાળકો પર ટીવી અને બીજા હિંસક મનોરંજનની કેવી અસર થાય છે, એના પર હજારથી વધારે સંશોધનો થયા છે. જેમ્સ પી. સ્ટાયર, કોમન સેન્સ મિડીયાના સ્થાપક જણાવે છે કે ‘આજની પેઢી દરરોજ એટલી બધી મારામારી અને હિંસા જુએ છે કે એનાથી ટેવાઈ ગઈ છે. લોકો હિંસા પ્રત્યે જડ થઈ ગયા છે અને તેઓમાં દયાભાવ પણ ઓછો થઈ ગયો છે.’

ખરું કે ઘણા યુવાનો જેઓ ટીવી પર રોજ હિંસક મનોરંજન જુએ છે, તેઓ કંઈ હિંસક ગુનેગારો બનતા નથી. છતાં, ટીવી-ફિલ્મોમાં બતાવવામાં આવે છે કે મારામારી કરીને મુશ્કેલીનો સામનો કરવો યોગ્ય છે. આજની નવી પેઢી હિંસા પ્રત્યે જડ બની ગઈ છે.

દુષ્ટ દૂતોની અસર

બાઇબલ જણાવે છે કે આજે ચાલી રહેલી હિંસા પાછળ ઘણી હદે અદૃશ્ય શક્તિ કામ કરે છે. કઈ રીતે? મનુષ્યની શરૂઆત થઈ ત્યારે, એક બળવાખોર દૂત સર્વશક્તિમાન ઈશ્વરની સામે થયો. એ દુષ્ટ સ્વર્ગદૂતને શેતાન કહેવામાં આવે છે, જેના નામનો અર્થ હેબ્રી ભાષામાં ‘વિરોધી’ કે ‘દુશ્મન’ થાય છે. (ઉત્પત્તિ ૩:૧-૧૩) પછીથી શેતાન બીજા સ્વર્ગદૂતોને પણ એ બળવામાં જોડાવા લલચાવી લે છે.

ઈશ્વરની આજ્ઞા તોડનારા એ સ્વર્ગદૂતો દુષ્ટ દૂતો તરીકે ઓળખાવા લાગ્યા. તેઓને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા છે. (પ્રકટીકરણ ૧૨:૯, ૧૦, ૧૨) વધુમાં, તેઓ ‘ઘણા ક્રોધે ભરાયા છે,’ કેમ કે તેઓ જાણે છે કે હવે તેઓ પાસે બહુ ઓછો સમય બાકી રહ્યો છે. ખરું કે આપણે દુષ્ટ દૂતોને જોઈ શકતા નથી, પણ તેઓનાં કામોની અસર ચોક્કસ જોઈ શકીએ છે. કઈ રીતે?

શેતાન અને તેના સાથીદારો આપણા પાપી વલણનો ફાયદો ઉઠાવવા માગે છે. તેઓ આપણને લલચાવીને ‘વૈરભાવ, કજિયાકંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, અદેખાઈ તથા એનાં જેવાં કામોમાં’ ફસાવવા માગે છે.—ગલાતી ૫:૧૯-૨૧.

તીવ્ર ઇચ્છાનો સામનો કરવો

આપણે અમુક મુશ્કેલીઓ, દબાણો અને ચિંતાઓની ચર્ચા કરી ગયા. એના પરથી સમજી શકાય છે કે શા માટે લોકો રોજિંદી જવાબદારીઓ ઉપાડતા પિત્તો ગુમાવી બસે છે.

જોકે, ગુસ્સો આવે ત્યારે એને દબાવી રાખવાને બદલે ઠાલવી નાખવાની તીવ્ર ઇચ્છા થઈ શકે! પણ હવે પછીનો લેખ જણાવશે કે આપણે કઈ રીતે ગુસ્સાને કાબૂમાં રાખી શકીએ. (g12-E 03)

[પાન ૫ પર ચિત્ર]

તમને ગંભીર તકલીફ હોઈ શકે જો . . .

▶ દુકાન પર લાઈનમાં રાહ જોવાને લીધે ગુસ્સો આવતો હોય.

▶ સાથી કામદારો સાથે જીભાજોડી થતી હોય.

▶ કોઈ વાર દિવસમાં માઠું લગાડનારી બાબતોનો વિચાર રાતના પણ મનમાં ભમ્યા કરતો હોય.

▶ ખોટું લગાડનારને માફ કરવાનું અઘરું લાગતું હોય.

▶ અવારનવાર પિત્તો ગુમાવી દેતા હો.

▶ ગુસ્સો કર્યા પછી ઘણી વાર શરમ કે પસ્તાવાની લાગણી થતી હોય. *

[ફુટનોટ]

^ આ મુદ્દાઓ MentalHelp.netની માહિતી પર આધારિત છે.

[પાન ૬ પર બોક્સ]

ગુસ્સાનું પ્રમાણ બતાવતા આંકડા

ધ મૅન્ટલ હેલ્થ ફાઉન્ડેશન ઑફ લંડન, ઇંગ્લૅન્ડની સંસ્થાએ બૉઇલીંગ પૉઇન્ટ—પ્રૉબ્લેમ ઍંગર ઍન્ડ વૉટ વી કેન ડુ અબાઉટ ઇટ નામનો રિપોર્ટ બહાર પાડ્યો છે. એમાં નીચેના આંકડા આપેલા છે:

૮૪ ટકા લોકો પાંચ વર્ષ પહેલાં કામ પર જેટલો તણાવ અનુભવતા હતા, એના કરતાં હવે વધારે અનુભવે છે.

૬૫ ટકા લોકો કામ પર ગુસ્સાનો ભોગ બન્યા છે.

૪૫ ટકા લોકો નોકરી પર પોતાનો પિત્તો ગુમાવી દેતા હોય છે.

આશરે ૬૦ ટકા જેટલી રજાઓ નોકરી પરના તણાવને લીધે પડે છે.

૩૩ ટકા બ્રિટનના રહેવાસીઓ પોતાના પડોશી સાથે બોલતા નથી.

૬૪ ટકા લોકો માને છે અથવા ભારપૂર્વક માને છે કે લોકો વધારે ગુસ્સો કરનારા બની રહ્યા છે.

૩૨ ટકા કહે છે કે તેઓના કુટુંબના કોઈ સભ્યને કે મિત્રને ગુસ્સો કાબૂમાં રાખવો અઘરું બને છે.

[પાન ૫ પર ચિત્ર]

જો આપણે પિત્તો ગુમાવી દઈશું, તો બાળકો પર એની કેવી અસર પડશે?

[પાન ૬ પર ચિત્ર]

ગુસ્સો અને હિંસા પ્રત્યેના તમારા વિચારોને, શું મનોરંજન જગત અસર કરે છે?