સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ન્યાયથી વર્તવા શું કરીશું?

ન્યાયથી વર્તવા શું કરીશું?

ન્યાયથી વર્તવા શું કરીશું?

ઈશ્વર આપણને ખુશ જોવા માંગે છે. આપણે મનની શાંતિ માણીએ અને બીજાઓની ખુશીમાં વધારો કરીએ એવું ઈશ્વર ચાહે છે. તેથી તે સલાહ આપે છે કે આપણે ‘ન્યાયથી વર્તીએ અને દયાભાવ રાખીએ.’ (મીખાહ ૬:૮) કઈ રીતે? એવા ગુણો કેળવીએ જે આપણને અન્યાયી બનતા રોકે. એમ કરવા બાઇબલ કેવી રીતે મદદ કરે છે એ ચાલો જોઈએ.

લોભ પર જીત. લોભને હરાવવાનું સૌથી અસરકારક હથિયાર છે, પ્રેમ. અહીં સંબંધોને લીધે જે પ્રેમ જાગે એની વાત નથી થતી. પણ બીજાના ભલા માટે ત્યાગ કરવાની ભાવનાની વાત થાય છે. ૧ કોરીંથી ૧૩:૪, ૫માં બતાવે છે કે આવો ‘પ્રેમ પરોપકારી છે’ અને એ ‘પોતાનો જ હિત જોતો નથી.’ વધુમાં આવો પ્રેમ ફક્ત સગાં-વહાલા અને મિત્રો પૂરતો જ સીમિત નથી. ઈસુએ કહ્યું ‘તમારા પર પ્રેમ કરે છે, તેઓ પર જો તમે પ્રેમ કરો છો, તો તમને શું બદલો મળશે?’ એવું તો ઈશ્વરને ઓળખતા નથી તેઓ પણ કરતા હોય છે.—માથ્થી ૫:૪૬.

ભેદભાવ પર જીત. પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫ કહે છે: “ઈશ્વર પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.” ઈશ્વર કોઈ સમાજ, આર્થિક પરિસ્થિતિ અથવા જાતિના આધારે ન્યાય કરતા નથી. તેમની નજરે તો “નથી કોઈ યહૂદી કે ગ્રીક, ગુલામ કે મુક્ત અથવા પુરુષ કે સ્ત્રી.” (ગલાતી ૩:૨૮, IBSI) આપણે ઈશ્વરને અનુસરીએ ત્યારે ભેદભાવ પર જીત મેળવીએ છીએ. ચાલો અમેરિકામાં રહેતી ડૉરેથીનો વિચાર કરીએ.

નાતજાતના ભેદભાવથી ડૉરેથી ખૂબ અકળાઈ ગઈ હતી. અત્યાચારનો ભોગ બનેલા કાળા લોકોને બચાવવા તે હિંસક હુલ્લડમાં ભાગ લેવા ચાહતી હતી. પણ એ દરમિયાન તે યહોવાના સાક્ષીઓની એક સભામાં ગઈ. ત્યાં કાળા અને ગોરા ભાઈબહેનોએ તેનો દિલથી આવકાર કર્યો. એ તેના દિલને અસર કરી ગયું. ટૂંક સમયમાં તેને સમજાયું કે વ્યક્તિના મનને બદલવું ઈશ્વરના જ હાથમાં છે. તે કહે છે કે, ‘હું ક્રાંતિ લાવવાના વિચારથી કોઈ પણ ગોરાને અચકાયા વગર મારી નાખત.’ પરંતુ, યહોવાના સાક્ષીઓના એ મંડળના ગોરા લોકો પાસેથી તેણે સાચો પ્રેમ અનુભવ્યો. એનાથી લાગણીવશ થઈને તે પોક મૂકીને રડી પડી.

અસમાજિક વર્તન પર જીત. પહેલી સદીમાં ઈસુના શિષ્યો બન્યા એ પહેલાં અમુક લોકો દારૂડિયા, જુલમથી પૈસા પડાવી લેનારા, ગુંડાગીરી કરનારા અને ગાળો બોલનારા હતા. પણ ઈશ્વરની મદદથી તેઓએ એવા ખરાબ વલણ પર જીત મેળવી. તેઓ પ્રેમાળ, દયાળુ અને ભલુ કરનારા બન્યા. (૧ કોરીંથી ૫:૧૧; ૬:૯-૧૧; ગલાતી ૫:૨૨) એ જ રીતે આજે પણ લાખો લોકોએ ઈશ્વર તરફ ફરીને પોતાના જીવનોમાં સુધારો કર્યો છે. અઝરબૈજાનમાં રહેતા ફેરૉદેનનો વિચાર કરીએ.

ફેરૉદેનનો ઉછેર અનાથ આશ્રમમાં થયો હતો. તે ત્યાં બીજા બાળકો સાથે વારંવાર મારામારી કરતો હતો. મોટો થઈ તે ખાસ પ્રકારની મારામારી શીખવતો હતો. તે કહે છે ‘હું ઘણો ઉદ્ધત, ક્રૂર અને હિંસક હતો. જમતી વખતે મારી પત્ની, ઝારા જો કોઈ નાની વસ્તુ પણ ભૂલી જાય, તો હું તેને ખૂબ મારતો. અરે, દાંત કોતરવાની નાની સળી ભૂલી જાય તોપણ. રસ્તે ચાલતા જો કોઈ મારી પત્નીને જુએ, તો હું તે વ્યક્તિને ઝૂંડી નાખતો.’

એક દિવસે ફેરૉદેનને ઈસુ વિશે કંઈક જાણવા મળ્યું. ઈસુએ ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે તેમને વધસ્તંભે ચઢાવનારા લોકોને માફ કરે. એ તેના દિલને સ્પર્શી ગયું. (લુક ૨૩:૩૪) તેણે વિચાર્યું કે ‘ઈશ્વરનો દીકરો જ આવું કરી શકે.’ ત્યાર પછી તેને ઈશ્વર વિશે વધારે જાણવાની ઇચ્છા થઈ. જ્યારે યહોવાના સાક્ષીઓએ તેને બાઇબલમાંથી શીખવાનું આમંત્રણ આપ્યું, ત્યારે તેણે ખુશીથી સ્વીકાર્યું. થોડા સમયમાં જ ફેરૉદેનના સ્વભાવમાં સુધારો થવા લાગ્યો. તે એટલો પ્રેમાળ બની ગયો કે એ જોઈને ઝારાએ પણ બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. આજે તેઓ બંને હળીમળીને સાચી ભક્તિનો આનંદ માણે છે.

ખરું કે, આપણે પોતામાં સુધારો કરીએ એનાથી કંઈ આખી દુનિયા બદલાઈ નહિ જાય. પણ ઈશ્વરનો જ હેતુ દરેક રીતે ન્યાયી નવી દુનિયા લાવવાનો હોય તો, તેમને કોણ રોકી શકે! આખરે તો એમ કરવાની શક્તિ તેમની જ પાસે છે. આગલા લેખની શરૂઆતમાં ૨ તીમોથી ૩:૧-૪નો ઉલ્લેખ થયો હતો. એમાં જોયું કે આપણા સમયના લોકો કેવા હશે એ વિશે બાઇબલમાં પહેલેથી જ જણાવ્યું છે. બીજી ભવિષ્યવાણીઓની જેમ આ ભવિષ્યવાણીનો એક એક શબ્દ પૂરો થયો છે. તેથી અન્યાયનો અંત લાવવાનો ઈશ્વરે જે વચન આપ્યું છે એમાં ભરોસો મૂકવામાં સમજદારી છે. ઈશ્વર ચોક્કસ એ હેતુ પૂરો કરશે. કઈ રીતે? (g12-E 05)

[પાન ૧૩ પર બોક્સ/ચિત્ર]

ન્યાય માટે હૅડીનો પોકાર

અમેરિકામાં રહેતી હૅડી યાદ કરતા કહે છે, “નાતજાતનો ભેદભાવ, યુદ્ધો, ગરીબી અને બીજા અન્યાય જોઈને હું ઘણી દુઃખી હતી. હું એ બધાનો ઉકેલ શોધતી હતી. એટલે મેં નાગરિક હક્ક ચળવળમાં ભાગ લેવાનો પ્રયત્ન કર્યો. વખત જતા રાજકારણમાં પણ જોડાઈ. પણ એનાથી કોઈ ફેરફાર થાય એવું લાગ્યું નહિ.

“હું ઇચ્છતી કે આ બધામાં મોટો ફેરફાર થવો જોઈએ. મને હતું કે હિપ્પી ચળવળ જ એ કરી શકશે. પણ એમાંય મને નિરાશા જ મળી. મને જોવા મળ્યું કે મોટા ભાગના હિપ્પીઓ સેક્સ, ડ્રગ્સ અને નાચ-ગાનમાં રચ્યાં-પચ્યાં રહેતાં. તેઓને સમાજ સુધારાની ખાસ કંઈ પડી ન હતી. એ બાબત જોઈ હું ખૂબ જ નિરાશ થઈ ગઈ. પછી હું યહોવાના સાક્ષી બહેનને મળી. તેમણે મને બાઇબલમાંથી બતાવ્યું કે ઈશ્વરનો હેતુ દુનિયામાં સુધારો લાવવાનો છે. અન્યાયને લીધે જે દુઃખ સહેવું પડે છે એને ઈશ્વર દૂર કરશે. દાખલા તરીકે, પ્રકટીકરણ ૨૧:૩, ૪માંથી બતાવ્યું કે ઈશ્વર બધાના આંસુ લૂછી નાખશે; શોક કે રૂદન કે દુઃખ કાઢી નાખશે. મને થયું કે ‘શું આ વચનો કદી પૂરાં થશે?’

“મેં જ્યારે બાઇબલમાંથી ઈશ્વરની શક્તિ અને પ્રેમ વિશે વાંચ્યું તેમ જ યહોવાના સાક્ષીઓનો પ્રેમ અનુભવ્યો, ત્યારે મારી બધી શંકા દૂર થઈ ગઈ. ઈશ્વરના એ વચનો પૂરાં થવાની હું આતુરતાથી રાહ જોઉં છું.”

[પાન ૧૨ પર ચિત્ર]

ઈશ્વરના પ્રેમને અનુસરીએ છીએ ત્યારે ભેદભાવ પર જીત મળે છે

[પાન ૧૨ પર ચિત્ર]

ફેરૉદેન પોતાની પત્ની ઝારા સાથે