મને ખરો પ્રેમ અને શાંતિ મળ્યાં!
મને ખરો પ્રેમ અને શાંતિ મળ્યાં!
એઝેદીઓ નેહેક્બેરીયાનો અનુભવ
જન્મથી જ મને કોઈનો પ્રેમ ન મળ્યો. મને સાવ તરછોડી દેવામાં આવ્યો હતો. છતાં આજે હું સાચો પ્રેમ અને શાંતિનો અનુભવ કરું છું. આવું કઈ રીતે થયું? ચાલો તમને જણાવું.
મારો જન્મ ૧૯૭૬માં એક ગરીબ ઝૂંપડામાં થયો. એ સમયે અમે પૂર્વ તિમોરના પહાડી ઇલાકામાં રહેતા હતા, જે ઇંડોનેશિયાનું એક પ્રાંત હતું. અમે દસ ભાઈ-બહેન હતા, એમાં હું આઠમો હતો. મારા માબાપમાં અમારા બધાનો ઉછેર કરવાની શક્તિ ન હતી. તેથી તેમણે મારા જોડિયા ભાઈને રાખ્યો અને મને કાકાના છોકરાને ત્યાં મોકલી આપ્યો.
મારા જન્મ પહેલાં, ડિસેમ્બર ૧૯૭૫માં ઇંડોનેશિયાએ પૂર્વ તિમોર પર ચઢાઈ કરી. એને કારણે પ્રાંતના લોકો અને ઇંડોનેશિયાના સૈનિકો વચ્ચે અંદરો અંદર લડાઈઓ ફાટી નીકળી, જે વીસ વર્ષથી વધારે ચાલી. આમ મારા બાળપણની યાદોમાં હિંસા અને પીડા જ છે. મને સારી રીતે યાદ છે કે સૈનિકોએ અમારા ગામ પર આક્રમણ કર્યુ અને જીવ બચાવવા ત્યાંથી ભાગી જવાની ફરજ પાડી. હું અને મારા કાકાનો છોકરો દૂરના પહાડી ઇલાકામાં ભાગી ગયા, જ્યાં અમારી જેમ નાસી છૂટેલા તિમોરના હજારો લોકો હતા.
જોકે દુશ્મનોને અમારા સંતાવાની જગ્યા મળી ગઈ અને જલદી જ તેઓએ અમારા પર બૉમ્બ વરસાવ્યા. એ પછી થયેલી હિંસા, મરણ અને તબાહીના કંપાવી નાખનારાં દૃશ્યો હજુ મને યાદ છે. છેવટે, અમે ગામમાં પાછા ફર્યા ત્યારે હું સખત ડરમાં જીવતો હતો. અમારા ઘણા પાડોશીઓ લાપતા થઈ ગયા હતા અથવા મારી નાખવામાં આવ્યા. મને ડર રહેતો કે હવે ક્યાંક મારો વારો ન હોય.
હું દસ વર્ષનો હતો ત્યારે મારા કાકાનો છોકરો બીમાર પડ્યો અને મરણ પામ્યો. એટલે માબાપે મને નાની સાથે રહેવા મોકલ્યો. તે વિધવા હતાં અને જીવનથી કંટાળી ગયાં હતાં. એ માટે તે મને બોજારૂપ ગણતાં, નોકરની જેમ રાખતાં. એક દિવસ હું સખત બીમાર થયો અને કામ કરવાની હાલતમાં ન હતો. એટલે નાનીએ મને ખૂબ માર્યો અને મરવા માટે છોડી દીધો. જોકે, મારા મામાનો છોકરો આવીને મને તેના કુટુંબ સાથે રહેવા લઈ ગયો.
છેક બાર વર્ષની ઉંમરે મેં સ્કૂલે જવાનું શરૂ કર્યું. થોડા જ સમયમાં મારાં ભાભી બીમાર પડ્યાં. અને મારા ભાઈ સખત હતાશ થઈ ગયા. તેમને બોજરૂપ ન બનું એ માટે હું ત્યાંથી ભાગી ગયો. પછી હું ઇંડોનેશિયાના અમુક સૈનિકો સાથે જોડાયો જેમણે જંગલમાં છાવણી નાખી હતી. હું તેઓ માટે કપડાં ધોતો, રાંધતો અને સાફ-સફાઈ કરતો. તેઓ મારી સાથે સારી રીતે વર્તતા. મને લાગતું કે તેઓને મારી જરૂર છે. પણ કેટલાંક મહિનાઓ
પછી, મારા સગાંઓએ મને શોધી કાઢ્યો. અને મને ઘરે પાછો મોકલવા માટે સૈનિકોને દબાણ કર્યું.રાજકારણમાં જોડાયો
હાઈ-સ્કૂલ પછી હું પૂર્વ તિમોરની રાજધાની ડિલીમાં રહેવા ગયો અને યુનિવર્સિટીમાં ભણવા લાગ્યો. મારા જેવાં સંજોગોમાંથી પસાર થયેલા ઘણા યુવાનો મને ત્યાં મળ્યા. અમે બધા એ નિર્ણય પર આવ્યા કે રાજકારણમાં જોડાઈને જ દેશની આઝાદી અને સમાજમાં બદલાણ લાવી શકાય. અમારું જૂથ રાજકીય પક્ષોના જુલૂસો યોજવા લાગ્યું, જે મોટા ભાગે હુલ્લડમાં ફેરવાઈ જતાં. એમાં મારા ઘણા મિત્રો ઘવાયા. અરે, અમુકે તો જીવ પણ ગુમાવ્યો.
પૂર્વ તિમોર ૨૦૦૨માં સ્વતંત્ર થયું ત્યાં સુધીમાં આખો દેશ પાયમાલ થઈ ચૂક્યો હતો. હજારો લોકો મરી ચુક્યા હતા અને લાખો લોકોને ઘરબાર છોડવાં પડ્યાં હતાં. મને આશા હતી કે પરિસ્થિતિ સુધરશે. પણ બેકારી અને ગરીબી ચારેબાજુ ફેલાતી ગઈ. તેમ જ, રાજકીય ઉથલપાથલ તો ચાલુ જ રહી.
એક નવી દિશા
એ સમયે હું અમુક સગાંઓ સાથે રહેતો હતો, ત્યાં મારો દૂરનો સગો ઑન્દ્રે પણ હતો. તે યહોવાના સાક્ષીઓ જોડે બાઇબલનો અભ્યાસ કરી રહ્યો હતો. ચુસ્ત રોમન કૅથલિક હોવાને લીધે મને જરાય પસંદ ન હતું કે મારું કોઈ સગું બીજા ધર્મનો અભ્યાસ કરે. જોકે, બાઇબલ વિશે હું જાણવા માંગતો હતો અને ક્યારેક ક્યારેક ઑન્દ્રેનું બાઇબલ વાંચતો. મેં જેટલું વાંચ્યું એનાથી મને એમાં વધારે રસ જાગ્યો.
૨૦૦૪માં ઑન્દ્રેએ મને ઈસુના સ્મરણપ્રસંગમાં આવવાની આમંત્રણ પત્રિકા આપી. મેં ત્યાં જવાનું નક્કી કર્યું. પત્રિકામાં લખેલા સમયને વાંચવામાં મેં ભૂલ કરી હોવાથી બે કલાક વહેલો પહોંચ્યો. જ્યારે યહોવાના સાક્ષીઓ આવ્યા ત્યારે એમાંના અમુક બીજા દેશના હતા. બધાએ મારી સાથે હાથ મિલાવીને મને પ્રેમભર્યો આવકાર આપ્યો. એ મારા દિલને અસર કરી ગયું. સભામાં વક્તાએ ઉલ્લેખેલી દરેક કલમ મેં નોંધી લીધી અને ઘરે આવીને કૅથલિક બાઇબલમાં તપાસી. મારે જોવું હતું કે વક્તાએ જે કહ્યું એ સાચું છે કે નહિ અને બધું જ સાચું હતું!
પછીના અઠવાડિયે હું મારા ચર્ચની સભામાં ગયો. હું અને બીજા કેટલાક સભામાં મોડેથી પહોંચ્યા. એટલે ગુસ્સે થએલા પાદરીએ અમને બહાર ધકેલી કાઢ્યા. અમે ચર્ચની બહાર ઊભા રહ્યા. સભાના અંતે પાદરીએ ત્યાં હાજર રહેલાઓને આશીર્વાદ આપતા કહ્યું, ‘ઈસુની શાંતિ તમારી બધાની સાથે હો.’ એ વખતે એક સ્ત્રી હિંમતથી બોલી ઊઠી, “આ લોકોને તમે હમણાં જ બહાર ધકેલી મૂક્યા અને શાંતિની વાત કરો છો?” પાદરીએ તેની વાત ધ્યાનમાં લીધી નહિ. ત્યાંથી નીકળ્યા પછી હું ફરી પાછો કદીયે ગયો નહિ.
એ પછી જલદી જ મેં બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો અને ઑન્દ્રે જોડે સાક્ષીઓની સભાઓમાં જવા લાગ્યો. અમારા સગાંઓને જાણ થઈ ત્યારે વિરોધ કરવા લાગ્યા. ઑન્દ્રેની નાનીએ તો ધમકી આપી: “ખબરદાર, જો તમે એ ધર્મનો અભ્યાસ કર્યો છે તો બંનેને ખાડો ખોદીને દાટી દઈશ!” જોકે એવી ધમકીઓની અમને કોઈ અસર થઈ નહિ. અમે તો ઈશ્વર વિશે વધુ શીખતા રહ્યાં.
જીવનમાં ફેરફાર
બાઇબલનો અભ્યાસ કરવાથી મને લાગવા માંડ્યું કે સાચો પ્રેમ મેં કદી જાણ્યો જ નથી. હું કઠોર અને ઉદ્ધત હતો. લોકો પર જલદી વિશ્વાસ કરતો નહિ. તોપણ સાક્ષીઓએ મારામાં ખરો રસ બતાવ્યો. હું બહુ બીમાર પડ્યો ત્યારે મારા સગાંઓએ મારી પરવા કરી નહિ. જ્યારે કે, સાક્ષીઓ મારી મુલાકાત લેતા અને મને મદદ કરતા. તેઓએ ‘કેવળ શબ્દમાં કે વાતોમાં નહિ,’ પણ ‘કાર્યોમાં સાચો પ્રેમ બતાવ્યો હતો.’—૧ યોહાન ૩:૧૮, સંપૂર્ણ બાઇબલ.
મારો લઘરવઘર દેખાવ અને કઠોર વાણી-વર્તન હોવા છતાં, સાક્ષીઓ મારા ‘સુખદુઃખમાં ભાગ લેતા’ અને ‘ભાઈઓ જેવી પ્રીતિ રાખતા.’ (૧ પીતર ૩:૮) જીવનમાં પહેલી વાર મેં પ્રેમનો અનુભવ કર્યો. હું નમ્ર બનવા લાગ્યો. ઈશ્વર અને લોકો માટેનો મારો પ્રેમ વધવા લાગ્યો. વખત જતા, મેં યહોવાને સમર્પણ કર્યું છે એ બતાવવા ડિસેમ્બર ૨૦૦૪માં પાણીનું બાપ્તિસ્મા લીધું. એ પછી ઑન્દ્રેએ પણ જલદી જ બાપ્તિસ્મા લીધું.
તકલીફોમાં આશીર્વાદો
બાપ્તિસ્મા પછી મને એવા લોકોને મદદ કરવાની સખત ઇચ્છા થઈ જેઓએ સાચો પ્રેમ અને ન્યાય અનુભવ્યો નથી. એ માટે મેં પૂરો સમય સંદેશો જણાવવાનું કામ શરૂ કર્યું. એને સાક્ષીઓ પાયોનિયરીંગ કહે છે. રાજકીય જૂલુસો અને હુલ્લડો કરતાં આશાભર્યો બાઇબલ સંદેશો લોકોને જણાવવો ઘણી તાજગી આપનારું કામ હતું. આખરે, હું લોકોને ખરી મદદ આપી રહ્યો હતો.
૨૦૦૬માં પૂર્વ તિમોરમાં રાજકીય અને કોમી હુલ્લડો ફરી ફાટી નીકળ્યાં. જૂની તકરારોને લીધે જૂથો લડવાં લાગ્યાં.
ડિલી શહેર ઘેરવામાં આવ્યું. એ દેશની પૂર્વથી આવી વસેલા લોકો જીવ બચાવવા ડિલીમાંથી નાઠા. બીજા સાક્ષીઓની સાથે હું પણ જીવ બચાવી બકાઉ આવ્યો, જે ડિલી શહેરની પૂર્વ દિશાએ ૧૨૦ કિલો મીટરના અંતરે આવેલું છે. આ મુશ્કેલ સંજોગો પણ અમારી માટે આશીર્વાદમાં ફેરવાઈ ગયા. અમે ડિલીની બહાર પહેલું મંડળ શરૂ કર્યું.ત્રણ વર્ષ પછી ૨૦૦૯માં ખાસ સ્કૂલમાં જવાનું મને આમંત્રણ મળ્યું. આ સ્કૂલ પૂરો સમય સંદેશો જણાવવાનું કામ કરતા ભાઈબહેનો માટે હોય છે. એ માટે હું ઇંડોનેશિયાના જાકાર્તા શહેરમાં ગયો. ત્યાંના સાક્ષીઓએ મને તેમની સાથે રાખ્યો અને ખૂબ પ્રેમ બતાવ્યો. તેઓનો સાચો પ્રેમ મારા દિલને અસર કરી ગયો. હું જોઈ શક્યો કે દુનિયા ફરતેના “સાથી વિશ્વાસીઓ”ના કુટુંબનો ભાગ છું, જે ખરેખર મારી કાળજી રાખે છે.—૧ પીતર ૨:૧૭, કોમન લેંગ્વેજ.
પ્રેમ અને શાંતિ મળ્યાં!
સ્કૂલ પછી હું બકાઉ પાછો ફર્યો, જ્યાં હું હજુય રહું છું. જેમ બીજાઓએ મને ઈશ્વરને ઓળખવામાં મદદ કરી હતી, તેમ હવે હું ખુશી ખુશી લોકોને મદદ કરું છું. દાખલા તરીકે, બકાઉથી દૂર એક ગામમાં હું અને બીજા સાક્ષીઓ લગભગ ૨૦ લોકો સાથે બાઇબલ અભ્યાસ કરીએ છીએ. એમાં ઘરડા લોકો પણ છે જેઓને લખતાં કે વાંચતાં નથી આવડતું. તેઓ બધા દર અઠવાડિયે સભામાં નિયમિત રીતે આવે છે. એમાંના ત્રણ બાપ્તિસ્મા લઈને ખ્રિસ્તી મંડળનો ભાગ બન્યા છે.
અમુક સમય પહેલાં, નમ્ર અને મળતાવડી ફૅલીઝર્દાને હું મળ્યો. તેણે બાઇબલનો અભ્યાસ સ્વીકારી ઘણી ઝડપથી પ્રગતિ કરીને બાપ્તિસ્મા લીધું. અમે ૨૦૧૧માં લગ્ન કર્યું. ઑન્દ્રે પણ પૂર્વ તિમોરની યહોવાના સાક્ષીઓની ઑફિસમાં સેવા આપે છે, એનાથી હું ખુશ છું. મારા મોટા ભાગના સગાંઓ મારા વિશ્વાસને માન આપે છે. અરે, ઑન્દ્રેની નાની જેણે અમને ધમકી આપી હતી તે પણ માન આપે છે.
પહેલાં હું બહુ ગુસ્સાવાળો હતો અને મને કોઈનો પ્રેમ મળ્યો ન હતો. પણ યહોવાનો આભાર કે આખરે મને સાચો પ્રેમ અને શાંતિ મળ્યાં. (g12-E 06)
[પાન ૧૮ પર ચિત્ર]
એઝેદીઓ રાજકીય કાર્યકર્તા તરીકે
[પાન ૨૦ પર ચિત્ર]
એઝેદીઓ, પત્ની ફૅલીઝર્દા અને પૂર્વ તિમોરના બકાઉ મંડળના ભાઈ-બહેનો સાથે