શું અમે ફક્ત મિત્રો છીએ કે હું તેના તરફ આકર્ષાઉં છું? ભાગ ૧
યુવાનો પૂછે છે
શું અમે ફક્ત મિત્રો છીએ કે હું તેના તરફ આકર્ષાઉં છું? ભાગ ૧
ઉપરનો પ્રશ્ન વાંચીને શું તમને કોઈ ખાસ વ્યક્તિ યાદ આવે છે?
હા ના
↓ ↓
આ લેખ જરૂર વાંચો. તોપણ આ લેખ વાંચવા જેવો છે.
એનાથી તમે સમજી શકશો
કે કઈ રીતે છોકરા-છોકરીઓ
એકબીજા સાથે
યોગ્ય દોસ્તી નિભાવી શકે
અને મનદુઃખ ટાળી શકે.
નીચેનું વાક્ય ખરું છે કે ખોટું:
જો છોકરા-છોકરીઓ એકબીજા સાથે પરણવા ચાહતા ન હોય, તો તેઓએ દોસ્તી ન બાંધવી જોઈએ.
___ ખરું ___ ખોટું
વિચારવા જેવું: ઈસુ ક્યારેય લગ્ન કરવાના ન હતા. તોપણ તેમના મિત્રોમાં સ્ત્રીઓ હતી. (માથ્થી ૧૨:૪૬-૫૦; લુક ૮:૧-૩) પાઊલે કુંવારા તીમોથીને સલાહ આપી હતી કે ‘જેમ બહેનોને તેમ જુવાન સ્ત્રીઓની સાથે પૂર્ણ પવિત્રતાથી’ વર્તાવ કર. (૧ તીમોથી ૫:૧, ૨) એ બતાવે છે કે તીમોથીના મિત્રોમાં પણ સ્ત્રીઓ હતી.
પાઊલ જાણતા હતા કે જ્યારે તીમોથી જુદા જુદા મંડળોમાં સેવા આપશે, ત્યારે તે ઘણી યુવાન સ્ત્રીઓ સાથે હળશે-મળશે. (માર્ક ૧૦:૨૯, ૩૦) તો શું તીમોથીનું સ્ત્રીઓ સાથે હળવું-મળવું ખોટું હતું? ના. પણ હજી તીમોથી લગ્ન કરવા માંગતા ન હતા. એટલે કેટલું હળવું-મળવું એ તેમણે નક્કી કરવાનું હતું. આમ કરવાથી તેમને કોઈકની માટે પ્રેમની લાગણી નહિ થાય. તેમ જ, તે કોઈ સ્ત્રીની લાગણીઓની સાથે રમે નહીં અને તેને દુઃખ ન પહોંચાડે.—લુક ૬:૩૧.
તમારા વિશે શું? શું તમે લગ્નની જવાબદારી ઉપાડવા તૈયાર છો?
જો હા, ⇨ તો યોગ્ય લગ્નસાથી પસંદ કરવા તમને સારા મિત્રોમાંથી મદદ મળી શકે.—નીતિવચનો ૧૮:૨૨; ૩૧:૧૦.
જો ના, ⇨ તો હળવા-મળવામાં હદ બાંધો. (યિર્મેયા ૧૭:૯) શું એ કહેવું સહેલું અને કરવું અઘરું છે? હા, ૧૮ વર્ષની નીયા * કહે છે: “રોમૅન્ટિક લાગણી જગાડ્યા વગર કોઈ છોકરા સાથે ફક્ત મિત્ર બની રહેવું અઘરું છે. કેટલું હળવું-મળવું એ નક્કી કરવું સહેલું નથી.”
હળવા-મળવાની હદ કેમ નક્કી કરવી જોઈએ? એમ નહિ કરો તો, પોતાને અથવા બીજાને દુઃખી કરશો. કઈ રીતે?
હકીકત: લગ્નની જવાબદારી ઉપાડવા માંગતા ન હો અને તોય કોઈની જોડે લાગણીઓ બાંધો તો, મનદુઃખ થઈ શકે. ૧૯ વર્ષની કૅલી કહે છે: “આવું મારી સાથે બે વાર બન્યું. પહેલી વાર મને એક છોકરા પ્રત્યે લાગણી થઈ અને બીજા કિસ્સામાં છોકરાને મારા માટે થઈ. બંને કિસ્સામાં કોઈકને તો દુઃખ પહોંચ્યું. અરે, લાગણીઓના એ ઘા હજી રુઝાયા નથી.”
આના વિશે વિચાર કરો:
● તમે જે જગ્યાએ, જે સમયે હળો-મળો છો શું એ યોગ્ય છે? કેવી બાબતો તમારે ટાળવી જોઈએ?
● કોઈ એક વ્યક્તિ સાથે વધારે સમય પસાર કરવાનું કેમ ટાળવું જોઈએ? સામેની વ્યક્તિ શું વિચારી લેશે? તમે તેની માટે કેવું વિચારવા લાગશો?
ત્રેવીસ વર્ષની ડૅનિસી કહે છે: “તે મારા ભાઈ જેવો છે અને અમે ફક્ત મિત્રો છીએ એવું કહીને ઘણી વાર હું પોતાને છેતરતી. પણ તે જ્યારે બીજી છોકરીઓ સાથે સમય પસાર કરે ત્યારે મને ઈર્ષા થાય છે. મને લાગે છે કે તેણે મારી સાથે જ સમય પસાર કરવો જોઈએ.”
બાઇબલ કહે છે: “સમજુ માણસ સામે આવતા અવરોધો જોઇને સાવધ બને છે; જ્યારે મૂર્ખ આંખો મીંચીને આગળ ધસે છે અને પરિણામ ભોગવે છે.” —નીતિવચનો ૨૨:૩, IBSI.
હકીકત: લગ્નની જવાબદારી ઉપાડવા માંગતા ન હો અને તોય કોઈની જોડે લાગણીઓ બાંધો તો, સારો મિત્ર ગુમાવશો. ૧૬ વર્ષની કૅટી કહે છે, “મારો મિત્ર અને હું એકબીજાને એસએમએસ કરતા હતા. થોડા જ સમયમાં તે મારી સાથે ફલર્ટ કરવા લાગ્યો અને અમે દરરોજ એસએમએસ કરવા લાગ્યા. એક દિવસે તેણે મને કહ્યું કે, ‘તું મને બહુ પસંદ છે અને તારા દિલની વધારે નજીક આવવા માંગું છું.’ પણ મને એવી કોઈ લાગણી નથી, એ મેં તેને સાફ જણાવી દીધું. એ પછી ભાગ્યે જ અમે વાત કરીએ છીએ. અમારી દોસ્તી તૂટી ગઈ છે.”
આના વિશે વિચાર કરો:
● કૅટીના કિસ્સામાં કોને અને કેમ દુઃખ પહોંચ્યું? આવું ખરાબ પરિણામ શું કૅટી કે તેનો મિત્ર ટાળી શક્યા હોત? જો હા, તો કઈ રીતે?
● એસએમએસ કરતી વખતે એવી કઈ બાબતો છે જેનાથી સામેની વ્યક્તિને ખોટો ઇશારો મળી શકે?
સોળ વર્ષની લૉરા કહે છે: “છોકરાઓ સારા મિત્રો હોય શકે. હું તેઓની સારી મિત્રતાને ગુમાવવા નથી માગતી, એટલે લાગણીઓને કાબૂમાં રાખવા અમુક વાર પોતાને રોકુ છું.”
બાઇબલ કહે છે: “બુદ્ધિમાન માણસ જોઈ વિચારીને આગળ વધે છે.”—નીતિવચનો ૧૪:૧૫, IBSI.
મહત્ત્વનો વિચાર: છોકરો-છોકરી હળે-મળે એ ખોટું નથી. પણ જો લગ્નની જવાબદારી ઉપાડવા તૈયાર ન હોય, તો તેમણે હળવા મળવાની હદ નક્કી કરવી જોઈએ.
હવે પછીના “યુવાનો પૂછે છે” લેખમાં . . .
લગ્નની જવાબદારી ઉપાડવા તૈયાર ન હો તોય કોઈની સાથે લાગણીઓ બાંધવાથી બદનામી થઈ શકે. કઈ રીતે? એ વિશે આગળ વાંચો. (g12-E 06)
“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.pr418.com/gu
[ફુટનોટ]
^ અમુક નામ બદલ્યાં છે.
[પાન ૨૨ પર બોક્સ/ચિત્ર]
તમે શું કરશો?
સાચો બનાવ: “મારો એક ફ્રેન્ડ હતો. તે આશરે ૧૫૦૦ કિ.મી. દૂર રહે છે. અમે અઠવાડિયામાં લગભગ એક વાર એસએમએસ કરતા. મને તેના માટે કોઈ રોમૅન્ટિક લાગણી ન હતી. અને એવું લાગતું કે તે પણ મને ફક્ત મિત્ર માને છે. પણ એક દિવસ તેણે મૅસેજમાં લખ્યું ‘હાય, સ્વીટ હાર્ટ! આઈ મિસ યુ. બીજું શું ચાલે છે?’ હું તો ચોંકી ગઈ! મેં તેને જણાવ્યું કે ‘હું તને એક મિત્ર જ ગણું છું અને મને તારા માટે એવી કોઈ લાગણી નથી.’ તેણે લખ્યું ‘કઈ વાંધો નહીં ત્યારે.’ એ પછી તેણે ક્યારેય મૅસેજ કર્યો નહીં.”—જેનેટ.
● તમે લગ્ન કરવાના સંજોગોમાં ન હો કે લગ્ન કરવા ચાહતા નથી અને તમને જેનેટના જેવો મૅસેજ મળે તો શું કરશો?
● એક છોકરા તરીકે શું તમને લાગે છે કે જેનેટને મળેલો મૅસેજ યોગ્ય છે? તમે કેમ એવું વિચારો છો?
● મોઢા-મોઢ વાતચીત કરવા કરતાં શું એસએમએસથી લાગણીઓ ગાઢ થાય છે? તમને શું લાગે છે? તમે કેમ એવું વિચારો છો?
[પાન ૨૩ પર બોક્સ]
તમારા માબાપને પૂછો
આ લેખમાં ‘વિચાર કરવા’ માટે આપેલા પ્રશ્નોની માબાપ સાથે ચર્ચા કરો. શું તેઓના વિચારો તમારાથી જુદા છે? એનું શું કારણ છે? તેઓના વિચારોમાં તમે કઈ સારી બાબતો જોઈ શકો છો?—નીતિવચનો ૧૧:૧૪.
[પાન ૨૩ પર બોક્સ/ચિત્રો]
બીજા યુવાનો શું કહે છે?
જોશુઆ—જો તમે કોઈ એક જ વ્યક્તિ સાથે વધારે સમય પસાર કરો, તો તેના માટે રોમૅન્ટિક લાગણી જાગશે.
નતાશા—તમે કોઈકની સાથે ફક્ત દોસ્ત તરીકે રહેવા માંગો છો. પણ જો તેની સાથે વધારે સમય પસાર કરો, તો કોઈ એકમાં કે બંનેમાં રોમૅન્ટિક લાગણી જાગશે.
કૅલ્સી—જો છોકરો-છોકરી એકબીજાને મિત્ર બનાવે, પણ તેઓ વધારે સમય સાથે પસાર કરે તો રોમૅન્ટિક લાગણી જાગે એ સહેલું છે. જોકે, હંમેશાં મિત્ર તરીકે રહેવું અશક્ય નથી. એ માટે સમજદારી અને સારા નિર્ણય લેવાની જરૂર પડે.
[પાન ૨૨ પર ચિત્ર]
લગ્નની જવાબદારી ઉપાડવા તૈયાર ન હો તોય કોઈની સાથે લાગણીઓ બાંધવાથી મનદુઃખ થઈ શકે