શું અમે ફક્ત મિત્રો છીએ કે હું તેના તરફ આકર્ષાઉં છું? ભાગ ૨
યુવાનો પૂછે છે
શું અમે ફક્ત મિત્રો છીએ કે હું તેના તરફ આકર્ષાઉં છું? ભાગ ૨
આગલા લેખમાં આપણે બે હકીકતો જોઈ ગયા.
● લગ્નની જવાબદારી ઉપાડવા માંગતા ન હો અને તોય કોઈની જોડે લાગણીઓ બાંધો તો, મન દુઃખ થઈ શકે.—નીતિવચનો ૬:૨૭.
● લગ્નની જવાબદારી ઉપાડવા માંગતા ન હો અને તોય કોઈની જોડે લાગણીઓ બાંધો તો, સારો મિત્ર ગુમાવશો.—નીતિવચનો ૧૮:૨૪.
આ લેખમાં આપણે ચર્ચા કરીશું.
● કોઈની સાથે રોમૅન્ટિક લાગણીઓ બાંધવા વિશેની ત્રીજી હકીકત
● કેવી રીતે પારખી શકીએ કે દોસ્ત માટે રોમૅન્ટિક લાગણી જાગી રહી છે
હકીકત: લગ્નની જવાબદારી ઉપાડવા માંગતા ન હો તોય કોઈની સાથે રોમૅન્ટિક લાગણીઓ બાંધવાથી નામ બદનામ થઈ શકે. મીઆ * કહે છે: “મેં એવા છોકરાઓ જોયા છે જે ઘણી છોકરીઓ સાથે દોસ્તી રાખે છે. મોટા ભાગે તેઓ ‘લફરાબાજ’ હોય છે. છોકરીઓને લાગે છે કે છોકરો તેને ખરેખર પસંદ કરે છે. હકીકતમાં તો છોકરાઓને એ જ જોઈતું હોય છે કે છોકરીઓ તેમની આસપાસ ફરતી રહે.”
આના વિશે વિચાર કરો:
● બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ રાખવાથી તમારું નામ કઈ રીતે બદનામ થઈ શકે?
એકવીસ વર્ષની લારા કહે છે: “છોકરાઓને એસએમએસ કરવું ફાંદો બની શકે. શરૂઆતમાં તમે કદાચ કોઈને એકાદ એસએમએસ મોકલો. પણ ધીમે ધીમે તમે ઘણાઓને મોકલતા થઈ જાઓ છો. તમને ખ્યાલ પણ નહિ રહે કે તમે ત્રણેક છોકરાઓ સાથે ડેટિંગ કરી રહ્યાં છો. દરેકને લાગે કે પોતે ‘ખાસ વ્યક્તિ’ છે, જેની તમે વધારે નજીક જઈ રહ્યાં છો. પણ સચ્ચાઈ સામે આવે છે ત્યારે તેઓને દુઃખ પહોંચે છે. પરિણામે, તમને લફરાબાજ ગણવામાં આવે છે.”
બાઇબલ કહે છે: ‘યુવાન પોતાના આચરણથી ઓળખાય છે કે, તેનું કામ શુદ્ધ અને સારું છે કે નહિ.’—નીતિવચનો ૨૦:૧૧.
મહત્ત્વનો વિચાર: છોકરો-છોકરી હળે-મળે એ ખોટું નથી. પણ જો હળવા મળવાની હદ નક્કી ન કરે, તો દુઃખ પહોંચી શકે, દોસ્તી તૂટી શકે અને બદનામી થઈ શકે.
કેવી રીતે પારખી શકો કે રોમૅન્ટિક લાગણી જાગી રહી છે? એ જાણવા આ સવાલ પર વિચાર કરો, ‘શું એ મિત્રને હું મનની બધી જ વાતો કરું છું?’ ૧૭ વર્ષની એરીન કહે છે: ‘જો તમે કોઈ છોકરાને ફક્ત મિત્ર માનતા હો, તો આખા દિવસની વાત કરવા કે કોઈ ખાસ ખબર આપવા તમે તેને જ પહેલા નહિ શોધો. તમે દિલાસો મેળવવા ફક્ત તેની તરફ નહિ વળો.’
આના વિશે વિચાર કરો:
● બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને મનની બધી વાતો કહેવી કેમ ગમતી હોય છે? એમાં કેવાં જોખમો રહેલાં છે?
બાવીસ વર્ષની રિયાન કહે છે: “મારા ફ્રેન્ડ સર્કલમાં અમુક છોકરાઓ છે, પણ તેઓ મારા ખાસ મિત્રો નથી. હું બહેનપણીઓ સાથે ફોન પર કલાકો વાત કરું, પણ તેઓ સાથે નહિ. અને કેટલીક એવી વાતો છે જે હું ક્યારેય છોકરાઓને નહિ કહું.”
બાઇબલ કહે છે: ‘મોં સંભાળીને બોલ. જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે.’—નીતિવચનો ૧૩:૩, ઈઝી-ટુ-રીડ વર્ઝન.
વિચાર કરો: બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને મનની બધી વાતો કહેવામાં શું કોઈ જોખમ છે? સમય જતા કદાચ તમારી દોસ્તી તૂટી જાય તો? શું એ ખાનગી વાતો કહેવાનો તમને અફસોસ થશે?
સોળ વર્ષની ઍલેક્સી કહે છે: “એવું ન વિચારશો કે છોકરાઓને મિત્ર ન બનાવવા જોઈએ. પણ જો કોઈની માટે લાગણીઓ વધી રહી હોય, તો મનને મનાવવા એમ ન કહો કે ‘તે ફક્ત મિત્ર છે.’ એ લાગણીઓને વધતી રોકો. આમ પોતાને કે બીજાને દુઃખી નહિ કરો.” (g12-E 07)
“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.pr418.com/gu
[ફુટનોટ]
^ અમુક નામ બદલ્યાં છે.
[પાન ૨૫ પર બોક્સ]
સાચો બનાવ: ૧૯ વર્ષની એલેના કહે છે: “મારો એક દોસ્ત હતો અને અમારા વચ્ચે સારું બનતું. પણ પછી મને લાગ્યું કે અમે લાંબી અને અંગત વાતો કરવા લાગ્યા છીએ. તે મનની દરેક વાત મને કહેતો એટલે અમે ધીરે ધીરે નજીક આવતા ગયા. એક દિવસે તેણે ઈમેઈલ કર્યો કે તેને હું બહુ પસંદ છું. હું શું કહું એ મને સૂઝ્યું નહિ. અમુક હદે મને ગમ્યું કેમ કે, હું તેના માટે ખાસ હતી. જોકે મને ચિંતા થઈ કે તેના મનની એ વાત જાણ્યા પછી અમે ‘ફક્ત મિત્રો’ નહિ રહી શકીએ. હું જાણતી હતી કે, અમે પ્રેમમાં પડવા માટે હજી નાના છીએ એ વાત કહું તો તેને દુઃખ થશે. મેં મમ્મી-પપ્પાને બધી વાત કરી. તેમણે મને સમજાવ્યું કે અમે બહુ હળીએ મળીએ નહિ એ ખૂબ જરૂરી છે. એ અનુભવથી હું સમજી ગઈ કે સાદી વાતચીત કઈ રીતે મોટું રૂપ લઈ શકે છે. એ પછી મેં છોકરાઓ સાથે હળવા-મળવાનું ઓછું કરી દીધું. ખાસ કરીને એસએમએસ કરતા હું ખૂબ ધ્યાન રાખું છું. છોકરાઓને એકલામાં મળવાનું ટાળું છું. આમ કરવાથી વાતો અંગત થતી નથી અને લાગણીઓ ગાઢ થતી નથી.”
[પાન ૨૬ પર બોક્સ]
તમારા માબાપને પૂછો
આ લેખમાં ‘વિચાર કરવા’ માટે આપેલા પ્રશ્નોની માબાપ સાથે ચર્ચા કરો. શું તેઓના વિચારો તમારાથી જુદા છે? એનું શું કારણ છે? તેઓના વિચારોમાં તમે કઈ સારી બાબતો જોઈ શકો છો?—નીતિવચનો ૧:૮.
[પાન ૨૬ પર બોક્સ/ચિત્રો]
બીજા યુવાનો શું કહે છે?
આન્દ્રે—કોઈ છોકરી સાથે વધુ સમય પસાર કરવાથી તેની માટે રોમૅન્ટિક લાગણી થવી સહેલી છે. છોકરી પણ સમજવા લાગશે કે તમે તેને પસંદ કરો છો. એટલે જો તમારા સંજોગો લગ્ન માટે પરવાનગી ન આપે, તો તમે એ દિશામાં વિચારો છો એવો ઇશારો પણ ન કરશો.
કસૅડી—હું ખૂબ મળતાવડી છું. મારો ઉછેર છોકરાઓ વચ્ચે થયો હોવાથી તેઓ સાથે જલદી હળી મળી જાઉં છું. જોકે એ હંમેશાં સારું ન કહેવાય. બહેનપણી સાથે જે રીતે વર્તું એ રીતે છોકરાઓ સાથે વર્તવું સારું નથી. એનાથી ગેરસમજ ઊભી થઈ શકે. તેથી હું બીજા છોકરાઓ સાથે ભાઈની જેમ વર્તું છું.
[પાન ૨૭ પર બોક્સ]
માબાપ માટે સૂચના
યુવાનો યોગ્ય રીતે હળે-મળે એમાં કંઈ ખોટું નથી. પણ જેઓ હજી લગ્નની જવાબદારી ઉપાડવા તૈયાર નથી તેઓએ હળવા-મળવાની હદ નક્કી કરવી જોઈએ. * તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે એકબીજા સાથેની દોસ્તી રોમૅન્ટિક લાગણીમાં ન બદલાય જાય.
લગ્નની જવાબદારી ઉપાડવા તૈયાર ન હોય તોય રોમૅન્ટિક લાગણીઓ બાંધવાથી કેવા પરિણામ આવી શકે? શરૂઆતની મઝા જલદી જ નિરાશામાં બદલાઈ જાય છે. એ જાણે પૈડાં વગરની કારમાં બેસવા જેવું છે. વહેલાં-મોડા, બંનેને ખબર પડે છે કે તેઓ ક્યાંય આગળ વધી શકશે નહિ. અમુક લોકો છૂપી રીતે ડેટીંગ કરવાનું શરૂ કરે છે, જેમાં છેતરપિંડી, જૂઠાણા જેવા જોખમો વધારે હોય છે. બીજા લોકો ‘બ્રેક-અપ’ કરી નાખે છે, જેનાથી બંનેના દિલને દુઃખ પહોંચે છે. અરે, પોતે છેતરાયા છે એ લાગણી તેઓને નિરાશામાં નાખી દે છે. આવા રોમાન્સના ફાંદાથી બચવામાં તમે તમારા યુવાનોને કઈ રીતે મદદ કરી શકો?—સભાશિક્ષક ૧૧:૧૦.
તમારા બાળકો પોતાના બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ વિશે તમારી સાથે અચકાયા વગર વાત કરી શકતા હોવા જોઈએ. આમ તમે તેઓ વિશે બધું જાણતા હશો અને તેમની દોસ્તી રોમૅન્ટિક સંબંધોમાં બદલાય એ પહેલાં તમે મદદ કરી શકશો.
યુવાનો પોતાના ફ્રેન્ડ સર્કલમાં કેવી દોસ્તી રાખે છે, એ વિશે વાત કરવાનું અમુક માબાપ અજાણતા ટાળે છે. ચાલો જોઈએ કે અમુક યુવાનોએ સજાગ બનો!ને શું કહ્યું છે.
કારા કહે છે: ‘હું હંમેશા ચાહતી કે મને કોઈ ગમે છે એ વાત મમ્મીને જણાવું. પણ તે વાતનું વતેસર કરશે એ વિચારીને હું અચકાતી.’
નાદીએન કહે છે: “મને કોઈ છોકરો ગમે છે એવું હું જ્યારે મમ્મીને કહું ત્યારે, તે કહેતાં ‘તારા લગ્નમાં હું આવીશ એવી આશા રાખતી નહિ.’ પરંતુ, એવું કહેવાને બદલે જો તેમણે મને પૂછ્યું હોત કે, ‘તારા મિત્ર વિશે મને વધારે કહે અને તે તને કેમ ગમે છે?’ તો કદાચ તેમનું કહેવું કરવામાં મને વધારે ખુશી થાત.”
ચાલો જોઈએ કે જે માબાપોએ ધ્યાનથી છોકરાઓની વાત સાંભળી અને માર્ગદર્શન આપ્યું તેઓના બાળકો શું કહે છે.
કૉરીના કહે છે: “જ્યારે મેં મમ્મી-પપ્પાને જણાવ્યું કે મને એક છોકરો ગમે છે ત્યારે તેઓએ શાંતિથી સાંભળ્યું. તેમણે મારી લાગણીઓને ધ્યાનમાં રાખીને સલાહ આપી. એને લીધે તેમનું કહેવું કરવું સહેલું છે. તેઓની સાથે મન ખોલીને વાત કરી શકું છું.”
લીનેટ કહે છે: “મમ્મી-પપ્પા મારી જોડે દિલ ખોલીને વાત કરે છે. તેઓ યુવાન હતા ત્યારે તેમને કોણ ગમ્યું અને તેની સાથે કેમ લગ્ન ન થઈ શક્યું, એ પણ તેઓએ જણાવ્યું છે. એટલે મને કોઈ ગમે છે એવું તેમને કહેવામાં સંકોચ થતો નથી.”
રોમૅન્ટિક લાગણીઓ જગાડતા બીજા કારણો:
એનેટ કહે છે: “હું છુપાઈને એક છોકરા સાથે ડેટિંગ કરતી. કેમ કે, તે મને ખુશ રાખતો અને મારી દરેક વાત સાંભળતો.”
ઍમી કહે છે: “એક છોકરાની સાથે મને સમય પસાર કરવો ખૂબ ગમે છે. કેમ કે, તેનું ધ્યાન હંમેશાં મારા પર હોય છે. એ જ મારી કમજોરી છે. કોઈ ધ્યાન આપે એ મને ખૂબ ગમે છે.”
કૅરન કહે છે: “હું સારી દેખાઉં છું અથવા અમુક કપડાં મારા પર સારાં લાગે છે, એવું મમ્મી પપ્પા કહેતા હોય છે. એટલે જ્યારે કોઈ છોકરો મારા એવા વખાણ કરે ત્યારે હું તેના તરફ આકર્ષાતી નથી.”
આના પર વિચાર કરો:
દીકરો કે દીકરી મારી સાથે દિલ ખોલીને વાત કરે એ માટે હું શું કરી શકું?—ફિલિપી ૪:૫.
શું હું બાળકોનું ‘ધ્યાનથી સાંભળું છું અને ઓછું બોલું છું?’—યાકૂબ ૧:૧૯.
પ્રેમ અને વખાણ મેળવવા મારા બાળકોને બીજાઓ પર આશા ન રાખવી પડે એ માટે શું કરી શકું?—કોલોસી ૩:૨૧.
મહત્ત્વનો વિચાર: છોકરા-છોકરીઓ એકબીજા સાથે યોગ્ય દોસ્તી નિભાવી શકે અને મનદુઃખ ટાળી શકે એ માટે તેઓને મદદ કરો. એ શિક્ષણ તેઓને મોટા થયાં પછી પણ કામ આવશે.—કોલોસી ૩:૫; ૧ થેસ્સાલોનીકી ૪:૩-૬.
[ફુટનોટ]
^ આ અંકમાં “યુવાનો પૂછે છે” લેખના ભાગ ૧ અને ૨ જુઓ.
[પાન ૨૫ પર ચાર્ટ]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
મિત્ર તરીકે નક્કી કરો
આમ કરીશું આમ નહિ કરીશું
✔ એકાંતમાં નહિ મળીએ Xવધારે પડતો સમય
એકની જ સાથે નહિ ગુજારીએ
✔ એકબીજા વિશે જાણીશું Xઅંગત વાતો નહિ કહીએ
✔ વાતચીતનો આનંદ માણીશ Xકોઈની લાગણી સાથે
નહિ રમીએ
[પાન ૨૬ પર ડાયગ્રામ]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
હળવું-મળવું
ફ્લર્ટ કરવું
અડીને ઊભા રહેવું
હાથ પકડવો
કીસ કરવી