સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૧. સમજી વિચારીને ખરીદો

૧. સમજી વિચારીને ખરીદો

૧. સમજી વિચારીને ખરીદો

ભાગ્યે જ કોઈ ઘરે શાકભાજી ઉગાડતું હોય છે. એટલે ખાવા પીવાની સામગ્રીઓ આપણે બજાર કે સુપરમાર્કેટમાંથી લઈએ છીએ. સારી વસ્તુઓ ખરીદવા તમે શું ધ્યાનમાં રાખી શકો?

ક્યારે ખરીદવું એનો વિચાર કરો.

ઓસ્ટ્રેલિયાની ફુડ સેફ્ટી ઇન્ફર્મેશન કાઉન્સિલ સલાહ આપે છે, “જલદી ન બગડે એવો સામાન પહેલા ખરીદો. ફ્રીઝ અને ફ્રીઝરમાં મૂકાતી વસ્તુઓ છેલ્લે ખરીદવી જોઈએ.” તેમ જ, તમે તૈયાર ગરમ ખાવાનું ખરીદવાના હો તો, ઘરે પાછા ફરતી વખતે ખરીદો.

તાજું ખરીદો.

બની શકે એટલું તાજું ખરીદો. * નાઇજીરિયામાં રહેતી બે બાળકોની માતા, રૂથ કહે છે: “મોટા ભાગે હું બજારમાં વહેલી સવારે જઉં છું. એ સમયે તાજી વસ્તુઓ મળી રહે છે.” મેક્સિકોમાં રહેતી એલીઝાબેથ શાક માર્કેટમાંથી ખરીદી કરે છે. તે કહે છે: ‘ત્યાં હું તાજા શાકભાજી અને ફળોની પસંદગી કરી શકું છું. હું હંમેશા તાજું કપાયેલું માંસ-મચ્છી ખરીદું છું અને જે વાપરવાની ન હોઉં એને ફ્રીઝરમાં મૂકી દઉં છું.’

તપાસી જુઓ.

આવા સવાલ પર વિચાર કરો: “શું એ તાજું દેખાય છે? શું માંસ-મચ્છીમાંથી કોઈ જુદા પ્રકારની વાસ આવે છે?” જો ફુડ પૅકેટ હોય તો એ બરાબર છે એની ખાતરી કરી લો. ખુલ્લાં પૅકેટમાંથી ઘણાં ઝેરી જીવાણુઓ સામગ્રીમાં પેસી શકે છે.

હૉંગકૉંગમાં રહેતા ચૅન્ગ ફી નામના ભાઈ સુપરમાર્કેટમાંથી ખાવાનું ખરીદે છે. તે કહે છે: “ખાવાના પૅકેટની ઍકસ્પાયરી ડેટ ખાસ જોવી જોઈએ.” કેમ? નિષ્ણાતો જણાવે છે કે ભલે “ઍકસ્પાયરી ડેટ વટાવી ગયેલું” ખાવાનું દેખાવે, સૂંઘવામાં અને ખાવામાં સારું લાગે તોય એ બીમાર કરી શકે છે.

સાફ થેલી વાપરો.

જો તમે પ્લાસ્ટિકની કે કાપડની થેલી વારંવાર વાપરતા હો, તો સમયે સમયે એને સાબુ અને ગરમ પાણીથી ધુઓ. માંસ-મચ્છી માટે જુદી થેલી વાપરવી જોઈએ જેથી ખાવાની બીજી વસ્તુઓ ન બગડે.

એનરીકો અને લૉરેદાં નામનું યુગલ ઇટાલીમાં રહે છે. તેઓ નજીકના વિસ્તારોમાંથી ખરીદી કરે છે. તેઓ કહે છે કે, “એમ કરવાથી વસ્તુઓ દૂરથી લાવવી પડતી નથી અને ખાવાનું પણ બગડતું નથી.” ફ્રોઝન વસ્તુ ખરીદ્યા પછી ઘરે આવવામાં અડધા કલાકથી વધારે સમય લાગવાનો હોય તો, એને કોઈ થેલીમાં અથવા એ ઠંડી રહે એ રીતે મૂકો.

હવે પછીના લેખમાં જોઈશું કે ખાવાની વસ્તુઓને લાવ્યા પછી ઘરમાં કેવી રીતે રાખવી. (g12-E 06)

[ફુટનોટ]

^ સજાગ બનો! જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૧, પાન ૪, “પગલું ૧ સમજી-વિચારીને ખાઓ” લેખ જુઓ.

[પાન ૪ પર બોક્સ]

બાળકોને શીખવો: “હું બાળકોને શીખવું છું કે ખાવાની કોઈ પણ વસ્તુ ખરીદતાં પહેલા એની ઍકસ્પાયરી ડેટ જોઈ લે.”—રૂથ, નાઇજીરિયા