સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુટુંબ માટે મદદ | લગ્‍નજીવન

માફ કઈ રીતે કરવું?

માફ કઈ રીતે કરવું?

મુશ્કેલી

તમારી અને તમારા લગ્‍નસાથી વચ્ચે બોલાચાલી થાય ત્યારે, તમે અગાઉની કોઈ મુશ્કેલી થાળે પાડી ન હોવાથી વારંવાર એના પોપડા ઉખાડો છો. મુશ્કેલી શું છે? કદાચ એક અથવા બંને જણ માફ કરવાનું જાણતા નથી.

તમે માફ કરતા શીખી શકો. પણ, પ્રથમ વિચારો કે પતિ અને પત્નીને એકબીજાને માફ કરવું કેમ અઘરું લાગે છે?

એવું શા માટે બને છે?

હુકમ જમાવવો. અમુક પતિ અને પત્ની પોતાના લગ્‍નસાથીને દાબમાં રાખવા માફ કરતા નથી. પછી, જ્યારે તકરાર ઊભી થાય ત્યારે તેઓ પહેલાંની ભૂલને હુકમના પત્તાની જેમ વાપરે છે.

ગુસ્સો. પહેલાંના ઘા રુઝાવવામાં લાંબો સમય લાગી શકે છે. કદાચ લગ્‍નસાથી કહેશે, ‘તને માફ કરું છું.’ પણ, દિલમાં ખાર ભરી રાખે છે, જેથી તક મળતા બદલો લઈ શકે.

નિરાશા. ઘણા એવું વિચારીને લગ્‍ન કરે છે કે ફિલ્મોમાં બતાવે છે એવું જ જીવન લગ્‍ન પછી હશે. પણ, મતભેદો ઊભા થાય ત્યારે પોતાનો જ કક્કો ખરો કરે છે. તેઓને થાય કે લગ્‍નસાથી કેમ તદ્દન અલગ વિચારે છે. મોટી મોટી આશા રાખવાથી વ્યક્તિ બીજાની જ ભૂલો શોધતી રહેશે અને માફ કરવા તૈયાર નહિ થાય.

ગેરસમજણ. ઘણા લગ્‍નસાથી એકબીજાને માફ કરતા નથી. કેમ કે, માફી આપવા વિશે તેઓની આવી ગેરસમજણ હોય છે:

માફ કરું તો, હું ખોટી બાબતને ચલાવી લઉં છું.

માફ કરું તો, જે થયું એ મારે ભૂલી જવું પડશે.

માફ કરું તો, ફરી વાર ખરાબ રીતે વર્તશે.

જોકે, માફ કરવામાં એ એકેય બાબતનો સમાવેશ થતો નથી. તેમ છતાં, માફ કરવું અઘરું લાગી શકે, ખાસ કરીને પતિ-પત્ની વચ્ચેના ગાઢ સંબંધમાં.

તમે શું કરી શકો?

માફ કરવાનો અર્થ સમજીએ. બાઇબલ જ્યારે ‘માફ’ કરવાનું કહે છે ત્યારે એનો અર્થ થાય ‘જતુ કરવું.’ માફ કરવાનો અર્થ હંમેશાં એ નથી થતો કે ખોટી બાબતોને ચલાવી લેવી કે ભૂલી જવી. અમુક સમયે એનો અર્થ થાય કે વાત જતી કરવી, જે તમારા અને લગ્‍નસાથીના ભલા માટે છે.

માફ ન કરવાના પરિણામ જાણીએ. લગ્‍નની સલાહ આપતા અમુક નિષ્ણાતોનું કહેવું છે કે, મનમાં ખાર ભરી રાખવાથી વ્યક્તિની તબિયત અને લાગણીઓ પર અનેક રીતે અસર થાય છે. જેમ કે, ડિપ્રેશન અને હાઈ બ્લડપ્રેશર. લગ્‍નજીવન પર પણ એની ઊંડી અસર થાય છે. એટલે જ, બાઇબલ આમ કહે છે: ‘એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ અને એકબીજાને દિલથી માફ કરો.’—એફેસી ૪:૩૨.

માફ કરવાના ફાયદા જાણીએ. માફ કરવાનું વલણ કેળવવાથી લગ્‍નસાથી પર ભરોસો વધશે અને તેની ભૂલોનો ‘હિસાબ’ રાખવાનું ટાળીશું. એમ કરવાથી વાતાવરણ હળવું બનશે, જેથી ગુસ્સો કાબૂમાં રહેશે અને બંને વચ્ચે પ્રેમ વધશે.—બાઇબલ સિદ્ધાંત: કોલોસી ૩:૧૩.

હકીકત સ્વીકારીએ. લગ્‍નસાથીની ખામીઓને હળવી રીતે સ્વીકારશો તો, તેને માફ કરવું સહેલું બનશે. લગ્‍નજીવન માટે લડત અંગ્રેજી પુસ્તક કહે છે, “જે નથી મળ્યું એના પર જ તમે ધ્યાન આપશો તો, જે મળ્યું છે એ પણ સહેલાઈથી ભૂલી જશો. તમારા લગ્‍ન થઈ ગયા હોવાથી શું તમે જીવનસાથીની ભૂલો પર જ ધ્યાન આપવા માંગો છો? કે પછી તેમના સારા ગુણો પર?” યાદ રાખો કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર.—બાઇબલ સિદ્ધાંત: યાકૂબ ૩:૨.

વાજબી બનીએ. લગ્‍નસાથી ફરી વાર એવું કંઈ કહે કે કરે જેનાથી તમને ખોટું લાગે ત્યારે, પોતાને પૂછો: ‘શું આ બાબત એટલી મહત્ત્વની છે? શું તે માફી માંગે એ જરૂરી છે? કે પછી જે બન્યું એની અવગણના કરીને ભૂલી જવું જોઈએ?’—બાઇબલ સિદ્ધાંત: ૧ પીતર ૪:૮.

જરૂર હોય તો વાત કરીએ. શાંતિથી જણાવો કે તમને શાનાથી ખોટું લાગ્યું અને તમે કેમ એવું અનુભવ્યું. લગ્‍નસાથી વિશે ખોટું ન વિચારો અથવા ખોટી જીદ ન કરો. એમ કરવાથી તમારા સાથી પોતાનો જ બચાવ કરશે. એના બદલે, શાંતિથી જણાવો કે લગ્‍નસાથીના વર્તનથી તમને કેવું લાગ્યું.