સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ શું કહે છે?

દારૂ

દારૂ

શું દારૂ પીવો ખોટું છે?

‘આપણને ખુશ કરવા માટે દ્રાક્ષદારૂ, ત્વચાને નરમ કરવા તેલ અને શરીરને ટકાવી રાખવા રોટલી છે.’​—ગીતશાસ્ત્ર ૧૦૪:૧૫, ઈઝી-ટુ-રીડ વર્ઝન.

લોકો શું કહે છે?

ઘણાં કુટુંબો જમતી વખતે દારૂ કે શરાબ પીવે છે. * વળી, બીજાં કુટુંબો દારૂને નફરત કરે છે. કેમ આટલો મોટો ફરક? એની પાછળ અનેક કારણો હોઈ શકે. જેમ કે, સંસ્કાર, તંદુરસ્તી અને ધર્મ.

બાઇબલ શું કહે છે?

વધારે પડતો શરાબ પીવાની અને એમાં મશગૂલ રહેવાની કડક મના કરે છે, પણ થોડું પીવાની મના કરતું નથી. (૧ કોરીંથી ૬:૯, ૧૦) હકીકતમાં, પ્રાચીન સમયમાં પણ ઈશ્વરભક્તો દારૂનો ઉપયોગ કરતા હતા. બાઇબલમાં લગભગ ૨૦૦ વખત દ્રાક્ષારસ કે દારૂનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (ઉત્પત્તિ ૨૭:૨૫) સભાશિક્ષક ૯:૭ કહે છે, ‘આનંદથી તારી રોટલી ખા, અને ખુશ દિલથી તારો દ્રાક્ષદારૂ પી.’ દારૂ પીવાથી દિલ ખુશ થાય છે, એટલે એ અમુક પ્રસંગોમાં જ આપવામાં આવતો. જેમ કે, લગ્‍ન પ્રસંગ. આવા એક પ્રસંગમાં ઈસુએ પ્રથમ વાર ચમત્કાર કરીને પાણીમાંથી ‘સારો દ્રાક્ષદારૂ’ બનાવ્યો. (યોહાન ૨:૧-૧૧) દ્રાક્ષદારૂનો દવા તરીકે પણ ઉપયોગ થતો.​—લુક ૧૦:૩૪; ૧ તીમોથી ૫:૨૩.

શું બાઇબલ જણાવે છે કે કેટલો પી શકાય?

‘ઘણો દ્રાક્ષદારૂ પીવો નહિ.’​—તીતસ ૨:૩.

એ જાણવું કેમ મહત્ત્વનું છે?

માબાપ અથવા એમાંથી કોઈ એક, વધારે પડતો દારૂ પીતા હોવાથી દર વર્ષે અગણિત કુટુંબોએ સહેવું પડે છે. વધુ પડતું પીવાથી ઘણી વાર ગબડી પડાય અને અનેક પ્રકારના અકસ્માત થઈ શકે. જેમ કે, રસ્તા પર થતા અકસ્માતો. દારૂ પીવાથી સમય જતાં, મગજ, હૃદય, લીવર અને પેટને નુકસાન થઈ શકે.

બાઇબલ શું કહે છે?

ઈશ્વરની આજ્ઞા છે કે ખાવા-પીવામાં સમતોલ રહીએ એ ખૂબ જરૂરી છે. (નીતિવચનો ૨૩:૨૦; ૧ તીમોથી ૩:૨, ૩, ૮) પણ હદ ઉપરાંત પીવાથી તેમની કૃપા ગુમાવી દઈશું. બાઇબલ કહે છે, ‘દ્રાક્ષદારૂ હાંસી ઊડાવનાર છે, મધનું પીણું દંગો મચાવે છે; જે કોઈ એને લીધે ખોટે માર્ગે જાય છે તે જ્ઞાની નથી.’​— નીતિવચનો ૨૦:૧, ઈઝી-ટુ-રીડ વર્ઝન.

દારૂ પીવાથી વ્યક્તિના સંસ્કાર નીચા પડી જઈ શકે. હોશીઆ ૪:૧૧ કહે છે, ‘દ્રાક્ષદારૂ ને નવો દ્રાક્ષદારૂ બુદ્ધિનું હરણ કરે છે.’ એ સત્યનો કડવો અનુભવ જૉનને થયો હતો. * તે પત્ની સાથે ઝઘડો કરીને હોટલમાં ગયો. વધારે પડતો દારૂ પીધો અને વ્યભિચાર કરી બેઠો. પછી, તેને એનો દિલથી પસ્તાવો થયો અને ફરી એવી ભૂલ નહિ કરશે એ નક્કી કર્યું. વધુ પડતું પીવાથી એની અસર તબિયત, સંસ્કાર અને ઈશ્વર સાથેના સંબંધ પર પડે છે. બાઇબલ જણાવે છે કે દારૂડિયાઓ કાયમ માટેનું જીવન પામશે નહિ.​—૧ કોરીંથી ૬:૯, ૧૦.

ક્યારે ન પીવો જોઈએ?

“ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે; પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.”​—નીતિવચનો ૨૨:૩.

એ જાણવું કેમ મહત્ત્વનું છે?

વર્લ્ડ બુક ઍન્સાઇક્લોપીડિયા જણાવે છે કે “દારૂ ખૂબ જ નશીલો પદાર્થ છે.” તેથી, અમુક સંજોગો કે સમયે થોડો દારૂ પીવાથી પણ માઠાં પરિણામ આવી શકે.

બાઇબલ શું કહે છે?

મોટા ભાગે ખોટા સમયે દારૂ પીવાથી લોકો સામે ચાલીને મુસીબતમાં પડે છે. બાઇબલ જણાવે છે કે ‘દરેક વસ્તુ માટે વખત હોય છે.’ એમાં દારૂથી દૂર રહેવાનો પણ સમાવેશ થાય છે. (સભાશિક્ષક ૩:૧) દાખલા તરીકે, કદાચ દેશના નિયમ પ્રમાણે દારૂ પીવા વ્યક્તિની ઉંમર નાની હોય. અથવા દારૂની ગુલામીમાંથી આઝાદ થવાનો પ્રયત્ન કરતી હોય કે પછી સારવાર માટેની દવા લેતી હોય. ઘણા લોકો માટે આવા સંજોગોમાં દારૂ પીવો યોગ્ય “વખત” નથી. જેમ કે, નોકરી-ધંધા પર જતા પહેલાં અને કામ પર હોય ત્યારે. ખાસ કરીને જોખમકારક મશીન વાપરતા હોય ત્યારે દારૂ પીવાનું ટાળવું જોઈએ. હકીકતમાં, સમજદાર લોકો જીવન અને તંદુરસ્તીને ઈશ્વર તરફથી અમૂલ્ય ભેટ ગણે છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯) બાઇબલના સિદ્ધાંતોને આધારે દારૂ પ્રત્યે યોગ્ય વલણ કેળવવાથી આપણે એ ભેટોની કદર બતાવીએ છીએ.

^ આ લેખમાં “શરાબ” કે “દારૂ” એ આલ્કોહોલવાળા કોઈ પણ પીણાંને રજૂ કરે છે. જેમ કે બીયર, વાઈન અને વ્હીસ્કી. ધ્યાન આપો, અમુક જગ્યાએ દારૂ પીવા પર સરકારનો પ્રતિબંધ હોય છે. ઈશ્વરભક્તો આવા નિયમોને માન આપીને પાળશે.

^ નામ બદલ્યું છે.