સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ શું કહે છે?

ડિપ્રેશન

ડિપ્રેશન

ડિપ્રેશન એટલે શું?

“હું લથડી ગયો છું, હું ઘણો વાંકો વળી ગયો છું; હું આખો દિવસ શોક કર્યા કરું છું.”—ગીતશાસ્ત્ર ૩૮:૬.

સંશોધકો શું કહે છે?

દરેક જણ કોઈને કોઈ વાર તો નિરાશ થાય છે. પણ ડિપ્રેશનની બીમારી કમજોર બનાવી દેતી એવી તકલીફ છે, જે ચાલુ ને ચાલુ રહે છે અને વ્યક્તિના રોજ-બ-રોજના જીવનમાં ઘણી નડતર ઊભી કરે છે. નોંધ લેવા જેવું છે કે “સામાન્ય” નિરાશા અને નિરાશાની “બીમારી” કોને કહેવાય, એ વિશે બધા નિષ્ણાતો સહમત નથી થતા. જોકે, એમ કહેવું તો બરાબર છે કે અમુક લોકોને વધારે પડતી નિરાશાની લાગણીઓ થાય છે, જેમાં અમુક વાર એવું પણ લાગે કે પોતે સાવ નકામા છે અને બેહદ દોષની લાગણી થાય છે.

બાઇબલ શું કહે છે?

બાઇબલ એવા ઘણા સ્ત્રી-પુરુષો વિશે જણાવે છે, જેઓએ નિરાશાની લાગણીઓ અનુભવી હતી. દાખલા તરીકે, હાન્નાનું “દિલ બહુ દુખાતું હતું.” આ શબ્દોનો અર્થ થાય કે તે “બહુ દુઃખી” હતી અને તેનું મન કડવાશથી ભરાઈ ગયું હતું. (૧ શમૂએલ ૧:૧૦) એક વખત પ્રબોધક એલીયા એટલી નિરાશામાં ડૂબી ગયા કે તેમણે પ્રાર્થનામાં ઈશ્વર પાસે મોત માંગ્યું!—૧ રાજાઓ ૧૯:૪.

પહેલી સદીના ખ્રિસ્તીઓને કહેવામાં આવ્યું હતું કે નિરાશામાં ડૂબી ગયેલા હોય, તેઓને “ઉત્તેજન આપો.” (૧ થેસ્સાલોનીકી ૫:૧૪) એક પુસ્તક પ્રમાણે ડિપ્રેશ લોકો એવા લોકોને કહી શકાય જેઓ “થોડા સમય માટે જીવનનાં દબાણોમાં જાણે ડૂબી ગયા છે.” અરે, બાઇબલના સમયના અમુક ઈશ્વરભક્તો પણ કોઈક વાર ડિપ્રેશ થઈ જતા હતા.

ડિપ્રેશન થાય તો એમાં શું પોતાનો વાંક કહેવાય?

“આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.”રોમનો ૮:૨૨.

બાઇબલ શું કહે છે?

બાઇબલ શીખવે છે કે પ્રથમ યુગલે ઈશ્વર સામે બળવો કર્યો હોવાથી બીમારી આવી છે. દાખલા તરીકે, ગીતશાસ્ત્ર ૫૧:૫ જણાવે છે: “હું અન્યાયીપણામાં જન્મ્યો, અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો.” રોમનો ૫:૧૨ સમજાવે છે કે “એક માણસથી [પ્રથમ માણસ, આદમથી] જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ; અને સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.” આદમ પાસેથી આપણને વારસામાં પાપ અને મરણ મળ્યું હોવાથી, આપણે દરેક શારીરિક અને માનસિક રીતે બીમાર થઈએ છીએ. બાઇબલ કહે છે કે એ કારણથી “આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.” (રોમનો ૮:૨૨) જોકે, બાઇબલ એવી આશા આપે છે જે કોઈ ડૉક્ટર આપી ન શકે: ઈશ્વર શાંતિભરી નવી દુનિયા લાવવાનું વચન આપે છે, જેમાં સર્વ દુઃખ-દર્દ અને ડિપ્રેશન જેવી બીમારીઓ કાયમ માટે કાઢી નાખવામાં આવશે!—પ્રકટીકરણ ૨૧:૪.

ડિપ્રેશન સહેવા શું મદદ કરી શકે?

‘આશાભંગ થએલાઓની પાસે યહોવા છે, અને નમ્ર લોકોને તે બચાવે છે.’—ગીતશાસ્ત્ર ૩૪:૧૮.

એ જાણવું કેમ મહત્ત્વનું છે?

તમે હંમેશાં તમારા સંજોગો પર કાબૂ રાખી શકતા નથી; અમુક વાર તમારા જીવનમાં ખરાબ સંજોગો પણ આવી પડે. (સભાશિક્ષક ૯:૧૧, ૧૨) તેમ છતાં, તમે એવાં પગલાં ભરી શકો, જેથી નિરાશ કરતી લાગણી તમારા જીવન પર કાબૂ ન મેળવે.

બાઇબલ શું કહે છે?

બાઇબલ સ્વીકારે છે કે બીમાર લોકોને ડૉક્ટરની જરૂર હોય છે. (લુક ૫:૩૧) તેથી, કમજોર બનાવી દેતી બીમારીના તમે શિકાર બન્યા હો તો, ડૉક્ટરની મદદ લેવામાં કંઈ ખોટું નથી. પ્રાર્થનાના મહત્ત્વ પર પણ બાઇબલ ભાર મૂકે છે. જેમ કે, ગીતશાસ્ત્ર ૫૫:૨૨ કહે છે: “તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.” પ્રાર્થના ફક્ત મનને મનાવવા માટે જ નથી; એનાથી યહોવા ઈશ્વર સાથે વાતચીત કરી શકાય છે અને તે ‘આશાભંગ થએલાઓ પાસે છે.’—ગીતશાસ્ત્ર ૩૪:૧૮.

તમારી લાગણીઓ જિગરી મિત્રને જણાવવાથી પણ તમને લાભ થશે. (નીતિવચનો ૧૭:૧૭) દાનીયેલા નામે યહોવાની એક સાક્ષી કહે છે: ‘મંડળના એક વડીલે મારા ડિપ્રેશન વિશે વાત કરવા મને ધીમે ધીમે મનાવી. ખરું કે ઘણાં વર્ષોથી આવી વાતચીત હું ટાળતી હતી, પણ મને જલદી જ ખબર પડી કે મારે પહેલેથી આમ કરવાની જરૂર હતી. મને નવાઈ લાગી કે વાત કર્યા પછી મને કેટલું સારું લાગતું હતું!’ (g13-E 10)