કુટુંબ માટે મદદ | બાળકોનો ઉછેર
ના કઈ રીતે કહેવું
મુશ્કેલી
કોઈ વસ્તુ માટે ના પાડી હોવા છતાં બાળક પોતાની જીદ છોડતું નથી. તમે ના પાડો ત્યારે, તેના જીદ્દી વર્તનથી તમારી ધીરજની કસોટી થાય છે. બાળકને શાંત પાડવા તમે કંઈ પણ કહેશો કે કરશો એનાથી, તેના પર કોઈ અસર નહિ થાય. તમને લાગે કે તેની માંગ પૂરી કર્યા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. આખરે, તમારી ના હામાં ફેરવાઈ જાય છે.
બાળકને કઈ રીતે ના કહેવું એ તમારે શીખવું પડશે. ચાલો, ના પાડવા વિશેના અમુક કારણો જોઈએ.
તમારે શું જાણવું જોઈએ?
ના પાડવી ખોટું નથી. અમુક માબાપ આ વાતે સહમત નથી. તેઓનું માનવું છે કે માબાપે બાળક સાથે ચર્ચા કરવી જોઈએ, તેને સમજાવવું જોઈએ અથવા જરૂર પડે તો બાંધછોડ પણ કરવી જોઈએ. પણ, ના પાડવી ન જોઈએ. કેમ કે, તેઓને ડર છે કે ના પાડવાથી બાળક ગુસ્સે થઈ જશે.
ખરું કે, “ના” પાડવાથી બાળક પહેલા તો નારાજ થઈ જશે. તેમ છતાં, એમાંથી તેને મહત્ત્વનો બોધપાઠ શીખવા મળશે કે દુનિયામાં દરેક બાબતની એક હદ હોય છે. પણ, તમે નમતું જોખશો તો, માબાપ તરીકેની તમારી જવાબદારીને નબળી પાડો છો. તેમ જ, બાળકને એવું શીખવો છો કે કોઈ વસ્તુ જોઈતી હોય તો, રડીને કરગરવાથી એ મળી જશે. સમય જતાં, બાળકને એવું કરવાની ટેવ પડી જશે અને તેને માબાપ માટે માન નહિ રહે.
ના પાડવાથી તમે બાળકને જવાબદાર બનવા તૈયાર કરો છો. એનાથી બાળક પણ ના પાડતા શીખે છે. બાળક આ મહત્ત્વનો બોધપાઠ શીખે છે તો, તરુણવયે આવતા દબાણોમાં સહેલાઈથી ફસાશે નહિ. જેમ કે, ડ્રગ્સ લેવા કે લગ્ન પહેલાં જાતીય સંબંધો બાંધવા.
તમારી ના પાડવાથી બાળકને યુવાનીમાં પણ મદદ મળે છે. ડૉ. ડેવિડ વૉલ્શ જણાવે છે: “એ સાચું છે કે, મોટા થયા પછી આપણને દર વખતે જે જોઈએ એ મળતું નથી. જ્યારે આપણે બાળકોની દરેક જીદ પૂરી કરીએ છીએ, ત્યારે તેઓને જવાબદાર બનવા મદદ કરતા નથી.” *
તમે શું કરી શકો?
ધ્યેયને વળગી રહો. તમે ચાહો છો કે તમારું બાળક કુશળ બને, લાગણીઓને કાબૂમાં રાખે અને જવાબદાર વ્યક્તિ બને. પણ, તેની બધી જીદ પૂરી કરીને તમે તમારો ધ્યેય ચૂકી જાઓ છો. બાઇબલ જણાવે છે કે, બાળકને ‘બાળપણથી જ લાડમાં ઉછેરશો’ તો, મોટું થયા પછી તે અંકુશમાં નહિ રહે. (નીતિવચનો ૨૯:૨૧) એટલે, અસરકારક શિસ્ત આપવામાં ના કહેવાનો પણ સમાવેશ થાય છે. આવી તાલીમથી બાળકને કોઈ નુકસાન નહિ પણ, મદદ મળશે.—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૧૯:૧૮.
ના પાડવામાં મક્કમ બનો. બાળક પાસે તમારા જેટલો હક્ક નથી. એટલે, તમારા નિર્ણય વિશે તેની સહમતી લેવાની કે એ વિશે દલીલ કરવાની જરૂર નથી. જોકે, બાળક મોટું થાય તેમ તેણે પોતે ‘ખરુંખોટું પારખતા’ શીખવું જોઈએ. (હિબ્રૂ ૫:૧૪) એટલે, બાળક સાથે ચર્ચા કરવી કંઈ ખોટું નથી. પણ, તમે ના કેમ કહી એ વિશે લાંબી ચર્ચા ન ચાલે એનું ધ્યાન રાખજો. તમે બાળક સાથે દલીલ કર્યા કરશો તો, તે જોઈ શકશે કે તમે ઢચુપચું છો.—બાઇબલ સિદ્ધાંત: એફેસી ૬:૧.
તમારા નિર્ણયને વળગી રહો. બાળક જીદ કર્યા કરે અથવા કરગર્યા કરે ત્યારે, તમારા નિર્ણયની કસોટી થાય છે. જો ઘરે એવું થાય, તો તમે શું કરશો? લવિંગ વિધાઉટ સ્પોઈલીંગ નામનું પુસ્તક જણાવે છે: “બાળકથી દૂર જાઓ. તેને કહો કે, ‘તારે જેટલા ધમપછાડા કરવા હોય એટલા કર પણ, મારે કંઈ સાંભળવું નથી. તારી રૂમમાં જા. પછી, જેટલું રડવું હોય એટલું રડ.’” એમ કહેવું કદાચ તમને અને એ સ્વીકારવું બાળકને અઘરું લાગી શકે. પણ, એનાથી બાળકને ખ્યાલ આવશે કે તમે તમારા નિર્ણયને વળગી રહો છો.—બાઇબલ સિદ્ધાંત: યાકૂબ ૫:૧૨.
માબાપ તરીકે ધાક જમાવવા ના પાડશો નહિ
વાજબી બનો. માબાપ તરીકે ધાક જમાવવા ના પાડશો નહિ. પરંતુ, તમારું વાજબીપણું અને “સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે.” (ફિલિપી ૪:૫) બાળકની જીદ સામે હંમેશાં નમતું ન જોખશો. પણ, તેની માંગ યોગ્ય હોય તો, તેની માંગ ખુશીથી પૂરી કરો.—બાઇબલ સિદ્ધાંત: કોલોસી ૩:૨૧. (g14-E 08)
^ ફકરો. 10 ના: કેમ બધી ઉંમરના બાળકોએ એ જાણવું જોઈએ અને માબાપ કઈ રીતે એ કહી શકે નામનું અંગ્રેજી પુસ્તક.